Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પૃથ્વીના જીવમાત્રના સંવર્ધનમાં તમે શું ફાળો આપ્યો છે, બોલો?

પૃથ્વીના જીવમાત્રના સંવર્ધનમાં તમે શું ફાળો આપ્યો છે, બોલો?

21 May, 2023 11:34 AM IST | Mumbai
Laxmi Vanita

દયનીય છે કે આવા પ્રશ્નો વિશે ભાગ્યે જ લોકો વિચારતા હોય છે અને એટલે જ બદલાતા વાતાવરણ વચ્ચે ટળવળવાનો વારો પણ આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર વર્લ્ડ બાયોડાઇવર્સિટી ડે

પ્રતીકાત્મક તસવીર


આવતી કાલે આખી દુનિયા ‘વર્લ્ડ બાયોડાઇવર્સિટી ડે’ ઊજવશે ત્યારે પર્યાવરણ અને બાયોડાઇવર્સિટીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ડંકો વાગે એવું કામ કરી રહેલા કેટલાક ગુજરાતીઓને મળીએ

જ્યાં પૈસા નથી ત્યાં કામ શું કામ કરવાનું? જે ખુલ્લી જમીન દેખાય ત્યાં બિલ્ડિંગ કે કમર્શિયલ હબ જ બનવું જોઈએ એવી સામાન્ય ગણના કરતા લોકોએ ગ્લોબલ વૉર્મિંગના સમયમાં બટરફ્લાય ઇફેક્ટ વિશે જરૂરથી જાણવું જોઈએ. બટરફ્લાય એક વખત પણ પાંખ ફફડાવે ત્યારે આખી ઇકો-સિસ્ટમમાં ફરક પડતો હોય છે તો જ્યારે પૃથ્વીની સિસ્ટમમાંથી એક કીડો, પક્ષી કે વનસ્પતિની જાતિ નષ્ટ થઈ જાય ત્યારે દેખાય નહીં એવો ફરક જરૂર પડતો હોય છે. આ જાણકારીને પગલે આજે એન્વાયર્નમેન્ટલિસ્ટ, નેચરાલિસ્ટ અને સાયન્સ રિસર્ચર અગ્રેસિવ રીતે કામ કરી રહ્યા છે. એમાં દેખીતી કમર્શિયલ ઍસ્પેક્ટ નથી, પરંતુ એની અદેખીતી અસરો તો છે જ. વધી રહેલી કાળઝાળ ગરમી, ભૂકંપ, વાવાઝોડાં, કમોસમી વરસાદ એ ક્યાંક ને ક્યાંક બાયોડાઇવર્સિટીમાં થયેલા નુકસાનની જ શાખ પૂરે છે. બાયોડાઇવર્સિટીમાં આ જ મુદ્દાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ થાય છે અને એ દિશામાં બદલાવ લાવવા માટેના પ્રયાસો પણ થાય છે. આવતી કાલે આખું વિશ્વ બાયોડાઇવર્સિટી ડેની ઉજવણી દ્વારા પૃથ્વીના જીવમાત્રની જરૂરિયાત અને પૃથ્વીની ઓરિજિનલ સિસ્ટમની જાળવણી વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે ત્યારે આ દિશામાં તનતોડ મહેનત સાથે કામ કરી રહેલા ગુજરાતી ઍક્ટિવિસ્ટ અને વૈજ્ઞાનિકોનાં કાર્યોને વિગતવાર જાણીએ. 



જંગલના કીડાઓ પર બેઝલાઇન ડેટા તૈયાર કરી રહી છે ડૉક્ટરેટ સ્ટુડન્ટ દૃષ્ટિ નીતિન દનાની


જંગલમાં મળતા એક પ્રકારના બીટલ્સ (એક પ્રકારના કીટકો) પર પીએચડી કરી રહેલી મુલુંડની દૃષ્ટિ દનાની કહે છે, ‘હું છેલ્લાં દસ વર્ષથી આ ફીલ્ડમાં કામ કરી રહી છું. મારું રિઝલ્ટ ખરાબ નહોતું, પણ વેટરિનરીમાં સીટ ઓછી હતી. એટલે મેં ઉદાસ મનથી બીએસસી શરૂ કર્યું અને પછી તો મજા આવવા લાગી. મારા ટીચર ડૉ. અમોલ પટવર્ધન બીટલ્સની સ્પિસિસ પર ઇન ઍન્ડ અરાઉન્ડ મુંબઈ કામ કરે છે અને તેમના નામ પરથી ઘણા બીટલ્સનાં નામ પણ છે. મારું ગ્રૅજ્યુએશન ફૉરેસ્ટમાં સરની સાથે નૉલેજ મેળવતાં-મેળવતાં થયું. પછી એમએસસી માટે સીએસટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની કૉલેજમાં પહોંચી અને એન્ડોક્રાઇનોલૉજી (હૉર્મોનને લગતો વિષય)માં થિસિસ કર્યું. એ પૂરું કર્યું ત્યાં સુધીમાં મારા સરે સોમેયા કૉલેજમાં સ્ટડી ઑફ ઇન્સેક્ટનો કોર્સ શરૂ કર્યો જે મુંબઈમાં હતો જ નહીં. તો હું ત્યાં પીએચડી માટે પહોંચી. ૨૦૧૯માં મેં પ્રપોઝલ મોકલી અને મારો ટૉપિક વેરિફાય થવામાં કોવિડ આવી ગયો. ૨૦૨૧ના અંતમાં મારો ટૉપિક અપ્રૂવ થયો. ત્યાર પછી સબ્જેક્ટ અપ્રૂવલ લઈને ફૉરેસ્ટમાં રિસર્ચ માટે પરમિશન લેવા ગઈ જેમાં પાંચેક મહિના લાગી ગયા. ૨૦૨૨માં મારા રિસર્ચ પર કામ શરૂ થયું. સીઝન પ્રમાણે કેવી રીતે બીટલ્સ બદલાય છે એના પર હું કામ કરી રહી છું.’


આ વિષયને વિસ્તારથી સમજાવતાં તે કહે છે, ‘વિશ્વમાં પાંચ લાખ પ્રકારના બીટલ્સ છે. એમાંથી ૧૮,૦૦૦ જેટલા ભારતમાં છે. મુંબઈમાં હજી સુધી મને ૩૦૦ પ્રકારના બીટલ્સ મળ્યા છે. રિસર્ચના અંતે જ્યારે મારો રિપોર્ટ બને ત્યારે ઍક્ચ્યુઅલ ખ્યાલ આવે કે કેટલા પ્રકારના બીટલ્સ અહીં છે. ટૂંકમાં, હું બેઝલાઇન ડેટા તૈયાર કરી રહી છું જેના પરથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આગળ રિસર્ચ કરી શકે અને એ રિસર્ચને ઍપ્લિકેશન બેઝ બનાવવામાં મદદ મળે. બીટલ્સનો અભ્યાસ કેમ જરૂરી છે એની સામાન્ય વાત એ છે કે બાયોડાઇવર્સિટીનું દરેક કૉમ્પોનન્ટ બહુ જ જરૂરી છે. દાખલા તરીકે જંગલમાં કોઈ ફંગસ લાગી અને કોઈ દવા નાખી. ખબર પડી કે એક પ્રકારના કીડાઓ આ ફંગસ ખાય છે. તો એ કીડાને લૅબમાં લાવો, એમને ચકાસો અને એમનું પૉપ્યુલેશન વધારીને જંગલમાં છોડી આવો એટલે કુદરતી રીતે કાર્ય થશે. કીડાઓનો ઉપયોગ પણ ભવિષ્યમાં ખ્યાલ આવશે. જેમ કે એમનું કોઈ એલિમેન્ટ એક્સટ્રેક્ટ કરીને મેડિસિન બનાવવામાં કામ આવી શકે છે. આજ સુધી આ વિષય પર બહુ જ ઓછો ડેટા ઉપલબ્ધ છે. ઍગ્રિકલ્ચરમાં તમને ઘણાં રિસર્ચ મળી જશે, પરંતુ ફૉરેસ્ટ માટે કોઈ એટલું રિસર્ચ નથી કરતું. ફૉરેસ્ટમાં કયા પ્રકારના બીટલ્સ છે અને કેવી રીતે ઋતુ પ્રમાણે એ બદલાય છે એ મારો અભ્યાસ પૂરો થશે ત્યારે જાણવા મળશે. આ વિષયમાં આપણા જ વિસ્તારમાં બ્રિટિશરોએ બહુ કામ કર્યું છે અને મોટી-મોટી બુક્સ લખી છે. લંડનના મ્યુઝિયમમાં આ કીડાઓ ડિપોઝિટ કર્યા છે અને પોતાના નામ પર કરી દીધા છે. તો એ લોકોએ લખેલી બુકોમાંથી મારે રેફરન્સ શોધવો પડે છે અને શું એ કીડાઓ હજી પણ અસ્તિત્વમાં છે કે બદલાઈ ગયા છે એટલે જાણતા હજી સમય લાગશે.’

ઇકો-ટૉક્સિકોલૉજી પર કામ કરતા ડૉ. ધવલ વેરાગિયા પાસેથી ઘણું શીખવા જેવું છે

મૂળ પોરબંદરના અને હાલ મીઠાપુરમાં કામ કરતા ડૉ. ધવલ વેરાગિયા મોકરસાગર વેટલૅન્ડ (સાદી ભાષામાં સારી માત્રામાં પાણી અને સ્પેસ હોવાં જોઈએ) કન્ઝર્વેશન કમિટી, પોરબંદરના ફાઉન્ડર, ઈ-બર્ડના સ્ટેટ રિવ્યુઅર તેમ જ લોકોમાં સાયન્સ વિશે જાગૃતિ લાવવા વૉલન્ટિયર તરીકે કામ કરે છે. વિવિધ જર્નલોમાં તેમના આજ સુધીમાં પચાસ કરતાં વધારે આર્ટિકલ પ્રકાશિત થઈ ચૂક્યા છે તેમ જ તેમનાં રિસર્ચ પેપર્સ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં રજૂ કરી ચૂક્યા છે. ગુજરાતમાં સાઇબેરિયન થ્રશ, યુરોપિયન હની બર્ડ્ઝ અને હ્વુનાનીસ પેટ્રલ જેવાં પક્ષીઓની ડિસ્કવરીની નોંધ તેમના નામ પર છે. તાતા કેમિકલ્સ સોસાયટી ફૉર રૂરલ ડેવલપમેન્ટમાં પ્રોગ્રામ ઑફિસર તરીકે કામ કરતા ડૉ. ધવલ વેરાગિયા કહે છે, ‘૨૦૧૫થી ૨૦૨૩ સુધી પોરબંદરની વેટલૅન્ડમાં ઇકો-ટૉક્સિકોલૉજીને ધ્યાનમાં રાખીને પક્ષીના લિવરમાં પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ, ફીસના મસલ્સમાં એનું પ્રમાણ અને હેવી મેટલ્સનું પ્રમાણ કેવી રીતે ઍગ્રિકલ્ચરમાંથી અહીં સુધી પહોંચે છે એના પર રિસર્ચ કર્યું. મૂળ કેવી રીતે પેસ્ટિસાઇડ્સ સિસ્ટમમાંથી એસ્કેપ થઈને વેટલૅન્ડ સુધી પહોંચે છે અને એની આડઅસરો ખેડૂતોને જાગૃત કરીને કેવી રીતે ઓછી કરી શકાય એ દિશામાં કામ કર્યું છે. આ રિસર્ચના ભવિષ્યના પરિણામ વિશે સમજાવતાં તેઓ કહે છે, ‘આ રિસર્ચ પૉલિસી-મેકર્સ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતા સાયન્ટિસ્ટને પણ કામ આવી શકે.

પેસ્ટિસાઇડ્સના ઉપયોગની જે પૉલિસી છે કે ગાઇડલાઇન્સ છે એમાં બદલાવ લાવી શકીએ. ખેડૂતને એટલી બધી માહિતી નથી હોતી કે કેટલી માત્રામાં દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ વસ્તુ સસ્તી છે તો એનો જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ શક્ય છે. સસ્તું છે અને આપણી પાસે બજેટ છે તો એના બેફામ ઉપયોગથી સિસ્ટમમાં રિલીઝ કરવું હિતાવહ નથી. અમુક પક્ષીઓને પૅટ્રોલિંગ કરીને બચાવવાની કોશિશ કરવામાં આવે છે અને એ જ પક્ષીઓ આંખની સામે પેસ્ટિસાઇડથી શિકાર થઈ જાય તો પરિણામ નથી મળતું. તેથી ખેડૂતોને સેન્સિટાઇઝ કરવા જરૂરી છે. આ સાથે પોરબંદરની વેટલૅન્ડમાં વિન્ટર બર્ડ સેન્સસ સાથે રિસર્ચ શરૂ થયું હતું જે ૨૦૨૩માં પૂરુ થયું છે. સાત વર્ષના આ રિસર્ચનાં સારાં પરિણામો હવે મળવાનાં શરૂ થયાં છે. ૨૦૧૭માં પોરબંદરની વેટલૅન્ડ આઇબીએ એટલે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે ઘોષિત થઈ. હવે એવું લાગે છે કે થોડા જ મહિનાઓમાં પોરબંદરની વેટલૅન્ડને રામસર વેટલૅન્ડ સાઇટ પણ ઘોષિત કરી દેવાશે. નિયમિત બર્ડ સેન્સસને કારણે સારો ડેટા તૈયાર થયો છે અને એ ડેટા મુજબ અહીં હજારોની સંખ્યામાં પક્ષીઓ આવે છે.’

રામસર સાઇટ એટલે શું?

૧૯૭૨માં ઈરાનના રામસર શહેરમાં વૉટરબર્ડ્સ માટે કન્વેન્શન થયું હતું. આ શબ્દનો વેટલૅન્ડ્સ માટે જ ઉપયોગ થાય છે. જે સાઇટ નક્કી કરેલા ક્રાઇટેરિયામાં ફિટ બેસતી હોય એને રામસર સાઇટ ઘોષિત કરવામાં આવે છે. એક ક્રાઇટેરિયા તો એ છે કે વીસ હજાર કે એ કરતાં વધારે સંખ્યામાં પક્ષીઓ હોય. બીજું એ કે વિશ્વ કે રાષ્ટ્રીય સ્તરે જે નાશ થવાના આરે હોય એવા પક્ષી કે પ્લાન્ટની સ્પિસિસ મળતી હોય વગેરે. 

માઇગ્રેટરી બર્ડ ક્રેન્સ (કુંજ) ગુજરાતમાં કેવી રીતે કયા રૂટથી આવે છે એના પર કામ કરી રહ્યા છે પીએચડી સ્કૉલર હરીન્દ્ર બારૈયા

ભાવનગર યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન અને એમએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂરું કર્યા બાદ દેહારાદૂનના ભારતીય વન્યજીવ સંસ્થાનમાંથી પીએચડી કરી રહેલા સ્કૉલર હરીન્દ્ર બારૈયા કહે છે, ‘કૉલેજના મારા ફર્સ્ટ યરમાં ત્રણ દિવસની વર્કશૉપ દરમિયાન મને બર્ડ્સ ઑફ નૉર્ધર્ન ઇન્ડિયા બુક મળી. એ દરમિયાન મને પક્ષીઓની સુંદર દુનિયા જાણવા મળી. નસીબ સારું કે ભાવનગરમાં નાનું જંગલ હતું. ત્યારથી પક્ષીઓની બિહેવિયર ઑબ્ઝર્વ કરવાનું શરૂ કરી દીધું. મારી આસપાસ જ નાના વિસ્તારમાં ૧૧૦ જેટલાં પક્ષીઓની સ્પિસિસ મળી જાય છે. હું નિયમિત આ જગ્યાએ જતો અને ડેટા રેકૉર્ડ કરતો. એના પગલે ભાવનગરમાં પક્ષીઓની વિવિધતા પર મેં સિલ્વાસા કૉલેજમાં મારું પહેલું કૉન્ફરન્સ પેપર ‘રીસન્ટ ટ્રેન્ડ ઇન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી’ રજૂ કર્યું. આ ફીલ્ડમાં જુદા-જુદા લોકોને મળતો ગયો. એવી રીતે મારી રિસર્ચર તરીકેની કરીઅર શરૂ થઈ. પહેલી ઇન્ટર્નશિપ દરમિયાન વિવર (સુગરી - જેનો માળો સૌથી સુંદર હોય છે)ની ચાર પ્રજાતિઓ, એમાંય ખાસ કરીને ગ્લોબલી થ્રેટન્ડ (નાશ થવાના આરે આવેલી) ફિન્સ વિવર પર રિસર્ચ-કામ કરવાનો ચાન્સ મળ્યો. હાલમાં હું કૉમન ક્રેન (ક્રેન એટલે ગુજરાતીમાં કુંજ) જે માઇગ્રેટરી પક્ષી છે અને યુરેશિયા (યુરોપ અને એશિયા)થી ભારત આવે છે એના પર કામ કરું છું. આ પક્ષી બહુ મોટા કદનું છે તો એની માઇગ્રેટરી પૅટર્ન, સંખ્યા અને પાવર લાઇનથી થતા નુકસાન પર હું પીએચડી કરી રહ્યો છું. મારા રિસર્ચ પરથી અન્ય મોટા કદનાં પક્ષીઓને કેવી રીતે બચાવી શકાય એ બેઝ તૈયાર થઈ જશે. એ સિવાય પૉલિસી-મેકર્સને પણ થોડી ઇનસાઇટ મળશે.’

રિસર્ચ મેથડોલૉજીની ચૅલેન્જને સમજાવતાં તેઓ વધુમાં કહે છે, ‘શિયાળામાં ક્રેન્સ ગુજરાતમાં સૂકા વિસ્તારમાં કેવી રીતે અને કયા માર્ગેથી આવે છે અને શું કામ એ જગ્યામાં આવીને રહે છે એ જાણવા માટે ટૅગિંગ કરવું પડે. માઇગ્રેટરી પક્ષીઓ પર રિસર્ચ કરો ત્યારે સૌથી મોટી ચૅલેન્જ પક્ષીઓને પકડીને એમનામાં જીપીએસ-જીએસએમ ટ્રાન્સમીટર લગાવવાની હોય છે. આ કામ કરતાં પહેલાં લોકલ્સને મળીને તેમને આ વિષય સમજાવવો પડે છે જેથી તેમની ભાવના ન દુભાય. આ બધી ગોઠવણ કર્યા બાદ હું અને મારી ટીમ રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ કોઈ પક્ષી ટ્રૅપ નહોતું થઈ રહ્યું. બધાં પક્ષીઓ ઉપરથી અને એકદમ નજીકથી જઈ રહ્યાં હતાં. માર્ચ ૨૦૨૦ના બીજા વીકમાં પહેલા પક્ષીને જ્યારે ટૅગ લગાવ્યો એ અનુભવ અને દિવસ મારા માટે આજે પણ બહુ જ ખાસ છે. મહિનાઓની મહેનત પછી સફળતા મળી હતી. આ પક્ષીઓ પર રિસર્ચ કરવાનો હેતુ એ જ છે કે કમર્શિયલાઇઝેશન અને ઍગ્રિકલ્ચરના અમુક ઍસ્પેક્ટને કારણે આ પક્ષીઓના હેબિટાટને નુકસાન પહોંચે છે અને પછી એમની સંખ્યાને નુકસાન પહોંચી શકે છે. આપણામાં કહેવત છે કે જાગે ત્યારે ભાગે. પક્ષીની સંખ્યા ચાર કે પાંચ બચે ત્યારે આપણે કોઈ પણ રીતે એમનાં ઘર બચાવી શકવાના નથી. જે પક્ષીઓની સંખ્યા સારા પ્રમાણમાં છે ત્યારે જ એમના પર કામ થવું જોઈએ. દોઢેક વર્ષ લાગશે મને ફાઇનલ પરિણામ રજૂ કરવામાં.’ 

કુંજ ખેડૂતોનું વેલ-વિશર છે

પાક લેવાઈ ગયા પછી જમીનમાં પહેલાના પાકના અવશેષો રહી જાય છે. એ અવશેષો કાઢવા આપણે ખેતરમાં જતા હોઈએ. છીએ. દાખલા તરીકે મગફળીના અમુક દાણા રહી જતા હોય છે. નવા પાક આપણે પહેલાં જમીનમાંથી જૂના પાકના દાણા કાઢી નાખતા હોઈએ છીએ. આ કુંજ ઘાસવાળી જમીનમાં પડેલા દાણા શોધીને ખાય છે અને અડધું કામ ઓછું કરી દે છે. જેવી રીતે અળસિયા ખેડૂતના મિત્રો છે એવી જ રીતે આ પક્ષીઓ પણ ખેતીમાં મદદરૂપ છે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 11:34 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK