લગ્નમાં છોકરીઓએ સહન કરવાનું આવતું હતું એ હવે નાબૂદ થઈ ગયું છે
પ્રતીકાત્મક તસવીર
આજની યુવા પેઢીને લગ્ન જ નથી કરવાં. તેઓ માને છે કે લગ્ન કરવાં જરૂરી નથી. આ બધું જોતાં મને લાગે છે કે લગ્નસંસ્થા જ નાબૂદ થઈ જશે, કારણ કે આજનાં યુવાનો લગ્ન કરવામાં નથી માનતાં. સાથે રહેવું હોય ત્યાં સુધી રહે અને ન ફાવે એટલે છૂટાં પડી જાય, ડિવૉર્સની માથાકૂટ જ નહીં. સામે રોજ એ ડર પણ રહે કે મૂકીને જતો રહેશે કે જતી રહેશે તો?
સ્ત્રીસ્વાતંય અને સ્ત્રીનું પુરુષસમોવડી હોવું બહુ મોટી અને સારી વાત છે. લગ્નમાં છોકરીઓએ સહન કરવાનું આવતું હતું એ હવે નાબૂદ થઈ ગયું છે. હવે દીકરીઓ કોઈથી ગાંજી જાય એમ નથી. તેને દબાવી ન શકાય, વરનો કે સાસુનો કે કોઈ જાતનો તેને ડર નથી રહ્યો. આ બધાથી તેને મુક્તિ મળી ગઈ છે. માતૃત્વ અપનાવવું હોય તો અપનાવે, નહીં તો કહી દે છે કે બાળકો નથી જોઈતાં. અગાઉ સંતાન ન હોવાથી મહિલા વાંઝણી કહેવાતી, પણ હવે આ પ્રિફર્ડ સ્ટેટસ છે. જો જરા સેન્સિબલ થાય તો બાળક અડૉપ્ટ કરી લે છે. આ પણ સારી વાત છે કે મા-બાપ વિનાનું બાળક અહીં સચવાઈ જાય છે. સેક્સ બાબતે પણ હવે તેને જબરદસ્તી ન કરી શકાય. એવું નથી કહેતી કે અગ્નિદાહ માટે દીકરો જ જોઈએ, પણ કર્મો ભૂંસાવા માંડશે, પાપ-પુણ્યની વ્યાખ્યા બદલાઈ જશે. તમને ગમે અને ફાવે એ પુણ્ય કહેવાશે!
ADVERTISEMENT
સ્ત્રીને સ્વતંત્રતા મળી એ સારી વાત છે; પણ સાથે સહનશીલતા, ધીરજ જેવા ગુણો ચાલ્યા ગયા છે. પરિવાર, પોતાપણું અને જતું કરવાની ભાવના જતી રહી છે. એવી સંસ્કારહીન પ્રજા પેદા થશે જેનામાં એકબીજા માટે પ્રેમ, પરિવાર માટેની ભાવના, એકબીજાને આપવાની, જતું કરવાની ભાવના જ નહીં રહે અને તો આપણે પ્રાણી જેવું જીવન જીવતા થઈ જઈશું. કોણ મા-બાપ, કોણ ભાઈ-બહેન કે કોણ પતિ-પત્ની? જીવન પ્રેમવિહોણું થઈ જશે? પ્રેમ હશે તો એ પણ કન્ડિશનલ હશે. તમે કલ્પી શકો કે કુટુંબ અને પરિવાર વિના આપણે કેવા ઉઘાડા પડી જઈશું. અમે કમાઈએ છીએ, કોઈની ગરજ નથી. આ બધાને સ્વતંત્રતા કે કોઈ પણ લેબલ આપો, પણ આમાં નુકસાન ઘણું છે, કશું ફાયદાકારક નથી. મને ડર લાગે છે કે કેવો ભયંકર સમાજ હશે, પાછું વાળનારું કોઈ વડીલ નહીં હોય. માણસ અને પ્રાણીમાં ફરક જ નહીં રહે, DNA જેવું કશું નહીં રહે. માનવજાતે આની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. ભયંકર પસ્તાવો થશે. મને આશા છે કે એક પૉઇન્ટ પર બધું રિવર્સ થશે, પાછું આવશે. અગાઉ હતી એવી સમાજ-વ્યવસ્થા પાછી આવશે.
- ડૉ. રૂપા શાહ (ડૉ. રૂપા શાહ SNDT યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર છે અને સમાજ તથા શિક્ષણક્ષેત્રે અગ્રણી નામ ધરાવે છે)

