શત્રુને બરાબર ઓળખવો હોય તો પહેલાં તેને ઓળખવો પડે, તેની નબળાઈ જાણવી પડે
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
યાદ રાખજો, આ સિરીઝ જીવનમાં ખૂબ ઉપયોગી બનવાની છે. જીવનમાં પણ અને તમારી એકેક સ્ટ્રૅટેજીમાં પણ. તમારા વિકાસમાં પણ અત્યારે જે વાતો થઈ રહી છે એ બધી ઉપયોગી બનવાની છે અને તમારી સફળતામાં પણ ચાણક્યના જીવનની આ વાતો લાભદાયી પુરવાર થવાની છે. ચાણક્ય એક એવી વ્યક્તિ હતી જેમણે સફળતા માટે શામ, દામ, દંડ અને ભેદને ક્યારેય મહત્વ નહોતું આપ્યું. કામ થવું જોઈએ અને એ કામમાં સફળતા મળવી જોઈએ એવી જ તેમની ગણતરી રહેતી અને એ ગણતરી જરાપણ ખોટી નથી. જો તમે ઇચ્છતા હો કે સફળતા તમારી સાથે હોય તો તમારે એ સમયે માત્ર કાર્યને ધ્યાનમાં રાખવાનું હોય.
ADVERTISEMENT
ચંદ્રગુપ્તને પણ હતું કે તે એકલો કેવી રીતે સિકંદર જેવા મહાન યોદ્ધાને હરાવી શકવાનો. આ જ શંકા તેણે ચાણક્ય સામે વ્યક્ત કરી ત્યારે ચાણક્યએ કહ્યું હતું કે જો શત્રુને બરાબર ઓળખવો હોય તો પહેલાં તેની નજીક જવું પડે, તેને મિત્ર બનાવવો પડે અને એ પછી તેની એકેક નબળાઈ, એકેક દુર્ગુણ જાણવાં પડે. જો તમે નબળાઈ અને દુગુર્ણ જાણતા હો તો અને તો જ તમે તમારા હરીફને કે તમારા શત્રુને પછાડી શકો.
ચાણક્યએ એવું જ કર્યું અને તેણે ચંદ્રગુપ્તને સિકંદરની સેનામાં ભરતી કરાવી દીધો. આ કામ ખૂબ અઘરું હતું, પણ એ અઘરું કામ ચાણક્યની નીતિઓથી શક્ય બન્યું અને એ શક્યતા આપણે પણ જોવાની છે. આપણે પહેલેથી જ પૂર્વગ્રહો એટલા બાંધીને બેસી રહીએ છીએ કે ટીમમાં નવી આવતી વ્યક્તિની સાથે હળીમળીને રહેવાને બદલે સીધું જ તેનાથી અંતર કરી લઈએ છીએ, પણ એવું અંતર કરવાને બદલે બહેતર છે કે તમે નજીક જઈને તેને ઓળખો અને ઓળખ્યા પછી તેને જાણો. કાં તો તમને એનું સાચું રૂપ ખબર પડશે જે તમારાથી અજાણ છે અને કાં તો તમે ધાર્યું છે એવું જ રૂપ તેનું નીકળશે અને તમે તેની નબળાઈઓ જાણીને નવું પગલું લઈ શકશો. ચાણક્યએ ચંદ્રગુપ્તને તેની સેનામાં મોકલીને બે કામ કર્યાં હતાં.
આ પણ વાંચો : ચંદ્રગુપ્ત બનવાની તક ત્યારે જ મળે જ્યારે કોઈ ચાણક્ય બનીને જીવનમાં આવે
એક તો એ કે જે સિકંદરની તેણે માત્રો વાતો જ સાંભળી હતી એ સિકંદરની હકીકતમાં તાકાત કેવી છે એનો તેણે પરિચય મેળવી લીધો. સિકંદરની સેનામાં રહેલા સૈનિકોની ક્ષમતા, તેની હથિયારોની તાકાતથી માંડીને સિકંદરની કામ કરવાની રીતભાત અને તેની બીજી બધી એવી વાતો જાણવાનું શરૂ કરી દીધું જે જાણવી તેમના માટે ખૂબ જરૂરી હતી. ચંદ્રગુપ્ત પણ તેનો સાગરીત હતો, તેમના હાથ નીચે તૈયાર થયો હતો એટલે ધારણા હતી એના કરતાં પણ વધારે તે લાવવાને સમર્થ હતો. ચંદ્રગુપ્તે આ બધી વાતો જ નહીં પણ ચાણક્યને એ બધી વાતો પણ લાવી આપી જે હકીકતમાં સિકંદરની ભાવિ યોજનાઓ હતી. આ પ્રકારનું કામ એ સમયે પહેલી વાર થઈ રહ્યું હતું, આ એ સમયની વાત છે જે સમયે રૉ અને FBIનો જન્મ પણ નહોતો થયો.
રૉ-RAW = રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ, FBI = ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન


