ગયા અઠવાડિયે તમને જામનગર શહેરની થોડી વાત કરી. આ વખતે તમને વાત કરવી છે ગોંડલની. ગોંડલને તૈયાર કરવામાં મહારાજ ભગવતસિંહજીએ આઠ વર્ષ સુધી રિસર્ચ કરાવ્યું હતું
ગોંડલની રાજવી ઇમારતમાં ફ્રેન્ચ સ્થાપત્યની સીધી અસર જોવા મળે છે.
આપણાં જૂના સમયનાં અમુક શહેરોનું ટાઉન પ્લાનિંગ એ સ્તર પર અદ્ભુત છે કે એ જોઈને આપણી આંખો ઠરે. જામનગરની વાત ગયા રવિવારે કરી. આ વખતે વાત કરવી છે ગોંડલની. આમ તો ગોંડલ અને ત્યાંના મહારાજા ભગવતસિંહજીની વાતો કરીએ એટલી ઓછી છે, કારણ કે તેમની કામગીરી જ એ સ્તરની હતી. ગુજરાતી ભાષા વિશે જાણકારી ધરાવતા હોય તેમને ખબર જ હોય કે મહારાજા ભગવતસિંહજીએ ઑક્સફર્ડનો શબ્દકોશ જોઈને ગુજરાતી ભાષાનો શબ્દકોશ બનાવવાનું નક્કી કર્યું અને વર્ષોની જહેમત પછી તેમણે ભગવદ્ગોમંડળ નામનો વિશ્વનો પહેલો અને એકમાત્ર કહેવાય એવો શબ્દકોશ બનાવ્યો. શબ્દો વિશે વાત કરવાનું મારું કામ નથી એટલે એના પરથી વિરામ લઈને તમને ગોંડલની શહેરની વાત કરું તો આજે પણ ગોંડલના અમુક માર્ગો તમે જુઓ તો તમને એમ જ લાગે કે તમે ફ્રાન્સમાં છો.
વિશાળ રસ્તાઓ, રસ્તાની બન્ને બાજુએ અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ સાથેની સ્ટ્રીટલાઇટ્સ અને વૈવિધ્યસભર ઝાડોનાં ઝુંડ. અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ અને અન્ડરગ્રાઉન્ડ ગટરનો વિચાર સૌથી પહેલો રોમમાં અમલમાં આવ્યો અને એ પછી ફ્રાન્સે એ વિચાર અપનાવ્યો. આપણા દેશની વાત કરીએ તો મારા જાણવામાં છે ત્યાં સુધી એ વિચારનો પહેલો અમલ આ ગોંડલ શહેરમાં થયો હતો. એ સમયે દરેકેદરેક ઘરને અન્ડરગ્રાઉન્ડ ગટરથી જોડવા માટેનું બજેટ ગોંડલ રાજ્યની તિજોરીમાંથી ફાળવવામાં આવ્યું હતું. આજે એ ચાર્જ સરકાર જે-તે વ્યક્તિ પાસેથી લે છે, પણ સદીઓ પહેલાં એના પૈસા રાજ્ય સરકારે ચૂકવ્યા હોય એવું ગોંડલમાં પહેલી વાર બન્યું હતું.
ADVERTISEMENT
આ કામ જ્યારે કરવામાં આવ્યું ત્યારે બ્રિટિશરો પણ ખાસ ગોંડલ આવ્યા હતા અને તેમણે પણ એ આખી કામગીરી જોઈ હતી. બ્રિટિશરોનું માનવું હતું કે આ કામ ભારતીય રાજાથી નહીં શક્ય બને, પણ ભગવતસિંહજી જેમનું નામ. તેમણે માત્ર એન્જિનિયર અને આર્કિટેક્ટ પર મદાર રાખવાને બદલે પોતે પણ એ આખી ટેક્નૉલૉજી સમજવાનું કામ કર્યું અને જ્યાં પણ એ લોકોનું કામ અટકતું હતું ત્યાં તેમણે પોતે સૉલ્યુશન આપ્યાં.
મહારાજા ભગવતસિંહજી હંમેશાં પ્રજાવત્સલ રાજા કહેવાયા છે. તેમણે પ્રજા માટે જેટલું કામ કર્યું એટલું કામ બહુ જૂજ રાજાઓએ કર્યું હશે. સિમેન્ટના રસ્તાનો વિચાર સુધ્ધાં કોઈના મનમાં નહોતો એવા સમયે ગોંડલમાં મહારાજાએ સિમેન્ટના રસ્તાઓ બનાવડાવ્યા હતા જે આજે પણ હયાત છે અને એમાં લેશમાત્ર ડૅમેજ નથી થયું. અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રીટલાઇટની વાત કરું તો સાઉથ મુંબઈ જે બ્રિટિશરોનું હબ હતું ત્યાં પણ એની સુવિધા નહોતી એવા સમયે ગોંડલમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રીટલાઇટ આવી ગઈ હતી.
મહારાજાના સમયમાં નાખવામાં આવેલી અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રીટલાઇટના વાયરિંગ માટે જે પાઇપ પાથરવામાં આવ્યા હતા એ પાઇપને આજે દોઢ સદી પછી પણ કોઈ જાતની આડઅસર જોવા નથી મળી જે ખરેખર આશ્ચર્યની વાત છે તો સાથોસાથ એ વાત પણ અચરજ પમાડે એવી છે કે એ લાઇટનું વાયરિંગ પણ હજી સુધી બદલવું નથી પડ્યું. સારી વસ્તુ વાપરવાનો જે આગ્રહ હોય છે એનો આ મોટો ફાયદો છે. ગોંડલનો પૅલેસ અને ગોંડલમાં આવેલો ક્લૉક-ટાવર તમે જોશો તો એમાં તમને ફ્રેન્ચ સ્થાપત્યની સીધી અસર જોવા મળશે. ગોંડલની સીમા વધારવાનું કામ શરૂ કરતાં પહેલાં મહારાજા ભગવતસિંહજીએ આઠ વર્ષ સુધી દુનિયાનાં શ્રેષ્ઠ શહેરોનું રિસર્ચ કરાવ્યું હતું, જેના માટે ૧૦૦થી પણ વધારે લોકોની ટીમ રાખવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ વિશે જો વધારે જાણવું કે શીખવું હોય તો આ રાજા-મહારાજાના સમયનાં શહેરોનો સર્વે કરવો જોઈએ એવું મને હંમેશાં લાગ્યું છે. આજે તો ટેક્નૉલૉજી આટલી બધી આગળ વધી ગઈ છે, પણ એ સમયે તો એની અછત હતી અને એ પછી પણ તે શ્રેષ્ઠ કામ કરતા હતા જેનું કારણ હતું કામ કરવાની ધગશ અને મહેનત કરવાની નિષ્ઠા.

