Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > જુગાર જિંદગીનો (પ્રકરણ-૨)

જુગાર જિંદગીનો (પ્રકરણ-૨)

21 November, 2023 06:50 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

`જય મા મહાલક્ષ્મી!’ રવિની સવારે અગિયારેક વાગ્યે સોસાયટીનો સંઘ બે બસમાં દહાણુના વિખ્યાત મંદિરે પહોંચ્યો. શ્રદ્ધાભેર માને દંડવત્ થઈ અવનિએ આત્મનના સ્વાસ્થ્ય-સફળતાની કામના કરી.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ગુડ મૉર્નિંગ, સ્વીટ હાર્ટ!’


પતિના સાદે શર્વરીની પાંપણના પડદા સળવળ્યા. મૉર્નિંગ કિસ કરી પોતાને તાકી રહેલા આત્મનની નજરે સહેજ કાંપી જવાયું ઃ ‘આત્મન, મને આમ કેમ જુએ છે! રાતની સંવનનની પળોમાં આત્મનને વહેમ જાય એવું તો હું નથી કહી-કરી બેઠીને!’



વહેમ... પત્નીના આડા સંબંધનો વહેમ!


‘આયૅમ સૉરી, શર્વરી.’

શર્વરી ચમકી, પણ દેખાવા ન દીધું ઃ ‘આત્મન શાની માફી માગી રહ્યો છે?’


‘કામકાજની લાયમાં હું તને સમય નથી ફાળવી શકતો...’

‘ઓહ...’ શર્વરી નિશ્ચિંત થઈ. પતિને જોકે કહેવાયું નહીં કે ‘તમારી વ્યસ્તતાનો વિકલ્પ મેં ક્યારનો ગોતી લીધો છે!’

શર્વરીએ ઊંડો શ્વાસ લીધો.

પોતે મધ્યમવર્ગીય માવતરની એકની એક દીકરી હતી, રૂપની મૂડીથી સભાન અને છતાં લગ્નની વયે મુરતિયાનું આર્થિક સ્ટેટસ જોઈ હા-ના કરવાના સંસ્કાર નહોતા. અરેન્જડ મૅરેજ માટેની મુલાકાતોમાં આત્મનની ધ્યેયસ્પષ્ટતા ફૅસિનેટિંગ લાગી હતી. અત્યંત સોહામણો જુવાન ઊર્મિશીલ છે. પાંત્રીસની ઉંમર સુધી ઊંધું ઘાલી કામ કરવામાં માનનારાની ખરા અર્થમાં હું સંગિની બની જાણું તો ખરી - કંઈક એવો પડકાર ઝીલવાના આવેશમાં પોતે તેને હકાર ભણ્યો હતો.

અને મારાં-તેનાં પપ્પા-મમ્મી હતાં ત્યાં સુધી મને આત્મનની વ્યસ્તતાનો ભાર નહોતો... પણ પછી ઘરમાં, જીવનમાં ખાલીપો વર્તાવા માંડ્યો. અહીં નોકરચાકરની સવલત હતી, યોગના ક્લાસિસ કર્યા, લેડીઝ ક્લબ જૉઇન કરી, પણ એથી થોડો વખત સારું લાગે, પણ ફરી એ જ નવરાશ.

‘આત્મન, ચાલોને, આ દિવાળીએ ક્યાંક ફરી આવીએ...’

પાંચેક વરસ અગાઉ, કંટાળીને પોતે આત્મનને કહેલું, પણ તેને તો રજામાં પણ ફુરસદ ક્યાં હતી?

‘મને ફાવે એમ નથી હની, તું જઈ આવને!’ આત્મને ઝંખવાતી પત્નીનો ઉત્સાહ વધારવાની ઢબે કહ્યું, ‘સોલો ટ્રિપ ઇઝ વેરી ઇન થિંગ નાવ અ ડેઝ!’

‘સોલો ટ્રિપ...’

શર્વરીને આઇડિયા જચી ગયો. હાસ્તો, પતિને ફરવા જવાનું ફાવે એમ જ ન હોય તો પત્નીએ ક્યાં સુધી ઘરમાં બેસી રહેવું!

પતિ વિના ફરવા ઊપડી જવાના ઉમંગને જસ્ટિફાય કરવાનું તેને ફાવીય ગયું. લેહ-લદાખની એ ટૂર યાદગાર રહી. પછી તો દર બેચાર મહિને તે પ્રવાસ ગોઠવી કાઢતી. ટૂર-બુકિંગને બદલે અનપ્લાન્ડ યાત્રા એને વધુ થ્રિલિંગ લાગતી.

આમાં ચારેક વરસ અગાઉની ગોવાની ટૂરમાં અણધાર્યું બન્યું.

શર્વરી નૉર્થ ગોવાના પ્રાઇવેટ બીચ ધરાવતી સેવન સ્ટાર હોટેલમાં ઊતરી હતી. આલીશાન હોટેલમાં કસીનો તો ખરો જ, બીચ પર વૉટર સ્પોર્ટ્સની સગવડ પણ હતી.

બીજી સવારે શર્વરી રાઇડ્સનો લુત્ફ માણવા પહોંચી ગઈ. પ્રવાસમાં અજાણ્યાઓ સાથે હળીભળી જવાની ફાવટ આવતી જતી હતી. અહીં પણ તે ગઈ રાતે ડિનરમાં મળેલી બે-ત્રણ ફૅમિલી સાથે હાય-હેલો કરીને રાઇડ્સ માણવા લાગી. એમાં સ્પીડબોટની વૉટર સ્પોર્ટમાં પાર્ટનરની જરૂર વર્તાઈ. જોકે જોખમી ગણાતી સ્પોર્ટ ખેલવાની લેડીઝમાં કોઈની તૈયારી નહોતી.

‘મે આઇ જૉઇન યુ!’

કંટાળીને બીજી રાઇડ લેવાનું વિચારતી શર્વરી પોતાને નમ્રતાભેર પૂછતા જુવાનને તાકી રહી.

લગભગ પોતાની જ વયનો જુવાન આંખો ઠારે ને અંગોમાં કામનાનો સળવળાટ જગાવી દે એવો સોહામણો હતો. સ્વિમિંગ શૉર્ટ્સમાં તેના કસાયેલા કદાવર બદનની જણસ છૂપી નહોતી રહેતી. પોતાને રાજશેખર તરીકે ઓળખાવતો આ જુવાન મારી બાજુની રૂમમાં ઊતર્યો છે એ તો ધ્યાનમાં છે.

શર્વરીએ નજર વાળીને ખભા ઉલાળ્યા ઃ ‘ઇટ્સ ઓકે વિથ મી!’

અડધો કલાકની એ થ્રિલિંગ રાઇડે બીજું બધું ભુલાવી દીધું. આનંદની ચિચિયારીમાં સંયમ સરતો ગયો. દરિયાના પાણીમાં સ્પીડબોટ વાંકી થતી એ ઘડીએ પાછળ બેઠેલી શર્વરી રાજશેખરની કમરે હાથ વીંટાળી દેતી. પાણીમાં ડૂબકી મારવાની થતી ત્યારે તેનાં અંગો રાજશેખરને ચંપાઈ જતાં. એક વાર તો તેણે બોટ પરથી બૅલૅન્સ ગુમાવ્યું ત્યારે રાજે કેવી ચપળતાથી તેને પોતાની બલિષ્ઠ ભુજામાં ઊંચકી લીધી હતી!

‘તમે મૅરિડ છો!’

છેવટે કિનારાની રેતી પર ઊતરતાં તેણે પૂછ્યું. શર્વરીનું મંગળસૂત્ર તેના ઉરજો સાથે ચીપકી ગયેલા સ્વિમિંગ-સૂટના ઉભાર પર ગોઠવાયું હતું અને રાજશેખરની નજર ત્યાં ચોંટી ગઈ છે એ પરખાતાં તેણે હળવેકથી મંગળસૂત્ર સરખું કરી નિઃસાસો નાખ્યો ઃ ‘પરણેલી તોય સાવ એકલી! પતિદેવ પાસે ફુરસદ જ ક્યાં છે!’

ના, આત્મનની વ્યસ્તતાની રાવ કરવાની શર્વરીને આદત નહોતી. પોતે એના સ્વીકાર સાથે પરણી હતી એટલે ફરિયાદનો હક પણ ક્યાં રહ્યો? અને છતાં પોતે રાજશેખર સમક્ષ પતિ તરફની અતૃપ્તિ જાહેર કરી બેઠી! શું કામ? ‘કેવળ ઊભરો ઠાલવવાની મનસા હતી કે પછી લોખંડી બદનવાળો જુવાન મારા મોહમાં ક્યાં સુધી તણાય છે એ જોવાની લાલસા હતી? કારણ ગમે તે હોય, પોતે તેને આગળ વધવાની માનો કે પ્રેરણા આપી અને ખરેખર બીજી રાતે તે મારી રૂમમાં, મારા બિસ્તરમાં હતો!’

‘તેના હાથ-હોઠ મારા તનબદનને કેવા આવેશથી ધમરોળી રહ્યા હતા! આ પળે પાપ-પુણ્ય, વફા-બેવફાઈ બધું ગૌણ હતું, બધું માફ હતું. આત્મન પથારીમાં અદ્ભુત સુખ આપતો, માન્યું, પણ સહજીવનમાં માત્ર એટલું જ પૂરતું નથી હોતું એવી સૂઝ આત્મનમાં હોત તો મારે આમ પરપુરુષને આંગળી આપતાં તેણે પહોંચો પકડવાનું બન્યું જ ન હોતને! વાંક આત્મનનો છે, દોષ મારો નથી- મનના ઊંડાણમાં આ વાક્ય કોતરાયું, ને બસ, શરમ-સંકોચ-ગિલ્ટનાં તમામ આવરણ ફગાવી નિર્બંધપણે મેં રાજશેખરના અપ્રતિમ પૌરુષને માણ્યું હતું!’

‘પછી જાણ્યું કે શૈયાસુખમાં બેનમૂન એવો રાજશેખર કૉલ પર જનારો એસ્કોર્ટ છે! સ્ટ્રિપ શોમાં માહેર, પથારીમાં માનુનીને રીઝવવામાં બેજોડ જુવાનને પોતાના વ્યવસાયનો છોછ પણ નથી...’

શર્વરીએ વાગોળ્યું...

હાઈ સોસાયટીના કલ્ચરથી શર્વરી અજાણ નહોતી. લેડીઝ ક્લબમાં ઘણી વાર નૉનવેજ ટૉકમાં સ્ટ્રિપ શોનો ઉલ્લેખ થતો. પોતે એને બદી માની દૂર રહેનારી. આજે જોકે રાજશેખર સાથે એક રાત માણ્યા પછી શર્વરીને તેના ધંધાની અરુચિ નહોતી થઈ. બલકે તે બોલી ઊઠી ઃ

‘તું બજારમાં વેચાવા બેઠો હોય રાજ, તો સમજ મેં તને ખરીદી લીધો... આજથી તારી તમામ રાતો મારી!’

આ વાક્ય કદાચ એક રાતના અનુભવના ઉન્માદમાં બોલાયું હોય તો પણ પછીના ચાર દિવસના સહેવાસમાં તેણે ઇરાદાનું રૂપ લઈ લીધું હતું.

‘વાય! મને શા માટે આવી ઝંખના જાગી? ના, એ કેવળ રાજશેખરના પૌરુષનું આકર્ષણ નહોતું... માનવામાં મુશ્કેલ લાગે એવી હકીકત એ હતી કે થોડા દિવસના સહેવાસમાં શરીરના રસ્તે રાજશેખર મારા હૈયે ઘર કરી ગયો હતો એટલે!’

જાતતપાસના જવાબ પછી શર્વરીને દ્વિધા ન રહી.

‘રાજ...’ તેના ઉઘાડને આંખોમાં ભરતી શર્વરીની કીકીમાં તણખો ઝબકતો ઃ ‘તું કે તારો આગોશ, તારી પ્રત્યેક હરકત કેવળ મારી!’

રાજશેખર મલકાતો. પોતાના કામની તે તગડી ફી વસૂલતો. સંસારમાં એકલા આદમીને કોઈ મજબૂરી નહોતી કે ‘આવું’ કામ કરવું પડે. આ તો તેનું ગમતું કામ હતું, જેણે દામ પણ ખૂબ રળી આપ્યા. અંધેરીમાં તેનો લક્ઝુરિયસ ફ્લૅટ હતો, કાર હતી. ઠાઠથી રહેતો અને મોંઘાં વેકેશન્સ પણ માણતો. કોઈ એકના થઈને રહેવાનું તેણે વિચાર્યું પણ નહોતું, પણ શર્વરી અપવાદરૂપ નીકળી!

ધીરે-ધીરે તેને પણ પરખાતું ગયું કે શર્વરીના પ્રસ્તાવમાં નર્યો આવેશ નહોતો... પોતાનું સુખ અંકે કરવાની મનસા હતી. પાંત્રીસ વરસ સુધી એકધારું કામ કરીને બાકીની જિંદગી એશ કરવાનું ધ્યેય રાખનારો તેનો વર પણ કેવો! છુટ્ટી ઘોડીની જેમ ફરતી મૂકેલી પત્ની પછી ગમે ત્યાં ચરે એમાં તેનો વાંક પણ કેમ ગણાય!

રાજશેખરની આ ગણતરી શર્વરીને અનુકૂળ થઈ પડી ઃ ‘તું જ મને સમજી શક્યો! તું મારું સુખ છે રાજ અને એ બજારમાં વેચાય એ મને મંજૂર નહીં હોય!’

અને મારી મરજી વિરુદ્ધ જઈ ન શકાય એટલો પરવશ તો તે બની જ ગયેલો... શર્વરીએ ગુરુરથી ગરદન ટટ્ટાર કરી ઃ ‘આજે ચાર-ચાર વરસથી રાજશેખર મારા કામણમાં કેદ છે! રાજ સાથે ચૅટ કરવા અલગ નંબર રાખ્યો છે, જેની આત્મનને જાણ પણ નથી. દર બેચાર મહિને અમે પ્રવાસના બહાને મુંબઈની બહાર મળીએ છીએ, આસપાસની રૂમમાં ઊતરીને જોઈતું સુખ માણી લઈએ છીએ. આત્મન મને હિસાબ પૂછતો નથી અને ચૅરિટીના બહાને હું રાજશેખરનું ગજવું ભરતી રહું છું... અમે સૌ પોતપોતાની રીતે સુખી છીએ!’

‘શર્વરી..’

આત્મનના સાદે તે ઝબકી, વિચારબારી બંધ કરીને વર્તમાનમાં આવી ઃ ‘બોલો, પતિદેવ!’

‘હવે બસ, આઠ જ મહિના...’

પળવાર તો શર્વરીને ધડમાથું બેઠું નહીં. પછી ખ્યાલ આવ્યો કે ‘આત્મનની પાંત્રીસમી વરસગાંઠને હવે કેવળ આઠ મહિના બાકી રહ્યા, પછી તે નિવૃત્તિ લઈને સાવ નવરો બનશે ત્યારે?’

જીવનમૂડીનું અચાનક તળિયું દેખાવા માંડે એથી બઘવાઈ જવાય એવી ફિક્કી પડી તે. ‘આત્મન ફ્રી થતાં હું બંધાઈ જવાની!’

‘હું પણ તારી જેમ નિવૃત્તિના દિવસો ગણું છું... ક્યારેક અવનિને કહું પણ ખરો કે મારી ધ્યેયપૂર્તિમાં મેં મારી શર્વરીને અન્યાય કર્યો.’

આત્મનને લાગણીવર્તુળમાંથી બહાર ફગાવી ચૂકેલી શર્વરીને આમાં વેવલાવેડા લાગ્યા.

‘અવનિ...’ તેના હોઠ વંકાયા. ‘આત્મન તેની સેક્રેટરીને ઘણી વાર વખાણતો. તે ન હોય ત્યારે કામકાજ માટે પૂછનારી અવનિને મેં એક વાર કેવી ખંખેરી નાખેલી!

ના, એમાં તેનો વાંક નહોતો. પોતાના મનમાં જ ચોર એટલે તેની કાળજીમાં પણ વહેમ જાગેલો! ‘હશે. મામૂલી સેક્રેટરીને વઢ્યાનો શો અફસોસ રાખવો!’

બાકી આત્મનની વ્યસ્તતાએ મને રાજશેખરનું વરદાન મળ્યું, હવે તેની નિવૃત્તિની આડમાં મારા એ વરદાનને ફોક તો નહીં જ થવા દઉં હું!’

‘આનો એક જ રસ્તો છે... આત્મનનો હંમેશ માટે નિકાલ!’

વાંસની જેમ ફૂટી નીકળેલા વિચારે ખુદ પૂતળા જેવી થઈ શર્વરી. પછી દમ ભીડ્યો ઃ ‘આડા સંબંધને સીધો કરવાનો કદી વિચાર કર્યો નહોતો, પણ હવે થાય છે, આત્મનના મૃત્યુથી અમારો મારગ સાવ ખુલ્લો થઈ જશે એ પહેલાં કેમ ન સૂઝ્‍યું!’

આવતા મહિને અમે દુબઈમાં મળીએ છીએ ત્યારે આત્મનની એક્ઝિટનો જડબેસલાક પ્લાન ઘડી રાખવો રહ્યો!

lll

‘આહ!’

શનિની રાતે બોરડીના રિસૉર્ટની રૂમમાં કામસુખ માણીને થાકથી ચૂર થયેલી માનુની પર નજર નાખી ઉઘાડા દેહ પર ચાદર વીંટાળી રાજશેખરે પાછળ વરંડામાં ખૂલતી બાલ્કનીમાં જઈ સિગારેટ સળગાવી...

