નાટક રિલીઝ થયું અને પહેલા જ શોથી ઑડિયન્સના મન પર રાજ કરવા માંડ્યું. નાટકની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એ કે ‘જલસા કરો જયંતીલાલ’થી નાટકની ડીવીડી માર્કેટમાં ફૂલગુલાબી તેજી આવી
‘જલસા કરો જયંતીલાલ’ની હિટ જોડી દિલીપ જોષી અને ડિમ્પલ શાહ સાથે પ્રોડ્યુસર એટલે કે હું. આ નાટકનાં એટલાં સંભારણાં છે, એટલી વાતો છે કે એ કહેતાં મારા હોઠ કે તમારા કાન થાકે નહીં. હા, વાતો પણ એવી રોમાંચક છે કે તમને થાક વર્તાશે પણ નહીં.
નાટક ‘જયંતીલાલ’માં દિલીપ જોષી અને ડિમ્પલ શાહ ફાઇનલ થયાં એ પછી ત્રીજું ગુંડાનું જે કૅરૅક્ટર હતું એના માટે મેં ઍક્ટર મુનિ ઝાને વાત કરી. મુનિએ હા પાડી અને અમે નાટકના મુહૂર્તનો દિવસ નક્કી કરી ભાઈદાસ હૉલમાં બપોરે એક વાગ્યે મુહૂર્ત રાખ્યું. મુહૂર્તના દિવસે હું ભાઈદાસ પહોંચું એ પહેલાં મને રસ્તામાં જ મુનિનો ફોન આવ્યો કે ‘સંજય, સૉરી. હું મુહૂર્તમાં નથી આવતો. મારાથી નાટક નહીં થાય.’
માર્યા ઠાર.
ADVERTISEMENT
પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઊભો થયો. રોલ મહત્ત્વનો અને છેલ્લી ઘડીએ મુનિ ફસકી પડ્યો. કૅરૅક્ટર ઇમ્પોર્ટન્ટ હતું એટલે કંઈ ગમે તેને તો લઈ લેવાય નહીં અને એ મુહૂર્તનો સમય પણ છોડાય નહીં. હું મુહૂર્તમાં પહોંચ્યો. દિલીપ અને ડિમ્પલ આવી ગયાં હતાં. અમે લોકોએ મુહૂર્ત કર્યું અને પછી મેં દિલીપને વાત કરી કે આમ છેલ્લી ઘડીએ મુનિએ નાટક કરવાની ના પાડી, હવે આપણે લઈશું કોને?
મિત્રો, મને યાદ નથી કે મને કોણે સજેસ્ટ કર્યું, પણ મારી પાસે નામ આવ્યું ઍક્ટર ઉમેશ શુક્લનું. આ ઉમેશ શુક્લને અત્યારે તમે સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર તરીકે ઓળખો છો. ‘ઓહ માય ગૉડ’ અને ‘૧૦૨ નૉટ આઉટ’ જેવી લૅન્ડમાર્ક ફિલ્મો તેણે ડિરેક્ટ કરી છે. ઉમેશ એ સમયે નાટકોમાં માત્ર ઍક્ટિંગ કરતો હતો. મને ઉમેશનું નામ મળ્યું એટલે તરત જ અમે તેને ફોન કરીને મળવા બોલાવ્યો. અમે મળ્યા અને તેને આખું કૅરૅક્ટર સમજાવ્યું. ઉમેશે રોલ સાંભળીને હા પાડી અને આમ છેલ્લી ઘડીએ ઉમેશ શુક્લ નાટકમાં દાખલ થયો. આપણે ત્યાં કહેવત છેને, દાને-દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ. એવું જ અમારા ફીલ્ડમાં હોય છે - રોલ-રોલ પે લિખા હૈ નિભાનેવાલે કા નામ.
‘જયંતીલાલ’માં ત્રણ કૅરૅક્ટર ફાઇનલ થયા પછી આવ્યું ચોથું કૅરૅક્ટર જયંતીલાલની મા. દિલીપની મધરનો આ રોલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એ રોલનું ઇમ્પોર્ટન્સ સમજાવું તમને. એક તબક્કે તો અમે એવું પણ વિચાર્યું હતું કે જે ડિમ્પલને દિલીપની સામે કાસ્ટ કરી છે તેને ત્યાંથી હટાવીને તેની માના રોલમાં કાસ્ટ કરીએ. જોકે એવું કર્યું નહીં અને અમે એ ભૂમિકામાં મનીષા મહેતાને ફાઇનલ કર્યાં. મનીષાબહેન એકદમ દિલીપનાં મધર જેવાં જ દેખાતાં હતાં. એવું જ લાગે કે જાણે સાચાં મા-દીકરો છે.
મનીષાબહેન ફાઇનલ થયાં એટલે પછી બાકીની ટીમ પર અમે લાગ્યા. બાકીની ટીમ ખાસ્સી મોટી હતી એટલે અમને ત્યાં કામ આવ્યો વિપુલ મહેતા અને તેણે કરેલાં ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં નાટકો. અમે એ ડ્રામા કૉમ્પિટિશનના ઍક્ટરોમાંથી કલાકારો સિલેક્ટ કરવાનું શરૂ કર્યું. વિપુલ મણિબહેન નાણાવટી કૉલેજમાં નાટકો ડિરેક્ટ કરતો. અમે એ કૉલેજમાંથી રૂપલ શાહ, આરતી ધ્રુવ અને બિનિતા નામની ત્રણ છોકરીઓ કાસ્ટ કરી તો મીઠીબાઈ કૉલેજમાંથી કપિલ ભુતા, અમર ભુતા અને દીપેશ શાહને લીધાં. આ દીપેશ, અમર અને કપિલની તમને ઓળખાણ આપી દઉં. દીપેશ અત્યારે પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયાને ત્યાં સિરિયલ ડિરેક્ટર છે અને વર્ષોથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં સેટ થઈ ગયો છે. કપિલ ભુતા વર્ષો સુધી અમારી સાથે હતો. હવે તે કોકોનટ એન્ટરટેઇનમેન્ટમાં જૉબ કરે છે. અમર ભુતા અત્યારે સફળ શૅરબ્રોકર છે. શ્રીધર વત્સલ નામનો એક છોકરો પણ હતો અમારા નાટકમાં. સબ ટીવી પર ‘બાલવીર’ નામની સિરિયલમાં તમે જોયો છે. શ્રીધરની હાઇટ બહુ ઓછી, માંડ ત્રણ ફૂટની; પણ તેણે આ ટૂંકી હાઇટને અવગણીને અભિનયની જે ઊંચાઈ પ્રાપ્ત કરી એ ગજબની છે. શ્રીધરે અમારાં ઘણાં નાટકોમાં કામ કર્યું છે. આમ અનેક નવા છોકરાઓ અમે નાટકમાં ભેગા કર્યા. નવી ટૅલન્ટ સાથે કામ કરવાની મજા કંઈક જુદી જ હોય છે.
‘જલસા કરો જયંતીલાલ’માં સાઇકલ બહુ મહત્ત્વનું એક કૅરૅક્ટર હતું. આ બધા છોકરાઓ સાઇકલ અને એની આસપાસની બધી પ્રૉપર્ટી બહુ સરસ રીતે અરેન્જ કરતા. નક્કી એવું થયું હતું કે ચાર નવા છોકરાઓ અને ત્રણ નવી છોકરીઓ એમ બધા જ બૅકસ્ટેજ કરશે. આવું કરવાનું કારણ એ હતું કે અમારે નાટકની ઇકૉનૉમી સેટ કરવાની હતી. જો બૅકસ્ટેજ માટે બીજો સ્ટાફ લઈ આવીએ તો નાટકની ઇકૉનૉમી બગડી જાય. વિપુલની અને અસલમભાઈની ડિમાન્ડ હતી કે તેમને ઘણાબધા ઍક્ટર જોઈએ છે એટલે મેં પરમિશન આપતાં સાથે આ રસ્તો કાઢ્યો હતો. બૅકસ્ટેજ પણ કરે અને જ્યારે આવે ત્યારે પોતપોતાના રોલ પણ કરે. આ છોકરાઓ ડાન્સ પણ બહુ સરસ કરી શકતા હતા.
નાટકના કાસ્ટિંગની સાથોસાથ સેટ ડિઝાઇન પર પણ કામ ચાલતું હતું. સેટ ડિઝાઇનની જવાબદારી અમે સુભાષ આશરને આપી અને સુભાષે પોતાની ક્રીએટિવિટીથી નાટકના સેટમાં ચાર ચાંદ લગાવી દીધા. નાટકની પ્રક્રિયા ચાલતી હતી એ દરમ્યાન જ અમને ટાઇટલ પણ મળી ગયું, ‘જલસા કરો જયંતીલાલ’.
નાટક રિલીઝ થતાંની સાથે જ ઑડિયન્સના મન પર ચીપકી ગયું.
સુપર-ડુપર હિટ.
‘જલસા કરો જયંતીલાલ’ના અમે ૨૩પ શો કર્યા. નાટક આજે પણ યુટ્યુબ પર અવેલેબલ છે. હું તમને દાવા સાથે કહીશ કે ‘જલસા કરો જયંતીલાલ’ને ડિજિટાઇઝ કરવા માટે અમે જે શૂટિંગ કર્યું છે એવી સારી રીતે ત્યાર બાદ એક પણ નાટક શૂટ થયું નથી. ‘જલસા કરો જયંતીલાલ’ પહેલું નાટક જે ચાર કૅમેરાથી શૂટ થયું અને એ પછી એવો ટ્રેન્ડ આવ્યો કે નાટકના પૂરેપૂરા શો કરી લીધા પછી એ નાટક ફાઉન્ટન અને શેમારુ જેવી ડિજિટલ રાઇટ્સ લેતી કંપની ખરીદે અને એનું શૂટિંગ કરીને ડીવીડી બજારમાં મૂકે. એ સમયે યુટ્યુબ આવ્યું નહોતું, ઇન્ટરનેટ પણ આવ્યું નહોતું અને મોબાઇલ ડેટા પણ આવતા નહોતા. નાટક જોવાના બે જ રસ્તા હતા. કાં તો ઑડિટોરિયમમાં જઈને જુઓ અને કાં તો ડીવીડી ખરીદીને જુઓ. ‘જલસા કરો જયંતીલાલ’નું શૂટિંગ અમે ચાર કૅમેરાથી શું કામ કર્યું એની વાતો પછી કરીશું, પણ અત્યારે એક વાત પૂછવાની તમને કે વૅક્સિન લઈ લીધીને?
ન લીધી હોય તો લઈ લેજો અને કોવિડ સામે સુરક્ષિત થઈ જજો.
‘જલસા કરો જયંતીલાલ’માં દિલીપ જોષી, ડિમ્પલ શાહ, મનીષા મહેતા અને ઉમેશ શુક્લના કૅરૅક્ટરની સાથોસાથ એક મહત્ત્વનું કૅરૅક્ટર પણ હતું. એ કૅરૅક્ટર એટલે જયંતીલાલની સાઇકલ.
જોક સમ્રાટ
મૅચ્યૉરિટી એ નથી કે તમે મોટી-મોટી વાતો કરો. મૅચ્યૉરિટી એ છે કે તમે નાનામાં નાની વાતમાં પણ સામેવાળાના મગજની નસો ખેંચી લો.