દેશભરમાં આપણાં રાષ્ટ્રરત્નોનાં લાખો પૂતળાં છે, પણ એ પૂતળાંની માવજત કરવાનું ભાગ્યે જ કોઈને યાદ આવે છે. આખું વરસ ચકલાં અને કબૂતરોની ચરક સહન કરતાં આ રાષ્ટ્રરત્નો જો બોલતાં થઈ જાય, ઇન્ટરવ્યુ દેતાં થઈ જાય તો તેમની હૃદય-વ્યથા કેવી હોય એ જાણવા જેવું છે
પ્રતીકાત્મક તસવીર
હમણાં રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે લાઇનસર મેં આપણા દેશના ચોકે-ચોકે ઊભેલાં રાષ્ટ્રરત્નોનાં પૂતળાંઓ જોયાં અને મને થયું કે માળું બેટું આ ખતરનાક, આખો દિવસ એ મહાનુભાવો પર ચકલાં ચરકે અને જન્મદિવસ આવે એટલે એ પૂતળાંને નવેસરથી ધોઈ નાખવામાં આવે. થયું કે શું કામ આ કાર્ય દરરોજ ન થઈ શકે? છે તો આપણાં દેશનાં જ રાષ્ટ્રરત્નો. થયું કે ચાલને એક વાર જઈને નિરાંતે મળું તો ખરો. આ નિશાચર તો નીકળ્યો રાત પડ્યે રત્નોને મળવા અને આપણા દેશનાં રાષ્ટ્રરત્નો એ રાતે મારી આગળ પોતાની વેદના ઠાલવી ગયાં.
લ્યો ઝીલો, આ અનોખાં સ્ટૅચ્યુના લાઇવ ઇન્ટરવ્યુ:
સુભાષચંદ્ર બોઝ : બંગાળની અમુક સંસ્થાઓ મારા નામે છે. પચ્ચીસ-પચાસ સ્ટૅચ્યુ મારાં ધૂળ ખાય છે. બંગાળ સિવાય કોઈને લાગતું જ નથી કે મેં તેમના માટે કશું કર્યું છે. મેં તો રાષ્ટ્ર માટે તપ કર્યું’તું, લોહી માગીને આઝાદી આપવાની વાત કરી’તી અને આજે આઝાદી પછી પણ દેશમાં આટલું લોહી વહે છે. અરરર!
ભીમરાવ આંબેડકર : મને ગાંધીજી અને સ્વતંત્રતા-વીરોએ બંધારણ ઘડવાનું કામ એટલે નહોતું આપ્યું કારણ કે હું દલિત હતો, પરંતુ મારી પ્રતિભા અને નિષ્ઠા પર સૌને ભરોસો હતો કે ભીમરાવ રાષ્ટ્રનું અને રાષ્ટ્રની પ્રજાનું અહિત થાય એવું કશું નહીં કરે. છતાં આજે માત્ર હું ‘જય ભીમ’નો નારો બનીને રહી ગયો છું. મારી એકાદી કોમ સિવાય કોઈને હું પોતાનો લાગતો જ નથી. અરે, મેં તો સમગ્ર ભારતની પ્રજાનું ભલું ઇચ્છ્યું છે તોય!?
ADVERTISEMENT
લાલ બહાદુર શાસ્ત્રી : મારું તો નામ પણ દેશની સાઠ ટકા પ્રજાને યાદ નથી તો મારું કામ ક્યાંથી યાદ હશે! આજે ભારતમાં ગરીબોના ઘઉં પડ્યા-પડ્યા સડી જાય છે અને હું ગરીબોને ઘઉં મળે એ માટે ભૂખ્યો રહ્યો. ‘જય જવાન જય કિસાન’નો નારો આપીને મેં કિસાનોને આર્મીના સોલ્જરો સાથે સરખાવીને બિરદાવ્યા ને અફસોસ, આજે બેય મને ભૂલી ગયા.
સરદાર વલ્લભભાઈ પટેલ : અખંડ ભારતનું બાપુનું સપનું પૂરું કરવા માટે મેં ભેખ લીધો’તો. મને કોઈ પદનો મોહ નહોતો. હું તો અખંડ ભારતનો શિલ્પી છું. મને મારી કોમ વિશે વિચારવાનો પણ સમય નહોતો મળ્યો અને આજે વોટબૅન્ક માટે સૌથી વધુ મારી કોમનો અને મારા નામનો ઉપયોગ થાય છે! હે ભગવાન.
આટલાં પૂતળાંની વેદના સાંભળ્યા પછી હું ગાંધીજી પાસે ગયો. ત્યાં ગાંધીજી બોલ્યા, ‘સાંઈ, અમને બધાયને ઊભા રાખ્યા છે તો કાંઈક મદદ કરી શકે? જો બેસવાની વ્યવસ્થા થાય તો જરાક શરીરને રાહત રહે.’
હું તરત અમારા એક નેતાને લઈને બાપુને શું આપવું એ વિચાર કરતો પૂતળા પાસે લઈ ગયો. અમને દૂરથી આવતા જોઈ ગાંધીબાપુ બોલ્યા, ‘બેટા, ઘોડો લાવવો’તો, ગધેડો નહીં...’
એ પછી તો બાપુ સાથે લાંબી વાત થઈ. ગાંધીબાપુએ મારી પાસે હૈયું ઠાલવ્યું કે ‘સાંઈ, આ સરદાર, સુભાષ, ભીમરાવ, શાસ્ત્રી વગેરે બધા તો નસીબદાર છે. એકાદી કોમ તો તેમને પોતાના વંશજ ગણાવે છે. મારે શું સમજવું! દરેક શહેરમાં મિનિમમ એક લેખે સરેરાશ લાખો પૂતળાં છે મારાં. ક્યાંક હાથ-પગનું બજેટ ન હોવાથી માત્ર મારું મોઢું રાખ્યું છે. હે મારા દોઢસો અબજ ભારતવાસીઓ, દશા અને દિશા પર ગંભીરતાથી વિચાર કર્યો હોત તો ભારતની આટલી ભયંકર દશા ન થાત. આખો દિવસ ને રાત ચોક વચાળે લાકડી પકડીને હું ચકલાંનાં ચરક ઝીલતો ઊભો રહું છું. પગમાં ભયંકર તૂટ થાય છે, પરંતુ પગ દબાવવાનું કોઈને કહું તો તે ગળા સુધી પહોંચી જાય છે એટલે હવે એ પણ નથી કહેતો. મારાં ચશ્માંના કાચ સાવ જર્જરિત થઈ ચૂક્યા છે. બહુ સ્પષ્ટ દેખાતું નથી કે એ કોણ છે! પણ એ પોલીસવાળો ભાઈ મારા પૂતળા નીચે ઊભો રહીને જ રોજ પાંચસોની રોકડી કટકી કરીને વયો જાય છે. મારું નામ વટાવી મને વટલાવીને ચૂંટાયેલા કેટલાય રાજકારણીઓ એસી ગાડીમાં દિવસમાં દસ વાર સામેથી પસાર થઈ જાય છે. કોઈ કાચ સુધ્ધાં ખોલતું નથી. એ બધાને તો હું ચૂંટણીટાણે જ યાદ આવું છું.’
‘અરે, એક વાર તો મારા જન્મદિને મને હાર પહેરાવતાં પહેલાં એક નેતાએ તેના પીએને પૂછ્યું’તું કે આ સરદાર છે કે ગાંધી? આય હાય! સાંઈરામ, બર્બરિકના કપાયેલા શીશની માફક આખા શહેર અને દેશની દશા અને દિશા વિવશ નજરે બસ જોયા કરું છું. હવે હું ધારું તો પણ કંઈ કરી શકું એમ નથી. હા, નિશાળોમાં ભૂલકાંઓ જ્યારે ‘વૈષ્ણવજન’ ગાઈને મને સંભારે છે ત્યારે બે ઘડી રાહતના શ્વાસ જરૂર મળે છે.’
‘મેં કોઈ દિ’ મારાં કપડાંમાં ખિસ્સાં રાખ્યાં નહોતાં ને તમે મને આજે પૂછ્યા વગર દરેકના ખિસ્સામાં ફરતો કરી દીધો. મારા નામે ટોપી પહેરીને આખા દેશની ભોળી જનતાને પણ ટોપી પહેરાવી. આ ટોપા-ટોપીનો ખેલ બંધ કરો. મારી પ્રતિમાનું પૂજન કરવા કરતાં મારી પ્રતિભાનું પૂજન કર્યું હોત તો હું વધુ રાજી થાત. ઠીક ભાઈ, આવા તો ઘણાય બળાપા હજી મારા માંહ્યલામાં ધરબાઈને પડ્યા છે; પણ આ જુઓ, લોકસભાની ચૂંટણી નજીક આવી એટલે નેતાઓ આવી-આવીને મારા પગે લાગશે ને મને જ કહેશે કે બાપુ જિતાડી દેજો. સાચું કહેજે, મારું નામ વટલાવનારા આ ડફોળોને હું ક્યાંથી સાથ આપવાનો?’
જવાબ મળી ગ્યો, શું કામ એક પાર્ટીના ઉમેદવાર દિવસે-દિવસે ઘટતા જાય છે.

