Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફરીથી પવન પર કવિતા લખાશે

ફરીથી પવન પર કવિતા લખાશે

15 January, 2023 03:12 PM IST | Mumbai
Hiten Anandpara

અમદાવાદમાં ૧૯૮૯થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે જેમાં દેશ-વિદેશથી પતંગબાજો ઊતરી આવે છે

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત પતંગોનું તીર્થ છે. અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં તો આકાશમાં રશિયા-યુક્રેનનું યુદ્ધ ખેલાતું હોય એવા આબાદ દાવપેચ જોવા મળે. અહીં મજા નિર્દોષ આનંદની છે. ઉત્સવની ઉજવણીઓ જિંદગીને ધબકતી રાખે છે. અમદાવાદમાં ૧૯૮૯થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે જેમાં દેશ-વિદેશથી પતંગબાજો ઊતરી આવે છે. તૃપ્તિ ભાટકરની પંક્તિ સાથે પ્રવાસી ભારતીય દિવસના અનુસંધાનમાં તેમને આવકારીએ...

સૂના આભમાં જાન આવી છે આજે
પતંગોએ રંગત જમાવી છે આજે
કપાવા કે ચગવાની પરવાહ કોને
વરસ બાદ મહેફિલ સજાવી છે આજેપતંગ બનાવવાનો વિચાર ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં ગ્રીક વિજ્ઞાની એરોક્રાઇટ્સને આવ્યો હતો. એનાં સોએક વર્ષ પછી પતંગ ચગાવવાની રમત ચીનમાં શરૂ થઈ હતી. આ ક્રેડિટ ભલે ચીનને આપીએ, પણ ચીની માંજાથી કાયમ દૂર જ રહેવું સારું. કનકવો કે પડાઈ નામે ઓળખાતા પતંગને એના કદ પ્રમાણે નામ અપાય છે : પાવલો, અડધિયો, પોણિયો અને આખો. બહુ મોટો પતંગ તુક્કલ કહેવાય તો એકદમ બચ્ચુ પતંગ ફુદ્દીના નામે ઓળખાય છે. ગરુડ માટે પતંગેન્દ્ર શબ્દ છે. ગુરુદત્ત ઠક્કર વર્ષમાં એક વાર આવતા આ દિવસને આવકારે છે...


ફરીથી ગગનની મુલાકાત થાશે
ફરીથી પવન પર કવિતા લખાશે
ફરી છત પતંગો, ઊછળતા ઉમંગો
ફરી સૂર્ય સાથે નવી વાત થાશે

ઉત્તરાયણને કારણે અગાશીની મુલાકાતે જવાનું થાય છે. આપણે અગાશી સાથેનું અનુસંધાન ગુમાવી દીધું છે. જીવનશૈલીમાં આવેલા આમૂલ ફેરફારોએ સાહજિક લાગતી ઠઠ્ઠા-ખુશીઓ છીનવી લીધી છે. રાત્રે ફુરસદના સમયમાં અગાશીમાં ગપાટા મારવાનું રાજપાટ ટીવી અને ઓટીટી માધ્યમોને કારણે છીનવાઈ ગયું છે. આકાશમાં તારા જોવાની નિરાંત તો જવા દો, એવો વિચાર પણ હવે આવતો નથી. ડૉ. અપૂર્વ શાહ સંબંધોના તાણાવાણા જોડે છે...


રંગ, કદ કે રૂપ ને આકાર કોઈ હો ભલે
પૂર્ણતાને પામવા કન્ના બધે બંધાય છે
સગપણો પણ રાખવા દોરી-પતંગોના સમાં
એકબીજાના સહારે જિંદગી જીવાય છે

પ્રત્યેક તહેવાર કંઈક ને કંઈક શીખવાડતો જાય છે. કન્ના ખોટી બંધાય તો પવન આકાશમાં ઊડે જ નહીં. હવાના પ્રભાવે થોડોક ઉપર જાય તોય આખરે ગોથાં ખાઈને નીચે પડવાનું જ આવે. પતંગ સરસ હોય, માંજો પાકો હોય પણ કન્ના સરખી ન બંધાય તો બંનેનું નૂર નકામું થઈ જાય. રક્ષા શાહ સંબંધોમાં હળવાશની વાત કરે છે...

અગાશી, ફીરકી, માંજો, હવા... ને પેચ લાગ્યો છે
ખરેખર શું કહું તારા વગર મેં ઢીલ ના છોડી
વિહરવાને ગગનમાં એ વજનમાં ભાર ના રાખે
છતાં મજબૂત દોરી ને પતંગે જિંદગી જોડી

ઘણી વાર આપણને કુતૂહલ થાય કે પંખીને આકાશમાંથી કેવું દેખાતું હશે. હવે તો ડ્રોનની કામગીરીને કારણે અનેક ફિલ્મોમાં વિહંગાવલોકનનાં નયનરમ્ય દૃશ્યોનું છાયાંકન જોવા મળે છે. પતંગ પર આપણી નજરો ચોંટાડીને આકાશમાં મોકલવાનું મન થઈ આવે. જોકે ઉપર-નીચે જોવામાં આજુબાજુ ચૂકી ન જવાય એનું ધ્યાન રાખવું પડે. ધાર્મિક પરમાર એ તરફ આંખો ચીંધે છે...

સાવ ઊંચે છો ચગેલા હોઈએ
જઈ કપાઈ, નીચે પડવું જોઈએ
આભ કરતાં એનું આંગણ રંગીએ
ક્યારની તાકી છે આંખો કોઈએ

આભ રંગબેરંગી પતંગોથી ઊભરાઈ જાય ત્યારે એમ લાગે કે એની એકલતા દૂર થઈ ગઈ છે. વાતો કરનારો પતંગ નામનો ભેરુ એને મળી ગયો છે. જે વાત વાદળોને કહેવાની રહી ગઈ હતી એ પતંગો સાથે કરવાનો રોમાંચ આકાશના ભાગે આવ્યો છે. પૃથા મહેતા સોની આ આનંદને વિસ્તારે છે...

આભે સરસ મજાના આકાર-રંગ જોને
ઊડતા ઉમંગ ઊંચે, થઈને પતંગ, જોને
તલગોળ મિષ્ટ, કૂણો તડકો જરાક માણી
રંગો ખરા રમે છે નભને ઉછંગ, જોને

લાસ્ટ લાઇન
સંક્રાંતિનો સમય છે, કહે છે પતંગ એવું
ઉત્તર તરફ અયન છે, કહે છે પતંગ એવું

માંજો ને ફીરકી લઈને, ધાબે ચડી જવાનું
ફૂંકાયો ત્યાં પવન છે, કહે છે પતંગ એવું

તલ, ગોળ, ઘીની ચિક્કી, ઊંધિયું અને જલેબી
જ્યાફત થઈ સરસ છે, કહે છે પતંગ એવું

ઊંચાઈનું જો આવે ગુમાન યાદ રાખો
કાપે કોઈ, પતન છે, કહે છે પતંગ એવું

સોંપી દે દોર ઈશને, છોડી દે સૌ ફિકરને
ઊડવા હવે ગગન છે, કહે છે પતંગ એવું

મીતા ગોર મેવાડા

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 03:12 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK