Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > > > મિસ્ટર

મિસ્ટર

15 September, 2023 08:00 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘મને કંઈ નથી જાણવું...’ ઢબ્બુની આંગળી પકડી પપ્પા તેને કાઉચ પાસે લાવ્યા, ‘પહેલાં અમે આજે એક એવી સ્ટોરી સાંભળવાના છીએ જે સ્ટોરી મને વર્ષો પહેલાં દાદાએ કરી હતી.’

ઇલસ્ટ્રેશન મૉરલ સ્ટોરી

ઇલસ્ટ્રેશન


‘ના પાડીને, મારે અત્યારે જમવું નથી.’ ઢબ્બુ ઊભો થયો અને શૂઝ પહેરવા માંડ્યો, ‘હું નીચે જાઉં છું.’

‘હમણાં જ નીચેથી આવ્યોને?’ અકળામણ છુપાવતાં મમ્મીએ કહ્યું, ‘હવે ક્યાંય નથી જવું. ચાલો, જમવા બેસો.’


‘મૂડ નથી.’


‘મૂડ માટે નહીં, પેટ માટે જમવાનું હોય.’ મમ્મીના ટોનમાં ઑર્ડર હતો, ‘ચાલો ફાસ્ટ...’

‘નો મીન્સ નો...’


ઢબ્બુએ પણ જીદ છોડી નહીં અને છોડે પણ ક્યાંથી? આજે પહેલી વાર એ બરાબર ગુસ્સામાં હતો, કારણ કે સ્કૂલમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ બન્ટી સાથે તેની ફાઇટ થઈ હતી. ફાઇટ પણ કેવી, મારામારીની.

lll

‘મિસિસ શાહ... ઇટ્સ નૉટ અ વે...’ પ્રિન્સિપલે મમ્મીને કહ્યું હતું, ‘તમારા સન પાસેથી આવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? તમે આટલાં એજ્યુકેટેડ, તમારા હસબન્ડ આર્કિટેક્ટ અને એનો સન આવી રીતે કૅમ્પસમાં ફાઇટ કરે? સો શેમફુલ.’

‘ઇટ ઇઝ... આઇ ઍગ્રી વિથ યુ મૅમ.’ મમ્મીના ચહેરા પર ખરેખર શરમ ઝળકતી હતી, ‘અમારા માટે પણ ઢબ્બુનું બિહેવિયર શૉકિંગ છે. વી વિલ ટૉક ટુ હિમ.’

‘પ્લીઝ... હું નથી ઇચ્છતી કે તમારો સન ફરીથી આ ભૂલ રિપીટ કરે.’

‘ઇટ્સ અવર પ્રૉમિસ.’

lll

બન્યું એવું હતું કે લંચ-બ્રેકમાં બન્ટીથી ઢબ્બુને ધક્કો લાગ્યો અને ઢબ્બુનું લંચબોક્સ ઢોળાઈ ગયું. ઢબ્બુને એમ કે બન્ટી હવે સૉરી કહીને તેને લંચ ઑફર કરશે, પણ ઊલટું બન્યું. બીજા બધા ફ્રેન્ડ્સ સાથે બન્ટી પણ જોર-જોરથી હસવા માંડ્યો અને પછી તે પોતાના લંચબૉક્સ સાથે બીજા ફ્રેન્ડ્સ સાથે ત્યાંથી રવાના થયો.

થોડા સ્ટેપ પછી બન્ટીને પાછળથી ધક્કો લાગ્યો અને તેનું લંચબૉક્સ ઢોળાઈ ગયું. આ ધક્કો ઢબ્બુએ જ માર્યો હતો અને ઇરાદાપૂર્વક માર્યો હતો.

‘સે સૉરી...’ બન્ટીએ બધા વચ્ચે દાદાગીરી કરતાં કહ્યું, ‘તે ઇન્ટેન્સ્લી કર્યું છે.’

‘તું પહેલાં સૉરી કહે, તેં પણ ઇન્ટેન્સ્લી જ કર્યું હતું.’

‘ના, મારાથી ભૂલથી ધક્કો લાગ્યો હતો...’

‘સેમ વિથ મી... મારાથી પણ ભૂલથી ધક્કો લાગ્યો હતો.’

બન્ટી ઢબ્બુની સામે જોતો રહ્યો. બન્ને એકબીજા સામે કતરાતા રહ્યા અને પછી અચાનક જ બન્ટીએ ઢબ્બુને જોરથી ધક્કો માર્યો. નસીબજોગે ઢબ્બુની પાછળ બીજા ફ્રેન્ડ્સ ઊભા હતા એટલે તેને ટેકો મળી ગયો, તે જમીન પર પડ્યો નહીં પણ પછી ઢબ્બુએ જે કર્યું એ ધારણા બહારનું હતું. પોતાની જાતને સંતુલિત કરી, ઢબ્બુએ સીધો જ તાકાત સાથે બન્ટીને ધક્કો માર્યો અને એ પછી બન્ને વચ્ચે મારામારી થઈ. બેમાંથી કોઈને કશું વધારે વાગે એ પહેલાં સ્કૂલના સિનિયર સ્ટુડન્ટ્સ આવી ગયા અને તેમણે બન્નેને છૂટા પાડ્યા. વાત પ્રિન્સિપાલ સુધી પહોંચી અને પ્રિન્સિપાલે બન્નેના પેરન્ટ્સને સ્કૂલમાં બોલાવ્યા.

lll

‘અત્યારે તું ઢબ્બુને કશું નહીં કહે.’ પપ્પા મીટિંગમાં હતા એટલે તેમણે ફોન પર જ મમ્મીને ઇન્સ્ટ્રક્શન આપી, ‘મૅડમ જે કહે એ ચૂપચાપ સાંભળી લે અને ઢબ્બુને લઈને ઘરે આવી જા. હું જ એની સાથે વાત કરીશ.’

‘વાત વધી ગઈ છે અવિ...’ ઉતાવળે ગાડી ચલાવતી મમ્મીની નજર રસ્તા પર પણ હતી, ‘હવે એને બે ચોડવી પડે તો ચોડી દેજે. ભલે રડતો...’

‘આવીને જોઈએ શું કરવું...’ પપ્પાએ ફોન મૂકતાં કહ્યું, ‘બાય...’

મમ્મીનો તો ‘બાય’ કરવાનો પણ મૂડ નહોતો.

lll

‘ચાલોને બહાર જઈએ...’ પપ્પા ઘરમાં આવ્યા કે તરત ઢબ્બુએ કહ્યું, ‘મને કંટાળો આવે છે...’

‘એય ખોટાડા... ઘરમાં તું રહ્યો છો કેટલી વાર?’ મમ્મીએ પપ્પાને ફરિયાદ કરી, ‘આવ્યો ત્યારનો બહાર જ હતો અને હું પરાણે ઘરમાં લઈ આવી તો ઘરે આવીને ગેમ રમ્યા કરે છે, મૅચ જોયા કરે છે...’

‘ભલે...’ ઢબ્બુ ફરી પપ્પા તરફ ફર્યો, ‘ચાલોને, મને ખરેખર ઘરમાં નથી મજા આવતી. બહાર જઈએ...’

‘ક્યાંય જવાનું નથી.’

ફરી મમ્મીનો ઑર્ડર આવ્યો અને પપ્પા મમ્મી તરફ ફર્યા.

‘એ મારી સાથે વાત કરે છેને? જરાક તો શાંતિ રાખ.’

‘અરે પણ આ... સ્કૂલમાં શું થયું એ...’

‘મને કંઈ નથી જાણવું...’ ઢબ્બુની આંગળી પકડી પપ્પા તેને કાઉચ પાસે લાવ્યા, ‘પહેલાં અમે આજે એક એવી સ્ટોરી સાંભળવાના છીએ જે સ્ટોરી મને વર્ષો પહેલાં દાદાએ કરી હતી.’

