Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > વટસાવિત્રી

વટસાવિત્રી

17 September, 2023 08:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સવારે વહેલાં ઊઠી અમે બન્ને આખા દિવસની રસોઈ બનાવીને વાસણ સાફ કરી દઈએ. હું સ્કૂલમાં નોકરી કરું અને એમએના ક્લાસ ભરી ઘરે આવું ત્યાં સુધી દિનકર દેવને રાખે અને ઘરનું બીજું બધું કામ કરી નાખે. ઘરનું કામ કરવામાં દિનકરને ક્યારેય કંટાળો કે નાનમ લાગી નથી.’

ઇલસ્ટ્રેશન શૉર્ટ સ્ટોરી

ઇલસ્ટ્રેશન


‘કાય બનવું આજ?’ પૂછતી રસોઈવાળી હાથ લૂછતાં-લૂછતાં બહાર આવી.

યુનિફૉર્મનાં લાલ બૂટની દોરી બાંધતાં અર્ચીએ સામે બેઠેલાં સાસુ નંદિતાબહેન સામે જોયું. 


‘મા... તમે જ કહી દો.’


‘ના ના કંઈ નહીં...’ કહીને ઉદાસ થઈ વિચારોમાં ખોવાઈ ગયાં. પછી સાવ ધીમેથી બોલ્યાં, ‘આજે મારે વટસાવિત્રીનો ઉપવાસ છે.’

અર્ચી અચંબામાં પડી ગઈ. યુનિફૉર્મનો બેલ્ટ બાંધતાં તેના હાથ અટકી ગયા. સસરાજીને ગુજરી ગયા એને પાંચ વર્ષ થઈ ગયાં હતાં. ઇન ફૅક્ટ તેણે તો સસરાજીને ક્યારેય જોયા જ નહોતા. 


નંદિતાબહેન સામે ઊભેલી સ્તબ્ધ અર્ચીને જોઈ રહ્યાં. 

ઊંચી એકવડી, સાવ સપાટ પેટ હતું. તેને હજી સુરેખ બનાવતો કમરને ચપોચપ વીંટળાયેલો લાલ પટ્ટો અને એના પર પિત્તળનું બક્કલ સરસ લાગતું હતું. ઇન્સ્પેક્ટર અર્ચી... યુનિફૉર્મ શોભે છે તેને.

દેવ કરતાં વધુ પ્રભાવશાળી તો છે જ.

નંદિતાએ મનોમન દીકરા સાથે તુલના કરી.

અર્ચી ઇન્સ્પેક્ટર છે અને દેવ સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. નૅચરલી અર્ચીનું કામ અઘરું અને કસોટીરૂપ છે. માનસિક અને શારીરિક રીતે થકવી નાખનારું પણ.

કદાચ અર્ચીને એનો એહસાસ છે. દેવ પણ એ સમજી સહજતાથી વર્તે છે, તેના બાબાની જેમ.

‘મમ્મી, વટસાવિત્રી વ્રત?’ અંદરથી દેવ હસતો-હસતો આવ્યો.

‘અરે... ગિરિજાદેવી વિમેન્સ કૉલેજનાં પ્રિન્સિપાલ નંદિતા પ્રભુ, સ્ત્રીઓને સક્ષમ બનાવવાનું જ ધ્યેય જેમણે જીવનભર રાખ્યું છે એ વ્રત-ઉપવાસમાં માને છે? મને એમ કે તમે પહેલાં બાબા પાસે વ્રત કરાવતાં હો તો નવાઈ નહીં.’

અર્ચીએ જરા પ્રશ્નાર્થભરી દૃષ્ટિએ પતિ તરફ જોયું. એમાં થોડો ઠપકો પણ હતો.

‘હા, હું પણ એવું જ ધારતી હતી. પહેલાં મને એનો ઘમંડ પણ હતો. નંદિતાબહે ખુરસીને અઢેલીને આરામથી બેસી ગયાં. 

‘હું પરણી ત્યારે બારમું પાસ હતી અને દિનકર મરાઠી પેપરના પ્રેસમાં કામ કરતા હતા. એક ચાલીમાં અમારું ઘર હતું. નાનો એવો અમારો સંસાર હતો.’

‘દિનકરે મને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરી. મેં બીએ-બીએડ કર્યું. દિનકરની હોશિયારી જોઈને તેને પેપરમાં ક્રાઇમ રિપોર્ટરની નોકરી મળી ગઈ.’ 

‘સવારે વહેલાં ઊઠી અમે બન્ને આખા દિવસની રસોઈ બનાવીને વાસણ સાફ કરી દઈએ. હું સ્કૂલમાં નોકરી કરું અને એમએના ક્લાસ ભરી ઘરે આવું ત્યાં સુધી દિનકર દેવને રાખે અને ઘરનું બીજું બધું કામ કરી નાખે. ઘરનું કામ કરવામાં દિનકરને ક્યારેય કંટાળો કે નાનમ લાગી નથી.’

‘ક્રાઇમ રિપોર્ટર એટલે લૉ પ્રોફાઇલ રાખવાની. ઘણી વાર રાતવરત વેશ બદલીને શકમંદોની પાછળ ફરવું પડે. ચાલીમાં સૌને ફક્ત તે પેપરમાં કામ કરે છે એટલી જ ખબર હતી.’

પહેલાં હું હોશથી વટસાવિત્રીનું વ્રત કરતી, પછી કૉલેજમાં કામ કરતાં અને સહકાર્યકરો સામે જુનવાણી વિચારધારા લાગશે એ ડરથી મારી શ્રદ્ધા ડગમગવા માંડી.’ 

 ‘દિનકર જ મારે માટે ગજરો, વડને વીંટવાનો દોરો, ફળફૂલ લઈ આવતા. તેમને વટસાવિત્રીનો દિવસ ખૂબ ગમતો. એક વાર કૉલેજના લંચટાઇમમાં વટસાવિત્રીના દિવસે તેઓ ડિલિવરીબૉય બનીને મિલ્કશેક આપવા આવેલા. મારા સિવાય કોઈ ઓળખી શક્યું નહોતું.’ 

‘ઓહ માય ગૉડ...’ અર્ચીથી બોલી જવાયું.

‘એમએ પછી મને કૉલેજમાં નોકરી મળી, પગાર વધ્યો. અમે ચાલી છોડીને લોન પર બે બેડરૂમનું ઘર લીધું. બૅન્કની લોન મારા નામે લીધી હતી.’

‘મેં એમએડ પણ કરી લીધું. હું એમ જ સમજતી હતી કે આ બધું મારા થકી છે.’

‘દિનકરને કેસ રિપોર્ટ ન કરવા માટે ઢગલો પૈસાની ઑફર થતી તથા ઘણી વાર ધમકી પણ મળતી, પણ તેઓ ડર્યા વિના શાંતિથી પોતાનું કામ કર્યા કરતા. તેમની દેશભક્તિ અજોડ હતી. વખત જતાં મેં વટસાવિત્રી કરવાનું છોડી દીધું, પણ દિનકર જરૂર કરતા. તેમનો લાવેલો ગજરો પડ્યો રહેતો, પણ કુંડામાં ખોસેલી વડની ડાળી પર સૂતરનો દોરો જરૂર વીંટાતો.’ 

‘સૉરી દિનકર, મારાથી હવે ઉપવાસ નથી થતો અને આ બધું શું કામ? પતિની સાથે સુમેળ હોય એ પૂરતું નથી? હું બોલ્યા વગર ન રહી શકી. મેં એમ પણ ન વિચાર્યું કે ભલે દિનકરને ગમે છે તો ઉપવાસ ન થાય, પણ વડની ડાળખીને દોરો તો હું વીંટી જ શકું’ 

‘ઇટ્સ ઓકે નંદિતા... ન થાય તો કાંઈ નહીં. હું કરીશ. હું દોરો પણ વીંટીશ.’

‘દિનકરે ખૂબ જ સહજતાથી કહેલું. ઘણાં વર્ષો તેઓ નિયમિત વટસાવિત્રીએ ઘરે કુંડામાં વડની ડાળખી રોપી દોરો વીંટતા અને મને પ્રસાદ આપતા. ગજરો પણ હોય જ.’

‘એક દિવસ સાંજે જરા ચિંતિત લાગતા હતા. શરૂઆતમાં મેં ધ્યાન ન આપ્યું, પણ પછી પૂછ્યું તો કહે,

‘મારે કદાચ અન્ડરગ્રાઉન્ડ થવું પડે...’ દેવ ત્યારે ફક્ત પંદર વર્ષનો હતો.

‘હા, મમ્મી મને યાદ છે. બાબા મને ક્યાંય જવા દેતા નહોતા. બસ પોતાની પાસે જ બેસાડી રાખતા હતા.’

‘ક્યાં જશે, શા માટે જશે એ તો કદી કહેતા જ નહીં, કારણ કે એ પ્રોટોકૉલની વિરુદ્ધ હતું, પણ મને એક જણનું સરનામું ગોખાવ્યું કે કંઈ પણ તકલીફ પડે તો તેની પાસે જવાનું. તેની પાસે એક કરોડ રૂપિયા છે, જ્યારે માગશે ત્યારે આપશે, પણ સંભાળીને વેશ બદલીને જવાનું.’ 

‘હું સમજતી હતી કે આ ઘર મેં લીધું છે અને હું વધારે કમાઉં છું, પરંતુ જીવનમાં સાદગી રહે અને અણધારી આફત આવે ત્યારને માટે તેઓ બચત કરતા રહેતા.’

‘એક રાતે તેઓ જતા રહ્યા. ત્રણ મહિના પછી દેશ પરનો તત્કાલીન સરકાર સામેનો અત્યાર સુધીનો

મોટો બળવો જે દેશમાં અંધાધૂંધી ફેલાવવા પાડોશી દેશ દ્વારા સંચાલિત હતો એ નિવારી શકાયો. સાથોસાથ

ઠેર-ઠેર બૉમ્બધડાકા કરી નિર્દોષ વ્યક્તિઓનો જીવ લેવાનો કારસો પણ ખુલ્લો પડી ગયો, પણ પોલીસને દેશ બચાવનાર જાંબાઝો વિશે કોઈ માહિતી ન મળી.’

‘ફક્ત એક જ શહેરમાં છમકલું થયું, જે દબાવી દેવાયું. ત્યાર પછી અમારા ઘરની આજુબાજુ હંમેશાં શકમંદ ચહેરા દેખાયા કરતા.’ 

‘એ જ વર્ષે દેવને બાઇક ચલાવતાં મોટો ઍક્સિડન્ટ થયો અને પુણેથી મુંબઈ ઑપરેશન માટે લઈ જવો પડ્યો. મને હજી પણ શક છે કે એ બદલો લેવાનું કાવતરું જ હતું, પણ દેવ હેલ્મેટને કારણે બચી ગયો.’

‘પૈસાની જરૂર પડતાં હું પેલા સરનામે ગઈ. હું વાળની સફેદ વિગ પહેરીને વૃદ્ધાની જેમ ગયેલી. એક ચાની નાની ટપરી હતી. સાવ સામાન્ય મેલોઘેલો માણસ એ ચલાવતો હતો. મેં ઓળખાણ આપી. તેણે એક-બે સવાલ સ્ટવના જોરદાર અવાજમાં પૂછ્યા. એ પછી મને હાથમાં ચા આપી અંદર ગયો. એક નાની થેલી જૂના ગાભા સાથે આપી, એમાં પચીસ લાખ રૂપિયા હતા.’ 

‘અમે મુંબઈ પહોંચ્યા પછી અચાનક ડૉક્ટર બદલાઈ ગયા અને મોટી હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ થઈ, એક પણ પૈસો ખર્ચ્યા વગર. ખબર નહીં ક્યાંકથી જાદુઈ રીતે બધી વ્યવસ્થા થઈ જતી. દેવ ઠીક થઈ ગયો. બસ એક પગ સહેજ ટૂંકો થવાથી તેણે દોડવાનું બંધ કરવું પડ્યું. હવે તે ઇન્સ્પેક્ટર ન બની શકે, પરંતુ ઑફિસમાં બેસીને ગુનાઓ થતા તો રોકી શકે.’

‘ત્યાર પછીનાં બે વર્ષ દિનકરની કોઈ ખબર ન મળી. હું બધાને બદલી થઈને આસામ ગયા છે એમ કહેતી. એ સમય દરમ્યાન હંમેશાં વટસાવિત્રીએ દોરો અચૂક વીંટતી અને દિનકરની લાંબી આવરદા માટે પ્રાર્થના કરતી.’

‘દિનકર ગયા પછી મને સમજાયું કે વ્રત કંઈ ભગવાન માટે નથી. વ્રત પતિ-પત્નીના સંબંધોમાં ઉષ્મા અને પ્રાણ પૂરવાનું કામ કરે છે અને જ્યારે બન્ને સાથે મળીને કરે ત્યારે બંધન વધુ મજબૂત થતું જાય છે. વર્ષમાં એક દિવસ ઓછું ખાવાથી અને પૂજા કરવાથી પરસ્પરના સ્નેહમાં વૃદ્ધિ થતી હોય તો કરવા જેવું છે.’

‘ઘણા સમય સુધી દિનકરની ભાળ ન મળી. છેલ્લે તેઓ ભરચોમાસે સતત વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરીને ઘરે આવેલા. બારીમાં મૂકેલા કુંડામાં વીંટેલા સૂતરના દોરાને ઘડીભર જોઈ રહેલા. અનરાધાર વરસાદ સાથે અમારી સાથે વિતાવેલા એ પાંચ દિવસ પછી અમે તેમને ક્યારેય જોયા નથી.’

‘પાંચ વર્ષ પહેલાં ઓળખાય નહીં એવું એક ડેડ-બૉડી મળ્યું અને એના ઝબ્બાના ગજવામાં ફોન અને આધારકાર્ડ હતાં... દિનકરનાં.’ 

‘મને ઓળખવા બોલાવી. સમજાયું નહીં, પણ ખૂબ બેરહેમીથી માર મારેલો એ બધું જોતાં કદાચ તેઓ જ હોઈ શકે એમ માની સ્વીકારી લીધું. બરાબર ૬ મહિના પછી વટસાવિત્રીના દિવસે એક મજૂર જેવો માણસ એક કૂંડું અને એમાં ખોસેલી વડની ડાળી પર વીંટાળેલા દોરા સાથે આપી ગયો.’

‘બસ ત્યારથી હું વટસાવિત્રીએ રાહ જોતી રહું છું... કોઈ દિવસ...’

 

- સ્ટોરી માના વ્યાસ (સ્પંદના)

 

નવા લેખકોને આમંત્રણ

ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર. 
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે. 
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી. 
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે. 
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. 

17 September, 2023 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK