સપનું જોવું નહીં પણ જોયેલું સપનું સાકાર કરવાની ક્ષમતા એનું નામ ચાણક્ય
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
જો તમારો ગુસ્સો દૂધના ઊભરા જેવો હોય તો એ ફક્ત ચૂલો બગાડવાનું કામ કરે, પણ જો તમે ગુસ્સાને દૃઢ સંકલ્પમાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવતા હો તો એ ગુસ્સો, પોતાનું રૂપ બદલીને સંકલ્પ બની જાય. ચાણક્યે એ આ જ નીતિ પોતાની લાઇફમાં પણ અમલી બનાવી અને તેમના એ ગુસ્સાએ મગધના સામ્રાજ્યને એક નવો રાજવી આપવાનું કામ કર્યું હતું, એક એવો રાજવી જેના શાસનકાળે હિન્દુસ્તાનના શાસનકાળને શ્રેષ્ઠ શાસન આપ્યું હતું, પણ એ પહેલાં ચાણક્યએ જે કર્યું એ જાણવા અને સમજવા જેવું છે. ઇતિહાસમાં આ આખી વાતની નોંધ છે પણ એ નોંધને ઘટના તરીકે લેવામાં આવી છે. મારે તમને એ જ વાત જરા જુદી રીતે કહેવી અને સમજાવવી છે.
ADVERTISEMENT
ચાણક્યને હવે એવું લાગવા માંડ્યું હતું કે તે જે અખંડ હિન્દુસ્તાનનું સપનું જુએ છે એ અખંડ હિન્દુસ્તાન માટે કદાચ કોઈ તૈયાર નહીં થાય. જે સમયે ચાણક્યને આ લાગ્યું એ સમયે જ ચાણક્યએ નક્કી કર્યું કે સપનું જોવાનું છોડી દેવાને બદલે શું કામ એવી કોઈ વ્યક્તિ તૈયાર ન કરવી જે અખંડ હિન્દુસ્તાનના તેમના સપનાને સાચા અર્થમાં સાકાર કરીને દેખાડે. ચાણક્યએ એ જ દિશામાં કામ કર્યું જે દિશામાં કામ કરતાં પહેલાં જ આપણે મોટા ભાગે હિંમત હારી જતાં હોઈએ છીએ. બિઝનેસ હોય કે કૉર્પોરેટ હાઉસ, કોઈએ પણ આ વાતને સમજવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. વ્યક્તિગત રીતે પણ આ વાત લાગુ પડે છે. સપનાંઓને પડતાં મૂકવાને બદલે અકલ્પનીય લાગતાં સપનાંઓને પૂરાં કરવાની આ જે યાત્રા છે એ યાત્રામાં એવી વ્યક્તિને સાથે લેવી જોઈએ જે વ્યક્તિ બધી જ રીતે સક્ષમ હોય અને તમારાં સપનાઓને સાકાર કરવાનું કામ પણ સુપેરે કરી શકતી હોય. રાજ ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું છે પણ એ રાજ અને અખંડ હિન્દુસ્તાનનું સપનું ચાણક્યનું હતું એ કોઈએ ભૂલવું ન જોઈએ. એના માટે ચાણક્યએ કેવું કામ કર્યું છે એ જુઓ તો તમને સમજાશે કે ચાણક્યએ માત્ર જગતને ચાણક્ય નીતિ નથી આપી પણ તેમણે પોતાના જીવનમાં પણ એ ચાણક્ય નીતિનો અમલ કરી રાખ્યો હતો.
આ પણ વાંચો : હમ હોંગે કામયાબ અખંડ હિન્દુસ્તાનનું સપનું અને ચાણક્યની છૂટી ગયેલી ચોટલી
ચાણક્યએ એક એવી વ્યક્તિ શોધી જેના ખભા પર અખંડ હિન્દુસ્તાનનું સપનું ઉપાડવાની ક્ષમતા હતી, તાકાત હતી અને ત્રેવડ પણ હતી. જો આ ક્ષમતા અન્ય કોઈમાં દેખાઈ હોત તો ચાણક્યએ મૌર્યને બદલે બીજા કોઈને પસંદ કર્યો હોત, પણ ના, એવું નહોતું. ચાણક્યએ આ કામ એ સ્તર પર કર્યું જે સ્તર પર કોઈ કંપનીનો ચીફ એક્ઝ્ક્યુટિવ ઑફિસર કે પછી મૅનેજિંગ ડિરેક્ટર કરતા હોય છે અને એવું જ સ્તર પણ મેળવતા હોય છે. ચાણક્ય માટે આ શોધ એક અકલ્પનીય યાત્રા હતી, પણ એ યાત્રા તેણે ચંદ્રગુપ્તને શોધીને પૂરી કરી અને પછી પોતાનું બધું એ ચંદ્રગુપ્તમાં વાવી દીધું એવું કહીએ તો પણ ચાલે. જરા કલ્પના તો કરો, ચાણક્ય જ્યારે ચંદ્રગુપ્તને મળ્યો ત્યારે તેની ઉંમર માત્ર અને માત્ર સોળ વર્ષની હતી અને ચાણક્યએ આ સોળ વર્ષના છોકરાને તૈયાર કર્યો, પેલા સિકંદરને હરાવી દેવા માટે.


