માત્ર પિસ્તાળીસ મિનિટમાં લતાજીએ ‘કભી ખુશી કભી ગમ’નું આ ટાઇટલ સૉન્ગ અને એનાં જે બીજાં સૅડ-વર્ઝન, આલાપ બધું જ રેકૉર્ડ કર્યું
ના જુદા હોંગે હમ કભી ખુશી કભી ગમ
આજે પણ મને યાદ છે એ દિવસ જે દિવસે ‘કભી ખુશી કભી ગમ’નું ટાઇટલ સૉન્ગ રેકૉર્ડ થયું. ટાઇટલ સૉન્ગ લતાજી જ ગાશે એવું કરણ જોહરના મનમાં ક્લિયર હતું અને જ્યારે તે સ્ક્રિપ્ટ લખતો હતો ત્યારે જ તેણે એના પર લખી નાખ્યું હતું. હું તો એ સમયે ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સો નવો, રામગોપાલ વર્માની સાથે કામ કરવાનો એક્સ્પીરિયન્સ ખરો પણ ધર્મા કે પછી કરણ જોહરના કામ સાથે એની કોઈ કમ્પૅરિઝન ન થઈ શકે. ધર્માનું બધું કામ લાર્જર ધૅન લાઇફ, પ્યૉર સોશ્યલ અને ફૅમિલી એન્ટરટેઇનર.
ધર્મા જૉઇન કરતી વખતે જ મેં કરણને કહ્યું હતું કે હું બધા ડિપાર્ટમેન્ટમાં કામ કરીશ જેથી મને એક્સ્પીરિયન્સ મળે. નૅચરલી કરણ પણ એ વાતથી ખુશ હતો. જ્યારે મ્યુઝિકનું કામ શરૂ થયું ત્યારે મને દેખાયું કે બૅકગ્રાઉન્ડ સ્કોરથી લઈને આલાપ અને સૉન્ગના મુખડાથી લઈને અંતરા સુધીમાં સ્ક્રીન પર શું દેખાશે એ બધાની તેને ક્લૅરિટી હતી. તમને યાદ હશે કે ૨૦૦૧ અને ૨૦૦૨ એમ બન્ને વર્ષમાં સોની મ્યુઝિકે હાઇએસ્ટ જો કોઈ મ્યુઝિક આલબમનું સેલ કર્યું હોય તો એ ‘કભી ખુશી કભી ગમ’નું હતું. ચાર્ટબસ્ટર મ્યુઝિક હતું, જેનો બધો જશ કરણ જોહર અને તેની મ્યુઝિક સેન્સને જાય છે.
ટાઇટલ સૉન્ગ જયા બચ્ચન પર હશે, એ ટાઇટલ સૉન્ગમાં આરતી હશે અને એ સ્ક્રીન પર આખી ફૅમિલી રહેશે એટલી ક્લૅરિટી સાથે આખું ગીત લખાયું હતું. મેં તમને કહ્યું એમ આ ટાઇટલ સૉન્ગ લતા મંગેશકર ગાશે એ પણ ક્લિયર હતું અને સ્ક્રિપ્ટ સમયે કરણે એ સ્ક્રિપ્ટ પર જ લખી નાખ્યું હતું. સમીરસાહેબે ગીત લખ્યું અને જતીન-લલિતનું મ્યુઝિક હતું.
‘કભી ખુશી કભી ગમ’નું ટાઇટલ સૉન્ગ બપોરના સમયે રેકૉર્ડ થવાનું હતું.
એ દિવસ, એ મિનિટ... | વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ હતું. જતીન-લલિત, ઑલમોસ્ટ સવાસો જેટલા તેમના મ્યુઝિશ્યન, સમીરસાહેબ, કરણ જોહર, પ્રોડ્યુસર યશઅંકલ એટલે કે યશ જોહર, ચીફ રેકૉર્ડિસ્ટ અને સાઉન્ડ એન્જિનિયર દમન સૂદ બધા આવી ગયા હતા અને બાર વાગ્યાની આસપાસ લતાદીદી આવ્યાં. હું આજે પણ કહીશ કે તે જેવાં સ્ટુડિયોમાં દાખલ થયા કે સ્ટુડિયોની આખી ઑરા ચેન્જ થઈ ગઈ. જાણે કે કોઈ પવિત્ર સોલ આવે અને આખું વાતાવરણ પૉઝિટિવ થઈ જાય એવું વાતાવરણ થઈ ગયું. હું કહીશ કે સ્ટુડિયોની દીવાલો પણ જાણે કે લતાજીને રિસ્પેક્ટ આપતી હોય એવી ફીલિંગ્સ પ્રસરી ગઈ હતી.
લતાજી આવીને સૌથી પહેલાં યશઅંકલને મળ્યા, કરણને મળ્યા. યશઅંકલ તેમને રિયલ સિસ્ટર જેવું જ રિસ્પેક્ટ આપતા. યશઅંકલે તેમને પહેલાં લંચ માટે કહ્યું પણ લતાજીએ લંચની ના પાડી. થોડી વાતો થઈ એટલે લતાજીએ કહ્યું કે આપણે વાતો પછી કરીએ, હું અત્યારે સૉન્ગની ઑરામાં છું અને રસ્તામાં જ રિયાઝ કરતી આવી છું તો પહેલાં આપણે રેકૉર્ડિંગ કરીએ.
હા, લતાજી પેડર રોડથી સ્ટુડિયો સુધીના રસ્તામાં આખું સૉન્ગ રિહર્સલ કરતાં આવ્યાં હતાં. તેમનો આ સ્વભાવ હતો. એ સૉન્ગની સાથે પોતાની જાતને ભેળવી દેતાં. સૉન્ગનું પ્લેસમેન્ટ તેમણે જતીન-લલિત પાસેથી સાંભળી લીધું હશે એટલે તેમના મનમાં એ બધી ક્લૅરિટી હતી તો લિરિક્સના ફાઇનલ સ્કેચ પર પણ સમીરસાહેબ સાથે જતીન-લલિતે પહેલેથી કામ કરી લીધું હતું. મને યાદ છે ત્યાં સુધી ચોથા કે પાંચમા ડ્રાફ્ટમાં સૉન્ગ ફાઇનલ થયું હતું. આટલો સમય જવાનું કારણ પણ એ જ હતું કે આ સૉન્ગનું ઇમ્પોર્ટન્સ ફિલ્મમાં ખૂબ હતું. કહો કે આ સૉન્ગ ફિલ્મનો આત્મા હતો અને લતાજીએ પણ એ જ કર્યું. એ રીતે તેમણે ગાયન ગાયું કે એના એકેક શબ્દ જીવંત થઈ ગયા, શબ્દોમાં આત્મા આવી ગયો. આજે પણ તમે આ સૉન્ગ સાંભળો તો તમારી આંખ સામે ભલે જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન હોય પણ મનમાં તો તમારા પેરન્ટ્સ જ આવી જાય. આ જશ લતાજીને જાય.
ભજન પણ, ફૅમિલી પણ... | આ ગીતની સૌથી મોટી ખૂબી એ છે કે એ હકીકતમાં તો ભગવાન માટે ગવાય છે પણ એમ છતાં એને જ્યારે તમે સ્ક્રીન પર જુઓ ત્યારે એ શબ્દો એક મા પોતાની ફૅમિલી માટે કહેતી હોય એવું તમને લાગ્યા વિના રહે નહીં. આ વાત લતાજીએ બખૂબી પકડી હતી. તેમણે પહેલા જ ટેકમાં ગીત ઓકે કર્યું. એક પણ ચેન્જ નહીં, એક પણ જગ્યાએ કોઈ સૂચન નહીં કે પછી એક પણ વાર રીટેક નહીં. ગીત આખું ઓકે થયા પછી લતાજી જતીન-લલિત અને કરણ સાથે બેચાર મિનિટ બેઠાં અને ફિલ્મમાં આવતાં સૅડ વર્ઝનની વાત કરી એ સિચુએશન તાજી કરી લીધી અને ફરી તે રેકૉર્ડિંગ માટે રેડી થઈ ગયાં.
રેકૉર્ડિંગ શરૂ થયું એટલે તેમણે ગીતનાં જે બે-ત્રણ સૅડ વર્ઝન છે એ ગાયાં અને પછી તરત તેમણે ફિલ્મમાં યુઝ થતા તેમના અવાજના આલાપ પણ ગાઈ આપ્યા. હાર્ડલી પિસ્તાળીસ મિનિટની આ આખી પ્રોસેસ હતી. પિસ્તાળીસ મિનિટમાં લતાજીએ મેઇન સૉન્ગ જે ઑલમોસ્ટ સાડાસાત મિનિટનું હતું એ અને સાતથી આઠ મિનિટના આલાપ તથા સૅડ વર્ઝન રેડી કરી આપ્યાં. એક પણ જાતના રીટેક વિના.
રેકૉર્ડિંગ સ્ટુડિઓમાં હાજર હતાં એ અમારી એજના બધા જોતાં જ રહી ગયા હતા. યશઅંકલને લતાજી સાથે ફૅમિલી રિલેશન પણ કરણ તેમની સાથે કામ પહેલી વાર કરતો હતો. અગાઉ કરણની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ આવી ગઈ હતી પણ એમાં લતાજીનું કોઈ ગાયન નહોતું, આ પહેલી વાર લતાજીએ કરણ માટે સૉન્ગ ગાયું હતું એટલે લતાજીને પોતાના માટે ગાતાં જોઈને કરણ પણ બહુ ભાવુક હતો તો નૅચરલી મારી હાલત પણ એવી હતી કે કંઈ બોલી ન શકાય. પણ હા, મેં તેમના ઑટોગ્રાફ લીધા હતા, જે આજે પણ મારી પાસે છે. તેમણે હસતાં-હસતાં કહ્યું હતું, ‘આપ કે લિએ ભી મૈં ગાઉંગી...’
રેકૉર્ડિંગ સાંભળીને કહ્યું... | એ સમયે પણ લતાજી સેવન્ટી-પ્લસ હતાં પણ એમ છતાં તેમનો અવાજ કોઈ પણ ટીનેજરને સૂટ થાય એવો હતો. રેકૉર્ડિંગ કમ્પ્લીટ કર્યા પછી લતાજીએ જતીન-લલિતને કહીને રેકૉર્ડિંગ સાંભળ્યું, જે સાંભળતાં-સાંભળતાં તેમણે પેપર પર પૉઇન્ટ નોટ કર્યા અને એ પછી તેમણે જતીન-લલિતને કહ્યું કે આપણે આ જે લય લઈએ છીએ એના કરતાં આ રીતે રહીએ તો કેવું લાગશે?
લતાજીએ ત્યારે ને ત્યારે પોતે જ કહેતાં હતાં એ ગાઈને પણ દેખાડ્યું. તેમના જેવા લેજન્ડરી સામેથી આવું સજેશન આપે અને ફરીથી એ લાઇન ગાવાની તૈયારી દેખાડે એ જરા પણ નાની વાત નથી. તેમનો આ જે સ્વભાવ હતો, આ જે કામ કરવાની રીત હતી અને કામ પ્રત્યેનું આ જે ડેડિકેશન હતું એણે જ તેમને આ ગ્રેટનેસ આપી છે. આ ગ્રેટનેસ સાથે આજે પણ લતાજી
આપણી વચ્ચે છે અને હંમેશાં આપણી સાથે રહેશે. લતાજી આપણને સૌને અત્યારે પણ કહે છે,
તેરે સાથ હોંગી મેરી દુઆએં,
આએ કભી ના તુઝ પે કોઈ બલાએં
શબ્દાંકન : રશ્મિન શાહ

