Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટાઇપિંગવાળા અક્ષરોનો યુગ ભલે આવ્યો, સુંદર અક્ષરો તો આજે પણ જરૂરી જ છે

ટાઇપિંગવાળા અક્ષરોનો યુગ ભલે આવ્યો, સુંદર અક્ષરો તો આજે પણ જરૂરી જ છે

06 June, 2024 12:57 PM IST | Mumbai
Sarita Harpale | feedbackgmd@mid-day.com

બાળકોની મેન્ટલ અને ઇમોશનલ હેલ્થથી લઈને તેમના આત્મવિશ્વાસ માટે પણ બાળકના અક્ષરો સુંદર અને મરોડદાર હોય એ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજના પેરન્ટ્સ અક્ષરોને બદલે પોતાના બાળકને હોમવર્ક યાદ રહે અને તે ઝડપથી લખે એના પર વધુ ભાર આપે છે એનું જ પરિણામ છે કે એક જમાનામાં કમ્પલ્સરી ગણાતા કર્સિવ હૅન્ડરાઇટિંગને એટલે કે મરોડદાર અક્ષરોને હવે નિવૃત્ત કરવાનો સમય આવ્યો છે. બાળકોની મેન્ટલ અને ઇમોશનલ હેલ્થથી લઈને તેમના આત્મવિશ્વાસ માટે પણ બાળકના અક્ષરો સુંદર અને મરોડદાર હોય એ જરૂરી છે

ઈસવી સનનાં છ હજાર વર્ષ પહેલાં પ્રાચીન ચીનમાં કર્સિવ રાઇટિંગ એટલે કે મરોડદાર અક્ષરોનો યુગ શરૂ થયો હતો. વિદેશી આક્રમણોના પગલે જ આપણે ત્યાં કૅલિગ્રાફી લિપિનો ઉદ્ભવ થયો અને વિદેશી ભાષા કર્સિવ રાઇટિંગમાં એટલે કે મરોડદાર રીતે લખવાની શરૂઆત થઈ. એક જમાનો હતો જ્યારે નાનાં બાળકોને સ્કૂલમાં કર્સિવ રાઇટિંગમાં લખતાં કરવા માટે રીતસરનું જોર આપવામાં આવતું. તેમને ઘૂંટાવવામાં આવતું અને એ જ ઘૂંટાઈ-ઘૂંટાઈને અક્ષરો પણ સુંદર થઈ જતા. આજે ડિજિટલ દુનિયા બહોળી થતી જાય છે ત્યારે હાથથી લખવાનું જ બંધ થઈ ગયું છે ત્યારે સુંદર અક્ષરોનો આગ્રહ એ દિવસે તારા ગણવા જેવી બાબત બનતી જાય છે. હાથથી લખવું જરૂરી છે એ વિશે તમે થોડાક સમય પહેલાં જ ‘મિડ-ડે’માં વાંચી ચૂક્યા છો. જોકે તમને આશ્ચર્ય થશે કે વર્ષો પહેલાં નાનાં બાળકો પાસે કર્સિવ હૅન્ડરાઇટિંગ શીખવવા માટે જે સમય બગાડવામાં આવતો હતો અને જે સમય ફાળવવામાં આવતો હતો એ હવે આઉટડેટેડ થઈ રહ્યું છે. કર્સિવ રાઇટિંગને રિટાયર કરવાનો સમય આવ્યો છે એવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સવાલ એ થાય કે સુંદર અક્ષર હાથનું ઘરેણું એવું કહેનારા બાપુની વાત ખોટી હતી? મરોડદાર અને સુંદર અક્ષરોની ખરેખર જરૂરિયાત છે? સુંદર અક્ષરો હોય તેના વ્યક્તિત્વમાં અને સુંદર અક્ષર ન હોય તેના વ્યક્તિત્વમાં કોઈ ફરક હોય? એવા અનેક પ્રશ્નોના જવાબ મેળવીએ.બદલાઈ રહેલો દૃષ્ટિકોણ


ચાલ, ફટાફટ એક પેજ લખી નાખ, ટીચરે તને કહ્યું છેને? મમ્મી આવું કહે એટલે બાળક નોટ-પેન લઈને બેસી જાય અને ફટાફટ જેમ મમ્મીએ કહ્યું એમ એક પેજ લખી નાખે અને પત્યાનો હાશકારો લે. પછી બિઝી મમ્મી એ ન ચકાસે કે બાળકે જે લખ્યું છે એ વંચાય છે ખરું? શું તેણે સારા અને સ્વચ્છ અક્ષરે લખ્યું છે ખરું? ટીચરે કહ્યું અને મમ્મીએ કરાવ્યું, પણ એમાં ભાર માત્ર એક પેજ લખવા પર હતો, સારી રીતે લખવા પર નહીં. આજકાલ તો ઘણા પેરન્ટ્સ ટીચરને કહેતા હોય છે કે ‘ટીચર, તમે એ જુઓ કે મારા બાળકને યાદ રહે છે કે નહીં, હૅન્ડરાઇટિંગ... હૅન્ડરાઇટિંગ પર ટાઇમ વેસ્ટ ન કરો, આગળ જઈને તો લૅપટૉપ પર જ લખવાનું છે.’ હૅન્ડરાઇટિંગ એ ખરેખર સમયનો બગાડ છે કે પછી આ હૅન્ડરાઇટિંગની તમારા વ્યક્તિત્વ પર પણ અસર પડે છે? તો ચાલો જાણી લઈએ કે એક્સપર્ટનું શું માનવું છે.

સારા અક્ષરો બીમારી ભગાવે


તમે ક્યારેય વિચાર્યું છે કે હૅન્ડરાઇટિંગને તમારા આરોગ્ય સાથે સંબંધ હોઈ શકે? ગ્રાફોલૉજિસ્ટ અને ગ્રાફોથેરપિસ્ટ મીનલ જિતેન વોરા કહે છે, ‘મેં આવા અનેક કિસ્સા જોયા છે. હૅન્ડરાઇટિંગને મગજ સાથે કનેક્શન હોવાથી તમારા અક્ષરો તમારું વ્યક્તિત્વ કહી જાય છે. ઘણાં બાળકો ખૂબ સ્પીડમાં લખે છે ત્યારે એવાં બાળકોમાં પેશન્સની કમી હોય છે એ સાફ દેખાય છે. તેથી જ તેઓ કોઈ પણ વસ્તુ ફટાફટ લખીને પૂરી કરવા માગે છે. ઘણા પેરન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે મારું બાળક મારી વાત જ નથી સાંભળતું. આવાં બાળકો પણ જ્યારે લખે છે ત્યારે તરત જાણી શકાય કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. જો બાળક સાઇકોલૉજિકલી ડિસ્ટર્બ હોય તો એની અસર તરત જ તેના હૅન્ડરાઇટિંગ પર થતી હોય છે. હૅન્ડરાઇટિંગ દ્વારા બાળકની કારકિર્દી પણ નક્કી કરી શકાય છે. એટલું જ નહીં, હૅન્ડરાઇટિંગ દ્વારા ઘણી બીમારીઓ પણ ક્યૉર થઈ છે. અમે એવી વ્યક્તિને માત્ર લખવા આપીએ છીએ, તેના અક્ષરો સુધારીએ છીએ જેની સીધી અસર તેની વિચારધારા પર થાય છે અને આ રીતે તેની માનસિક બીમારીઓ દૂર કરી શકાય છે. તેથી પેરન્ટ્સે સારા અભ્યાસની સાથે-સાથે બાળકોના સારા હૅન્ડરાઇટિંગ પર પણ ભાર આપવો જોઈએ.’

ઘણી જગ્યાએ જરૂર

કરીઅર કાઉન્સેલિંગ વખતે પણ બાળકના હૅન્ડરાઇટિંગ ચકાસવામાં આવે છે એટલું જ નહીં, સારા અક્ષરો દ્વારા કૉર્પોરેટ કંપની પોતાના એમ્પ્લૉઈની એ​ફિશ્યન્સી પણ ચકાસી શકે છે. કંપની તેના એમ્પ્લૉઈને અપૉઇન્ટ કરતી વખતે માત્ર તેનો રેઝ્યુમે ચકાસીને કે પછી ઇન્ટરવ્યુ દ્વારા જ નહીં પણ તેને એકાદ પેજ લખવા આપીને તેની ગુણવત્તા જાણી શકે છે. ચાઇલ્ડ થેરપિસ્ટ અને કાઉન્સેલર ડૉ. મમતા શેટ્ટી કહે છે, ‘લોકો માને છે કે હાથથી તો માત્ર ટ્વેલ્થ કે કૉલેજ સુધી જ લખવાનું છે, પછી તો કમ્પ્યુટર અને લૅપટૉપનો જ ઉપયોગ થશેને. જોકે તેઓ એ નથી સમજતા કે બાળકો માટે પણ હાથથી સારા અક્ષરો કાઢવાની આદત સાથે લખવું એ ઘણી વાર ઇમોશનલી હળવા થવાનું માધ્યમ બની શકે છે. બીજું, સારા હૅન્ડરાઇટિંગને કારણે નાનાં બાળકોની મોટર-​સ્કિલ્સ પણ ડેવલપ થતી હોય છે.’

સ્કૂલટીચરનો અનુભવ શું કહે છે?

એક શિક્ષક તરીકે મારી પાસે ઘણી વાર એવા પેરન્ટ્સ આવે છે જેઓ મને કહેતા હોય છે કે પ્લીઝ, તમે તેની પાસે મોઢે કરાવી લેજો, લખશે નહીં તો ચાલશે. પોતાનો આ અનુભવ શૅર કરતાં પ્રી-પ્રાઇમરી સ્કૂલનાં ટીચર દેબુપ્રિયા ચૅટરજી કહે છે, ‘બેઝિકલી વાલીઓમાં જ હવે સારા હૅન્ડરાઇટિંગ તો દૂરની વાત છે, રાઇ​ટિંગ માટે પણ રસ રહ્યો નથી. આવા કિસ્સા કોવિડ પછી વધારે જોવા મળ્યા છે. ખરેખર તો લખવું અને વાંચવું બન્ને એકબીજા સાથે સંકળાયેલાં છે. બ્રેઇનમાં ફાઇન મોટર અને ગ્રૉસ મોટર ડેવલપમેન્ટ માટે લખવું અને સારા અક્ષરમાં લખવું જરૂરી છે. કોવિડ બાદ તો મારી પાસે એવો વિદ્યાર્થી આવ્યો કે તેને પે​ન્સિલ પકડતાં પણ નહોતી ફાવતી, કારણ કે ઑનલાઇન ક્લા​સિસને કારણે બાળકો લખવાનું ભૂલી જ ગયાં હતાં. હવે સ્કૂલોમાં પણ પહેલાંની જેમ ક​ર્સિવ રાઇટિંગ પર ભાર આપવામાં આવતો નથી. મેં જોયું છે કે ક​ર્સિવ રાઇ​ટિંગને કારણે બાળકોનો કૉન્ફિડન્સ વધી જતો અને તેઓ ઓછા સમયમાં સારા મરોડદાર અક્ષરો કાઢી શકતાં.

ક​ર્સિવની પ્રૅક્ટિસને કારણે અન્ય ભાષાનું લખાણ પણ મરોડદાર બની જતું. તમે ગમે તે કહો, પણ આજે કોઈ પણ મોટી કૉમ્પિટિટિવ પરીક્ષા હાથથી લખીને જ આપવાની હોય છે. શિક્ષક તરીકે જ્યારે તમારી પાસે સુંદર અક્ષરે લખેલું પેપર આવે અને ખરાબ અક્ષરવાળું પેપર આવે તો એને ચકાસવામાં પણ ફેર પડે છે. ખરાબ અક્ષરો વાંચી શકાતા નથી, જેને કારણે તમે મગજથી ભલે સાચો જવાબ આપ્યો હોય પણ લખાણની ભૂલને કારણે અથવા તો વાંચી ન શકાય એવા અક્ષરો હોવાને કારણે તમારો ગ્રેડ ઓછો થઈ શકે છે. ભલે કમ્પ્યુટરનો જમાનો હોય, પણ જ્યારે સ​ર્ટિ​ફિકેટ લખવાનું હોય ત્યારે પણ આપણે તો સારા અક્ષરવાળી વ્યક્તિને જ શોધતા હોઈએ છીએ. સારા અક્ષરોની જરૂર તો આપણને ડગલે ને પગલે હોય છે. આમાં પેરન્ટ્સનું ઘણું મોટું યોગદાન હોઈ શકે છે. મા-બાપ તરીકે તમારે તમારા બાળકને રોજ એક પાનું લખવા આપવું જોઈએ અને પછી ચકાસવું પણ જોઈએ કે તેણે સારા અક્ષરે લખ્યું છે કે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 12:57 PM IST | Mumbai | Sarita Harpale

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK