હેરિટેજ સાઇટના સૌંદર્યને જેટલા ઍન્ગલથી જુઓ એટલું નવા રૂપમાં તમારી સમક્ષ પ્રસ્તુત થાય એટલી કારીગરી એમાં દેખાશે. ખાસ તો અહીંનો ૧૬૦ ઓરડાનો બાહિયા મહેલ. ૪૦૦ વર્ષ થઈ ગયાં, પરંતુ હજીયે આ મહેલ ભલભલાને મોઢામાં આંગળાં નાખવા મજબૂર કરે છે

વિહંગાવલોકન બદ્દી પૅલેસ
હું થોડો આગળ વધ્યો અને મારો પગ નીચે પડેલી પ્લાસ્ટિકની એક મોટી ટ્રે સાથે અથડાયો. મેં માફી માગવા આંખો હટાવી, નીચે જોયું અને મિત્રો, મારું હૃદય બેસી ગયું. આખી ટ્રે ભરીને નાના કદના કાચબાઓ હતા. મેં નવાઈ પામીને દુકાનદાર સામે આંખો ફાડીને જોયું તો તે મારા હાવભાવ જોઈને નિર્લજ્જપણે હસી રહ્યો હતો.પછીથી ખબર પડી કે મૉરોક્કો આ પ્રતિબંધિત વેપાર માટે બદનામ છે.
Daughter of the desert એટલે કે રણની દીકરી તરીકે પ્રખ્યાત મરકકેશને મૉરોક્કન સરકારે પ્રવાસીઓ માટેના પ્રિય સ્થળ તરીકે વિકસાવવામાં કંઈ જ અસર છોડી નથી એમ કહી શકાય. આશરે ૧૧ લાખની વસ્તી ધરાવતા આ રેડ સિટીની મુલાકાતે વર્ષે ૨૦ લાખ યાત્રીઓ આવે છે અને દર વર્ષે આ સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ શહેરનો વિકાસ પણ એકદમ શિસ્તબદ્ધ રીતે અને આયોજનપૂર્વક થઈ રહ્યો છે. લગભગ પાંચથી સાત પંચતારક હોટેલ, ઘણી બધી હેરિટેજ હોટેલ, ગૉલ્ફ કોર્સિસ, અત્યાધુનિક સ્પા સેન્ટર્સ, સુંદર પહોળા રસ્તા, સરળતાથી સુલભ એવી વાહનવ્યવસ્થા, વિકસી રહેલા નવા-નવા વિસ્તારો પ્રતિદિન જાણે આ શહેરના સૌંદર્યમાં વધારો કરી રહ્યા હોય એવી પ્રતીતિ તમને સતત થયા જ કરે.
અમારો આ છેલ્લો એક દિવસ અને આગળનો દોઢ દિવસ એમ અઢી દિવસમાં આ શહેરનાં મુખ્ય આકર્ષણો તો અમે આવરી જ લીધાં હતાં. આ ઉપરાંત પણ ઘણાં આકર્ષણો આ શહેરને ઓછામાં ઓછા ત્રણ દિવસ ફાળવવાના મારા સૂચનને યોગ્ય ઠેરવે છે. હવે આ ત્રણ દિવસનો મહત્તમ ફાયદો કેવી રીતે ઉઠાવવો અને આદર્શ આયોજન કેવી રીતે કરવું એ લખીશ. અહીં સવાર વહેલી પાડવી એટલે કે સવારે આઠ વાગ્યે. મેજોરેલ ગાર્ડન ખૂલે ત્યારે પહોંચી જવું. આના ત્રણ ફાયદા છે. સવારના કુમળા પ્રકાશમાં આ ગાર્ડનનું ખરું સૌંદર્ય માણી શકાય, ફોટોગ્રાફીનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય અને લાંબી-લાંબી કતારોમાં ઊભા રહેવાનું ટાળી શકાય. આ ગાર્ડનની મુલાકાત અને કૅફેટેરિયાની એક અલગ જ મજા છે એ માણવી જ માણવી.
હવે બાકીનાં મુખ્ય ત્રણ આકર્ષણની વાત. ૧,૨૦૦ વર્ષ જૂના આ શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો છે. એમાં સૌપ્રથમ આવે છે છેક ઈસવી સન ૧૫૭૮માં બંધાયેલો અલ બદી મહેલ. આ મહેલ આ દેશના, પ્રદેશના તત્કાલીન રજવાડા સાદિયાન વંશની અનેરી ઓળખ છે. ગાર માટીના, ગેરુ રંગના આ અતિ વિશાળ મહેલનો સ્થાનિક ભાષામાં અર્થ થાય છે અજાયબ મહેલ અથવા જેની સરખામણી શક્ય નથી એવો મહેલ. હજારો કારીગરોની ૧૫ વર્ષની અથાગ મહેનતથી બનાવેલા આ મહેલમાં યુરોપ તથા આફ્રિકાના લગભગ બધા દેશોમાંથી ત્યાંની લાક્ષણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વચ્ચે થોડાં વર્ષ સુધી આ મહેલ એકદમ વેરાન દશામાં અને વેરણછેરણ હતો ત્યારે આમાંની ઘણી વસ્તુઓ લૂંટાઈ કે ચોરાઈ ગઈ હતી, પરંતુ અમે મુલાકાત લીધી ત્યારે હજી સુધી સચવાયેલી વસ્તુઓને જોઈને જ આભા થઈ ગયા. મુલાકાતીઓને એની ત્યારની ભવ્યતા વિશે વિચાર કરતા કરી મૂકે એવી આ મહેલની જાહોજલાલી અત્યારે પણ છે. બહારથી એકદમ સાદા કસબા જેવા લાગતા આ મહેલનું પ્રવેશદ્વાર શહેરના સામાન્ય વિસ્તારના એક ચોકમાં આવેલી એક સાંકડી શેરીમાં આવ્યું છે.
આ દેશમાં બિલાડીઓનું વર્ચસ છે એ અહીંથી જ સમજાઈ જાય છે. ચારથી પાંચ બિલાડીઓ આરામથી મહેલના પરિસરમાં સવારનો તડકો માણી રહી હતી. પ્રવેશ-ફી ચૂકવીને જેવા અંદર પ્રવેશો એવા જ દીવાલ પરનાં બાકોરાં, જાડી માટીની દીવાલો અને માટીનાં ખંડિયેરો જોઈને તમને કલ્પના પણ નથી આવતી કે આ કોઈ મહેલ છે. સાંકડા પ્રવેશદ્વારથી અંદર પ્રવેશો અને તમને નીચે જતા દાદરા દેખાય. અતિશય સાંકડી સીડી અને નાના-નાના ઓરડા તમને મૂંઝવણમાં મૂકી દે, પરંતુ તમે આ પરસાળ વટાવીને આગળ વધો છો. હજી એક બારણું વટાવતાં તમે સીધા પહોંચો છો ભવ્ય મોઝેઇક અને ઝેલીજની કારીગરી ધરાવતા હમામખાનામાં. બસ, આ જ શરૂઆત છે. સદીઓ પુરાણાં હોવાથી અનેક જગ્યાએ આ હમામખાનાંઓની ટાઇલ્સ ઊખડી ગઈ છે, પરંતુ સાચું કહું તો આ જ સ્થિતિ આ જગ્યાની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. સદીઓ જૂનું એક ચિત્ર તમારા મગજમાં ઊપસે છે. ચારે બાજુ લગભગ ૫૦ ફુટ ઊંચી માટીની દીવાલો અને વચ્ચે ચાર હમામખાનાં, જે ચાર ઓરડાઓ સાથે જોડાયેલાં છે. સુંદર લીલા, કાળા, પીળા અને સફેદ રંગની ટાઇલ્સનું મિશ્રણ ધરાવતાં આ ખંડિયેર તમને આફરીન બોલવા મજબૂર કરી દે. ફોટોગ્રાફી માટે અભૂતપૂર્વ તક પૂરી પાડતી ભૌમિતિક રચના તમને અલગ-અલગ ઍન્ગલ્સ વાપરવા માટે મજબૂર કરી મૂકે છે. આ બધું તો હજી ભોંયતળિયામાં જ છે એ જાણજો. હમામખાનાંને લાગીને જ આવેલા દાદરા તમને ઉપર લઈ જાય છે. છેક ઉપરના દાદરે ચડ્યો, એને લાગીને આવેલી ત્રણ ફુટ ઊંચી પાળી પર પણ ચડી ગયો અને બને એટલા ઉપરથી ફોટો લીધા ત્યારે થોડો સંતોષ થયો.
