આપણા દેશની સ્વતંત્રતા અને આપણને મળતા અધિકારોની સરખામણી દુનિયાના એક પણ દેશ સાથે થઈ શકે એમ નથી, પણ કમનસીબી છે કે આપણે આપણી સ્વતંત્રતાને બહુ હળવાશથી લઈ લીધી છે.
હા, ભારત જેવો એક પણ દેશ વિશ્વમાં નથી એ કહી દઉં તમને
આખી દુનિયા ફર્યા પછી હું આ સ્ટેટમેન્ટ કરું છું. આપણા દેશની સ્વતંત્રતા અને આપણને મળતા અધિકારોની સરખામણી દુનિયાના એક પણ દેશ સાથે થઈ શકે એમ નથી, પણ કમનસીબી છે કે આપણે આપણી સ્વતંત્રતાને બહુ હળવાશથી લઈ લીધી છે. દેશની ઘણી વાતો બહુ સારી છે, પણ એની સાથે ઘણા બદલાવોની દિશામાં પણ આપણે આગળ વધવાની જરૂર છે
ADVERTISEMENT
આપણે આપણા અધિકાર માટે લડી શકીએ અને ન્યાય મેળવી શકીએ એ જ તો આપણા ભારતની સૌથી મોટી ખાસિયત છે અને એટલે જ આજે પણ ભારત મને પ્રિય છે.
હું મુંબઈ આવી ત્યારે માત્ર ૨૨ વર્ષની હતી. એકલી બસ, ટ્રેનમાં ટ્રાવેલ કરતી. ૬થી ૯માં એકલી ફિલ્મ જોવા જતી. મને અહીં ડરનો અનુભવ નથી થયો, નિર્ભય થઈને ફરી શકતી. કદાચ આ નિર્ભીકતા મને ભારતનું કૉન્સ્ટિટ્યુશન આપે છે. જે ડેમોક્રસી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાલમાં ફેલ ગઈ છે એ આજે પણ ભારતમાં સફળતા સાથે અગ્રેસર છે.
આટલું જો બદલાય તો...
આપણા દેશમાં જેટલી સ્વતંત્રતા છે એટલો જ એનો દુરુપયોગ કરનારાઓ પણ છે. એને કન્ટ્રોલ કરવામાં કરપ્શનને કારણે આપણા કાયદો અને સંવિધાન પાછળ પડ્યાં છે, જેનો મને રંજ છે. આપણે ત્યાં કાયદો-વ્યવસ્થાને તોડવાનું કામ જો કોઈ કરી શકે તો એ છે ૧૦૦ રૂપિયાની નોટ. દરેક સ્તરે કરપ્શનનો જે ગંદવાડ આપણે ત્યાં ફેલાયો છે એના પર કન્ટ્રોલ આવવો બહુ જરૂરી છે. કોઈ ગાડી ટ્રાફિકનો નિયમ તોડે તો એને ફાઇન થવો જ જોઈએ અને એ ફાઇન લેવાયો છે કે નહીં એની એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આપણે ત્યાં બનવી જોઈએ. તમે પૈસા ખવડાવો એટલે તમને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે એ બીજા દેશોમાં મેં ઓછું જોયું છે અને મોટા ભાગે તો એવું જોવા જ નથી મળ્યું. ઇન ફૅક્ટ બીજા દેશોમાં વીઆઇપી કલ્ચર બહુ કન્ટ્રોલમાં છે. આપણે ત્યાં અમુક શહેરોમાં મહિલાઓ પર રેપ થાય જ નહીં એ પ્રકારની વ્યવસ્થા નથી, પણ ભ્રષ્ટાચારી અને મર્ડરનો આરોપ મુકાયો હોય એવા નેતાની ગાડી સાથે ચાર-ચાર સુરક્ષા વૅન ફરતી હોય છે. આ કલ્ચર બંધ થવું જોઈએ. દુબઈ હોય કે આયરલૅન્ડ, ત્યાંના નેતાઓ પોતે સાવ સામાન્ય માણસની જેમ પોતાની ગાડી ચલાવતા હોય છે. એ લોકો પણ પોતાના ટૅક્સ ભરતા હોય અને પોતાના ખર્ચે ફરતા હોય. આપણે ત્યાં નેતાઓના જે બધા તામઝામ છે એ કોના ખર્ચે? સિમ્પલ જવાબ છે, ટૅક્સ પેયર્સના ખર્ચે. આપણા દેશમાં આવા બદલાવોની તાતી જરૂર છે.
બીજી એક વાત, આજેય આપણે ત્યાં લોકો એન્વાયર્નમેન્ટને લઈને બહુ સજાગ નથી. તમે વિચાર કરો કે ભારતનું ભૌગોલિક લોકેશન કેટલું સરસ છે. અહીં શિયાળો, ઉનાળો, ચોમાસું એમ ત્રણેત્રણ ઋતુ છે અને એ પણ બરાબર ભાગમાં વહેંચાયેલી છે. બારેય માસ ફ્રેશ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ આપણે ખાઈ શકીએ છીએ. દરિયો, પહાડ, નદી, રણ, ખીણ એમ બધું જ દેશ પાસે છે. જેના પર ઈશ્વરે આટલી કૃપા કરી છે એ ભારતના કુદરતી સૌંદર્યને આપણે નથી જાળવી રહ્યા. કુદરતી જગ્યાઓને આપણે આડેધડ બગાડી રહ્યા છીએ. ગમે ત્યાં કચરો કરીએ, પ્લાસ્ટિકનો અનકન્ટ્રોલ ઉપયોગ કરીએ. આ અટકવું જોઈએ એવું નથી લાગતું? એવી જ રીતે આજે પણ આપણા દેશમાં કામ કરતી મહિલાએ પણ નોકરીએથી જઈને રસોઈ બનાવવાની, પણ પુરુષોએ કંઈ નહીં કરવાનું એ નિયમ હવે બદલો. ઘરમાં દીકરો અને દીકરી બન્ને છે તો દીકરીએ જો ઝાડુ કાઢવાનું હોય કે શાક સમારવાનું હોય તો એ વાત દીકરાને પણ એટલી જ લાગુ પડે. શીખવો તેને. ઑફિસથી થાકેલી મહિલા જ ખાવાનું બનાવે એવું નહીં, પણ પુરુષો પણ એ કરી શકે એવું કલ્ચર ભારતના દરેક ઘરમાં ડેવલપ થવું જોઈએ. મહિલાઓની અને તેમના કામની રિસ્પેક્ટ જો દરેક ઘરમાં થવાની શરૂ થશે તો આપણે ત્યાં સ્ત્રી વિરોધી ગુનાઓમાં પણ ખૂબ મોટો ફેર પડી જશે.

