રામાનુજાચાર્યે આજથી હજાર વર્ષ પૂર્વે સામાજિક સમરસતા અને સાર્વત્રિક બંધુત્વના મુદ્દે ચળવળ આરંભી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગયા ફેબ્રુઆરી માસની પાંચમી તારીખે દેશમાં એક સુંદર ઘટના ઘટી. પ્રચાર-માધ્યમોએ પણ એની જાગરૂકપણે નોંધ લીધી. એ હતી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘સ્ટૅચ્યુ ઑફ ઇક્વલિટી’નું અનાવરણ. આ સ્ટૅચ્યુ એ ભારતના વૈષ્ણવ સંપ્રદાયોમાં સર્વપ્રથમ વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક એવા શ્રી રામાનુજાચાર્યને તેમની સહસ્રાબ્દીએ અપાયેલી શ્રદ્ધાંજલિ છે. હૈદરાબાદ પાસે આવેલા ૪૫ એકરના પરિસરમાં સ્થાપિત ૨૧૬ ફૂટ ઊંચી શ્રી રામાનુજાચાર્યની આ મૂર્તિ પંચધાતુઓમાંથી બનાવવામાં આવી છે. આપણામાંના લગભગ તમામ આ ઘટનાથી માહિતગાર હશે જ.
પરંતુ શા માટે રામાનુજાચાર્યની આ પ્રતિમાનું નામાભિધાન ‘સ્ટૅચ્યુ ઑફ ઇક્વૉલિટી’ અર્થાત્ ‘સમાનતાની મૂર્તિ’ કરવામાં આવ્યું, એ બાબતે ઘણા લોકો અજ્ઞાત હશે. રામાનુજાચાર્યે આજથી હજાર વર્ષ પૂર્વે સામાજિક સમરસતા અને સાર્વત્રિક બંધુત્વના મુદ્દે ચળવળ આરંભી હતી. વર્ણાશ્રમ કે જ્ઞાતિ-જાતિના ભેદ વિના મંદિરનાં દ્વાર સૌ કોઈ માટે ખુલ્લાં હોવાં જોઈએ, એવો આગ્રહ સેવ્યો હતો. તેમણે સમાજના પછાત વર્ગને પણ આવકારી ભક્તિરંગે રંગ્યા હતા. અને રાજવીઓને પણ સામાજિક ભેદભાવોથી મુક્ત થવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
તેમનો એક પ્રસંગ યાદ આવે છે. તેઓ મોટી ઉંમરે પણ રોજ સ્નાન કરવા માટે નદીએ જતા, ત્યારે બ્રાહ્મણ ભક્તનો ટેકો લઈને જતા. અને સ્નાન કરીને પાછા આવે ત્યારે શૂદ્ર ભક્તનો ટેકો લઈને આવે. એ જમાનામાં તો વર્ણાશ્રમ અને જ્ઞાતિ-જાતિનાં બંધનો અત્યંત ચુસ્તપણે પળાતાં. તેથી કોઈકે પૂછ્યું કે તમે આવું કેમ કરો છો? સ્નાન પૂર્વે શૂદ્રનો સ્પર્શ કરો તો બરાબર, પણ ત્યારે બ્રાહ્મણનો ટેકો લઈને જાઓ છો અને સ્નાન કરીને પવિત્ર થયા બાદ શૂદ્રનો ટેકો લઈને પાછા આવો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે મારા મતે તો બ્રાહ્મણ હોય કે શૂદ્ર, બધા જ સમાન છે. આજે આ વચન ઉચ્ચારવું એ હજી સહેલું છે, પણ એ જમાનામાં આમ કહેવું એ હિંમતનો વિષય હતો. તેમની આ સમાનતાની ભાવનાને આદર આપીને તેમની મૂર્તિને ‘સ્ટૅચ્યુ ઑફ ઇક્વૉલિટી’ના નામે નવાજવામાં આવી છે.
શ્રીમદ ભગવદ્ગીતા પણ કહે છે કે જ્ઞાનીજનો બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો સમદર્શી હોય છે. ભારતની ભૂમિ કદીયે આવા જ્ઞાની સંતોથી વાંઝણી રહી નથી. રામાનુજાચાર્યના જેવી જ દૃષ્ટિ હતી, સ્વામી વિવેકાનંદની. તેમણે એક ખૂબ જ સુંદર વિધાન કર્યું છેઃ Each soul is potentially divine. અર્થાત્ ‘દરેક આત્મા તત્ત્વતઃ દિવ્ય છે.’ કારણ કે દરેકમાં પરમાત્માનો નિવાસ છે. આ જ દૃષ્ટિ હતી, વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજની.
એક પ્રસંગે દલિતોના આવાસમાં યોજાયેલી સભામાં સૌને સંબોધતાં વાત કરી હતી, ‘હું તમારા બધામાં ભગવાન જોઉં છું.’ એક વાર તેઓ વલ્લભવિદ્યાનગરમાં એક ભક્તના ઘરે પધાર્યા. ત્યાં એક દલિત રામજી બગીચામાં કામ કરતો હતો. તેને જોતાં જ સ્વામીજીએ તેને નજીક બોલાવ્યો. તે નજીક આવતાં સંકોચાયો. છતાં સ્વામીજીએ તેને પાસે બોલાવી માથે હાથ મૂકતાં કહ્યું, ‘તારે અમારી નજીક આવવું, કોઈ બાધ નથી.’ એટલું જ નહીં, પણ જ્યારે તે ભક્તના ઘરે સ્વામીજી જમવા બિરાજ્યા, ત્યારે સામે જમી રહેલા હરિભક્તોની પંગતમાં જ તે રામજીને પણ બેસાડીને તેની થાળી પીરસીને પ્રેમથી કેરીનો રસ જમાડ્યો.
પ્રમુખસ્વામી મહારાજની આ વિશેષતા હતી કે તેમણે સવર્ણોમાં એવી સમજ સીંચેલી કે જેથી તેઓ અન્ય વર્ણના સ્વીકારમાં ખચકાય નહિ અને અન્ય વર્ણના મનુષ્યોને એવું સારું વર્તન શીખવ્યું કે તેઓ સવર્ણોમાં સહજ સ્વીકૃતિ પામે. તેમણે વર્ણ-વર્ણ વચ્ચેનાં સૂગ-સંકોચને સત્સંગના દ્રાવણ વડે એવાં ધોઈ નાખ્યાં કે જેથી તેમનો સંપ્રદાય માનવીમાત્ર માટે મીઠો માળો બની રહ્યો. આમ, વસુધૈવ કુટુમ્બકમ્ જેવા ઉન્નત આદર્શને ચીંધતી આપણી ઉદાર ભારતીય સંસ્કૃતિના ભાલે ચોંટેલું અસ્પૃશ્યતાનું કલંક ધોવા આવા સંતો હંમેશાં આપણી ભારત-ભૂમિ પર પ્રગટ થતા જ રહે છે.
લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય feedback@mid-day.com પર