‘મા-પિતાના દેહાંત સાથે ગામ હંમેશ માટે છૂટ્યું, પોતે શહેરમાં ભણતો થયો. ગામડાના જીવનમાં બદન વિનાકસરતે કસાયેલું. શહેરની છોકરીઓને તેનું કેવું આકર્ષણ રહેતું, એમાંથી એકાદે શરીરસુખના બદલામાં પૈસાની ઑફર કરી પછી તો એને જ ધંધો બનાવી પોતે મુંબઈ આવી કેટલું કમાયો!’

‘આખી સફરમાં સૌથી નિરાળી નીકળી શર્વરી!’

‘ગોવાના મેળમાં તે મને ચાહતી થઈ, મનેય તેનો મોહ જાગ્યો, કબૂલ, બસ, અન્ય કોઈ સાથે નહીં સૂવાની તેની પાબંદી મને પજવે છે. સવાલ રૂપિયાનો નથી, વરસો આ ધંધામાં ગાળ્યા પછી મનેય કદાચ આની આદત થઈ ચૂકી છે. મારે શર્વરીને અંધારામાં નથી રાખવી, મારી આ ફિતરત શર્વરીને સમજાવવી છે, વેકેશનમાં આટલું ગોખીને જાઉં, પણ તેના સંસર્ગમાં બધું વીસરી જવાય છે.’

‘અને ખરું પૂછો તો ડર પણ છે. શર્વરી મારા માટે એટલી પઝેસિવ છે કે તેની પ્રતિક્રિયા કઈ હદની હોઈ શકે એ વિચારતાં કંપી જવાય છે!’ 

બટ સ્ટીલ, આવતા મહિનાના અમારા દુબઈના પ્રવાસમાં તેને સઘળું કહી દેવું છે!’

lll

‘જય મા મહાલક્ષ્મી!’

રવિની સવારે અગિયારેક વાગ્યે સોસાયટીનો સંઘ બે બસમાં દહાણુના વિખ્યાત મંદિરે પહોંચ્યો.

શ્રદ્ધાભેર માને દંડવત્ થઈ અવનિએ આત્મનના સ્વાસ્થ્ય-સફળતાની

કામના કરી. 

lll

‘અરે... અરે!’

સાંજે પાંચના સુમારે બોરડીના દરિયાકિનારે નાનકડી ઘટના ઘટી ગઈ.

બોરડીનો દરિયો દૂર છે, મુંબઈની ચોપાટીની જેમ અહીં ઊછળતાં મોજાં જોવા નહીં મળે, પણ એટલે જ કદાચ એની નીરવતાનું આકર્ષણ છે. બપોરનું લંચ પતાવી ક્યારના અહીં આવી ગયેલા સોસાયટીના સભ્યો ખો-ખો, પકડદાવ, બૅડ્મિન્ટન જેવી રમતમાં મશગૂલ છે, કોઈ વળી ઊંટ-ટટ્ટુની સવારીનો આનંદ માણતું હતું ત્યારે અવનિ બધાથી દૂર બુક લઈને એક બાંકડે ગોઠવાઈ છે. 

અને જાસૂસીની નવલકથામાં ખોવાયેલી તે ચમકી. કોઈએ બૉમ્બ ફોડ્યો હતો.

દિવાળી હજી હમણાં જ ગઈ, વેકેશન પત્યું નથી એટલે અમારી જેમ પિકનિકે આવેલા જુવાનિયાઓની ટોળી ફટાકડા ફોડવા માંડી છે!

‘હેલ્પ!’ બીજી દિશામાંથી ચીસ આવતાં અવનિની નજર ફંટાઈ ગઈ એવી જ તે ઊભી થઈ ગઈ ઃ બૉમ્બના ધડાકાથી ઘોડો ભડક્યો હતો અને એના પર સવાર થયેલો પુરુષ ઊછળીને આડો ફંગોળાઈ જમીન પર ઢસડાતો બેહોશ થઈને ઊંધા માથે પડ્યો!

‘અરે!’ની ચીસ નાખતી અવનિ પહેલાં દોડી.

મદદની આ પહેલ સાથે પોતે કોઈના આડા સંબંધના પરિઘમાં પ્રવેશી ચૂકી છે એની ત્યારે તેને ભનક સુધ્ધાં નહોતી!

 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2023 06:50 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK