Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > કાતિલ કાર્ટેલ (પ્રકરણ 14)

કાતિલ કાર્ટેલ (પ્રકરણ 14)

10 February, 2024 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખી વાર્તા અહીં વાંચો

પ્રતીકાત્મક તસવીર

વાર્તા-સપ્તાહ

પ્રતીકાત્મક તસવીર


સુભાષ બ્રિજની રેલિંગ પાસે પહોંચી ગયેલા અનુપને ત્યારે ખ્યાલ આવી ગયો હતો  કે આ મેક્સિકન ગૅન્ગસ્ટરની આધુનિક ગનની નિશાનેબાજીથી વધુ વાર  બચવું મુશ્કેલ છે.  
અનુપ ત્વરાથી બ્રિજની રેલિંગ 
પર ચડી ગયો. સાબરમતીના અંધારિયા પાણી તરફ જોયું, ઊંડો શ્વાસ લીધો ને પુલની રેલિંગ પરથી નીચે છલાંગ 
લગાવી. એની કાયા સાબરમતીનાં પાણી તરફ ફંગોળાઈ... 
એ દૃશ્ય બ્રિજ પર રિક્ષામાંથી ઊતરતા ભાનુએ દૂરથી જોયું :
‘અરે અનુપભઈ, આ... આ શું કરો છો?’ એવી આછી ચીસ પાડતો ભાનુ     પુલ તરફ ભાગ્યો. સાઇડના ઢાળ પર થઈને નીચે તરફ દોડ્યો.
આ તરફ કચરાના મોટા ડબ્બાની પાછળ છુપાયેલા મહીડાએ સતત ફાયરિંગ કરી રહેલા આર્મેન્ડો તરફ બૂમો પાડવાનું શરૂ કર્યું : 
 ‘દોસ્ત ફ્રેન્ડ, ડોન્ટ શૂટ. ડોન્ટ શૂટ!’


બીજી તરફ અનુપને નજર સામે બ્રિજની રેલિંગ પરથી નદીમાં કૂદી પડતો જોઈને આર્મેન્ડો પણ થોડી ક્ષણ માટે અવાક થઈ ગયો હતો. દરમિયાન મોમિન પણ એની બે-ત્રણ મિનિટની બેહોશીમાંથી ભાનમાં આવ્યો ને આર્મેન્ડોને આડેધડ ફાયરિંગ કરતો જોઈને તરત જ તેણે હ્યુગોને કહ્યું : ‘પ્લીઝ... આને સમજાવ, બહુ મોટો પ્રૉબ્લેમ થશે.’
મોમિનની વાત સમજી જતાં હ્યુગોએ બૂમ પાડીને આર્મેન્ડોને સ્પૅનિશમાં ફાયરિંગ બંધ કરવા કહ્યું.
રાતના અંધકારમાં ગોળીબારના અવાજ આવતાં સુભાષ બ્રિજના શાહીબાગ તરફના છેડેથી પૅટ્રોલિંગ પોલીસ વૅનની સાયરન ગૂંજવા લાગ્યું. પોતાની દિશામાં આવતી પોલીસની વૅનની સાયરનથી ભડકીને આર્મેન્ડો દોડીને મોમિનવાળી કારમાં બેસી ગયો. મોમિને ડ્રાઇવરને કાર મારી મૂકવા કહ્યું .
‘સાહેબ, ક્યાં લઉં?’ 
ડ્રાઇવરે એક ડ્રાઇવર પૂછે એવો 
પ્રશ્ન પૂછ્યો.
‘અરે ભો*****, પે’લાં અહીંથી તો નીકળ!’ મોમિન ચિલ્લાયો અને શાહીબાગની પોલીસ વૅન ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં મોમિનની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ.
શાહીબાગની પેટ્રોલ વૅન સુભાષ 
બ્રિજ પરથી બીજા છેડા તરફ આગળ વધી. પછી કચરાપેટી પાછળ છુપાયેલો મહીડા બહાર આવ્યો...  




‘અનુપભઈ... અનુપભઈ...’ ચિલ્લાવતો નીચે તરફ દોડી આવેલો ભાનુ પુલ નીચેના અંધારામાં અનુપને શોધવા ફાંફા મારતો હતો.
એ વખતે નતાશાએ કાચના ભૂકા બોલી ગયેલી વિન્ડશીલ્ડ વગરની કાર થોડે દૂર આવેલા આરટીઓ સર્કલ પાસે છોડી દીધી. કારની પાછળ સીટમાં  બેઠેલો અજય બૂમો પાડતો રહ્યો ને અજયને ગાળો બકતી પાસેથી પસાર થઈ રહેલી રિક્ષા નતાશાએ પકડી લીધી. 
આ તરફ મોમિન ઍન્ડ કંપની ઘટનાસ્થળે મહીડાને પડતો મૂકીને આગળ નીકળી ગઈ. થોડે દૂર પહોંચીને મોમિને પ્રધાન જયરાજ પટેલના જમાઈ સમીરને ફોન જોડવાનો વિચાર કર્યો : ‘રાતના મોડું થયું છે, પણ પેલો ઘુવડ જમાઈ  પીતો બેઠો હશે.’ 
‘બોલો.’ 
મોમિનનું અનુમાન બરોબર હતું. પાળજના ફાર્મહાઉસ પર સમીર વૉડકાનો ગ્લાસ લઈને મોમિન ખુશખબરી આપે એની રાહ જોઈને બેઠો હતો.
‘સર, પ્રૉબ્લેમ થયો છે.’ મોમિને કહ્યું.
‘કેવો પ્રૉબ્લેમ?’
‘પેલો અનુપ છટકી ગયો. એ સુભાષ બ્રિજ પાસે કોઈ બીજી પાર્ટીને મળવા ગયેલો ત્યાં એ લોકો વચ્ચે કંઈક બબાલ થઈ. હું આગળ કંઈ કરું એ પહેલાં આપણા પરદેશી મહેમાને એની ટેવ પ્રમાણે ‘ધાંય.. ધાંય’ ચાલુ કર્યું એટલે અમારે ત્યાંથી ભાગવું પડ્યું.’ મોમિને બનાવની વાત ટૂંકમાં આટોપી લીધી.
‘આ મેક્સિકન સાલાઓએ ત્રાસ વર્તાવ્યો છે... મારે સાવન સાથે વાત કરવી પડશે.’ સમીર બગડ્યો.
‘તો પછી પેલા અનુપનું શું થયું?’ તેણે પૂછ્યું.
‘એક્ઝૅક્ટ ખ્યાલ નથી, પણ કદાચ એ ઘટનાસ્થળથી છટકી ગયો છે.’ આર્મેન્ડોએ મારેલા ફટકાના કારણે પોતે બેહોશ થઈ ગયો હતો એ વાત મોમિને ટાળી દીધી.
‘અરે, અનુપ છટકી ગયો... બહુ મોટો લોચો પડશે. પેલા બંને પરદેશીની લેટનાઇટ ફ્લાઇટ છે. તેમને ઍરપોર્ટ પર ઉતારી પાછા આવતા રહો, પછી આગળ કંઈક વિચારીએ.’ કહીને સમીર વૉડકાનો આખો ગ્લાસ ગટગટાવી ગયો.



આર્મેન્ડોના ફાયરિંગથી બચવા અનુપ જોયા વિના પુલની રેલિંગ  પરથી નીચે કૂદી તો પડ્યો. તેની ધારણા હતી કે કદાચ સાબરમતીના પાણીમાં નહીં પડે તોય એના રેતાળ પટ પર ખાબકશે, પણ તે પુલની નીચે  રિવરફ્રન્ટની ફુટપાથની સાઇડમાં ગેરકાયદેસર બનાવેલી એક ચાની ટપરીના છાપરા પર પટકાયો. અનુપના વજન અને ગતિના કારણે ટપરીનું છાપરું તૂટ્યું ને ગોથાં ખાતો અનુપ જમીન પર પડ્યો. ટપરીના છાપરાના લીધે તેની પછડાવાની ગતિ તો ઓછી થઈ ગઈ. છતાંય તેનું માથું ફુટપાથ પર અથડાયું ને તેણે ભાન ગુમાવી દીધું.
અનુપના પડવાના ભારે અવાજથી ટપરી નજીક બેઠેલો ભોલા તિવારી 
સફાળો ચોંક્યો. 
તિવારી તેના રિક્ષાચાલક માસીના દીકરા પાસે નોકરીની શોધમાં પટનાથી આવેલો. આજકાલ તે રિવરફ્રન્ટ પર ચા-બિસ્કુટની લારી પર છૂટક મજૂરી  કરી લેતો. માસિયાઈ ભાઈએ તેને કહેલું કે તે જલદીથી ભાડાની રિક્ષાનું કંઈક કરી   આપશે. જોકે એના માટે વીસેક હજાર ડિપોઝિટની ગોઠવણ કરવી પડે એમ હતું. આ કારણે વાત અટકેલી.
અનુપ પછડાયો ત્યારે તેના હાથમાં રહેલો નતાશા, પ્રધાન અને તેના જમાઈ વગેરેના ફુટેજવાળો મોબાઇલ ઊછળીને તેનાથી થોડેક દૂર પડ્યો હતો. તેના પડવાનો ધબાકો સાંભળીને દોડી આવેલા ભોલા તિવારીની નજર બેહોશ પડેલા  અનુપ પર પડી અને પછી થોડે દૂર પડેલા મોબાઇલ પર ગઈ...
ભોલા તિવારીની આંખમાં ચમકારો થયો. કોઈ જુએ નહીં એમ તેણે સિફતથી મોબાઇલને પોતાના પૅન્ટના ખિસ્સામાં સરકાવી દીધો.
એ જ વખતે તેણે ભાનુની બૂમ સાંભળી: 
‘અનુપભઈ... કઈ છો... અનુપભઈ?’
તિવારી સમજી ગયો કે આ બેહોશ પડેલા આદમી માટે કોઈ બૂમાબૂમ કરી રહ્યું છે.
‘ઓ ભાઈ, યહાં પર આ જાવ... એક  ભાઈસા’બ યહાં ગિરકે બેહોશ પડે હૈં.’
ભાનુ દોડતો અનુપ પાસે પહોંચ્યો. અનુપના માથામાંથી વહેતા લોહીને જોઈને તેનાથી ચીસ પડી ગઈ : 
‘અરે... અરે, આ શું થઈ ગયું, અનુપભઈ! ઓ ભાઈ, એકસો આઠ કો બોલાના પડેગા.’ ભાનુએ હીબકાં લેતાં-લેતાં પોતે જ પોતાના ફોનથી ‘૧૦૮’ને   બધી જાણ કરી.
પછીની ઘટનાઓ બહુ ઝડપથી બનવા માંડી.‘૧૦૮’ની ઍબ્યુલન્સ આવી. અનુપને સિવિલ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. લોહી ખાસું વહી ગયેલું એટલે તાત્કાલિક તેને લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામાં આવી. સિનિયર સર્જ્યનને આ ઇમર્જન્સીની જાણ કરવામાં આવી. પ્રાથમિક મેડિકલ ટેસ્ટના રિપોર્ટ્સ બહુ સારા નહોતા. ડાબા હાથમાં ફ્રૅક્ચર થયું હતું, ત્રણ પાંસળી તૂટેલી અને સૌથી વધુ ગંભીર વાત એ હતી કે અનુપની ખોપરીમાં ઈજા પહોંચી હતી. બ્રેઇનમાં બ્લડ ક્લૉટ થઈ ગયો હતો. મગજમાં જામી ગયેલા લોહીનો એ ગઠ્ઠો કાઢવા તાત્કાલિક સર્જરી જરૂરી હતી. અનુપને ઑપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો. એની સાથોસાથ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ ‘અકસ્માત’ની ઘટનાની જાણ કરવામાં આવી...
અનુપની આ હાલત જોઈને એકલો-એકલો મૂંઝાયેલો ભાનુ ‘ઓટી’ બહાર બેન્ચ પર ગુમસૂમ બેઠો રહ્યો હતો.
દોઢેક કલાકે ડૉક્ટરની ટીમ ઑપરેશન થિયેટરમાંથી બહાર આવી ત્યારે એમાંથી એક ડૉક્ટર ભાનુ પાસે આવ્યા :
‘તમે પેશન્ટનાં સગાં છો?’       
‘સાવ સગો તો નહીં, પણ એ મારા મોટા ભાઈ જેવા છે. એ બહુ સિનિયર પત્રકાર છે -  અનુપભઈ રાજ્યગુરુ.’ 
ભાનુ બોલ્યો.  

‘જુવો, તેમને ખોપરીમાં ક્રૅક છે. બ્રેઇન પર સોજો છે. તેમની   ઇમર્જન્સી ટ્રીટમેન્ટ શરૂ કરી છે, હજી એક મેજર ઑપરેશન કરવું પડે. તેમના પરિવારવાળાને જાણ કરો. અત્યારે તો એ વેન્ટિલેટર પર - કોમામાં છે!’ 
‘હે ભગવાન, આ શું થયું. મેં જ અનુપભઈને આમાં ફસાવ્યા.’ ભાનુ 
ધ્રુસકે ચડ્યો.
‘ભાઈ, ધીરજથી કામ લો. તમે કાઉન્ટર પર જઈને ઍડ્મિશન વગેરે ફૉર્માલિટી પૂરી કરી દો.’ 
ડૉક્ટરના ગયા બાદ ભાનુએ ધીમા પગલે અનુપને જ્યાં રાખવામાં આવેલો એ આઇસીયુ રૂમની વિન્ડો પાસે જઈ નજર નાખી. ગંભીર ઘાયલ અનુપની હાલત એ જોઈ ન શક્યો. દાદરો ઊતરીને ઍડ્મિશનના કાઉન્ટર તરફ આગળ વધ્યો. તેના મગજમાં અનુપને તે પહેલી વાર મળ્યો ત્યારથી લઈને આજ સુધીનાં દૃશ્યો એક પછી એક યાદ આવવા માંડ્યાં.
‘અનુપભઈને વાઇફ ને બાબો છે. ગામ ગયાં છે એવું તેમણે કહેલું,  પણ તેમનો કૉન્ટૅક્ટ કઈ રીતે કરવો? કદાચ તેમના મોબાઇલમાં નંબર હશે.’
મોબાઇલનું વિચાર્યું ત્યારે અનુપ પાસે રહેલો બીજો મોબાઇલ ભાનુને યાદ આવ્યો જેમાં તેણે રેકૉર્ડિંગ કરેલું. એ મોબાઇલમાં પ્રધાન અને એના ખાનદાનનાં કાળાં કરતૂતો ફુટેજરૂપે કેદ હતાં... અનુપભઈનો પોતાનો મોબાઇલ તો મળ્યો, પણ પેલો બીજો મોબાઇલ ક્યાં?
‘અનુપભઈ એ મોબાઇલ લઈને 
પેલી નતાશાને ફુટેજ બતાવવા આવેલા પછી આ બધું થયું. મોબાઇલ નતાશા પાસે હશે કે અનુપભઈ મોબાઇલ લઈને પુલ પરથી કૂદેલા?
ભાનુ એક પછી એક આવા પ્રશ્નોના ચકરાવે ચડી ગયો હતો...
....ત્યારે રિવરફ્રન્ટ પર ભોલા તિવારી તેની કિસ્મત પર ઓવારી ગયો હતો :
‘એકદમ બ્રૅન્ડ ન્યુ ગૅલેક્સી અલ્ટ્રા... કમ સે કમ ત્રીસ હજાર તો આવશે. મારી રિક્ષાની ડિપોઝિટનો રસ્તો થઈ ગયો.’ 
બેહોશ અનુપ પાસે પડેલા આ મોબાઇલને તેણે સરકાવી લીધો હતો. એને હાથમાં આમતેમ રમાડતો તિવારી હરખાતો હતો...



પોતાને ગાળો ભાંડતી નતાશા તેની કારનો દરવાજો પછાડીને તેને છોડીને જતી રહી પછી હતાશ થઈ ગયેલો અજય પણ નતાશાની કાર ત્યાં જ પડતી મૂકીને રોડ પર આવ્યો ને તેણે રિક્ષા શોધવા માંડી. ચાલીને આગળ જતાં રિક્ષા મળતાં તે પાળજ જતી બસ પકડવા માટે  બસ-સ્ટેશન પહોંચી ગયો. બસ વહેલી સવારે મળે એમ હતી. અજય વિચારવા લાગ્યો, હવે શું કરવું... 
‘એક કામ કરું, સમીરસરને જઈને બધું જ સાચેસાચું કહી દઉં તો કદાચ એ મને માફ કરી દે... અરે, એનાથી પણ બેસ્ટ – ‘હું  નતાશા પાસેથી માહિતી કઢાવવા માટે એને સાથ આપવાનો ઢોંગ કરતો હતો’ એવી કોઈ સ્ટોરી સમીરસરને કહીને આ ગોળીબારના ગફલામાંથી મારો જાન બચાવું!’

‘ડૅમ ઇટ... બહુ મોટો લોચો પડી ગયો. અનુપ અને એનું ફુટેજ તો હાથમાંથી ગયાં, પણ સાથે-સાથે પેલા મવાલીઓના શૂટઆઉટમાં નકામી ભેરવાઈ ગઈ. આમાં જો મારું નામ સંડોવાઈને બહાર આવી ગયું તો પોલીસ પિક્ચરમાં આવશે પછી તો પ્રેસ્ટિજ ને કરીઅરના ભૂકા બોલી જવાના.’  
પોતાના ફ્લૅટ પર પરત ફરેલી નતાશાએ વાઇનની લાંબી ચૂસકી 
લઈને વિચાર્યું.
‘પણ પેલો અનુપ ગયો ક્યાં? પુલ તરફ ભાગતો હતો. તેણે પુલ પરથી કૂદકો માર્યો હશે? તો તો એ સો ટકા જાનથી ગયો. હવે આ બીકણ અજય પાળજ જઈને સો ટકા તેના બૉસ સમીર પાસે મારી પોલ ખોલીને પોતાની જાતને બચાવવાનો અચૂક પ્રયાસ કરશે. પણ એ પહેલાં મારે જ કંઈક કરવું જોઈએ.’ વાઇનના નશો  નતાશા પર એની અસર દેખાડી રહ્યો હતો. તેણે અજયને કૉલ લગાડ્યો.
અજય એ વખતે ગીતામંદિર બસ સ્ટેશન પર એના વિચારમાં બેઠો હતો.
‘હજી કોઈ ગાળ આપવાની બાકી છે?’ નતાશાની રિન્ગ વાગતાં અજયે એનો કૉલ લીધો. ‘સૉરી યાર, હું સ્ટ્રેસમાં હતી. હવે ધ્યાનથી સાંભળ. જો આ શૂટઆઉટને કારણે આપણે બંને બહુ મોટી મુશ્કેલીમાં છીએ. આવા વખતે  એકબીજાની વિરુદ્ધ કામ કરીને જો આપણો જાન બચાવવા જશું વધુ ફસાઈ જશું. ને  સાથે રહીશું તો પ્રધાન અને સમીર આપણને કદાચ જતાં કરે.’ નતાશાએ તેના ટ્રેડમાર્ક માદક સ્વરમાં થોડી લાગણી ઉમેરીને કહ્યું
‘મતલબ?’ અજય સમજ્યો નહીં.
‘અરે યાર, તું અહીં આવી જા. આપણે કાલે પાળજ સાથે જઈશું અને સમીરને કહીશું કે અમે લોકો અનુપ પાસેથી પેલું ફુટેજ કઢાવવા માટે આ ચાલ રમી  હતી, પણ અમારી બાજુ અવળી પડી વગરે વગેરે.’ 
અજયને પણ થયું કે હવે બીજો કોઈ રસ્તો નથી અને સમીર એની અને નતાશા બંનેમાંથી સો ટકા વાત નતાશાની માનશે એટલે પોતે  ફસાઈ જશે માટે અત્યારે નતાશા સાથે જ રહેવું લાભમાં હતું...
‘ઓકે, ઍડ્રેસ મોકલો. હું આવું  
છું.’ અજયે ભાગીદારીનો પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું.
‘અરે ગાંડા. હું અત્યારે નહીં, સવારે આવવાની વાત કરું છું!  અત્યારે અડધી રાતે તું આવે તો અમારી સોસાયટીની સિક્યૉરિટીને શંકા જાય. કાલે વહેલી સવારે આવી જા.’ કહીને નતાશાએ કૉલ કટ કર્યો.
અજયે પણ બસ-સ્ટેશનના બાંકડા 
પર લંબાવ્યું.

સુભાષ બ્રિજ પર રાતે શૂટઆઉટ થયું એના બીજા દિવસે શાલિની તેના પ્રેમી અમરીશ કાનાણી સાથે મળીને તેના ફુઆ નંદકિશોરને એ રાતે લૂંટવાની યોજનાને આખરી ઓપ આપી રહી હતી. એ ચર્ચામાં અમરીશનો દોસ્ત સુનીલ કોટેચા પણ સામેલ હતો.
‘જો, આ કાકાની મોબાઇલની દુકાન અને આ રહી બાજુની ગલી. જ્યાં તે તેમનું સ્કૂટર પાર્ક કરે છે.’ 
શાલિનીએ મોબાઇલ પર ગૂગલ મૅપને ઝૂમ કરીને બંનેને બતાવ્યું.
‘પણ શાલિનીભાભી, ગલી સાંકડી છે એટલે બાઇક છેક સુધી નહીં જાય. અમરીશ, તું ખેલ પાડજે અને હું ગલીના નાકે બાઇક લઈને ઊભો રહીશ.’ સુનીલે કહ્યું.
‘ના, ના બે જણ તો જોઈએ. તું બાઇક પાર્ક કરીને મારી જોડે આવજે.’ અમરીશને અત્યારથી પરસેવો વળી રહ્યો હતો.
‘તું કહેતો હો તો હું પણ આવું. આખી બારાત લઈને જઈએ ઢોલ વગાડતાં મારા ફુઆને લૂંટવા! શું તું પણ યાર, અમરીશ? એક મિનિટનું તો કામ છે.’  શાલિની બગડી.
‘ઓકે ડન... ફાઇનલ.’
- અને આમ ગુજરાતના અપરાધ જગતમાં બે નવા ગુનેગાર આજે  રાત્રે તેમની કારકિર્દીની શરૂઆત કરવા માટે તૈયાર થઈ ગયા.

ક્રમશ:

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK