આપવામાં માગવાનો અર્થ છુપાયો છે એ ભાષાનું કૌતુક છે

સ્માઇલ આપો સાહેબ
આપવામાં માગવાનો અર્થ છુપાયો છે એ ભાષાનું કૌતુક છે. આપણે કોઈને વસ્ત્રો આપીએ, ભેટ આપીએ, પાર્ટી આપીએ તો કશુંક આપ્યું કહેવાય. સામેવાળા પાસે માગીએ ત્યારે ફલાણું આપો, ઢીંકણું આપો એમાં પણ આપવાની વાત થાય. મોટાઓની વાત છોડીએ, સ્નેહી પરમારના શબ્દોમાં જોઈએ કે સ્કૂલનું બાળક શિક્ષકને શું આપવાનું કહે છે...
થોડું મમ્મી જેવું તો ફીલ આપો સાહેબ
ક્લાસમાં આવો ત્યારે સ્માઇલ આપો સાહેબ
ઇંગ્લિશ સાયન્સ મૅથ્સનો આપ્યો એવી રીતે
સપનાં જોવાનો પણ ટાઇમ આપો સાહેબ
શિક્ષણ હંમેશાં પેચીદો વિષય રહ્યો છે. એમાં ઉત્તરોત્તર સુધારા આવકાર્ય છે. આજના ઉચ્ચ શિક્ષણમાં કોઈ વિશેષ વિષય વિશે સર્વગ્રાહી તાલીમ આપવાનો પ્રયાસ થાય છે. ગુરુકુળ પ્રથા હજી જીવંત છે, પણ એનું પ્રમાણ નહીંવત્ જેવું લાગે. શિક્ષણમાં જો ચિંતનનો સમાવેશ થાય તો કિરણસિંહ ચૌહાણ કહે છે એવો પ્રશ્ન ઉદ્ભવી શકે...
જેટલી અહીં ધારણા દેખાય છે
એટલી ક્યાં શક્યતા દેખાય છે?
આયનો આપો તો ખુદને જોઉંને!
કાચમાં બીજાં બધાં દેખાય છે
કાચની પાછળ અપારદર્શક આવરણ મૂકો એટલે આયનો બની જાય. બન્નેનું કર્મ જુદું. કાચ આરપાર દેખાડે, જ્યારે આયનો પ્રતિબિંબ દેખાડે. શોકેસમાં કાચનું મહત્ત્વ હોય, જ્યારે વૉર્ડરોબમાં આયનાનું. પદારથ એક જ હોય, પણ એનામાં થતા ફેરફારને કારણે એની ઉપયોગિતા બદલાય. મરીઝ બે જુદી વિભાવનાને આલેખે છે...
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું, હું મરીઝ
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું
પલાંઠી વાળવાથી સાધુ કે સંત નથી બનાતું. ખુરસી પર બેસવાની આદતને કારણે હવે તો પલાંઠી વાળવાની આદત પણ છૂટી ગઈ છે. પહેલાંના સમયમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત - હેમા દેસાઈ કે ગુલામ અલી જેવા ગાયકોની મહેફિલો થતી ત્યારે પ્રેક્ષકો પણ પલાંઠી વાળીને બેસતા. એની એક લજ્જત હતી. એનો એક કેફ હતો. એનાથી મહેફિલનો માહોલ સર્જાતો. હવે વહેતા પવનની સાથે તાસીર અને તસવીર બદલાતી જાય છે. નિનાદ અધ્યારુ લખે છે...
આ સપનાંઓ પલળી ગયાં, ધ્યાન રાખો
જરા બહાર એને પવનમાં મૂકી દો
જરા હાથ આપો, કરો બંધ આંખો
એ શું કે બધુંયે શરમમાં મૂકી દો
સપનાં જોતી આંખો જિંદગીને ટકાવી રાખે છે. જો સપનાં ન હોય તો માણસ શ્વાસ લઈ શકે, પણ જીવી ન શકે. હકાર આપણને જીવવાનું બળ આપે છે. નકારાત્મક સંજોગો આપણા હાથમાં ને વશમાં નથી હોતા. વિચાર્યું પણ ન હોય અને નાની ઉંમરના સંતાનનું મૃત્યુ થાય તો તમે શું કરી શકો? આવા આઘાતમાંથી કળ વળવી મુશ્કેલ હોય છે. ક્યારેક પ્રેમમાં પણ એવું થાય. દિલોજાનથી જે વ્યક્તિને ચાહી હોય તેની સાથે મિલન ન થાય. આખરે સમય વીતે પછી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જ પડે. શીતલ જોષીની શીખમાં સચ્ચાઈ વર્તાય છે...
દોડતાં દોડતાં હાંફવાનું નહીં
જિંદગી જીવવા થાકવાનું નહીં
આપવો હોય તો જીવ આપો શીતલ
કાળજું કોઈને આપવાનું નહીં
તમે કોઈકને માટે ઘસાઈ છૂટો, પોતાની ખુશીઓ ન્યોછાવર કરી દો, પણ જીવ આપી દેવો બહુ અઘરું કામ છે. કદાચ એ આપણા હાથની વાત પણ નથી. નિયતિ પોતાનો ભાગ ભજવે છે. દેવદાસ શાહ અમીર એની શક્તિને સ્વીકારે છે...
જાન આપો કે ન આપો, આંચકીને લઈ જશે
આવશે હકદાર થઈને, મોત કંઈ માગણ નથી
અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી
જીવન આમ જોઈએ તો દીર્ઘ પણ લાગે અને અલ્પ પણ લાગે. ૭૦-૮૦ વર્ષનું આયુષ્ય કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે ઓછું નથી હોતું. કલાપી, રાવજી પટેલ, કેતન મુનશી જેવા આપણા કેટલાય સર્જકો ત્રીસી વટાવતાં પહેલાં જ દુનિયાને અલવિદા કહી ગયા, પણ તેમનું સર્જન દીર્ઘકાલીન બની રહ્યું. ઈશ્વરે દરેકને કોઈક ક્ષમતા આપી હોય છે. એ યોગ્ય દિશામાં ચૅનલાઇઝ થાય તો એનાં ઉત્તમ પરિણામ મળી શકે.
લાસ્ટ લાઇન
ના ફાવે તો રુખસત આપો
શ્વાસ લેવાની ફુરસત આપો
કાં તો અહીં બરકત આપો
યા કાશીમાં કરવત આપો
એક વગર ચાલી જાશે અહીં
પૈસો, નહીં તો ઇજ્જત આપો
હાડે-હાડે હામ ભરી છે
લઈ લો પગ, કાં પરવત આપો
ઠાલે-ઠાલો જાય ટપાલી
કોરો, પણ માનો ખત આપો
અશ્વિન ચંદારાણા
ગઝલસંગ્રહ : ભીતર ચાલે આરી