વારંવાર મેકર્સની ફરિયાદ થાય એ ખોટું છે. એકસરખા બનતા સબ્જેક્ટ માટે ક્યાંક ને ક્યાંક ઑડિયન્સ પણ દોષી છે. જો ઑડિયન્સ નવું કશું જોવા ન જાય તો પછી કેવી રીતે મેકર્સ પોતાના સાહસને જાતે દુઃસાહસ બનાવવાની હિંમત કરે?
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતી મીડિયમમાં જ નહીં, જેકોઈ મીડિયમમાં કે ભાષામાં ફિલ્મો બને છે એ ફિલ્મો ક્યાંક ને ક્યાંક એક ચોક્કસ જોનરને ધ્યાનમાં રાખીને બનતી હોય છે, એક વર્ગને ધ્યાનમાં રાખીને બને છે. જ્યાં જે પ્રકારની ફિલ્મો વધારે જોવાતી હોય એ પ્રકારની ફિલ્મો બને એ સ્વાભાવિક છે અને એમાં કશું ખોટું પણ નથી. આપણે ત્યાં એવું કહેવાતું રહ્યું છે કે એક જ પ્રકારના સબ્જેક્ટની ફિલ્મો બને છે, કૉમેડી-ફૅમિલી ડ્રામા પર જ ફિલ્મો બને છે તો મારે એ બાબતમાં બે વાત કહેવી છે; એક, એ જોવા માટે ઑડિયન્સ આવે છે એટલે એ ફિલ્મો વધારે બનતી હોય એવું દેખાય એ સ્વાભાવિક છે. બીજી વાત, હું આ દલીલ સાથે સંપૂર્ણપણે સહમત નથી જ નથી કે આપણે ત્યાં એક જ પ્રકારની ફિલ્મો બને છે અને ઑડિયન્સને નવું કશું જોવા નથી મળતું. ના, વિષયવૈવિધ્ય મળે એ જોવાની જવાબદારી જેટલી મેકર્સની છે એટલી જ જવાબદારી ઑડિયન્સની પણ છે. હું તો કહીશ કે એટલી જ નહીં, એનાથી પણ વધારે જવાબદારી ઑડિયન્સની છે. લોકો ફિલ્મો જોવા આવે, નવા સબ્જેક્ટ્સને લોકો આવકારે તો નવા વિષયની અને જુદા સબ્જેક્ટ સાથેની ફિલ્મો બને અને હકીકત એ પણ છે કે મેકર્સ એ હિંમત, એ સાહસ કરે જ છે, પણ ક્યાંક ને ક્યાંક ઑડિયન્સ એવી નવા પ્રકારની ફિલ્મો જવા જતી નથી.
આપણે ત્યાં હવે સારા મેકિંગ સાથેની, સબ્જેક્ટ-વાઇઝ નવીનતા ધરાવતી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ટેક્નિક્સ સાથેની ફિલ્મ બનવાની શરૂ થઈ ગઈ છે અને લોકોએ એને આવકારી છે. ‘હેલ્લારો’ એવી જ ફિલ્મ હતી તો ‘ધુનકી’ પણ એવી જ ફિલ્મ હતી. નવું વેરિએશન જોવા મળે એ દરમ્યાન જ લૉકડાઉન આવ્યું અને વાતાવરણ ડહોળાઈ ગયું. જે ફિલ્મો બનતી હતી એ અટકી ગઈ અને જે ફિલ્મો બની ગઈ હતી એની રિલીઝ અટકી ગઈ જેને લીધે નવું ડિસ્ટર્બન્સ ઊભું થયું અને હવે ફરીથી બધા એમાંથી બહાર આવવાની કોશિશ કરવા માંડ્યા છે.
ADVERTISEMENT
આ જ પિરિયડમાં એક બીજો પણ ચેન્જ આવ્યો. લોકો લાંબા સમય સુધી ઘરે રહ્યા અને ઘરે ઓટીટી પ્લૅટફૉર્મ હતું એટલે એના પર જે અવેલેબલ હતું એ બધું જોઈ લીધું. તમે જુઓ, પહેલી વાર ઊડીને આંખે વળગે એવી એક વાત બની. ક્યાંય કોઈને ભાષાનું બૅરિયર નડ્યું નહીં. ડિજિટલ પ્લૅટફૉર્મ આવતાં બીજા પણ ઘણા ફાયદા થયા. માઇન્ડવેલ આપણે નુકસાનીની વાત નથી કરતા, પણ ફાયદાની વાત કરીએ છીએ અને એ જ મહત્ત્વનું છે. ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે લૅન્ગ્વેજ-બૅરિયર નીકળી ગયું તો ટાઇમ-બૅરિયર પણ નીકળી ગયું. તમારે જ્યારે જોવું હોય ત્યારે અને જે જોવું હોય એ જોવાનું. ટાઇમની કોઈ મર્યાદા નહીં. આજે જ્યારે બધા ડિજિટલ પ્લૅટફૉર્મની વાત કરે છે ત્યારે પ્રશ્ન એ છે કે ગુજરાતી ફિલ્મો આ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવશે કે નહીં? એ પ્લૅટફૉર્મને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ બનશે કે નહીં? અને ધારો કે બનશે તો એ કન્ટેન્ટ જોવા માટે લોકો રાજી થશે કે નહીં? હું તો કહીશ કે એવું કન્ટેન્ટ બનવું જ જોઈએ અને બનશે, પણ અહીં મને એક જ વાત સૌની સામે મૂકવી છે કે અત્યારે આપણે ત્યાં મેઇન સ્ટ્રીમ ગણાય એવાં સાત પ્લૅટફૉર્મ છે, જેમાં ઝીફાઇવથી લઈને નેટફ્લિક્સ સુધ્ધાં આવી ગયું. આ પ્લૅટફૉર્મ માટે આપણે ફી ચૂકવીએ છીએ. હવે કોઈ કહેશે મને કે ગુજરાતી પ્લૅટફૉર્મ માટે આપણે ફી ચૂકવીશું? બીજી વાત, ફિલ્મ અને ડિજિટલ પ્લૅટફૉર્મ બન્ને માધ્યમ અલગ-અલગ છે.
જે મુજબની ટ્રીટમેન્ટ ડિજિટલ પ્લૅટફૉર્મ પર હોય છે એ મુજબની ટ્રીટમેન્ટથી ફિલ્મ ન બને. જે પ્રકારની સ્ટોરી ડિજિટલ પ્લૅટફૉર્મ માટે છે, જે મુજબનું સ્ટોરી-ટેલિંગ અને જે મુજબની સ્ટોરી-ટેક્નિક હોય છે એવી થિયેટ્રિકલ ફિલ્મમાં ન જ હોય. અત્યારે ગુજરાતીમાં પણ ઓટીટી પ્લૅટફૉર્મ્સ છે, પણ એને માટે જેટલાં આપણે ત્યાં સબસ્ક્રિપ્શન લેવામાં આવે છે એના કરતાં વધારે તો ફૉરેનમાં રહેતા ગુજરાતીઓ સબસ્ક્રિપ્શન લે છે. આ આપણી માનસિકતા છે કે આપણે સબસ્ક્રિપ્શન લેવાનું ટાળીએ છીએ.
તામિલ અને તેલુગુ ઑડિયન્સ પોતાની ભાષાને વળગેલી રહે છે, મરાઠી લોકો મરાઠી નાટકો અને ફિલ્મો જોવા માટે જાય છે તો પણ આપણે ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મ જોવા નથી જતા અને આ હકીકત છે. એને લીધે બને છે એવું કે નવું કશું બને પણ છે તો એ ઇગ્નોર થઈને રહી જાય છે. આપણે ત્યાં પણ એક્સપરિમેન્ટ થયાં જ છે. ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ એવો એક્સપરિમેન્ટ હતો. નવા પ્રયોગો ત્યારે જ શક્ય બને જ્યારે વધારે ને વધારે લોકો એ જોવા માટે જાય. બહુ જરૂરી છે આ.
હું કહીશ કે મેકર્સની જેટલી જવાબદારી છે એટલી જ જવાબદારી ઑડિયન્સની પણ છે અને તેણે સમજવી પણ પડશે. જો ઑડિયન્સ નવું કન્ટેન્ટ સ્વીકારશે તો જ મેકર્સમાં પણ હિંમત આવશે અને એ પણ એ પ્રકારના પ્રયોગ કરવાનું વિચારશે. આમ પણ અત્યારે એ થઈ જ રહ્યું છે. પરેશ રાવલ, સ્વરૂપ સંપટ જેવા કલાકારો અલગ-અલગ સબ્જેક્ટ લઈને આવી જ રહ્યાં છે, ‘રાડો’ નામની ગુજરાતી ફિલ્મ બને છે, જેનો સબ્જેક્ટ બિલકુલ અલગ છે અને એની મેકિંગ-કૉસ્ટ પણ હિન્દીને પૅરૅલલ છે. ‘ચલ મન જીતવા જઈએ’ને કૉમેડી ફિલ્મ તરીકે ન જ જોઈ શકાય, તમે એને ફૅમિલી ફિલ્મ ગણી શકો. એ એક પ્રયોગ જ હતો. ‘હેલ્લારો’ પણ નવી જ વાત હતી, પણ એને માટે ઑડિયન્સે પોતાની જવાબદારી સમજીને થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મ વધાવી લેવી પડશે. જો એવું બનશે તો જ વૈવિધ્ય જોવા મળશે.
ગુજરાત બધી રીતે અવ્વલ છે. સારામાં સારાં લોકેશન છે. સારામાં સારા ટેક્નિશ્યન છે, વાર્તા છે તો પછી એ મુજબની ફિલ્મો બનવી જ
જોઈએ અને એ ઑડિયન્સે જોવી જ જોઈએ. હવે મલ્ટિપ્લેક્સને કારણે ગુજરાતી અને હિન્દી ફિલ્મોની ટિકિટની પ્રાઇસમાં પણ મોટો ગૅપ રહ્યો નથી તો પછી તમે તમારી ભાષાને મહત્ત્વ આપો, પ્રાધાન્ય આપો. મરાઠી, બૅન્ગોલી, તામિલ, તેલુગુ ઑડિયન્સ એ જ કરે છે અને એનું ગર્વ પણ ત્યાંના ફિલ્મ-મેકર્સને છે, પણ આપણા પ્રોડ્યુસર અવઢવમાં રહે છે.
હું કોઈ નવો સબ્જેક્ટ લઈને આવીશ અને એ નહીં ચાલે તો પ્રૉફિટ તો દૂરની વાત છે, રિકવરી પણ નહીં આવે એવો ડર તેના મનમાં રહ્યા કરે છે. આ ડર નીકળી જવો જોઈએ. ડર હોય ત્યાં સિક્યૉરિટી ક્યારેય ન રહે. તમે જુઓ, વર્ષમાં એક કે બે વાર અક્ષયકુમાર કે અજય દેવગન જેવા સુપરસ્ટાર પણ દેખીતી રીતે રિસ્ક કહેવાય એવા સબ્જેક્ટ્સ સાથે કામ કરે જ છે.
ગુજરાત ગવર્નમેન્ટ પણ આજે સપોર્ટ કરે છે. લોકેશન, સબસિડીથી લઈને જે જોઈતી હોય એ ગવર્નમેન્ટ આપવા માટે રેડી છે ત્યારે ખરેખર નવા-નવા સબ્જેક્ટને લઈને આવવું જ પડશે. વિઝ્યુઅલ મીડિયમ જેટલું સ્ટ્રૉન્ગ બને એટલો ભાષાને બેનિફિટ થાય અને
એની જવાબદારી ઑડિયન્સની છે. જો એ જોશે તો જ બનશે, એ જોવા જ નહીં જાય તો કદાચ એક જ પ્રકારની બીબાઢાળ ફિલ્મો બનતી રહે એવું બને. એક સાધારણ ઉદાહરણ આપું, મારી પાસે આખું પ્લેટર છે, હું માત્ર ગાંઠિયા નથી વેચતો, પણ મારી પાસે દુકાને આવીને લોકો ગાંઠિયા જ માગ્યા કરે તો હું શું કરું, ગાંઠિયા જ વેચું અને એને લીધે બાકીનું પ્લેટર વેસ્ટ જાય. આ વાત બધી જગ્યાએ લાગુ પડે. પ્લેટર વેસ્ટ જશે તો ટૅલન્ટ વેસ્ટ જશે, કલાકારો અને ટેક્નિશ્યનની મહેનત વેસ્ટ જશે. એવું ન થાય, એવું ન બને એ માટે ગુજરાતી ઑડિયન્સે તમામ પ્રકારના પ્રયોગોને વધાવવાની તૈયારી રાખવી જોઈશે.
મર્યાદાઓ પણ છે જ....
અત્યારે હિન્દીમાં જે રીતે સબ્જેક્ટ સાથે આપણે રમી શકીએ છીએ એ રીતે ગુજરાતીમાં કરી શકાતું નથી અને ધારો કે એવી હિંમત કરવામાં પણ આવે તો ઑડિયન્સ જોવા નથી આવતું.
હવે તમે જ કહો કે કેવી રીતે શક્ય બને કે મેકર્સ સારામાં સારી અને એકદમ નવતર કહેવાય એવા સબ્જેક્ટ સાથેની ફિલ્મો બનાવે. જો એ ફિલ્મ જોવા કોઈ ન આવે કે પછી એ ફિલ્મ ખરીદવા કોઈ તૈયાર ન થાય તો ફિલ્મ અટવાઈ જાય અને જો એવું બને તો નૅચરલી સેંકડો લોકોની મહેનત માથે પડે.


