પૅશન થકી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન પામી ચૂકેલી ધ્રિતી ગોસાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ધ્યાનચંદ અવૉર્ડ મળ્યો છે. સાડાત્રણ વર્ષની ઉંમરે જાતે જ પોતાના સ્કેટિંગ ગુરુ ખોળી કાઢનારી આ કન્યા રોજ સવારે ચાર વાગ્યે પ્રૅક્ટિસ કરવા લાગી પડે છે
રોજ બે કલાક ધ્રિતી ગોસાવી સ્કેટિંગની પ્રૅક્ટિસ કરે છે (તસવીર: સતેજ શિંદે)
સાવ બે-અઢી વર્ષની ઉંમરે બાળકો હજી જ્યાં ચાલતાં-બૅલૅન્સિંગ કરતાં શીખે એ ઉંમરે તો ધ્રિતી ગોસાવી પગમાં આ પવનપાવડી પહેરતી થઈ ગઈ હતી. કઝિન ભાઈબહેનોને સ્કેટ્સ પહેરીને ફરતાં જોઈ ગુજરાતી મમ્મી ફાલ્ગુની અને મરાઠી પપ્પા રાજેશની આ ઢીંગલી પણ રમત-રમતમાં સ્કેટિંગ ચડાવી લેતી. જોકે તેનું ઑફિશ્યલી સ્કેટિંગ શીખવાનું શરૂ થયું સાડાત્રણ વર્ષની ઉંમરે. એક રવિવારે પોઇસર જિમખાનામાં મમ્મી-પપ્પા સાથે રમવા ગયેલી ધ્રિતીએ ત્યાં સ્કેટિંગ શીખવતા સરને જઈને પૂછી લીધું, વિલ યુ ટીચ મી? સરે ધ્રિતીને તેના પેરન્ટ્સને બોલાવી લાવવા કહ્યું. પછી તો સ્કેટિંગનું બેઝિક લેવલ સ્ટાર્ટ થયું. અઠવાડિયાની અંદર ધ્રિતી બેઝિકમાંથી ઍડ્વાન્સ્ડ લેવલ પર પહોંચી ગઈ. એ જ વર્ષની ટ્રેઇનિંગ દરમિયાન આ છોટા પૅકેટે જુદી-જુદી સ્કેટ સ્પર્ધામાં સિલ્વર, બ્રૉન્ઝ અને ગોલ્ડ મેડલ જીતી બડા ધમાકા કર્યા.
૨૦૧૭માં ધ્રિતી સિનિયર કેજીમાં હતી એ વખતે કર્ણાટકના બેલગામ ખાતે યોજાયેલી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની રિલે માટે ગઈ હતી. તેની મમ્મી ફાલ્ગુની કહે છે, ‘એ વખતે એ પાંચ વર્ષની હતી. ૫૧ કલાકની નૉનસ્ટૉપ રિલે કરી હતી. અડધી રાત, મળસ્કે એમ દર ત્રણ કલાકે રિન્ગમાં જવાનું રહેતું. તે ખૂબ માંદી હોવા છતાં ૩૭૧ પાર્ટિસિપન્ટ્સ સાથે લૉન્ગેસ્ટ ચેઇન ઑફ રોલર સ્કેટર્સમાંના સક્સેસફુલ અટેમ્પ્ટના રેકૉર્ડ સાથે ગિનેસ બુકમાં ધ્રિતીનું નામ પણ નોંધાયું.’
ADVERTISEMENT
છ મહિનાનો બ્રેક
રફતારથી ભાગતી ધ્રિતીએ ત્યાર પછી લગભગ છ મહિના સ્કેટિંગ બંધ કરી દીધું. પ્રૅક્ટિસમાં મોટું ગાબડું પડી ગયું. છ મહિના પછી ફરી ઇનલાઇન સ્કેટિંગ શીખવા ગઈ ત્યારે તેણે ફરી એકડે-એકથી શરૂ કરવું પડ્યું. આજે છેલ્લાં ત્રણ વર્ષથી તે ઇનલાઇન સ્કેટિંગ કરે છે. હાલમાં ધ્રિતી સ્ટેટ લેવલની રેસમાં ભાગ લે છે. પુણે-ખોપોલી ખાતેની છ રેસમાંથી ત્રણ રેસમાં ફર્સ્ટ રાઉન્ડ પોઝિશન અને ફાઇનલમાં સિલ્વર મેડલ જીતીને આવી. બે વર્ષ પહેલાં અન્ડર-8 રૂરલ ગેમ રોલર સ્કેટિંગ નૅશનલ ચૅમ્પિયનશિપમાં પણ બ્રૉન્ઝ જીતી હતી અને કોવિડ ન હોત તો ઇન્ટરનૅશનલ રેસ માટે થાઇલૅન્ડ જવાની હતી.
કડી ટ્રેઇનિંગ
નવ વર્ષની વયે સ્પોર્ટ્સ માટે જે ડેડિકેશનથી હાર્ડ વર્ક કરે છે એ કાબિલેદાદ છે. ગેમના એન્જૉયમેન્ટ અને પર્ફેક્શન માટે તે સમયનું મૅનેજમેન્ટ કરે છે એ ખરેખર તાજુબ લાગે એવી વાત છે. દર એકાંતરે સવાર-સાંજ બે કલાકની રોડ પર પ્રૅક્ટિસ કરવાની. એ માટે સવારે ચાર વાગ્યે ઊઠી જવાનું. ઇન્ફિનિટી બૅક રોડ પરની પ્રૅક્ટિસ માટે મળસ્કે પહોંચી જતી ધ્રિતી કહે છે, ‘બીજા લોકો માંડ ઊઠ્યા હોય એ વખતે હું પ્રૅક્ટિસ પરથી પાછી આવું અને પછી થોડી વાર સૂઈ જાઉં. એ પછી ઑનલાઇન સ્કૂલ, સ્ટડી કરું અને સાંજે ફરી પાછી બે કલાકની પ્રૅક્ટિસ.’
ગેમ તો એ એન્જૉય કરે જ છે, પણ આખા દિવસના બિઝી શેડ્યુલ વચ્ચે બીજાં બાળકો સાથે રમવાનો ફનટાઇમ પણ તે મેળવી લે છે. ત્રીજા ધોરણમાં ભણતી ધ્રિતી રોજના ટાસ્ક પ્રમાણે રોજિંદી વૉર્મઅપ એક્સરસાઇઝ ઉપરાંત ૧૫૦૦ સ્કિપિંગ કરે અને સાથે સ્ટ્રિક્ટ ડાયટ પણ કરે. આ સ્કેટિંગ રૉક સ્ટાર વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયા, ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ, એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ, ઇન્ડિયન યંગ અચીવર બુક ઑફ રેકૉર્ડ્સ, યુનિક બુક ઑફ રેકૉર્ડ્સ, ચિલ્ડ્રન્સ રેકૉર્ડ્સ હોલ્ડર પણ છે. સ્કેટિંગ ઉપરાંત મ્યુઝિક અને ભરતનાટ્યમની પણ તે તાલીમ લઈ રહી છે.
તેનું પૅશન છે સ્કેટિંગ અને સપનું છે સ્કેટિંગમાં ઇન્ટરનૅશનલ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી દુનિયાના વેલનોન સ્કેટર બનવાનું.
અવૉર્ડ
તાજેતરમાં ધ્રિતીએ સ્કેટિંગમાં ધ્યાનચંદ અવૉર્ડ પણ મેળવ્યો. છેલ્લાં બે વર્ષથી સ્કેટિંગ માટે ધ્યાનચંદ અવૉર્ડ ફાળવવામાં આવે છે.

