હા, એક પણ વાર અમેરિકા ગયા વિના ઍટલાન્ટાનું પહેલું અને અત્યાર સુધીનું એકમાત્ર દેરાસર અમે બનાવ્યું અને એ નિર્માણ સાથે સંકળાયેલી અઢળક રસપ્રદ વાતો યાદગીરી બની રહી છે
પ્રતીકાત્મક તસવીર
અમે પથ્થરના મંદિરનો આગ્રહ રાખીએ, પણ ઘણી વાર એવું પણ બને કે પથ્થરના મંદિર માટે પૂરતું બજેટ ન હોય તો શું કરવાનું? આવો જ એક નાનકડો વિચાર મનમાં ચાલતો હતો અને એ દરમ્યાન અમેરિકાના એક જૈન સંઘે અમારો સંપર્ક કર્યો. વાત છે ૨૦૧૦ની આસપાસની. સંપર્ક કરનારા જૈન શ્રેષ્ઠીઓ અમેરિકામાં સંસ્થા ચલાવતા હતા, જેનું નામ હતું જૈન સોસાયટી ઑફ ગ્રેટર ઍટલાન્ટા. સંઘની ઇચ્છા હતી કે એ લોકો જૈનોનું એક દેરાસર અમેરિકાના ઍટલાન્ટામાં બનાવે, જેથી ઍટલાન્ટાને દેરાસર મળે. એ સમયે ઍટલાન્ટામાં કોઈ દેરાસર નહોતું. મંદિરો હતાં, પણ દેરાસર કોઈ નહીં.
ઍટલાન્ટાના નોરક્રૉસમાં અને બીજી પણ બે-ત્રણ જગ્યાએ એ લોકો પાસે જમીન હતી. સંઘે અમારો સંપર્ક કર્યો અને જમીનનું માપ-સાઇઝથી લઈને એની દિશા અને એ બધું અમને મોકલાવ્યું. જે જમીનો હતી એ પ્રમાણમાં નાની હતી. એ પહેલાં કહી દઉં કે મહત્ત્વનું એ હતું કે ઍટલાન્ટામાં પહેલું દેરાસર બનવાનું હતું. એ દિવસોમાં અમારી પાસે કામ પણ પુષ્કળ એટલે નવા મંદિરનું કામ લઈ શકાશે કે નહીં એ પણ પ્રશ્ન હતો. જોકે મને થયું કે આપણે ના ન પાડવી જોઈએ. અમે દિશા તથા શાસ્ત્રોક્ત રીતે એ જગ્યા જોઈ લીધી, જેમાંથી એક જગ્યા દેરાસર બનાવવા માટે સરસ હતી. અમે કહ્યું કે જો અહીં દેરાસર બનાવવામાં આવે તો સારું. સંઘ તૈયાર થઈ ગયો અને પછી વાત આવી કે દેરાસર કેવું બનાવવું?
ADVERTISEMENT
અહીં એક વાત કહું.
પથ્થરોના અને સિમેન્ટ-કૉન્ક્રીટના મંદિર વચ્ચે બજેટનો બહુ મોટો પ્રશ્ન છે. સિમેન્ટ-કૉન્ક્રીટના મંદિરની સરખામણીમાં પથ્થરોનું મંદિર બનાવવામાં ઑલમોસ્ટ અઢી-ત્રણગણું જેટલું બજેટ વધી જાય. એ જે સંઘ હતો એની ભાવના સારામાં સારું દેરાસર બનાવવાની ચોક્કસ હતી, પણ એમ છતાં બજેટનો પ્રશ્ન હતો તો સાથોસાથ સમયનો પણ અભાવ અને વધુ એક વાર ફૉરેનની ગવર્નમેન્ટને પથ્થરના મંદિર માટે બધી વાત સમજાવવાની કડાકૂટ આવીને ઊભી રહે એવી શક્યતા પણ હતી. એ વાત અલગ છે કે હવે અમારી પાસે લંડનના નિસ્ડનના મંદિરનો ટ્રૅક-રેકૉર્ડ હતો. જો અમેરિકન કાઉન્સિલ પથ્થરના મંદિર પર કોઈ પ્રશ્ન ઊભો કરે તો અમે એ આખો ટ્રૅક-રેકૉર્ડ એ લોકો સામે મૂકી શકતા હતા એટલે એ મુદ્દો નહોતો, પણ વાત હતી બજેટ અને સમયની.
મને યાદ નથી પણ એ સમયમાં અમારાં અહીં ત્રણ-ચાર મંદિરનું કામ ચાલતું હતું એટલે અમેરિકાની દોડધામ થઈ શકે એવું નહોતું. અમે નક્કી કર્યું કે આપણે આ દેરાસરનું કામ કરીએ એ નક્કી, પણ કામને એવી રીતે હાથમાં લઈએ જેથી બજેટમાં પણ બહુ મોટો પ્રશ્ન ન આવે અને કામમાં પણ વધારે સમય ન જાય.
ફરીથી સંઘના કમિટી મેમ્બર સાથે મીટ િંગ થઈ. એ લોકોએ પણ બજેટ પર કામ કરી લીધું હતું, પણ નક્કર પથ્થરનું મંદિર બની શકે એટલું બજેટ ઊભું નહોતું થયું. તેમનો પણ આગ્રહ એવો હતો કે જે કોઈ એ દેરાસર જુએ તે બધાને એવું જ લાગવું જોઈએ કે ઍટલાન્ટામાં જે દેરાસર બન્યું એ પથ્થરનું જ બન્યું છે અને એ જોઈને લોકો ખુશ થાય.
હવે આવું કરવું કઈ રીતે?
વિચારતાં-વિચારતાં અમને જવાબ મળ્યો કે આપણે આ કામ કરી શકીએ જો આપણને ત્યાં એવા સ્થાનિક આર્કિટેક્ટ મળી જાય જે આપણી જેમ જ નવા પ્રકારનું કામ કરવા ઉત્સુક હોય. આ કામ પણ સંઘે જ સંભાળ્યું અને એ લોકો કન્સલ્ટન્ટ તરીકે અમારી સામે લાવ્યા ટોની પટેલને. ટોની પટેલ આવવાને કારણે અમને બે ફાયદા થયા.
એક તો અમારા માટે કમ્યુનિકેશન સરળ થઈ ગયું. ટોની પટેલ આપણા ગુજરાતી એટલે તેમને સમજાવવાનું કામ બહુ આસાન થઈ ગયું અને બીજો ફાયદો એ થયો કે ત્યાં ગયા વિના જ અમે એ આખું દેરાસર અહીંથી ઊભું કરી શક્યા. હા, ઍટલાન્ટાનું દેરાસર બનાવવાની આખી પ્રોસેસ અમે અહીં બેઠાં જ કરી છે. એના માટે અમે એક પણ વાર અમેરિકા ગયા નથી અને એ વાતને લીધે જ મને મારી કરીઅરમાં ઍટલાન્ટાનું આ દેરાસર યાદ રહી ગયું છે. કેવી રીતે અમે એ કામ કર્યું અને કેવી રીતે એ દેરાસરને પથ્થરના દેરાસરનો લુક મળ્યો એની હજી પણ કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો છે, પણ એ વાતો હવે આવતા રવિવારે.