હજી વધુ સૂર્યપ્રકાશ માટે રાહ જોવી હતી, પરંતુ મારા માટે તો રાત ઓછી અને વેશ ઝાઝા જેવો ઘાટ હતો એટલે દાદરા ચડીને મહેલના મુખ્ય પરિસરમાં પ્રવેશ્યા. અરે ભગવાન, શું દૃશ્ય હતું? વિશાળ પરિસરમાં વચ્ચોવચ તળાવ જોઈ લો જાણે. લંબચોરસ પરિસરના ચાર ખૂણે ચાર બગીચા અને વચ્ચે તળાવ એટલે કે કૃત્રિમ જળાશય. જમણી બાજુથી તમે પ્રવેશો તો ડાબી બાજુ આ આખો લંબચોરસ વિસ્તાર અને એને ચારે બાજુથી આવરી લેતો ચાલવા માટેનો પૅસેજ. અનેક મુલાકાતીઓ હતા અને બીજા આવી રહ્યા હતા. આકાશમાં વાદળાં પણ હતાં. ઘણા ફોટો લીધા. આજુબાજુના અનેક ઓરડા જે પહેલાં રાજવી પરિવાર વાપરતા હશે એને સરકારે પ્રદર્શન માટે વપરાશમાં લઈ લીધા છે. અલભ્ય પુસ્તકો, ચિત્રો, વસ્ત્રો વગેરે સુંદર રીતે અહીં પ્રદર્શિત કર્યાં હતાં. અમે આગળ વધી રહ્યા હતા અને જમણે મ્યુઝિયમનું પાટિયું આવ્યું. વળી આ મ્યુઝિયમમાં તો ફોટોગ્રાફીની પણ મનાઈ હતી. એવું તે શું હશે? અલભ્ય ખજાનો. કોઈ ૧,૨૦૦ વર્ષ જૂનું ધાર્મિક સિંહાસન અહીંનું મુખ્ય આકર્ષણ હતું.
અમે મ્યુઝિયમમાં ટહેલી રહ્યા હતા અને મારું ધ્યાન એક દંપતી તરફ ખેંચાયું. વૃદ્ધ દંપતી હતું, પરંતુ અતિશય સોહામણા અને શાલીન દેખાઈ રહેલાં વૃદ્ધાએ મારી અંદર રહેલા ફોટોગ્રાફરને એક ઇજન આપ્યું જાણે. ચહેરા પરની કરચલીઓ વીતેલા કેટલાય દસકાઓની ચાડી ખાઈ રહી હતી. અતિશય સુંદર, સૌમ્ય, શાલીન દેખાઈ રહેલાં સન્નારીએ મને ખાસ કરીને લદ્દાખનાં વૃદ્ધાઓની યાદ અપાવી દીધી. કરચલીઓ સિવાય કોઈ જ સામ્ય નહોતું, પરંતુ અભિભૂત કરી નાખે એવું સૌંદર્ય અને એમાં વધારો કરી રહેલી તેમણે પહેરેલી હૅટ. હા, હૅટ. તેઓ હજી અંદર જ હતાં. અમે બહાર નીકળ્યા અને મેં તો બહારની પાટલી પર જ અડ્ડો જમાવ્યો. દસેક મિનિટ રાહ જોઈ અને જેવા તેઓ બહાર આવ્યાં કે હું ઊભો થયો અને એકદમ જ વિનયપૂર્વક તેમનાં વખાણ કરીને તેમનો ફોટો લેવાની પરવાનગી માગી. તેમણે સ્મિત કર્યું અને હા પાડી. બંદા ખુશખુશાલ. ફોટો લીધા પછી તેમના વિશે અને તેમની હૅટ વિશે પૂછ્યું. ફરી ખીલ્યાં. અમેરિકન હતાં અને હૅટનું રહસ્ય સાંભળીને તો હું ઠરી જ ગયો. તેઓ પચીસેક વર્ષનાં હતાં ત્યારથી આ હૅટ તેમની સાથી છે એમ કહ્યું. તેઓ જેટલું ફર્યાં છે એટલી જ આ હૅટ પણ ફરી છે એવું કહેતાં તેમના ચહેરા પરનો મુગ્ધ ભાવ હજી પણ હું આંખ બંધ કરું તો આંખો સમક્ષ તરવરી ઊઠે છે. જોકે જ્યારે વિદેશ જાય ત્યારે જ આ હૅટ વાપરવાની, બાકી નહીં એવો વણલખ્યો નિયમ. હૅટ પણ તેમના જેટલી જ સુંદર. અભિવાદન કરીને અમે છૂટા પડ્યા. હજી થોડા આગળ વધ્યા કે એક નાનીસી ઢીંગલી જેવી પાંચેક વર્ષની દીકરી અને તેને મનાવી રહેલા તેના પિતા દેખાયાં. દીકરીના ચહેરા પરના હાવભાવ એટલા સુંદર હતા કે રહેવાયું નહીં. પૂછવા રહીશ તો તક ચૂકી જઈશ એવી સંભાવના હોવાને કારણે પૂછ્યા વગર ફોટો લઈ લીધો. તેના પિતાને ગમ્યું ન હોય એવું લાગ્યું એટલે થોડું ફિક્કું હસીને સરકી ગયો. એ ફોટો પણ એટલો જ સુંદર આવ્યો છે.
આગળ વધ્યા. એક મોટો ફુવારો આવ્યો અને એને લાગીને હજી પણ ઉપર લઈ જતી સીડી જોઈ. ચાલો, મિનારાઓની છત પર. આ એક ખૂબ જ મોટી અગાસી હતી. ફોટોગ્રાફી માટેની જ. ઉપરથી ખૂબ જ સુંદર દૃશ્ય રચાઈ રહ્યું હતું. વળી પાછું એક તાજુબ. દરેક મિનારાની ટોચ પર white storks પંખીઓના માળા અને સવારનો સમય હોવાથી આ મોટા કદનાં પંખીઓના આવાગમનને કારણે આકાશ જાણે ભરાઈ ગયું હતું. શુભ્ર રંગની ભવ્યતા આકાશી વાદળાં અને આ શુભ્ર પંખીઓને કારણે સરજાઈ રહી હતી. સફેદ, શુભ્ર, ધવલ રંગોનો ખરો અર્થ અને સૂક્ષ્મ ફરક અસરકારક રીતે સમજાઈ રહ્યો હતો. ભવ્ય મહેલ, ભવ્ય જળાશય, ભવ્ય પરિસર. ઉપરથી આખો નજારો આંખોને ભરી દેતો હતો. આખું શહેર દેખાઈ રહ્યું હતું. ગેરુ રંગની ઇમારતો, નળિયાં બધું જ. આંખો સમક્ષ ઇતિહાસ જાણે આળસ મરડીને જીવંત થઈ રહ્યો હતો. આ શહેરની સુંદર સવારને વધુ સુંદર બનાવીને અમે મહેલની બહાર નીકળ્યા. ક્યારેક શહેરને એક છેડે આવેલો આ મહેલ અત્યારે શહેરના કેન્દ્રીય વિસ્તારમાં આવી ગયો છે. મરકકેશની બજારો ખૂલી ગઈ હતી, ખૂલી રહી હતી. બજારની સાંકડી ગલીઓ, બંને બાજુની દુકાનો અને રસ્તા પરથી જ અંદર જઈને મકાનોની નીચે આવેલી બજારો મરકકેશના ઐતિહાસિક પાસાને અનાવૃત કરી રહી હતી.