‘મારા દાદા કે તમારા દાદા?’ પ્રશ્ન પૂછી લીધા પછી ઢબ્બુ તરત જ મૂળ વાત પર આવ્યો, ‘એ સ્ટોરી આપણે બહાર કરીએ. ચાલોને...’

‘નો...’ પપ્પાએ કહ્યું, ‘પહેલાં સ્ટોરી. આજની સ્ટોરી બેટા તારા માટે બહુ જરૂરી છે. તારા માટે પણ અને અમારા બન્ને માટે પણ.’

‘તો તમે બન્ને એકબીજાને સંભળાવી દો.’ ઢબ્બુએ પ્લેસ્ટેશનનું રિમોટ હાથમાં લીધું, ‘હું એટલી વાર ગેમ રમું છું...’

‘નો ગેમ, નથિંગ...’ પપ્પાએ સ્ટોરી સ્ટાર્ટ કરી દીધી, ‘સ્ટોરી છે બુદ્ધુ નામના એક છોકરાની, એનું નામ બુદ્ધુ હતું અને એ સહેજ હતો પણ ઇડિયટ જેવો જ. કરવું શું હોય, કરતો શું હોય, કરવાનું કેવી રીતે હોય અને કરવાનું ક્યાંથી હોય એની એને કંઈ ખબર ન હોય તો પણ એ માને નહીં કે પોતાને કશી ખબર નથી.’

lll

એક દિવસ બુદ્ધુ પોતાની ટ્રાઇસિકલ લઈને ફરવા માટે ગયો. બહુ દૂર સુધી એ ફર્યો અને પછી એક જગ્યાએ એ આરામ માટે થોડી વાર સૂતો. સૂતા પહેલાં તેણે ટ્રાઇસિકલને લૉક લગાવી ચાવી પોતાના પૉકેટમાં મૂકી દીધી.

બુદ્ધુએ એટલી ટ્રાઇસિકલ ચલાવી હતી કે એ બહુ થાકી ગયો હતો. સહેજ અમસ્તો આડો પડ્યો ત્યાં તો તેને થાકના કારણે એકદમ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

કેટલી કલાક સૂતો હશે એની તો બુદ્ધુને ખબર જ ન પડી પણ એ જાગ્યો ત્યારે તેણે જોયું કે આજુબાજુમાં તો બહુ અંધારું હતું એટલે તે સમજી ગયો કે આ તો રાડ પડી ગઈ છે. અંધારુંઘોર જોઈને બુદ્ધુ ડરી ગયો અને આ ડરમાં ઉમેરો ત્યારે થયો જ્યારે તેને પપ્પા યાદ આવ્યા. બુદ્ધુના પપ્પા બહુ ગુસ્સાવાળા હતા. જો બુદ્ધુ સમયસર ઘરે ન આવે તો એ બહુ ગુસ્સે થતા. રસ્તો તો બુદ્ધુને યાદ જ હતો એટલે એવી કોઈ ચિંતા તેને નહોતી કે હવે તે પહોંચશે કેવી રીતે, પણ હા, હજી પણ તેને ઊંઘ આવતી હતી એટલે સાઇકલ હાથમાં લેતાં પહેલાં બુદ્ધુને આંખો પર પાણી છાંટવું હતું.

બુદ્ધુ ફટાફટ ઊભો થયો, ચાવી હાથમાં લઈ એ તો સીધો ગયો બાજુમાં જે નદી હતી ત્યાં. નદીકિનારે જઈ તેણે બહુ બધા પાણીથી મોઢું ધોયું, આંખો પર પાણી છાંટ્યું અને પછી ઊંઘ ઉડાડી બુદ્ધુ આવ્યો ફરીથી સાઇકલ પાસે.

‘હાશ... હવે ઊંઘ નથી આવતી.’

બુદ્ધુએ સાઇકલની ચાવી માટે પૉકેટમાં હાથ નાખ્યો પણ ચાવી તો પૉકેટમાં હતી નહીં. હવે, હવે કરવું શું?

બુદ્ધુએ ચાવી શોધવાનું શરૂ કર્યું. એ ચાવી શોધતો જ જાય, શોધતો જ જાય પણ તેને ચાવી મળે જ નહીં. અંધારું પણ બહુ હતું એટલે એ ચાવી શોધતો-શોધતો આગળ વધ્યો અને એક જગ્યાએ લાઇટ આવતું હતું ત્યાં ચાવી શોધવા માંડ્યો.

એ જગ્યાએ બેચાર નાનાં ઘરો હતાં. એ ઘરમાં આજુબાજુના ખેતરવાળા લોકો રહેતા. બુદ્ધુને જમીન પર કંઈ શોધતો જોઈને એ લોકો સમજી ગયા કે આ ભાઈનું કંઈ ખોવાયું છે એટલે એ બધા તેની મદદ કરવા માટે ત્યાં પહોંચ્યા.

‘શું થયું ભાઈ?’

‘ચાવી ખોવાઈ ગઈ.’

‘શાની?’ એક ભાઈએ પૂછ્યું, ‘ઘરની? જો એવું હોય તો ચિંતા નહીં કરતા, તમે આજની રાત અહીં સૂઈ જજો.’

‘ઘરની નહીં, મારી સાઇકલની...’ બુદ્ધુએ કહ્યું, ‘અહીં તો નહીં રોકાવાય. મારા પપ્પા ખિજાશે...’

બુદ્ધનો ઊતરી ગયેલો ચહેરો જોઈને ત્યાં આવ્યા હતા એ લોકોને દયા આવી ગઈ. એ બધામાં જે સૌથી બુદ્ધિશાળી લાગતો હતો એણે આગેવાની લીધી અને બધાને કહ્યું.

‘ચાલો, બધા ચાવી શોધવામાં લાગી જાય. આપણે આ ભાઈને ચાવી શોધી દેવાની છે અને એ પણ તાત્કાલિક...’

બધા ચાવી શોધવામાં લાગી ગયા.

વચ્ચે વચ્ચે બધા બુદ્ધુને પૂછતાં પણ જાય.

‘ચાવીમાં કીચેઇન હતી?’

‘હા, એમાં સુપરમૅનનો લોગો હતો...’

‘ચાવીની સાઇઝ કેવડી હતી?’

‘આવડી...’ પોતાની એક આંગળી દેખાડીને બુદ્ધુએ કહ્યું, ‘આ જ સાઇઝની હતી ચાવી...’

‘સ્ટીલની હતી કે લોખંડની?’

‘બ્રાસની... ગોલ્ડ લાગે એવી....’

બધાને બુદ્ધુ જવાબ આપતો જાય અને બધા ચાવી શોધતાં જાય પણ ચાવી ક્યાંય મળે નહીં. જાતજાતની એવી ચીજો મળી જેને એ ગામના લોકો વર્ષોથી શોધતા હતા પણ જેને અત્યારે શોધવામાં સૌ લાગ્યા હતા એ ચાવી ક્યાંય મળે નહીં.

એક કલાક.

બે કલાક.

અઢી કલાક...

સમય પસાર થતો જાય પણ ચાવીને ક્યાંય દર્શન થાય નહીં એટલે જે પેલો બુદ્ધિશાળી લાગતો હતો એ ભાઈ બુદ્ધુ પાસે આવ્યો.

‘ભાઈ, મને એક્ઝૅક્ટ એ જગ્યા દેખાડો જ્યાં તમારી ચાવી પડી...’

‘એ તો પાછળ છે...’

‘પાછળ ક્યાં?’

પેલાને નવાઈ લાગી એટલે બુદ્ધુએ હાથથી દૂર ઈશારો કર્યો.

‘ત્યાં નદી પાસે...’ બુદ્ધુએ કહ્યું, ‘હું મોઢું ધોવા ગયો ત્યારે ચાવી મારી પાસે હતી પણ ત્યાંથી હું રવાના થયો ત્યારે ચાવી મારી પાસે નહોતી.’

પેલા માણસની કમાન છટકી. તેણે ગુસ્સા સાથે બુદ્ધુની સામે જોયું.

‘ચાવી ત્યાં ખોવાઈ છે તો તું અહીં શું કામ એ શોધતો હતો?’

‘લાઇટ અહીં છેને...’ બુદ્ધુએ કહ્યું, ‘ત્યાં તો અંધારું છે... પ્રકાશ અહીં વધારે સારો છે તો મને થયું કે અહીંથી મળી જાય તો...’    

lll

‘આપણે બધા પણ આવું જ કરીએ છીએ...’ પપ્પાએ ઢબ્બુના માથા પર હાથ ફેરવ્યો, ‘આપણો કોઈ પ્રશ્ન હોય તો આપણે એને શોધવા માટે જાતમાં જોવું પડે, આપણી અંદર તપાસ કરવી પડે પણ આપણે શું કરીએ છીએ... આપણે આજુબાજુમાં જ્યાં આપણું મન અટવાઈ જાય, ગોઠવાઈ જાય અને આપણો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો ન રહે એવી જગ્યાએ પહોંચી જઈએ છીએ. ઘરમાં આવ્યા પછી પણ તારે ઘરમાં નથી રહેવું, તરત જ બહાર જવું છે. રાત પડી ગઈ છે એ પછી પણ તને ઘરમાં શાંતિથી બેસવાને બદલે ફરી બહાર જવું છે... આનું કારણ શું છે ખબર છે?’

ઢબ્બુ ચૂપચાપ પપ્પાની સામે જોતો રહ્યો.

‘જવાબ છે, તું જવાબ શોધવાનું ટાળીને બહાર ભાગવા માગે છે, કારણ કે જ્યારે પગ ચાલતા હોય તો મન શાંત રહે અને જ્યારે મન ચાલતું હોય ત્યારે પગ શાંત રહે...’ પપ્પાએ ઢબ્બુને સમજાવ્યું, ‘અત્યારે પગ શાંત રાખવાના છે ને મનને ચાલુ રાખવાનો સમય છે. તું તારા ફ્રેન્ડ સાથે આવું બિહેવ કરે એ વાજબી નથી એની તને પોતાને ખબર પડી ગઈ છે પણ તારે એ વાત સાથે સહમત નથી થવું એટલે તું મનને શાંત રાખવા માટે પગને ભગાડવાનું કામ કરે છે પણ ના બેટા, જ્યારે જેણે કામ કરવાનું હોય એને જ કામ કરવા દેવાનું. અર્થ વિનાનું ભાગવું એટલે વ્યર્થ જીવવું. હું નથી ઇચ્છતો કે આ જ તારું ફ્યુચર બને અને આમ તું ભવિષ્‍યમાં પણ જાતથી ભાગતો ફરે...’

‘મોબાઇલ આપોને...’ ઢબ્બુએ ધીમેકથી હાથ લંબાવ્યો, ‘બન્ટીને ફોન કરવો છે... બન્ટીને પણ ને એનાં મમ્મીને પણ...’

‘શું કામ?’

મમ્મી-પપ્પા બન્ને સાથે બોલ્યાં અને ઢબ્બુએ મમ્મીની સામે જોયું.

‘સૉરી કહેવા.’ ઢબ્બુની આંખમાં ચમક હતી, ‘મારે બુદ્ધુની જેમ જ્યાં લાઇટ હોય ત્યાં ભાગવું નથી. મારે જ્યાં જવાનું હોય ત્યાં જવું છે ને મારે અત્યારે સૉરી કહીને મારા પગ અને મન બેઉને શાંત કરવા છે.’

ઢબ્બુએ પપ્પા સામે જોયું.

‘તમને પ્રૉમિસ, ક્યારેય પેલી સ્ટોરીવાળા બુદ્ધુ જેવું બિહેવ નહીં કરું. જ્યારે પણ આવું બનશે ત્યારે હું પહેલાં મારું બિહેવિયર ચેક કરીશ. આઇ પ્રૉમિસ...’

     

સંપૂર્ણ

15 September, 2023 08:00 AM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK