છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરની ભીડભાડ અને લાઉડ ડીજેના શોરથી દૂર ૩૧ ડિસેમ્બરની રાત્રે તળાવ કે નદીકિનારે ટેન્ટ બાંધીને કે પહાડ પર ટ્રેક કરીને ઉજવણી કરવાનો ટ્રેન્ડ પિક-અપ થઈ રહ્યો છે.
અલગારી રખડપટ્ટી
ઘોંઘાટવાળી પાર્ટી બોરિંગ લાગતી હોય તો ચાલો કૅમ્પિંગ અને ટ્રેકિંગ કરવા
છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરની ભીડભાડ અને લાઉડ ડીજેના શોરથી દૂર ૩૧ ડિસેમ્બરની રાત્રે તળાવ કે નદીકિનારે ટેન્ટ બાંધીને કે પહાડ પર ટ્રેક કરીને ઉજવણી કરવાનો ટ્રેન્ડ પિક-અપ થઈ રહ્યો છે. આજે જાણીએ કે મુંબઈની આસપાસ આ પ્રકારનું હટકે ન્યુ યર સેલિબ્રેશન કરવાના ઑપ્શન્સ કયા-કયા છે
પ્રકૃતિપ્રેમીઓ તો વર્ષોથી કુદરતના ખોળે નવા વર્ષની ઉજવણી કરવાનું પસંદ કરતા હતા, પણ છેલ્લાં થોડાં વર્ષોથી આ રીત એક ટ્રેન્ડ બનતી જાય છે. એક મોટા પાર્ટી હૉલમાં કાન ફાડી નાખે એવા ડીજેના લાઉડ મ્યુઝિકમાં થતી કૉકટેલ પાર્ટીઝ ઘણા લોકોને હવે બોરિંગ સાઉન્ડ કરે છે. એના કરતાં કોઈ વૉટર બૉડી પાસે ટેન્ટ બનાવીને રહેવામાં તેમને વધુ ફન લાગે છે કે કોઈ પર્વત ખૂંદવામાં તેમને ન્યુ યરની ઉજવણી વધુ સાર્થક થતી દેખાય છે. આ પ્રકારની ઉજવણીઓનો એટલો તો ટ્રેન્ડ વધ્યો છે કે પહેલાં જ્યાં એકલદોકલ ગ્રુપ્સ આ પ્રકારની ન્યુ યર પાર્ટી કરતા હતા એની સંખ્યા હવે ઘણી વધી ગઈ છે. નાનાં-મોટાં ટ્રાવેલ ગ્રુપ્સ હવે આ પ્રકારની ન્યુ યર ટ્રિપ્સની અરેન્જમેન્ટ કરતા જણાય છે, જેને લીધે હવે આ જગ્યાઓ પર પણ મારો વધી ગયો છે. મુંબઈથી નજીક પનવેલ, ઇગતપુરી, કસારા, દહાણુ, અલીબાગ, લોનાવલા, કર્જતમાં અઢળક જગ્યાઓ છે જ્યાં કૅમ્પિંગ પ્લાન થયેલા છે. સહ્યાદ્રિના બીજા અઢળક ટ્રેક્સ છે જ્યાં ચડીને નવા વર્ષની ઉજવણી થઈ શકે છે, પરંતુ આ બધામાં સૌથી પૉપ્યુલર કયાં સ્થળો છે એ વિશે આજે જાણીએ.
ADVERTISEMENT
કળસુબાઈ ટ્રેક
કળસુબાઈ મહારાષ્ટ્રનું પીક છે એટલે કે સૌથી ઊંચી જગ્યા. ૧૬૪૬ મીટરની ઊંચાઈએ આવેલો આ પર્વત સહ્યાદ્રિની હારમાળાનો જ એક ભાગ છે. ઊંચાઈ સાંભળીને લાગે કે અત્યંત અઘરો ટ્રેક હોઈ શકે, પરંતુ વર્ષોથી આ ટ્રેકને અઘરામાંથી સહેલો બનાવવાના પ્રયત્નો ચાલી જ રહ્યા છે. પગથિયાં, રેલિંગ અને ચેઇન જેવી વ્યવસ્થાઓના ઉમેરાથી હવે એ પહેલાં જેટલો અઘરો ન કહી શકાય. છતાં જો તમે બિલકુલ પર્વત ન ચડ્યા હો તો કદાચ તમારા માટે એ ભારી છે પરંતુ જો તમે ફિઝિકલી ફિટ હો તો વાંધો આવતો નથી. જે લોકો ટ્રેક કરે છે તેઓ આને મીડિયમ કૅટેગરીનો ટ્રેક માને છે. આ ટ્રેક ખાસ ન્યુ યર પર લોકો કેમ કરે છે એનો જવાબ આપતાં મિસ્ચીફ ટ્રેક્સની મેમ્બર જાહ્નવી મહેતા કહે છે, ‘કારણ કે મહારાષ્ટ્રની આ સૌથી ઊંચી જગ્યા એટલે કે ચોટી માનવામાં આવે છે તો ત્યાંથી ન્યુ યરનો પહેલો સૂરજ કે એનું પહેલું કિરણ મેહસૂસ કરવાનો ચાર્મ જ જુદો છે. નવા વર્ષની આનાથી વધુ સારી શરૂઆત કઈ હોઈ શકે? એટલે જ કળસુબાઈ એક એવો ટ્રેક છે જે ટ્રેકર્સ ન્યુ યરના હોંશે-હોંશે કરે છે એટલું જ નહીં, ઘણા ટ્રેકર્સ માટે એ ન્યુ યર રિચ્યુઅલ બની ગયું છે. નવા વર્ષે જેમ આપણે દેવદર્શન કરીએ એમ એ લોકો કળસુબાઈ ચડે છે.’
પ્રબલમાચી ટ્રેક
કળસુબાઈની જેમ પ્રબલ માચી પણ ઘણો પ્રખ્યાત ટ્રેક છે. પનવેલથી ઠાકુરવાડી ગામ સુધી પહોંચીને આ ચડાણ શરૂ કરવાનું હોય છે. આમ તો આ મીડિયમ ડિફિકલ્ટીવાળા ટ્રેકની મજા ટ્રેકર્સને આવે, પરંતુ ન્યુ યર પર ઘણા લોકોને લેઝર ટ્રેક એટલે કે આરામથી ચડી શકાય એવા ટ્રેક્સ વધુ ગમતા હોય છે અને ફૅમિલી સાથે હોય તો ચડવાનું હોય તો ટ્રેકને થોડો સરળ પણ બનાવવામાં આવે છે એમ વાત કરતાં ટીત્રિકોણ ટ્રાવેલ કંપનીમાં કામ કરતા ઈશાંત શાહ કહે છે, ‘પ્રબલ ગઢ અને કલાવંતી ફોર્ટના રસ્તામાં એક મેદાન જેવી જગ્યા છે, જ્યાં પહોંચવા માટે એકથી દોઢ કલાકનું ચડાણ કરવાનું હોય છે જે અઘરું નથી પડતું. ઊલટું મજા જ આવે છે. ત્યાં ઉપર પહોંચ્યા પછી પહાડની એ જગ્યાએ કૅમ્પિંગનું આયોજન થાય છે. ટેન્ટ્સ લાગે છે. આખી રાત ત્યાં બોન્ફાયરની મજા લઈને ફન ઍક્ટિવિટીઝ કરવાની, ટેન્ટમાં સૂવાનું અને નવા વર્ષના ઊગતા સૂરજનાં દર્શન કરીને પાછુ ફરવાનું.’
ભંડારદરા કૅમ્પ
મુંબઈથી ૧૬૫ કિલોમીટર દૂર આવેલી આ જગ્યા મહારાષ્ટ્રની અતિ સુંદર જગ્યાઓમાંની એક છે. ઇગતપુરીમાં વસેલું આ સ્થળ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કહી શકાય. ત્યાં વિલ્સન ડૅમ છે અને આર્થર લેક પણ છે. ચોમાસામાં લોકો ત્યાંનાં ઝરણાંઓમાં નહાવા ખાસ જાય છે. ન્યુ યર કૅમ્પિંગ મોટા ભાગે પાણીની બાજુમાં હોય છે. પાણીની ખાસ વિશેષતા વર્ણવતાં ઇશાંત શાહ કહે છે, ‘ન્યુ યર કૅમ્પિંગની મજા પાણી પાસે જેવી આવે એવી બીજે આવતી નથી. ઘણા લોકો ખાસ રિક્વેસ્ટ કરે છે કે કૅમ્પિંગ પાણી પાસે જ હોવું જોઈએ. જરૂરી નથી કે એ લોકો પાણીમાં કોઈ ઍક્ટિવિટી કરે જ. ન પણ કરે તો પણ પાણી પાસે ટેન્ટ બાંધીને રહેવાની અને એક રાત ગાળવાની મજા લેવા લોકો આ પ્રકારના કૅમ્પ પસંદ કરે છે.’
પાવના લેક કૅમ્પ
પાવના પાણીના સંગ્રહનું એક જળાશય હતું, જે એક આર્ટિફિશ્યલ લેક બની ગયું છે. લોનાવલા પાસે આવેલી આ જગ્યા ન્યુ યર કૅમ્પિંગ માટે ઘણી પૉપ્યુલર છે. સામાન્ય વીક-એન્ડમાં લગભગ ૪૦૦૦ જેટલા લોકો અહીં હોય છે તો ન્યુ યરમાં કેટલા હશે એ તો વિચારવું રહ્યું. પાવના ડૅમ પાસે થતા આ કૅમ્પિંગની માહિતી આપતાં કચ્છ ટ્રેકર્સ અને ડિવાઇન ડેસ્ટિનેશનનાં જનરલ મૅનેજર ભક્તિ સાવલા કહે છે, ‘મુંબઈના લોકોમાં લોનાવલા ફેવરિટ ડેસ્ટિનેશન છે. મુંબઈથી પાવના ૩ કલાક થાય પહોંચતાં. જે લોકો લોનાવલા ખૂબ ફરી ચૂક્યા છે એ પાવના સાઇડ હવે વધુ એક્સપ્લોર કરવા લાગ્યા છે એટલે એ પૉપ્યુલર બનતું જાય છે. પાવના પાસે ૨-૩ ટ્રેક્સ પણ છે જે તમે કરી શકો. બાકી ટેન્ટની વાત કરીએ તો ઇમ્પોર્ટેડ બિગ ટેન્ટ્સમાં ૨-૩ લોકો આવી જાય, ચાઇનાના ટેન્ટ્સ નાના હોય છે. કોઈ પણ જગ્યાએ તમે કૅમ્પિંગ કરો તો મોટા ભાગે વૉશરૂમ ફૅસિલિટી કૉમન વૉશરૂમ હોય છે.’
માથેરાન
માથેરાન આમ પણ મુંબઈના લોકો માટે શિયાળામાં ફેવરિટ હિલ-સ્ટેશન ગણાય છે. શહેરી જીવનથી ખરેખર બ્રેક લેવા માટે લોકો માથેરાન જતા હોય છે. ત્યાં એક પણ વાહન અલાઉડ નથી, જેથી પૉલ્યુશન ત્યાં બિલકુલ નથી અને ન્યુ યરની શરૂઆત વગર પૉલ્યુશને કરવા માટે ખરા અર્થમાં કુદરતના ખોળે રહેવા ઘણા લોકો ત્યાં જાય છે. એ વિશે વાત કરતાં વીટીએસ ટૂર્સના ફાઉન્ડર તેજસ મામણિયા કહે છે, ‘અમે આ વખતે એક સનસેટ ટ્રેક પ્લાન કર્યો છે. ૩૧નો ડૂબતો સૂરજ જોવાનો અને પહેલી તારીખનો ઊગતો સૂરજ પહાડોની વચ્ચેથી નીકળતો જોઈને લોકો પોતાનું ન્યુ યર સેલિબ્રેટ કરી શકે છે. આ સિવાય પહાડો પર ટેન્ટમાં રહેવાની મજા જુદી છે. જોકે અમુક લોકો ફૅમિલીવાળા હોય અને તેમને હોટેલ સ્ટે જોઈતો હોય તો બન્ને પ્રકારની વ્યવસ્થા રાખવી પડે છે. આ સિવાય લોકોને ટેન્ટ બાંધતાં અમે શીખવીએ છીએ. કાયાકિંગ અને સ્ટૅન્ડઅપ પેડલિંગ જેવી ઍક્ટિવિટી પણ આ વર્ષે પ્લાન કરી છે.’
ભીડ મળશે?
જો તમે આ પ્રકારની હટકે ન્યુ યર પાર્ટી એટલે પ્લાન કરી રહ્યા છો કે તમને લાગે કે ત્યાં માણસો નહીં હોય તો આ એક ભૂલ છે. ચોમાસાના ચાર મહિનાના દર વીક-એન્ડ લોનાવલા ઓવરબુકડ હોય એવું જ આ જગ્યાઓનું છે. ત્યાં પણ મુંબઈના અઢળક લોકો પાર્ટી કરતા તમને જોવા મળશે જ. તો પછી અહીં કેમ જવાનું? આ પ્રશ્નનો જવાબ આપતાં જાહ્નવી મહેતા કહે છે, ‘એટલા માટે કે સિટીમાં ક્યાંય પણ તમે ન્યુ યર મનાવવાનું વિચારશો પછી એ કોઈ ડીજે પાર્ટી હોય કે ગેટવેની ભીડ કરતાં તો ક્રાઉડ અહીં ઓછું જ મળશે. જે ચેન્જની લોકોને તલાશ હોય છે એ ચેન્જ આ કૅમ્પિંગમાં મળી રહેશે.’
ન્યુ યર પર ખાસ શું?
આમ તો આ જેટલી પણ જગ્યાઓ છે ત્યાં કૅમ્પિંગ કે ટ્રેકિંગ આખું વર્ષ ચાલતાં જ રહે છે. એટલે એવું નથી કે ન્યુ યર પર જ અહીં જવું. ગમે ત્યારે જઈ શકાય. પરંતુ ન્યુ યર આ જગ્યાઓએ ઊજવવાનો અમુક ફાયદો છે, જે વિશે જણાવતાં ભક્તિ સાવલા કહે છે, ‘ન્યુ યરની ઉજવણી માટે દરેક કૅમ્પિંગમાં કોઈ ને કોઈ વસ્તુઓ વધુ સારી કરવાનો પ્રયાસ તો થવાનો જ છે. ન્યુ યર કૅમ્પ સાઇડ પર આજકાલ ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝ પણ થવા લાગી છે. આ સિવાય બોનફાયર, મ્યુઝિક, ડાન્સ, ગેમ્સનો ફન જુદો. બાર્બિક્યુ ખાસ પ્લાન કરવામાં આવે છે. એ રાતને વધુ યાદગાર બનાવવા માટેના પ્રયત્નો થાય છે. બાકી વરસની શરૂઆત કુદરત સાથે કરવા મળે એ તો મુખ્ય ફાયદો ગણી જ શકાય.’
કઈ રીતે કરાવશો બુક?
આમ તો આ પ્રકારની ઘણી ટૂર્સ અને ટ્રાવેલ કંપનીઓ છે. દરેક કંપનીની જુદી-જુદી જગ્યાએ કૅમ્પિંગ અને ટ્રેકિંગ પ્લાન થયેલાં છે.
કૅમ્પિંગ કે ટ્રેક્સની કિંમત: ૧૦૦૦ - ૨૫૦૦ સુધી (ફૅસિલિટી પર નિર્ભર)
VTF ટૂર્સ- ઇન્સ્ટાગ્રામ
@vtftours
કચ્છ ટ્રેકર્સ અને ડિવાઇન ડેસ્ટિનેશન :
ઇન્સ્ટાગ્રામ @ktdd.in)
ટીત્રિકોણ ટ્રાવેલ્સ :
www.ttrikon.com
મિસ્ચીફ ટ્રેક્સ :
www.mischieftreks.com
હાઇકર વુલ્ફ : https://hikerwolf.com