થોડું ચાલીને અમે એક ચોક પર પહોંચ્યા. અહીં લગભગ છ નાની-નાની ગલીઓનો સંગમ થઈ રહ્યો હતો. ખૂણે આવેલી એક દુકાન લાક્ષણિક મધ્યપૂર્વની ઓળખ સમા મોટા કદના એકસરખા ડબ્બાઓમાં ભરેલો સૂકો મેવો, તેજાના અને બીજાં પ્રાદેશિક વસાણાં વેચી રહી હતી. નીચે મોટા ત્રાંસ જેવાં લંબચોરસ વાસણોમાં અલગ-અલગ રંગોનાં, ચોક્કસ પ્રકારના થોરનાં સૂકવેલાં ફૂલો પણ વેચી રહ્યા હતા. આવાં સૂકવેલાં રંગીન ફૂલોની તો ઘણી જ દુકાનો હતી. ચોક એકદમ જીવંત અને પ્રવૃત્તિથી ધમધમતો હતો. હું આ ડબ્બાઓના ફોટો લઈ રહ્યો હતો. કમ્પોઝિશન બરાબર કરવા હું થોડો આગળ વધ્યો અને મારો પગ નીચે પડેલી પ્લાસ્ટિકની એક મોટી ટ્રે સાથે અથડાયો. મેં માફી માગવા આંખો હટાવી, નીચે જોયું અને મિત્રો, મારું હૃદય બેસી ગયું. આખી ટ્રે ભરીને નાના કદના કાચબાઓ હતા. મેં નવાઈ પામીને દુકાનદાર સામે આંખો ફાડીને જોયું તો તે મારા હાવભાવ જોઈને નિર્લજ્જપણે હસી રહ્યો હતો. બાજુમાં ઊભેલા તેના મિત્ર સાથે કંઈક વાત કરી અને ટીખળપૂર્વક બંને ફરી હસ્યા. મેં પૂછ્યું કે આ કાચબાઓ પણ તેઓ વેચે છે? તેણે હા પાડી. ખુલ્લમખુલ્લા. સામે જ પોલીસની વૅન પણ ઊભી હતી. મેં કહ્યું કે આ કોઈ પ્રતિબંધિત પ્રજાતિ નથી? તો કહે અમને શું ખબર, અમે તો વેચીએ છીએ. સ્થાનિક લોકો માટે આ કાચબા એક લિજ્જત છે. મારું હૃદય દ્રવી ઊઠ્યું, પણ શું કરું? ફોટો લીધા તો પણ ના ન પાડી. મારો અણગમો મારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેમને કોઈ ફરક જ નહોતો પડતો. આ એક વરવું પાસું ખરું. નિ:શંકપણે. હજી આગળ વધ્યો તો ઘણા વન્યજીવો દેખાયા. અલભ્ય પ્રાણીઓ હશે? આરક્ષિત પ્રજાતિ પણ ખરી. જોકે પછીથી ખબર પડી કે મૉરોક્કો આ પ્રતિબંધિત વેપાર માટે બદનામ છે. ઈશ્વરને પ્રાર્થના કે સરકારને સદબુદ્ધિ આપે અને આવા ગેરકાનૂની વેપારને અટકાવવા નિયમો બનાવે. અહીંની પોલીસ ઘણી જ સખત છે. ધારે તો બેશક આ પ્રવૃત્તિને રોકી શકે જ. કદાચ ન રોકાય, પરંતુ નિયંત્રિત તો કરી જ શકે. ચાલો આગળ વધીએ.
આ શહેર ખરીદદારો માટેનું સ્વર્ગ છે. બધા જ પ્રકારના વેપારીઓ અહીં ઠલવાયા છે. યુરોપિયન, આફ્રિકન, એશિયન, અરેબિક બધા જ. હાથવણાટનું કાપડ, કાચનાં વાસણો, ઝુમ્મર, પિત્તળ અને તાંબાનાં વાસણો, કલાકૃતિઓ, માટીની કલાકૃતિઓ, તેજાના, વસાણાં, ધાતુની હાથબનાવટની વસ્તુઓ, હાથના બનાવેલા સાબુઓ, આર્ગન ઑઇલ આ બધું તો મરકકેશનું ખાસમખાસ. હજી ઘણું ફરવાનું હતું એટલે ખરીદી સાંજ પર ઠેલીને અમે આગળ વધ્યા. આ મારી એટલે કે અમારા બંનેની મુલાકાતની વાત કરી રહ્યો છું. સંઘ સાથેની મુલાકાતની નહીં.
હવે વારો હતો આગલા મહેલની સરખામણીમાં નવીન અને આધુનિક કહી શકાય એવા વીસમી સદીમાં બાંધેલા અને એ પણ રાજાના મુખ્ય મંત્રી એટલે કે ખાસ વજીર માટે બાંધેલા બાહિયા પૅલેસનો. આ બાહિયા પૅલેસનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ઈસવી સન ૧૮૫૯માં આ દેશમાં અલાઉઇત વંશનું રાજ હતું. મૉરોક્કોમાં ઘણી સદીઓથી ગુલામોનું ચલણ હતું. આફ્રિકાના અનેક દેશોમાંથી પકડીને અહીં લાવીને તેમને ગુલામ બનાવી રાખવાની પ્રથા વર્ષોથી ચલણમાં અહીં પણ હતી. આખા વિશ્વમાં હતી. આવા જ એક ગુલામની આ વાત છે. અલાઉઇત સુલતાન મોહમ્મદ અલ રહેમાનના ગુલામ તરીકે આવેલો અને પછી વફાદારી, હોશિયારી અને વહીવટી કુશળતાથી સુલતાનના મુખ્ય વજીરના હોદ્દા સુધી પહોંચેલા સી મૂસાની આ વાત છે. આ મહેલ બાંધવાની શરૂઆત મુખ્ય વજીર સી મૂસાએ પોતાના રહેઠાણ માટે કરી હતી. મરકકેશની મધ્યમાં બે હેક્ટરમાં ફેલાયેલો આ મહેલ કદાચ એ સમયમાં આખા મૉરોક્કોના સૌથી સુંદર મહેલ તરીકે પ્રસ્થાપિત કરવાની ઇચ્છા સી મૂસાએ રાખી હતી. હજારો કુશળ કારીગરોએ અથાગ પરિશ્રમ આદર્યો હતો. જોકે સી મૂસા આ મહેલને સંપૂર્ણપણે બાંધી પણ ન શક્યા કે માણી પણ શક્યા. આ કામ ચાલુ રાખ્યું તેમના પુત્ર અને મુખ્ય વજીર તરીકે જ તેમની જગ્યાએ નિયુક્ત થયેલા અહમદ બિન મૂસાએ. જોકે ખરો વેગ પકડ્યો ઈસવી સન ૧૮૯૪થી. મહેલને અવ્વલ દરજ્જાનો તથા અજોડ બનાવવા તેમણે ૧૮૯૪માં તત્કાલીન ખ્યાતનામ આર્કિટેક્ટ મોહમ્મદ બિન મક્કીને નિયુક્ત કર્યા. તિજોરીઓ ખોલી નાખી. મક્કીએ ફૈસથી અને સ્પેનથી કારીગરોને બોલાવ્યા. છ વર્ષ અવિરત કામ ચાલ્યું. આ છ વર્ષ દરમિયાન ઇટલીના કરારા આરસ, ઍટલસ પર્વતમાળાનાં લાકડાં, ફૈસના પૉર્સલિન, યુરોપિયન પેઇન્ટર્સ, ઝેલીજના બહેતરીન કારીગરો બધાનો પડાવ હતો આ મહેલ અને આ બધાનું જે પરિણામ આવ્યું એ ખરેખર અજોડ છે. ૪૦૦ વર્ષ થઈ ગયાં, પરંતુ હજી પણ આ મહેલ ભલભલાને મોઢામાં આંગળાં નાખવા મજબૂર કરે છે. અહીં ૧૬૦ ઓરડા છે. મુખ્ય વજીરે તેમની ચાર પત્નીઓ અને અનેક બાળકો સાથે અહીં વસવાટ કર્યો હતો. આ મહેલને શ્રેષ્ઠ બનાવવામાં કંઈ જ બાકી રાખ્યું નહોતું. જોકે આ મહેલનું મુખ્ય આકર્ષણ છે એનો મોટો કોર્ટયાર્ડ. અહીં બે કોર્ટયાર્ડ છે. એક નાનો કોર્ટયાર્ડ અને એક મોટો. બંને એટલા જ સુંદર છે, પરંતુ મોટો કોર્ટયાર્ડ સ્વર્ગીય છે. સર્વાંગ સંપૂર્ણ કહી શકાય. ઝેલીજની કારીગરી અહીં સંપૂર્ણપણે ખીલી છે એમ છાતી ઠોકીને કહી શકાય. વચ્ચોવચ ફુવારો. ૧,૫૦૦ ચોરસ મીટરની વિશાળ જગ્યાને સંપૂર્ણપણે ઝેલીજની અભૂતપૂર્વ કારીગરીથી આવરી લીધેલો આખો પરિસર, ચારે બાજુ લાકડાની બારીક અને જાળીદાર કમાનો, નકશીકામ કરેલા થાંભલાઓ. આ કોર્ટયાર્ડ એટલો બધો સુંદર છે કે પગ મૂકતાં જીવ ન ચાલે. આજુબાજુ મોટા ઓરડાઓ વળી પાછા તમને યુરોપીય દેશોની યાદ અપાવે. આ ઓરડાઓની છત જુઓ. પેઇન્ટિંગ્સની કમાલ, કોતરણીની ધમાલ. ગજબની કારીગરી. ઈસવી સન ૧૯૦૦માં કામ પત્યું ત્યારે આની ખ્યાતિ આખા આફ્રિકાની સૌથી સુંદરતમ ઇમારત તરીકે પ્રસરી ગઈ હતી. જોકે ઈસવી સન ૧૯૦૦માં જ વજીર રહસ્યમય કારણોસર ગુમ થઈ ગયા. ભેદી મોત. ૧૯૧૨માં ફ્રાન્સનો કબજો અને એના સર્વોચ્ચ જનરલનું રહેઠાણ આ જ બાહિયા પૅલેસ. સ્વતંત્ર થયા પછી થોડાં વર્ષો રાજવી પરિવાર અહીં રહ્યો, પરંતુ પછી તેમણે ખૂબ જ યોગ્ય કારણોસર આ મહેલને દેશના સાંસ્કૃતિક વિભાગને સુપરત કર્યો. મહિને એકથી દોઢ લાખ મુલાકાતીઓ આ મહેલની મુલાકાત લે છે અને મૉરોક્કન સંસ્કૃતિના ઇતિહાસને જાણે છે, માણે છે.
અમે મુલાકાત લીધી એ વખતે બેથી ત્રણ પ્રદર્શન અહીં ચાલી રહ્યાં હતાં. એમાં સૌથી સુંદર પ્રદર્શન હતું અરેબિક હસ્તપ્રતો, પુસ્તકો અને સિક્કાઓનું. અરેબિક કૅલિગ્રાફીનો વળી એક અલગ જ મિજાજ હોય છે મિત્રો. મેં જોયેલાં કદાચ સુંદરતમ પ્રદર્શનોમાંનું એક આ પ્રદર્શન કહી શકાય. જગ્યાનો પણ જાદુ અસર કરતો હશે કદાચ. અહીંના સ્ટેનગ્લાસ અને બગીચાઓની વાત કર્યા વગર આ મુલાકાતનો ચિતાર અધૂરો ગણાશે. સ્પૅનિશ કારીગરોએ સ્ટેનગ્લાસની આખી ને આખી કમાનો ઉતારી છે અહીં. આ બાહિયા પૅલેસમાં દસ તો અલગ-અલગ પ્રકારના બગીચા છે. આમ આ બે મહેલ મરકકેશની, મૉરોક્કોની આગવી ઓળખ છે.
વાચકમિત્રો, આમ તો આ પ્રકરણ અંતિમ રાખવાનો વિચાર હતો, પરંતુ કદાચ આ શહેરને હું યોગ્ય ન્યાય નહીં આપી શકું એટલે એક પ્રકરણ વધારી રહ્યો છું. આવતા અઠવાડિયે આ શ્રેણીના અંતિમ પ્રકરણ સાથે જરૂરથી મળીશું.