Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યંગસ્ટર્સને ઍન્ટિ-હીરો કેમ વધુ ગમે છે?

યંગસ્ટર્સને ઍન્ટિ-હીરો કેમ વધુ ગમે છે?

13 January, 2023 04:46 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

પહેલાંના સમયમાં ફિલ્મોના હીરો એકદમ નખશિખ શુદ્ધ અને સાલસ સ્વભાવના રહેતા, પરંતુ હવે હૉલીવુડ હોય કે બૉલીવુડ; ફિલ્મોના હીરો વિલનગીરી કરતા વધુ દેખાય છે. તેઓ હીરો ઓછા અને ઍન્ટિ-હીરો વધુ છે

અલ્લું અર્જુન ઇન `પુષ્પા ધ રાઇઝ` સ્પેશ્યલ સ્ટોરી

અલ્લું અર્જુન ઇન `પુષ્પા ધ રાઇઝ`


પહેલાંના સમયમાં ફિલ્મોના હીરો એકદમ નખશિખ શુદ્ધ અને સાલસ સ્વભાવના રહેતા, પરંતુ હવે હૉલીવુડ હોય કે બૉલીવુડ; ફિલ્મોના હીરો વિલનગીરી કરતા વધુ દેખાય છે. તેઓ હીરો ઓછા અને ઍન્ટિ-હીરો વધુ છે, છતાં જુવાનિયાઓને તેઓ પસંદ પડી રહ્યા છે. આવી રહેલું આ પરિવર્તન શું સમાજમાં આવી રહેલા કોઈ પરિવર્તન તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યું છે કે આ માત્ર એક ટ્રેન્ડ છે?

વીતેલા વર્ષમાં બૉક્સ-ઑફિસ પર સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદી બનાવીએ તો એમાં કાંતારા, પુષ્પા, કેજીએફ જેવી ફિલ્મોનું સ્થાન મોખરે આવે. આ ફિલ્મોના હીરોમાંથી કોઈ ચંદનચોર હતું તો કોઈ સોનાની ખાણનો માફિયા છતાં લોકોને તેઓ પસંદ પડ્યા. નાનાં ભૂલકાંઓથી લઈ યુવાનિયાઓ અને વયસ્કો સુધ્ધાંએ તેમની સરાહના કરી. કોઈએ તેમના અભિનયનાં વખાણ કર્યાં તો કોઈએ તેમની નકલ કરી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર રીલ પોસ્ટ કરી. શું સમાજની માનસિકતા બદલાઈ રહી છે? શું લોકોને સારા માણસો છોડી હવે ખરાબ માણસો ગમવા માંડ્યા છે? શું લોકોને આવાં પાત્રોની ક્રૂરતા દેખાતી નથી કે પછી તેમની મજબૂરી તરફ બધાની સહાનુભૂતિ વધી રહી છે? આવો, કેટલાક યુવાનિયાઓ સાથે તેમના ફેવરિટ ઍન્ટિ-હીરો વિશે વાત કરીએ અને સાથે જ એક્સપર્ટ પાસેથી જાણીએ વિલન જેવાં કામો કરતા આજના હીરોની લોકપ્રિયતાનું કારણ.ઘાટકોપરમાં રહેતા અને એક લૉજિસ્ટિક કંપનીમાં સેલ્સ હેડ તરીકે કામ કરતા ૪૩ વર્ષના કપિલ ભોજાણીને ફિલ્મો જોવાનો બહુ શોખ છે. નવી ફિલ્મ આવી નથી કે તેઓ એ જોવા થિયેટરમાં દોડ્યા નથી. કપિલને પણ હાલ લોકપ્રિય બનેલી ઍન્ટિ-હીરોવાળી ફિલ્મો બહુ પસંદ પડી છે. એ બધામાંથી પોતાના ફેવરિટ ઍન્ટિ-હીરોની વાત કરતાં કપિલ કહે છે, ‘મને એ બધામાંથી કેજીએફ ચૅપ્ટર વન અને ટુનુ રૉકીનું પાત્ર સૌથી વધારે પસંદ પડ્યું. ફિલ્મમાં તેના પાત્રની જે રીતે રજૂઆત કરવામાં આવી છે એ મને બહુ જ ગમી. તેની સ્ટાઇલ, તેનો ઍટિટ્યુડ અને તેની સત્તાનો વ્યાપ બધું જ મને ખૂબ પસંદ પડ્યું. મહત્ત્વની વાત એ હતી કે તેના આ પ્રકારના પાત્રના પાયામાં મહત્ત્વાકાંક્ષા છે, વેર નહીં. તેથી તે ખરાબ હોવા છતાં સારો છે. તેનું હૃદય એકદમ સાફ છે. મોટેરાઓને તે માન આપે છે, લોકોની કદર કરે છે, તેમને સન્માન આપે છે, પ્રેમ કરે છે; પરંતુ વાત જ્યારે કેજીએફના એમ્પાયરની આવે છે ત્યારે તેની રણનીતિ એકદમ સ્પષ્ટ છે અને એ રણનીતિને પાર પાડવા તેણે ક્રૂર કે ઘાતક બનવું પડે તો એ પણ તેને મંજૂર છે. કેજીએફનું સામ્રાજ્ય તે એક ન્યાયપરાયણ રાજાની પેઠે ચલાવે છે અને ત્યાંની સોનાની ખાણોને બચાવવા બધું જ કરી છૂટે છે. તેના પાત્રનાં આ સારાં-ખરાબ પાસાંઓ તેના કૅરૅક્ટરને વધુ ગહન બનાવે છે, જેને કારણે તેનું પાત્ર મારા માટે સૌથી વધુ યાદગાર બની ગયું.’


આ પણ વાંચો : શું ૧૮ વર્ષે જીવનસાથી પસંદ કરવાની પરિપક્વતા આવી જાય?

કપિલની જેમ બોરીવલીમાં રહેતા ૨૩ વર્ષના દીપ પારેખને ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુને નિભાવેલું પુષ્પાનું કિરદાર બહુ ગમ્યું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ હાલ એમબીએની તૈયારી કરી રહેલો દીપ કહે છે, ‘મને પુષ્પાનો આત્મવિશ્વાસ ને ઍટિટ્યુડ બહુ જ ગમ્યાં. ફિલ્મમાં તેને જે પરિસ્થિતિમાં દેખાડવામાં આવ્યો છે એમાંથી બહાર આવવું કોઈ પણ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ કામ છે, પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને ઍટિટ્યુડના જોરે જ તે દરેક મુશ્કેલીમાંથી વિજયી બની બહાર આવે છે. આત્મવિશ્વાસની સાથે ગરીબ હોવા છતાં તેનામાં આત્મસન્માન પણ ખૂબ છે. તેથી તે કોઈનાથી ડરતો પણ નથી અને કોઈની સામે ક્યારેય ઝૂકતો પણ નથી. અલબત્ત, ઘણા લોકો એવા પણ છે જેમને પુષ્પા દેખાવમાં અત્યંત ગંદો હોવાથી બિલકુલ ગમ્યો નથી, પરંતુ ફિલ્મમાં તેને એક એવો ગરીબ યુવાન દેખાડ્યો છે જે દિવસ આખો જંગલમાં રહે છે, ચંદનનાં લાકડાંની ચોરી કરે છે. તેથી આવી વ્યક્તિ દેખાવમાં ગંદી હોય એ સ્વાભાવિક છે. બલકે તેના પાત્રનું આવું વાસ્તવિક નિરુપણ જ એને વધુ અપીલિંગ બનાવે છે. અલબત્ત, આ બધું ફિલ્મ પૂરતું ઠીક છે. વાસ્તવિક જીવનમાં મારે જો કોઈને મારો આદર્શ બનાવવાનો હોય તો એ પુષ્પા ક્યારેય ન હોઈ શકે.’


મલાડ અને બોરીવલી ખાતેના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર દીપની વાત સાથે સહમત થાય છે. ડૉ. સોનારને પોતાને પણ ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે. અલબત્ત, ફિલ્મો તેઓ ફક્ત મનોરંજન ખાતર જ નહીં બલકે સમાજમાં આવી રહેલાં પરિવર્તનોને સમજવા માટે પણ જુએ છે. તેથી ઍન્ટિ-હીરોવાળી ફિલ્મો આજકાલ લોકપ્રિય બની રહી હોવાની વાત સાથે તેઓ સહમત થાય છે પરંતુ કહે છે, ‘આ ફિલ્મોનાં જે મુખ્ય પાત્ર છે તે છે તો હીરો જ, પરંતુ તેમના કેટલાક ગુણો ઍન્ટિ-હીરો જેવા દર્શાવવામાં આવ્યા છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે આપણો સમાજ અસામાજિક તત્ત્વો તરફ વળી રહ્યો છે. ભારતમાં લોકો આવી ફિલ્મો માત્ર એન્ટરટેઇનમેન્ટ માટે જ જુએ છે, તેમનાથી પ્રેરિત થતા નથી. લોકોને તેમની સ્ટાઇલ ગમે છે, જેનો આજકાલના યુવાનિયાઓ વૉટ્સઍપ પર ફોટો મૂકવા માટે કે પછી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે ઉપયોગ કરે છે. તેથી વધુ કશું નહીં. કોઈ પુષ્પા કે રૉકી જેવું બનવા માગતું નથી. પુષ્પા જેવા ગંદાં દેખાતાં પાત્રો પણ લોકોને એટલા માટે પસંદ પડે છે કે ઘણા લોકો એવા છે, જેઓ સંજોગવશાત તેના જેવા જ ગરીબ અને દેખાવમાં ગંદા છે પણ તેમની પાસે તેના જેવી સત્તા નથી. તેઓ નબળા છે તેથી આવાં પાત્રોને જોઈને ખુશ થાય છે. તેથી આવાં પાત્રોની લોકપ્રિયતા માત્ર થોડા સમય પૂરતી જ મર્યાદિત હોય છે. બે-ચાર મહિનામાં બધા તેમને ભૂલી જાય છે. વાસ્તવિક જીવનમાં કોઈ તેમના જેવા બનવા માગતું નથી.’

આ પણ વાંચો : તમારો પણ ફાયદો ને મારો પણ ફાયદો

તમારું બાળક શું જુએ છે એ તમારે જોવું જોઈએ

બાળકને સારા-નરસાનો ભેદ સમજાવવો જરૂરી છે અને એ વિશે ડૉ. સોનાર કહે છે, ‘ફિલ્મોમાં કેટલીક વાર જે પ્રકારની ભાષા, દૃશ્યો કે ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે એ કોઈ રીતે યોગ્ય નથી હોતો. તેથી દરેક માતાપિતાએ પોતાનું કઈ ઉંમરનું બાળક કઈ ફિલ્મ જોઈ રહ્યું છે એ બાબતે સતત સજાગ રહેવું જોઈએ. સાથે જ નાનાં બાળકો આવાં પાત્રોથી પ્રેરાઈ ન જાય એ માટે તેમની સાથે બેસી તેમને આ પાત્રો માત્ર ફિલ્મી છે અને વાસ્તવિક જીવન સાથે એને કંઈ લેવાદેવા નથી એ સમજાવવું પણ જરૂરી છે. બાળકો સાથે સતત પૂરતો સમય વિતાવવાથી, સતત તેમની સાથે કમ્યુનિકેટ કર્યા કરવાથી બાળપણથી તેમનામાં સારા-ખરાબ વચ્ચેનો તફાવત વિકસાવી શકાય છે. આવાં સંતાનો સમાજમાં આવી રહેલા કોઈ પણ ટ્રેન્ડ તરફ ખેંચાઈ નથી જતાં, રિયલિટી તથા ફૅન્ટસી વચ્ચેનો ફરક સમજી શકે છે અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી યોગ્ય નિર્ણયો લઈ શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 04:46 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK