Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ગિજુભાઈના આ મોજીલા કાગડાને તમે મળ્યા છો?

ગિજુભાઈના આ મોજીલા કાગડાને તમે મળ્યા છો?

Published : 01 September, 2024 07:43 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આવી એક વાર્તા આજે યાદ કરીએ

પ્રતીકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતના બાળશિક્ષણક્ષેત્રે ગિજુભાઈ બધેકા બહુ મોટું નામ ગણાતું હતું. આજે પણ ગુજરાતના બાળશિક્ષણ વિશે વાત કરીએ તો ગિજુભાઈનું નામ શરૂઆતમાં જ લેવું પડે. ગિજુભાઈએ બાળકોને એવી વાર્તાઓ આપી છે કે એ સમયે એ ખૂબ લોકપ્રિય હતી. તેમની વાર્તાનાં પાત્રો અને ઘટનાઓ દેખીતી રીતે પશુપંખી કે ડોશીમા હોઈ શકે, પણ એનો ઉદ્દેશ બાળકના પૂરા ઘડતર માટેનો રહેતો હતો. આવી એક વાર્તા આજે યાદ કરીએ.


આ વાર્તાનું નામ છે : મોજીલો કાગડો



એક કાગડો રાજાના દરબાર પાસે બેસીને રોજ કા... કા... કા... કરીને ખલેલ પહોંચાડતો હતો. રાજાને ગુસ્સો આવ્યો. તેમણે એ કાગડાને પકડી લીધો. પકડાયેલા કાગડાને સજા કરવા માટે રાજાએ સિપાઈઓને કહ્યું, ‘આ કાગડાને કૂવામાં નાખી દો.’


સિપાઈઓએ રાજાની આજ્ઞા પ્રમાણે કાગડાને કૂવામાં નાખી દીધો. કૂવાના પાણીમાં પડેલો કાગડો ફરી વાર કા... કા... કા... કરતો ગીત ગાવા માંડ્યો...

કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ


કૂવામાં તરતા શીખીએ છીએ!

કૂવામાં તરતા શીખવાની કેવી મજા ભાઈ

તરતા શીખવાની કેવી મજા!!

રાજા તો કાગડાને સજા કરવા માગતો હતો. સજા તો જ થાય જો કાગડો દુઃખી થાય. કૂવામાં પડ્યો-પડ્યો પણ કાગડો જો આનંદથી ગીત ગાય તો એને સજા શી રીતે કહેવાય? રાજાએ સિપાઈઓને બીજો હુકમ કર્યો, ‘આ કાગડાને પકડીને તડકાથી તપી ગયેલા ખોરડા પર ફેંકી દો. ગરમ-ગરમ નળિયાંથી દાઝશે એટલે દુઃખી થશે.’

સિપાઈઓએ કાગડાને પકડીને એક ખોરડા પર ફેંકી દીધો. ખોરડું તો

ગરમ-ગરમ હતું. રાજાને એમ કે હવે એ દુઃખી થશે, પણ કાગડો તો ખોરડા પર પડ્યો-પડ્યો ગીત ગાવા માંડ્યો:

ખોરડું ચાળતાં શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ!

ખોરડું ચાળવાની કેવી મજા ભાઈ, કેવી મજા!!

રાજાને થયું કે આ કાગડો સીધી રીતે દુઃખી થાય એમ નથી. તેણે સિપાઈઓને આજ્ઞા આપી, ‘જાઓ, આ કાગડાને પકડીને આંબાની ડાળે કોયલની બાજુમાં બેસાડી દો. કાગડાનો અવાજ કર્કશ હોય અને બાજુની ડાળ પર બેઠેલી કોયલ મીઠા ટહુકા કરશે એટલે એનો જીવ બળી જશે.’

સિપાઈઓએ કાગડાને પકડીને આંબાની ડાળ પર કોયલની પાસે બેસાડી દીધો. કોયલે ટહુકા કર્યા એટલે કાગડો ખુશ-ખુશ થઈને બોલી ઊઠ્યો:

મીઠા ટહુકા સાંભળીએ છીએ ભાઈ, સાંભળીએ છીએ

મીઠા ટહુકા સાંભળવાની કેવી મજા ભાઈ, કેવી મજા

હવે રાજાને થયું કે કાગડાને દુઃખી કરી શકાશે નહીં. જેને દુઃખી થવું જ ન હોય તેને ગમે એટલા દુઃખ વચ્ચે ધકેલો તોય એ ત્યાંથી સુખનો સબડકો મેળવી જ લે છે, પણ જેને સુખી જ થવું ન હોય તેને કોઈ રીતે સુખી કરી શકાતો નથી.

હવે આનું શું કરવું?

ગિજુભાઈના આ મોજીલા કાગડાથી સાવ વિરુદ્ધ એવા કોઈક શ્રીમાન વાંધાવચકા દાસ (અથવા શ્રીમતી)ને તો તમે મળ્યા જ હશો? તમારી આસપાસ સહેજ નજર ફેરવશો તો ક્યાંક ને ક્યાંક આ શ્રીમાન કે શ્રીમતી તમને ભટકાઈ જશે. શિયાળામાં ઠંડી હોવા વિશે તેમને ફરિયાદ હશે. ગરમ શાલને શરીર ફરતી વીંટાળીને આ વાંધાવચકા દાસ મોઢું બગાડતા હોય છે, ‘અરેરેરે, કેવી ઠંડી પડે છે? ક્યાંય બહાર જઈ શકાતું નથી. શિયાળાનો દિવસ પણ કેટલો ટૂંકો હોય છે? દિવસ આથમી જાય એટલે કંઈ કામ થાય નહીં.’

આમ શિયાળાની ઠંડી સામે તેમને ઉકળાટ હોય છે. એ જ રીતે ઉનાળામાં તેમનો કકળાટ ચાલુ જ હોય છે, ‘ઉનાળામાં કેટલી ગરમી થાય છે? સૂરજ તપે છે એટલે આપણે ક્યાંય બહાર જઈ શકતા નથી.’

આમ ઉનાળાની ગરમી સામે પણ તેમને ફરિયાદ હોય છે. આવું જ ચોમાસા માટે પણ કહેતા હોય છે. ચોમાસામાં વરસાદ આવે એટલે તેમને વરસાદ સામે પણ ફરિયાદ હોય. આમ જે કંઈ આવે એ બધા સામે તેમને કંઈ ને કંઈ અણગમો જ હોય. શિયાળામાં ગરમ સ્વેટર, ઉનાળામાં હાથપંખો કે ચોમાસામાં છત્રી આ બધાં ઉપયોગી સાધનો છે એવું તેમને સાંભરતું જ નથી હોતું. રેલવેનું રિઝર્વેશન મગાવે અને મળી જાય તો રાજી થવાને બદલે તરત કહેવા લાગે, ‘અરેરેરે! બારી પાસેની બેઠક મળી નહીં.’

આમ જે મળતું હોય છે એના કરતાં જે નથી મળ્યું એના વિશે તેમને હંમેશાં દુઃખ જ હોય છે.

જે મળી જીવનની પળો આપણે જે સમય અને સમાજમાં રહીએ છીએ ત્યાં પ્રત્યેક પળ આપણી ધારણા પ્રમાણે આપણને મળતી નથી. ઘરમાં કુટુંબીજનો સુધ્ધાં આપણને આપણી નિયત કરેલી પ્રથા પ્રમાણે મળતા નથી. દરેકને પોતપોતાની જુદી-જુદી લાગણીઓ હોય છે. આપણે જ્યારે આપણી લાગણી વિશે જાગૃત થતા હોઈએ છીએ ત્યારે આપણી આસપાસ રહેલા બીજાની લાગણીઓ વિશે પણ આપણે જાગૃત રહેવું જોઈએ. આવી જાગૃતિ એ જ સુખનું બીજ બની રહે છે. આ બીજ જો આપણે અંતરના ઊંડાણમાં એક વાર ધરબી દઈશું તો પછી એનું જળસિંચન કરવાથી એ નવપલ્લવિત જ રહેશે. પેલા મોજીલા કાગડા પાસે આવું બીજ હોવું જોઈએ. પ્રત્યેકના વ્યક્તિગત ધોરણે ગમા-અણગમા સંજોગો અનુસાર થતા હોય છે. આવા ગમા-અણગમા પ્રમાણે પાડોશમાં, મિત્રોમાં, વ્યાવસાયિક ક્ષેત્રે આમ ડગલે ને પગલે આપણને જુદી-જુદી પરિસ્થિતિ મળતી હોય છે અને જુદા-જુદા અનુભવો થતા હોય છે. આવી પ્રત્યેક પળે જો અણગમો જ વ્યક્ત કરતા રહીશું તો જીવનની પ્રત્યેક પળ અણગમાથી છલોછલ ભરાયેલી જ રહેશે. ગિજુભાઈના પેલા મોજીલા કાગડાની જેમ આપણે સુખના સબડકા જ શોધી લઈશું તો આપણને દુઃખી કરવા માગતો રાજા સફળ નહીં થાય. એટલે થશે એવું કે જે આપણને દુઃખી કરવા માગે છે તે જ દુઃખી થઈ જશે અને આપણે તો આંબાની ડાળે અને સરોવરની પાળે કોયલના મીઠા ટહુકા સાંભળ્યા કરીશું. કવિ રમેશ જાનીએ કહ્યું છે એમ...

જે મળી જીવનની પળો, ચલ મન માણીએ

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 07:43 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK