Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ગીતા અને ગુરુ દત્તના શોખ અને અભિપ્રાય અલગ હોવાને કારણે બન્ને વચ્ચે સતત રિસામણાં-મનામણાં થતાં

ગીતા અને ગુરુ દત્તના શોખ અને અભિપ્રાય અલગ હોવાને કારણે બન્ને વચ્ચે સતત રિસામણાં-મનામણાં થતાં

10 February, 2024 12:37 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

ગુરુ દત્તનું એક સપનું હતું કે શહેરની ભીડભાડથી દૂર એક નાનું ખેતર લઈને ખેતીવાડી કરવી.

‘દેખો રુઠા ના કરો, બાત નઝરોં કી સુનો...’

વો જબ યાદ આએ

‘દેખો રુઠા ના કરો, બાત નઝરોં કી સુનો...’


‘આરપાર’ની સફળતાને કારણે ગુરુ દત્તને કીર્તિ અને કલદાર બંને મળ્યાં. એને પરિણામે તેમની લાઇફસ્ટાઇલમાં પણ ફેરફાર આવ્યો. બે બેડરૂમના નાના ફ્લૅટમાંથી તેઓ ખારમાં શેઠ નિવાસના પાંચ બેડરૂમના આલીશાન ફ્લૅટમાં આવ્યાં. એ દિવસોમાં અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ દત્ત પરિવારની ફૅમિલી ફ્રેન્ડ હતી. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘હું પણ ખારમાં રહેતી હતી એટલે અમારે લગભગ રોજ મળવાનું થતું. અનેક વાર અમે સાથે ડિનર કરતાં. ગુરુ દત્તને કોંકણી ભોજન પસંદ હતું, જ્યારે ગીતાને બંગાળી રસોઈ પસંદ હતી. ઘણી વાર તેમની માતાજી તેમને માટે ટિફિન મોકલાવતી. નારંગસા’બ (પ્રોડ્યુસર-ડિરેક્ટર એસ. ડી. નારંગ, સ્મૃતિના પતિ) પવઈની બોટિંગ ક્લબના મેમ્બર હતા. અમારી પાસે એક ‘Floating Shack’ હતું. અમે સૌ અવારનવાર ત્યાં ફિશિંગ કરવા જતાં. એ દિવસો ખૂબ યાદગાર હતા.’


જ્યારે લક્ષ્મીદેવીની કૃપા થાય છે ત્યારે વ્યક્તિને પોતાની ગમતી ઇચ્છાઓ પૂરી કરવાનું મન થાય છે. ગુરુ દત્તનું એક સપનું હતું કે શહેરની ભીડભાડથી દૂર એક નાનું ખેતર લઈને ખેતીવાડી કરવી. પોતાનો શોખ પૂરો કરવા ગુરુ દત્તે લોનાવલામાં એક ખેતર લીધું અને એમાં બે રૂમનું ફાર્મહાઉસ બનાવ્યું. ત્યાં મિત્રો સાથે જઈને નવી ફિલ્મ વિશે ચર્ચા કરતા અને ફુરસદના સમયે સૌ નાના-મોટા શિકાર કરવા જતા. મોજમજા કરતી વખતે પણ તેમના મનમાં આગામી ફિલ્મ માટેના વિચારોની હારમાળા ચાલતી રહેતી.



એક ઇન્ટરવ્યુમાં ગીતા દત્ત કહે છે, ‘ગુરુમાં કામ માટેનું જે પૅશન છે એ જોઈને મને પ્રશ્ન થાય છે કે તેનામાં આટલી ઊર્જા આવે છે ક્યાંથી? કામ કરતી વખતે પર્ફેક્શનનો જે આગ્રહ રાખે એ જોઈને એમ જ થાય કે એ સમયે તેને માટે એક જ વસ્તુ મહત્ત્વની છે. આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિઓ અને વાસ્તવિકતાને ભૂલીને પોતાનું સમગ્ર અસ્તિત્વ કામમાં સમર્પિત કરી દે ત્યારે હું મારી જાતને પૂછું કે આ ઝનૂન પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે?’


કામ પ્રત્યેની અપાર લગનીને કારણે ‘આરપાર’ની સફળતા બાદ ગુરુ દત્તના અસલી સ્વભાવનો દુનિયાને પરિચય થયો. ગુરુ દત્ત કેવળ સફળ ફિલ્મમેકર નહીં, પણ ચીલાચાલુ ફિલ્મોને બદલે મીનિંગફુલ ફિલ્મો બનાવવા માગતા હતા, પરંતુ ફિલ્મી દુનિયાનો હિસ્સો બનવા રાજી નહોતા. તેમને માટે ગ્લૅમરની દુનિયાની ઝાકઝમાળ અર્થહીન હતી. પાર્ટીઓમાં તેઓ કદી જતા નહીં. ઇન્ટરવ્યુ પણ ભાગ્યે જ આપતા અને જો આપે તો પણ તેમના જવાબ ટૂંકા ‘હા’ અને ‘ના’માં વધારે હોય. કોઈને એમ લાગતું કે તેઓ અભિમાની છે, કારણ કે વાતચીત દરમ્યાન તેઓ બીજા જ કોઈ વિચારમાં ખોવાઈ જતા અને વિષયાંતર કરીને ભળતો જ જવાબ આપતા. આવું તેઓ જાણીબૂજીને નહોતા કરતા, પરંતુ આ તેમના વ્યક્તિત્વનો જ એક ભાગ છે એ સમજવું દુનિયા માટે અઘરું હતું. ઇન્ટરવ્યુ દરમ્યાન ધીમા અવાજે વાત કરે, સતત સિગારેટ ફૂંકતા જાય, પાન ચાવતા જાય અને સામી વ્યક્તિને એવી જ ફીલિંગ્સ આપે કે તેઓ પરાણે આ બધું કરી રહ્યા છે. 
બન્યું એવું કે ‘આરપાર’ બાદ ગુરુ દત્તના આંતર્મુખી (Introvert) સ્વભાવનું આ પાસું દુનિયા સમક્ષ આવ્યું. તેઓ વધુ ને વધુ એકાંતપ્રિય બનવા લાગ્યા. લોનાવલાનું ફાર્મહાઉસ તેમની મનગમતી જગ્યા બની ગઈ. મોકો મળતાં જ તેઓ સ્ક્રિપ્ટ-રાઇટર સાથે ત્યાં પહોંચી જતા અને બે-ત્રણ દિવસ રોકાઈ જતા. ત્યાંના રખેવાળ અને માળી પરિવારના હાથનો બાજરાનો રોટલો અને ચટણી તેમની મનગમતી વાનગી હતી. મન થાય ત્યારે પોતે ખીચડી બનાવીને સૌને ખવડાવતા.

એક ઇન્ટરવ્યુમાં દેવ આનંદ કહે છે, ‘મને લાગે છે કે ગુરુને વિષાદ અને ઉદાસી પસંદ હતી. તે દુન્યવી રસમથી, ભીડભાડથી, દૂર એકાંતવાસ પસંદ કરતો. દિલનો સાફ હતો. તેને લાઇમલાઇટમાં રહેવું નહોતું. તે ‘Back Bencher’ હતો. સ્વભાવે શરમાળ, પરંતુ એક ઉમદા કલાકાર હતો.’


ગુરુ દત્તના નાના ભાઈ આત્મારામ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ઘરના ફંક્શન અથવા પાર્ટી વખતે પણ ઘણી વાર તે અકારણ ચિડાઈ જતો. પોતાના કામ સિવાય બીજી કોઈ વાતમાં તેને રસ નહોતો. ઘણી વાર એવું બનતું કે સ્ટુડિયોથી સીધો લોનાવલા ફાર્મહાઉસ પહોંચી જાય. આને કારણે તેની અને ગીતા વચ્ચે ઘણી વાર દલીલો થતી અને બન્ને ઝઘડો કરતાં.’
 ગીતા દત્તનો સ્વભાવ ગુરુ દત્તથી વિપરીત હતો. તેને પાર્ટીમાં જવું, હળવુંમળવું અને લાઇમલાઇટમાં રહેવું ગમતું. એક સિંગર તરીકે તેમની કારકિર્દીમાં માતૃત્વને કારણે બ્રેક આવી ગયો એટલે તેઓ થોડાં પરેશાન હતાં. તેમને ઘરમાં બેસીને ગૂંગળામણ થતી. એવામાં ગુરુ દત્તનું આવું વલણ તેમનું ફ્રસ્ટ્રેશન વધારનારું હતું. એને દૂર કરવા તેઓ ઘરે જ પાર્ટીનું આયોજન કરતાં અને ગુરુ દત્તને એમાં સામેલ થવાનો આગ્રહ કરતાં.’

ગુરુ દત્તનાં માતા વાસંતી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ગીતાને ગ્લૅમર અને પબ્લિસિટીનો શોખ હતો, જ્યારે ગુરુને આવી પાર્ટીઓ જરાય પસંદ નહોતી. તે ગીતાને કહેતો કે મને આમાં જરાય રસ નથી. તું તારી પાર્ટી એન્જૉય કર અને મને મારી શાંતિ માણવા દે. બન્નેના શોખ અને અભિપ્રાય અલગ-અલગ હતા. તેઓ દલીલ કરતાં, રિસાઈ જતાં અને છેવટે એકમેકને મનાવી લેતાં.’
મજાની વાત એ છે કે ‘આરપાર’ બાદ ગુરુ દત્તની ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ એ નવા યુગના એવા દંપતીની વાત હતી જેમાં એક આધુનિક વિચારની યુવતી સમય જતાં પારંપરિક પત્ની બની જાય છે. આ ફિલ્મ ગુરુ દત્તની આગળની ક્રાઇમ થ્રિલર ફિલ્મોથી વિપરીત એક પારિવારિક ફિલ્મ હતી. આ ફેરફાર કેવી રીતે થયો એની પાછળની ઘટના એટલી જ રસપ્રદ છે. 
કે. કે. કપૂર ‘આરપાર’ના ફાઇનૅન્સર અને ડિસ્ટ્રિબ્યુટર હતા. ‘આરપાર’ને ફાઇનૅન્સ કરતી વખતે તેમણે ‘ગુરુ દત્ત ફિલ્મ્સ’ સાથે બે ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. તેમનું નામ બહુ મોટું હતું. એ દિવસોમાં તેમના આલીશાન બંગલામાં ફિલ્મની સીટિંગ્સ થતી. હવે પછીની ફિલ્મ માટે જે કથા પસંદ કરવાની હતી એમાં ફરી પાછો એક સ્મગલર, એક ડૉન, ક્લબની ડાન્સર અને બીજી વાતો હતી, જે આ પહેલાં ‘બાઝી’, ‘જાલ’ અને ‘આરપાર’માં આવી ગઈ હતી. ફરક એટલો હતો કે આ કથામાં બૅકગ્રાઉન્ડ ગોવાનું હતું જે એ સમયે પોર્ટુગીઝોના કબજામાં હતું. કથાના અંતમાં સ્મગલર હકીકતમાં દેશભક્ત છે એમ દેખાડીને દર્શકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

‘આરપાર’ બાદ રાઇટર અબ્રાર અલવી ગુરુ દત્ત ફિલ્મ્સ સાથે જોડાઈ ગયા હતા. નવી ફિલ્મની વાર્તાની ચર્ચા કરવા તેઓ ગુરુ દત્ત સાથે કે. કે. કપૂરના બંગલે જતા. જ્યારે આ બધી ચર્ચા ચાલતી ત્યારે તેમને આ સ્ટોરીલાઇન બહુ જામતી નહોતી. અંતે તેમણે ગુરુ દત્તને ટોકતાં કહ્યું, ‘ફરી પાછો એ જ સ્મગલર, એ જ ગુંડાઓના અડ્ડા, એ જ ક્લબ ડાન્સર; દરેક ફિલ્મમાં આપણે આવું જ બધું લોકોને કેટલી વાર બતાવતા રહીશું?’

કે. કે. કપૂરથી આ સહન ન થયું. તેમણે કહ્યું, ‘તમે નવા-નવા છો. પ્રેક્ષકોને આજે આ જ જોઈએ છે. ગુરુ દત્ત પાસેથી તેઓ આવી જ ફિલ્મોની અપેક્ષા રાખે છે.’
હિંમત કરીને અબ્રાર અલવીએ કહ્યું, ‘રાખતા હશે, પણ ‘ફૉર અ ચેન્જ’ ગુરુ દત્ત નવા વિષય પર ફિલ્મ બનાવે એમાં ખોટું શું છે?’

‘એમ કરવાની કોઈ જરૂર નથી. હિચકૉકને જ જુઓ. વારંવાર એક જ પ્રકારની રહસ્યમય ફિલ્મો આપીને તેમણે કેટલી સિદ્ધિ મેળવી છે. તેમની ગણના મહાન ડિરેક્ટર્સમાં થાય છે.’ કે. કે. કપૂરે દલીલ કરી.

‘હિચકૉક એક અપવાદ છે. અપવાદથી નિયમ કદી સાબિત નથી થતો. વિલિયમ વાયલર, ફ્રૅન્ક કાપરા જેવા કેટલાક મહાન ડિરેક્ટર આ દુનિયામાં છે. તેમની રેન્જ બહુ મોટી છે. તેમણે ‘એ ટુ ઝેડ’ પ્રકારની ફિલ્મો બનાવી છે.’

અબ્રાર અલવીની આવી વાતોથી કે. કે. કપૂરે ગુસ્સો કરતાં ગુરુ દત્તને કહ્યું, ‘આ માણસ ભ્રષ્ટ છે અને તમારી બુદ્ધિ પણ ભ્રષ્ટ કરી રહ્યો છે. આવતી કાલથી આ માણસ મને અહીં બિલકુલ નહીં જોઈએ. જેમતેમ કરીને તેની પાસેથી સ્ક્રિપ્ટ લખાવી લો. સંવાદ માટે હું બીજો માણસ શોધી લઈશ. અને હા, વહેલી તકે તમે પણ આનાથી છુટકારો મેળવી લો, નહીંતર તમે પણ ફેંકાઈ જશો.’ 
ગુરુ દત્ત માટે ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી આ અણધારી પરિસ્થિતિ હતી. કે. કે. કપૂર ફિલ્મના ફાઇનૅન્સર હતા. સામે પક્ષે અબ્રાર અલવી તેમની પસંદગીના રાઇટર. આ અવઢવનો તેમણે કઈ રીતે ઉકેલ કાઢ્યો એ વાત આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 12:37 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK