Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આખાબોલી વહુ

આખાબોલી વહુ

08 June, 2024 07:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રેયાને હવે લાગ્યું કે જો આજે તે બોલવાની હિંમત નહીં કરે તો ચૂપ રહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. તે તરત જ માધવીભાભીએ દબાવી રાખેલી તેની હથેળીને એકઝાટકે છોડાવીને ઊભી થઈ અને મક્કમ સ્વરે બોલી...

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


શ્રે​યા, માંડલિયા પરિવારની નાની વહુ, લગ્ન કરીને આવ્યાના છ મહિનામાં જ ‘આખાબોલી’ વહુના નામે પરિવારમાં અળખામણી બની ગઈ. જોકે તેની સ્પષ્ટ વાતો તેનાં સાસુમા અંજનાબહેન અને સસરા સુબોધભાઈને એટલા માટે પણ ખટકતી હતી કે તેમની મોટી વહુ માધવી ક્યારેય તેમને તેમની કોઈ વાતનો સામો જવાબ આપતી નહોતી કે આપી શકતી નહોતી. માધવીના આ ઘરમાં આવ્યાનાં પાંચ-પાંચ વર્ષમાં અંજનાબહેને કોઈ કારણ કે વગર કારણે, જાણતાં કે અજાણતાં તેને કંઈ પણ સાચું કે ખોટું કહ્યું હશે તો પણ તે ચૂપચાપ મૂંગે મોઢે સહન કરી લેતી હતી. માધવીભાભીની આ સાલસતા થકી શ્રેયાને તેમના પ્રત્યે ખૂબ માન તો હતું જ પણ સાસુમાના વજૂદ વગરના માનસિક અત્યાચારનો વિરોધ કરવા તેમને વારંવાર પ્રેરતી તો પણ માધવીએ ક્યારે એ હિંમત કેળવી જ નહીં. એનાથી વિપરીત શ્રેયાને ક્યારેય પણ સાસુમાની કોઈ ટકોર વિના કારણે લાગતી તો તે વિના સંકોચે તેમને જવાબ આપી દેતી. આ બાબત ઘણી વાર તેમના વચ્ચે નાના-મોટા ઘર્ષણનું કારણ બની જતી, તેથી તે તેમની નજરમાં કણાની જેમ ખટકતી અને આખા ઘરમાં અળખામણી બની ગઈ હતી. જોકે શ્રેયાએ ઘણી વાર તેના પતિ અનિકેતને સમજાવવાની કોશિશ કરી, પણ અનિકેત પોતાની મમ્મીને જુનવાણી ગણાવીને તેમનો પક્ષ લેતો. એટલે શ્રેયા પણ આ વિશે વધુ કાંઈ કરી શકે એમ નહોતી.

આજે જોકે શ્રેયાએ સવારના ઊઠતાં વેંત એવું મન બનાવી લીધું હતું કે કંઈ પણ થાય, તે તેનાં સાસુમા સાથે કોઈ પણ વાદવિવાદ નહીં જ થવા દે; ભલે પછી તેને હંમેશની મુજબ અકારણ ટોકવામાં આવે, કારણ કે આજે તેનાં લગ્નના પૂરા છ મહિના પછી તેનાં મમ્મી-પપ્પા આવવાનાં છે એટલે કમ સે કમ આજે તેમની સામે કોઈ પણ તમાશો કરીને તેમને વ્યથિત કરવા નહોતી ઇચ્છતી. એટલે તે વહેલી સવારથી જ પોતાનાં મમ્મી-પપ્પાનાં ભાવતાં વ્યંજનો બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી અને તેની જેઠાણી માધવી પણ એટલા જ ઉત્સાહથી તેને મદદ કરવા જોડાઈ ગઈ હતી. ત્યાં અચાનક સાસુમા રસોડામાં ધમકી પડ્યાં અને બોલ્યાં, ‘ઓહોહોહો, આજે કોના માનમાં આ છપ્પનભોગ બનાવાઈ રહ્યા છે?’સાસુમાનો આ ટોણો શ્રેયાને સોંસરવો ઊતરી ગયો એટલે તરત એનો પ્રત્યુત્તર આપવા ગઈ તો માધવીભાભીએ તેને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું અને તેણે પોતે જવાબ આપ્યો, ‘અરે મમ્મી, આપણી તો કાલે જ વાત થઈ ગઈ હતીને કે શ્રેયાનાં મમ્મી-પપ્પા આજે તેનાં લગ્ન પછી પહેલી વાર આપણા ઘરે આવી રહ્યાં છે.’


માધવીની વાત સાંભળીને સાસુમાએ મોઢું વાંકું કર્યું અને તીરછી નજરે શ્રેયા તરફ જોતાં મનોમન બોલ્યાં, ‘આવવા દે તેનાં માબાપને. આજે તો તેની બધી ચરબી ન ઉતારી દઉં તો મારું નામ અંજના નહીં.’

શ્રેયાનાં મમ્મી-પપ્પાનું આગમન, સ્નેહમિલન અને પ્રીતિભોજન બાદ સૌકોઈ વાતોએ વળગ્યા. અહીંતહીંની કૌટુંબિક ઔપચારિક વાતોના અંતે શ્રેયાના પપ્પાએ ખૂબ જ સહજતાથી પોતાની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા વેવાઈને પૂછ્યું, ‘તો કેમ લાગે છે અમારી દીકરીનો પર્ફોર્મન્સ? ઘરના કામકાજમાં તો તે નિપુણ તો છે જ પણ શું બાકી બીજી બધી વાતોએ તમારી અપેક્ષામાં ખરી ઊતરે છે કે નહીં? તમારા બન્નેનું સરખું ધ્યાન રાખે છે કે નહીં?’


પપ્પાના આવા અકલ્પનીય સવાલો સાંભળીને શ્રેયાના પેટમાં ફાળ પડી. તેને એક અણધાર્યા ઝંઝાવાતના આગમનનાં એંધાણ થઈ આવ્યાં, કારણ કે તે જાણતી જ હતી કે છેલ્લા છ મહિના દરમ્યાન એવું ક્યારેક જ બન્યું હશે કે સાસુમા સાથે કોઈ પણ જાતની નાની-મોટી વાત પર વિવાદ ન થયો હોય. એટલે હવે તો તેનું આવી જ બનશે. અંજનાબહેનને પણ જાણે ‘બગાસું ખાતાં મોઢામાં પતાસું આવી ગયું’ હોય એવા હર્ષોલ્લાસની લાગણી થઈ આવી. તેમ છતાંય પોતાના મનોભાવ પર કાબૂ રાખીને ચહેરા પર કરડાકી લાવીને બોલી ઊઠ્યાં, ‘માફ કરજો આશિષભાઈ, અમારી સેવા કરવાનું તો દૂર રહ્યું પણ અમારી વાતનો સામો જવાબ આપવાની એક પણ તક ચૂકતી નથી આ તમારી દીકરી. ઘરનાં કામકાજમાં તે ભલે નિપુણ હશે; પણ સાસરામાં વાત, વર્તન અને વ્યવહારની સમજણ લગીરે માત્ર તેનામાં નથી.’

‘શું વાત કરો છો તમે અંજનાબહેન?’ આશિષભાઈ હતપ્રભ થઈને બોલ્યા.

‘ગુજરાતીમાં જ વાત કરું છું, તમારી દીકરીની જેમ હું અંગ્રેજી માધ્યમમાં નથી ભણી.’ સાસુમાના આવા ક્રૂર કટાક્ષથી શ્રેયા એકદમ હચમચી ગઈ અને તરત કાંઈ બોલવા ગઈ એ પહેલાં બાજુમાં બેઠેલી માધવીભાભીએ તેની હથેળીને દબાવીને તેને ચૂપ રહેવાનો સંકેત આપ્યો તો તે સમસમીને બેસી ગઈ. સાસુમાને તો જાણે હવે ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ છેલ્લા છ મહિનાની બધી ભડાસ કાઢી નાખી. સાચી, ખોટી, જાણી, અજાણી બધી વાતોમાં મીઠું-મરચું ભભરાવીને સાસુમાએ પોતાના મનને ટાઢક મળે એ રીતે પોતાની વાત રજૂ કરી. આ સાંભળીને આખા ઘરમાં સોપો પડી ગયો. કાપો તો લોહી ન નીકળે એવી પીડા અને ક્ષોભ અનુભવતા  આશિષભાઈએ પહેલાં એક નજર શ્રેયા પર નાખી, જે ખૂબ જ ગુસ્સામાં આ બધી વાત સાંભળી રહી હતી પણ તરત અંજનાબહેનને સંબોધીને બોલ્યા, ‘માફ કરજો વેવાણ, અમે શ્રેયાના આવા વર્તનથી તદ્દન અજાણ હતા.’

આશિષભાઈ વધુ આગળ બોલે એ પહેલાં જ શ્રેયા બોલી ઊઠી, ‘પણ પપ્પા...’

પણ આશિષભાઈએ ગુસ્સામાં તેની વાત કાપી, ‘ના બેટા, હવે એક પણ શબ્દ તું નહીં બોલે. શું અમે તારા વિશે આ બધી વાતો સાંભળવા આજે આવવાના હતા? શું અમે તને બચપણથી જ નથી જાણતા કે તું કેવી આખાબોલી છે? પણ અમારાં લાડપ્યારમાં તું આટલી ઉદ્ધત બની જશે એવી અમને કલ્પના નહોતી. તારા આવા આખાબોલા સ્વભાવને કારણે આજે અમારે નીચું જોવાનો વારો આવ્યો છે. પણ બસ, હવે જે થઈ ગયું એ થઈ ગયું. આજ પછી તારા વિશે આવી કોઈ ફરિયાદ ન આવવી જોઈએ એની ખાતરી આપ અને આમની માફી માગ એટલે હવે અમે અહીંથી થોડાક સન્માનપૂર્વક જઈ શકીએ.’

શ્રેયાને હવે લાગ્યું કે જો આજે તે બોલવાની હિંમત નહીં કરે તો ચૂપ રહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. તે તરત જ માધવીભાભીએ દબાવી રાખેલી તેની હથેળીને એકઝાટકે છોડાવીને ઊભી થઈ અને મક્કમ સ્વરે બોલી, ‘પપ્પા, મને માફ કરજો પણ હું માફી નહીં માગું; કારણ કે તમે ફક્ત એકતરફી વાત સાંભળીને કેમ માની લીધું કે બધો વાંક મારો જ છે? મારી પણ વાત સાંભળ્યા વગર તમે આવો ન્યાય કરશો તો એ જ મોટો અન્યાય કહેવાશે. તમારા બધાની નજરમાં હું ભલે શત પ્રતિશત ગુનેગાર હોઈશ, પણ જેમ અદાલતમાં પણ સાચા ગુનેગારને પોતાની વાત કહેવાનો અધિકાર હોય છે તેમ મને પણ મારી વાત કહેવાનો હક હોવો જ જોઈએ.’

ઘણા લાંબા સમયથી ચૂપ બેઠેલાં આશિષભાઈનાં પત્ની સુધાબહેન પોતાની દીકરીની વહારે આવ્યાં, ‘ઠીક છે બેટા, તારે પણ આ વિશે જે સ્પષ્ટતા કરવી હોય એ તું કરી શકે છે.’

પોતાની મમ્મીના આ લાગણીસભર શબ્દો સાંભળીને શ્રેયાએ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સાસુમાના એક-એક આક્ષેપને ખૂબ જ વ્યવસ્થિત રીતે છણાવટ કરીને જે જવાબો આપ્યા એ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. શ્રેયાએ જ્યારે બોલવાનું શરૂ કર્યું અને તેની વાત સ્પષ્ટપણે પૂરી કરી એ દરમિયાન સૌકોઈએ, ખાસ કરીને આશિષભાઈએ જોયું કે તેનાં સાસુ-સસરા હજી થોડી વાર પહેલાં જે રીતે શ્રેયા પર આક્ષેપો કરી રહ્યાં હતાં અને એ બધા આક્ષેપોનું શ્રેયા જે રીતે એ ખંડન કરી રહી હતી એ સાંભળતાં તેઓ ખૂબ જ શરમજનક લાગણી અનુભવી રહ્યાં હતાં અને મૂક પ્રેક્ષક બનીને શ્રેયાની વાત કાપવાની હિંમત પણ નહોતાં કરી રહ્યાં અને એકબીજાની સામે ગંભીર મુદ્રાએ ફક્ત જોયા જ કર્યું હતું, જેથી તેમને હવે ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે એ લોકોએ જાણીબૂજીને શ્રેયાને માનસિક ત્રાસ આપવા બધી વાતો ઉપજાવી કાઢેલી હતી. એટલે હવે પોતાના અવાજમાં ગર્વની લાગણી સાથે શ્રેયાને સંબોધીને બોલ્યા, ‘બેટા, તારી બધી સ્પષ્ટતા સાંભળીને જે રીતે આ લોકો ચૂપ થઈ ગયા છે એ જ બતાવે છે કે તેં કાંઈ પણ ખોટું કર્યું નથી, પણ ખોટું તો તારી જ સાથે થયું છે. એટલે હવે એનો ન્યાય કરવાનો હક પણ તને જ મળે છે. તું જે નક્કી કરીશ એમાં અમે તારી સાથે જ છીએ.’

અને પછી તેનાં સાસુ-સસરાને સંબોધીને બોલ્યા, ‘માફ  કરજો  વેવાણ,  અમે  શ્રેયાનાં  મા બાપ તરીકે નહીં, પણ એવી દરેક વહુનાં માબાપ તરીકે તમારા જેવાં સાસુ-સસરાઓને પૂછવા માગીએ છીએ કે કોઈ પારકી છોકરી પોતાનું સર્વસ્વ છોડીને જ્યારે તમારા દીકરાનો ઘરસંસાર આગળ વધારવા તમારા કુટુંબમાં જોડાય છે ત્યારે શા માટે તમે તેને પણ પોતાની સગી દીકરી જેવું સન્માન નથી આપી શકતાં? અને જો પૂરેપૂરું સન્માન ન આપી શકતાં હો તો શા માટે આવી રીતે તેના પર માનસિક ત્રાસ ગુજારો છો?’

પણ અંજનાબહેનની અકડ હજી એમની એમ જ હતી, ‘અમારે આ બાબત વધુ દલીલો નથી કરવી. તમને અને તમારી દીકરીને જે યોગ્ય લાગે એ કરવાની તમને છૂટ છે.’

આ સાંભળીને આશિષભાઈ થોડા વધુ ઉગ્ર બન્યા અને શ્રેયાને સંબોધીને બોલ્યા, ‘જો બેટા, અમને એમ લાગે છે કે તારી વાતોની આ લોકો પર કોઈ અસર પડી નથી અને કદાચ તેઓ તેમનું તારા તરફનું વર્તન બદલશે જ નહીં. અને જો આમ જ ચાલવાનું હોય તો બેટા, હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે આ લોકોની માનસિક યાતના સહન કરવી છે કે એમાંથી મુક્ત થવું છે?’ 

‘મુક્ત થઈને મારે ક્યાં જવું પપ્પા?’ શ્રેયાએ પોતાની લાચારી રજૂ કરી પણ તેની મમ્મીએ દૃઢતાપૂર્વક તેનો હાથ પકડીને તેને જવાબ આપ્યો, ‘અરે બેટા, ક્યાં એટલે? અમે તારાં માવતર આજે પણ એટલાં જ મજબૂત છીએ, જો તારે પાછા આવવું હોય તો અમે તને સહૃદયે સ્વીકારવા તૈયાર જ છીએ.’

‘પણ મમ્મી, હું પાછી આવી જાઉં તો સમાજમાં તમારી આબરૂ જાય એનું શું?’ 

‘બેટા, એવી ખોખલી આબરૂના ભોગે અમે તારો ભોગ ન લેવા દઈએ.’ 

‘ના પપ્પા,’ શ્રેયાએ તેની દલીલ આગળ વધારી, ‘મારા પાછા આવી જવાથી સમાજમાં ફક્ત તમારી જ આબરૂ નહીં જાય પણ આ ઘરની આબરૂ પણ એટલી જ ખરાબ થશે જો હું અહીંથી પાછી જતી રહીશ તો.’

આ સાંભળીને શ્રેયાનાં સાસુ-સસરા એકદમ અચંબિત થઈને એકબીજાની સામે જોવા લાગ્યાં. પણ આશિષભાઈ બોલ્યા, ‘જો એ લોકોને તેમની આબરૂની ચિંતા હોત તો તારી સાથે આવો ગેરવર્તાવ તો ન જ કર્યો હોતને? બેટા, અમે તને લડાયક બનાવી છે પણ સ્વરક્ષણ માટે અને અન્યાય સામે લડવા, અન્યાય સહન કરવા માટે નહીં. તેમ છતાં આ તારી પોતાની લડાઈ છે એટલે તું જ નક્કી કર કે હવે તારે શું કરવું છે, જો પાછા આવવું હોય તો અમે અત્યારે જ તને પાછી લઈ જવા તૈયાર જ છીએ; કારણ કે હવે આ ઘરમાં તને એક પળ માટે માનસિક ત્રાસ આપવામાં આવશે તો એ હવે અમે નહીં જ સહન કરી શકીએ.’

‘પપ્પા,’ શ્રેયા બોલી, ‘સંતાનોની કેટકેટલીયે ભૂલો મા-બાપ જતી કરતાં હોય છે તો ક્યારેક સંતાનો પણ પોતાનાં માબાપની ભૂલો કેમ જતી ન કરી શકે? મારાં સાસુ-સસરાએ મારા પ્રત્યે જે વલણ અપનાવ્યું એ તેમની ભૂલ સમજીને તેમને વધુ એક તક આપવા માગું છું. મને પાછી અપનાવી લેવા માટે આપ તૈયાર જ છો એ તમારા પીઠબળ સાથે હું અહીં જ રહીશ અને વધુ ને વધુ કોશિશ કરીશ કે મારાં આ મમ્મી-પપ્પાનો મારા માટેનો અભિગમ બદલાય.’ 

એક ખૂબ જ આત્મસંતોષ અને સન્માનની લાગણી લઈને શ્રેયાનાં

મમ્મી-પપ્પા જતાં રહ્યાં. 

આ વાતને ત્રણ મહિના વીતી ચૂક્યા હતા અને ખૂબ જ આશ્ચર્યજનક રીતે શ્રેયાના ઘરમાં આ ત્રણ મહિના દરમ્યાન તેની સાસુ સાથે ક્યારેય કોઈ પણ વાતનો વિવાદ નહોતો થયો એટલું જ નહીં, માધવીભાભી સાથે પણ ખૂબ જ સન્માનપૂર્વક વ્યવહાર કરવામાં આવતો હતો એ જોઈને માધવી સ્વગત બોલી, ‘આ પરિવર્તનનું બધું શ્રેય શ્રેયાને, આખાબોલી વહુને જ જાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK