Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લીલું ખાઓ અને લીલાછમ રહો

લીલું ખાઓ અને લીલાછમ રહો

13 February, 2024 08:21 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

આમ તો ઘણી શાકભાજી મળે છે, પણ હાલમાં મળતી આ પાંચ ગ્રીન ચીજો અચૂક ખાવી જોઈએ. આ એવી ચીજો છે જે આખાય વર્ષ માટે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરી આપશે

પ્રતીકાત્મક તસવીર ડાયટ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર


ભલે મુંબઈમાં બારેમાસ બધી જ શાકભાજી અને ફળો મળી જાય છે અને એટલે જ આપણને સીઝનલ ચીજોની જોઈએ એટલી કિંમત નથી. ભર ઠંડીમાં તમને મૅન્ગો મળી જાય અને ભરઉનાળામાં સફરજન. બળબળતા ઉનાળામાં પણ તમને તુવેર-વટાણા અને ફ્લાવર મળી શકશે. એટલે જ આપણે જે ચીજ ચોક્કસ સીઝનમાં મળે છે એની મીઠાશ અને ગુણની કદર નથી  કરી શકતા. નસીબજોગે કેટલીક ચીજો હજીયે એવી છે જે માત્ર ઠંડીમાં જ મળે છે અને એ પોષક તત્ત્વોનો ભંડાર છે. આ એવી ચીજો છે જે તમે જો આખીયે સીઝનમાં ન ખાધી હોય તો  હજીયે જતી સીઝને ખાઈ લેવી જોઈએ. આ ચીજો એવી છે જે સૂકી થઈ ગયા પછી તો બારેમાસ મળે છે, પણ ઠંડકમાં લીલી અને કુમળી અવસ્થામાં મળે છે જેના લાભ અનેકગણા છે. એના ફાયદા કેમ થાય છે એ વિશે કાંદિવલીનાં ડાયટિશ્યન મિરલ શાહ કહે છે, ‘ગ્રીન અને કુમળી અવસ્થામાં શાકભાજી હોય એેમાં જે પણ ફાઇટોકેમિકલ્સ હોય એ એકદમ નૅચરલ ફૉર્મમાં હોય. એમાં રહેલા ગુણો એવા ફૉર્મમાં હોય જે શરીર સરળતાથી શોષી શકે છે. ફ્રેશનેસને કારણે એમાં પાણીનો ભાગ પણ સારોએવો હોય જે બૉડીને વધુ રિસેપ્ટિવ બનાવે છે. લીલા કાંદા કે લીલા લસણની વાત કરીએ તો એમાં રહેલા પાનને કારણે ફાઇબર કન્ટેન્ટ પણ મળે. લીલાં પાનમાં જે ફાઇટોકેમિકલ્સ હોય છે એ તમારી ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે.’

લીલા કાંદા
તામસિક ગુણ ધરાવતા હોવાથી કાંદા કદાચ બધાને નથી ગમતા, પરંતુ એ જ્યારે લીલાં પાનની સાથે મળે છે ત્યારે એને અવશ્ય ખાઈ લેવાં જોઈએ. મિરલ કહે છે, ‘લીલા કાંદા વિટામિન સી, ઈ, ફોલિક ઍસિડ અને કૅરોટિન્સથી  ભરપૂર હોય છે જે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સની ગરજ સારે છે અને ગટ માટે પ્રી-બાયોટિક બની રહે છે. સહુ જાણે છે કે કાંદામાં સારીએવી માત્રામાં સલ્ફર હોય છે; જે ઍન્ટિ-બૅક્ટેરિયલ, ઍન્ટિ-વાઇરલ, ઍન્ટિ-ફંગલ ગુણો ધરાવે છે. એને કારણે બ્લડ શુગર અને કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ છે. 


લીલું લસણ 


લીલું લસણ માત્ર ઠંડીમાં જ મળે છે. એક કળીવાળું સૂકું લસણ તો હાર્ટના દરદીઓને પ્રિવેન્શન માટે ખાવાનું કહેવામાં આવતું હોય છે. ત્યારે એનું કુમળું વર્ઝન એટલે કે લીલું લસણ અનેક પોષક તત્ત્વોનો ભંડાર છે. ખૂબ ઓછી માત્રામાં વધુ ગુણકારી એવા લીલા લસણ વિશે મિરલ કહે છે, ‘એ સ્ટ્રૉન્ગ ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણ ધરાવતું હોવાથી અસ્થમાના દરદીઓ હોય કે આર્થ્રાઇટિસના દરદીઓ માટે બહુ કામનું છે. કૉલેસ્ટરોલ ઘટાડીને રક્તવાહિનીઓનું બ્લૉકેજ પ્રિવેન્ટ કરે છે. ઠંડીની સીઝનમાં શરદી, કફ અને ફ્લુ સામે શરીરની રક્ષણાત્મક શક્તિ સુધારે છે. લીલા કોષોનું રીજનરેશન પ્રમોટ કરે છે, જેને કારણે ઇમ્યુનિટી વધે છે જે લૉન્ગ ટર્મ ફાયદો કરે છે.’


લીલાં મરી


મરી તો બારેમાસ ગૃહિણીઓના મસાલિયામાં મળી જ આવે, પણ ઠંડી એવી સીઝન છે જેમાં લીલાં મરી મળે. અગેઇન, એ બહુ ટૂંકા ગાળા માટે મળે છે, પણ આ સીઝનમાં લીલાં મરી કોઈકને કોઈક રીતે ખાઈ જ લેવાં. આથેલાં લીલાં મરીનું અથાણું તમારી ભૂખ ઉઘાડવાથી લઈને પાચનને જડમૂળથી સુધારવાનું કામ કરશે એમ જણાવતાં મિરલ કહે છે, ‘લીલાં મરી ગરમ પડશે એવું માનવું નહીં. ઇન ફૅક્ટ, થોડીક માત્રામાં રોજ લેવામાં આવે તો એ મેટાબોલિઝમને મજબૂત કરે છે. જો તમે વેઇટ લૉસ ડાયટ પર હો તો-તો એમાં જરૂર ફાયદો કરશે. હાઇપોથાઇરૉઇડની તકલીફ ધરાવતા લોકોના સ્લો મેટાબોલિઝમને પણ એ જગાડી દે છે. એનું નિયમિત સેવન તમને શિયાળા અને શિયાળા-ઉનાળા વચ્ચેની સીઝનમાં આવતી ફ્લુની સીઝનમાં કફની તકલીફથી બચાવે છે. પણ હા, જો તમને ઍસિડ રિફ્લક્સની તકલીફ હોય તો ડૉક્ટરને પૂછીને જ લીલાં મરી લેવાં.’

લીલી હળદર 


ઠંડીના સુપરફૂડ્સની વાત થતી હોય તો લીલી હળદર તો યાદ કરવી જ પડે. આમેય હળદરને આપણે ત્યાં ગોલ્ડન સ્પાઇસનો દરજ્જો મળેલો છે. મલેરિયા હોય, ફ્લુ હોય કે પછી થોડા સમય પહેલાં આપણી ખબર કાઢી ગયેલો કોવિડ હોય; હળદરનું સેવન ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે એ આપણે સહુએ જોયું છે. જો સૂકી હળદર સોનાની હોય તો લીલી હળદર તો ડબલ લાભદાયી રહેવાની જ. આયુર્વેદમાં તો કહેવાય છે કે આ સીઝનમાં જમતાં પહેલાં લીલી હળદર, આંબા હળદર અને આદુંની કચરી રોજ લેનારા લોકોની ઇમ્યુનિટી એટલી સ્ટ્રૉન્ગ હોય છે કે બારેમાસ ચિંતા ન કરવી પડે. લીલી હળદર સૂકી કરતાં વધુ સારી રીતે શરીરમાં શોષાય છે એ વિશે મિરલ કહે છે, ‘ક્યાંય સોજો આવ્યો હોય માર વાગ્યો હોય તો હળદર વપરાય છે. લીલી હળદર પણ એવું જ કામ આપે છે. રાધર એ ઈઝી ટુ ઍબ્સૉર્બ હોવાથી ઝડપથી અને વધુ કામ આપે છે. શરીરમાં ક્યાંય ઇન્ફ્લમેશન હોય તો ઘટાડે. લોહીમાં કૉલેસ્ટરોલ જમા થતું હોય તો એ ઘટાડે. એમાં રહેલું કર્ક્યુમિન નામનું કેમિકલ એટલું વર્સટાઇલ છે કે એ સ્ટ્રૉન્ગ ઍન્ટિ-બૅક્ટેરિયલ, ઍન્ટિ-ઑક્સિડન્ટ, ઍન્ટિ-કૅન્સર, ઍન્ટિ-સેપ્ટિક અને ઍન્ટિ-ફંગલ કામ આપે છે. આ બધા ગુણોને કારણે શરીરના આંતરિક અવયવો જેમ કે હાર્ટ, લિવર અને પૅન્ક્રિયાસના કોષોમાં ક્યાંય ઑક્સિડેટિવ સ્ટ્રેસ પેદા થતું હોય તો એને પ્રોટેક્ટ કરવાનું કામ થાય છે.’

લીલાં કઠોળ : ચણા, વટાણા અને તુવેર 


વટાણા બારેમાસ મળે છે, પણ આ સીઝનમાં મળતા વટાણા કુણા હોય છે. વગરસીઝને આવેલા વટાણા ખાધા પછી વાયડા પડે એવું સંભવ છે, પણ સીઝનલ લીલાં કઠોળ પચવામાં સરળ હોય છે. લીલા ચણા, તુવેર, વટાણા પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે એમ જણાવતાં મિરલ કહે છે, ‘કઠોળનું આ ટેન્ડર સ્વરૂપ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. એ ઉપરાંત એમાં વિટામિન બી કૉમ્પ્લેક્સ અને મૅગ્નેશિયમ જેવા મિનરલ ખૂબ સારી માત્રામાં છે. એમાં હેલ્ધી ફૅટ્સ હોય છે. બ્લડ શુગર લેવલ ઘટાડવામાં પણ કામનું છે કેમ કે એનો પચવાનો દર ઘણો ધીમો હોય છે. ફાઇબર કન્ટેન્ટને કારણે એ પ્રી-બાયોટિક તરીકે કામ કરે છે અને ગટ હેલ્થ સુધારે છે. શરીરનું ખરાબ કૉલેસ્ટરોલ જે એલડીએલ તરીકે ઓળખાય છે એને લોહીમાં જમા થતું રોકતું હોવાથી હાર્ટ હેલ્થ માટે સારું છે. જો લીલા ચણા અને તુવેરને હિંગ અને અજમાના વઘાર સાથે રાંધવામાં આવે તો એ નહીંવત્ વાયડા પડે છે અને પાચન પણ સરસ થાય છે.’

આ પણ ખાવું જોઈએ 
સુરતી પાપડી, મૂળો અને મોગરી પણ અત્યારે ખાઈ લેવાં જોઈએ. ડાયટિશ્યન મિરલ કહે છે, ‘મોગરી પણ બે પ્રકારની હોય છે, લીલી અને પર્પલ. પર્પલ મોગરીને પર્પલ રંગ આપતાં જે ફાયટોકેમિકલ્સ હોય છે એ હાર્ટ હેલ્થ માટે ખૂબ સારાં છે. એ શરીરમાં ખરાબ ચરબીનો ભરાવો થતો અટકાવે છે.’

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 08:21 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK