Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિજિટલ ઉપવાસની ફરાળી વાનગી!

ડિજિટલ ઉપવાસની ફરાળી વાનગી!

Published : 12 September, 2021 02:32 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આજકાલ આપણું નાનું-મોટું દરેક કામ મોબાઇલ, ટૅબ્લેટ, લૅપટૉપ, ઇત્યાદિ ગૅજેટ વિના થતું નથી. થોડી વાર માટે પણ જો મોબાઇલ બંધ પડી જાય તો આપણે અકળાઈ જઈએ છીએ. આ બધાં ડિજિટલ સાધનોની અતિશયતા છોડી દેવી અે જ ઉપવાસ શબ્દનો હેતુ છે

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


પર્યુષણ પર્વના દિવસોને ત્યાગ અને સંયમના આત્મા તરીકે ઓળખાવી શકાય. દુનિયાના તમામ ધર્મોએ વધતા-ઓછા અંશે ઉપવાસને મહત્ત્વ આપ્યું છે. ઉપવાસ શબ્દનો અર્થ પરમાત્મા પાસે ઘડીક બેસવું કે રોકાવું એવો થાય છે. વાસ એટલે રહેવું અને ઉપ એટલે નજીક. આ ઉપવાસની વિભાવના ઈશ્વરનું સાંનિધ્ય એવો કરી શકાય. લગભગ દરેક ધર્મોએ સામાન્ય વ્યવહારમાં પણ અગિયારસ કે આઠમ કે બીજા કોઈ દિવસને ચોક્કસ સ્થાન આપીને ઉપવાસને આવકાર્યો છે. શરીરશાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે પણ ઉપવાસનું ખાસ મહત્ત્વ છે જ. એ જ રીતે ત્યાગને પણ સમજી લેવા જેવું છે. ત્યાગ એનો જ થઈ શકે છે કે જે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કર્યું હોય. પ્રાપ્તિ વિના ત્યાગ થઈ શકતો નથી. 
 અમે શેનો ત્યાગ કરીએ?


ત્યાગ વિશે ગાંધીજીએ એક વાર પુત્ર હરિલાલને કેટલીક વાત કરી અને પછી જવાહરલાલ નેહરુનો દાખલો આપ્યો હતો. ગાંધીજી અને હરિલાલ પિતા-પુત્રના સંબંધોમાં ભારે તનાવ હતો એ આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીએ જ્યારે નેહરુપરિવારના ત્યાગની વાત કરી ત્યારે હરિલાલે અત્યંત માનપૂર્વક બાપુને કહેલું,

‘બાપુ, અમે શેનો ત્યાગ કરીએ? અમને કશું પણ તમે મળવા દીધું છે?’
પૃથ્વી પર પ્રાણીમાત્ર જે રીતે સામાન્ય જીવન જીવે છે અને જે જીવન આદિકાળથી સાર્વત્રિક છે એને ધ્યાનમાં લેતાં ત્યાગ કરતાં મેળવવાનું મહત્ત્વ વધારે છે. આ મેળવવું એટલે શું એ સમજી લેવા જેવું છે. મેળવવું એ ત્યાગ પૂર્વેની પરિસ્થિતિ છે. પછી એ મેળવવું વિદ્યા હોય, વિત્ત હોય, પ્રતિષ્ઠા હોય, સામર્થ્ય હોય, કંઈ પણ હોય, પણ જો આમાંનું કશું મેળવી શકાતું નથી તો પછી ત્યાગની વાત કરવી વ્યર્થ થઈ જાય છે. આ મેળવવા સાથે પણ સમજી લેવાની જરૂર છે કે એને પણ એક મર્યાદા હોય છે. આપણી રોજિંદી જરૂરિયાતને લક્ષમાં લેતાં મેળવવાને એક શિખર હોય છે. આ શિખર સુધી પહોંચવામાં કોઈ પાપ નથી. પણ આ શિખરને સમજ્યા વિના જ મેળવવાની દોડ એ ન સમજી શકાય એવું ગાંડપણ છે. અહીં મને એક નાનકડી ઘટના સાંભરે છે. ૫૦-૬૦  વર્ષ પહેલાં સરકારી લૉટરીની શરૂઆત થયેલી ત્યારે લૉટરીની ટિકિટો વેચનાર એક ફેરિયાએ મારી પાસે આવીને ટિકિટ ખરીદવાનો આગ્રહ કર્યો. એક રૂપિયાવાળી ટિકિટ ૧૦ લાખનું ઇનામ આપતી હતી અને બે રૂપિયાવાળી ટિકિટ બે કરોડનું ઇનામ આપતી હતી. મેં એક રૂપિયાવાળી ટિકિટ ખરીદી ત્યારે પેલા ફેરિયાએ કહ્યું, 

‘સાહેબ, બે રૂપિયાવાળી ટિકિટ લઈ લો, બે કરોડ રૂપિયા મળશે.’
એ સમયની મારી માસિક આવક અને ઘરખર્ચ એ બન્નેને લક્ષમાં લેતાં ૧૦ લાખ રૂપિયા મને ત્યારે અનહદ લાગતા હતા. મેં એ ફેરિયાને કહ્યું, ‘ભાઈ, ૧૦ લાખ મળશે તો હું એની ગોઠવણ કરી શકીશ, પણ જો બે કરોડ મળશે તો એની વ્યવસ્થા કેમ કરવી એ જ મને નહીં સમજાય.’
ડિજિટલ ઉપવાસ
આ વર્ષે પર્યુષણ નિમિત્તે ઉપવાસ સાથે એક નવો શબ્દ જોડાયો છે, ડિજિટલ ઉપવાસ. આ એક સરસ વિભાવના છે. અહીં ડિજિટલનો અર્થ આત્યંતિક અતિશય પુષ્કળ અનહદ એવો જ કંઈક થાય છે. આજકાલ આપણે નાની-મોટી દરેક વાતમાં મોબાઇલ, ટૅબ્લેટ, લૅપટૉપ, ઇત્યાદિ ગૅજેટ ડગલે ને પગલે વાપરીએ છીએ. આપણું કોઈ કામ આ બધાં નવાં સાધનો વિના થતું નથી. થોડી વાર માટે પણ જો મોબાઇલ બંધ પડી જાય તો આપણે અકળાઈ જઈએ છીએ. મોબાઇલની એટલે કે આ બધાં ડિજિટલ સાધનોની અતિશયતા છોડી દેવી એ આજ  ઉપવાસ શબ્દનો હેતુ છે.
વાત કાંઈ ખોટી નથી. ડિજિટલ સાધનોએ આપણને લગભગ અપંગ બનાવ્યા છે. આજે પાંચ વર્ષના બાળકના હાથમાં આપણે જે રમકડું આપીએ છીએ એ પણ ડિજિટલ હોય છે. બૌદ્ધિક કક્ષાએ આપણે હવે જાતે લગભગ કશું જ કરતા નથી. બધું જ પહેલાં ડિજિટલ સાધન પર આધારિત છે. કોઈ પણ ભલભલા શિક્ષિત તરુણને પૂછી જોજો, 
‘સાડાત્રણ રૂપિયા કિલોના ભાવે સાડાછ કિલોની કિંમત કેટલી થાય?’
તે મોઢે જવાબ નહીં આપી શકે. તે તરત જ હાથમાંના પહેલા બચોળિયાને પૂછશે, આંકડા માંડશે અને પછી ગણતરી મૂકીને કહેશે, ‘આટલા આટલા.’ આની સામે મને મારા પિતાજી જે ગણતરી માંડતા એ સાંભરે છે. તેઓ મૂળજી જેઠા માર્કેટમાં કપડાની દલાલી કરતા અને કેટલીય વાર મેં તેમને ઘરે હિસાબ માંડતા જોયા છે. જો એક વાર કપડાની કિંમત પોણાબે રૂપિયા હોય અને એક તાકામાં ૪૦ વાર હોય અને આ ગાંસડીમાં આવા ૩૦ તાકા હોય તો ત્રણ ગાંસડી કપડાની કિંમત કેટલી થાય? એવા હિસાબ એ બે-ત્રણ મિનિટમાં જ મોઢે માંડી આપતા. ગામઠી નિશાળમાં તેઓ ૪૦ સુધીના આંક અને ૭ ધોરણ સુધી મોઢે ભણ્યા હતા! 
ડિજિટલ ઉપયોગિતા કાંઈ ખોટી નથી. આવકાર્ય છે, પણ એના પર પૂરેપૂરો આધાર રાખવાથી માણસની બૌદ્ધિક ક્ષમતા જો બુઠ્ઠી થઈ જતી હોય તો થોડો પુનર્વિચાર કરવો પડે. આ પુનર્વિચાર એટલે જ ડિજિટલ ઉપવાસ!

ઇતિ અચ્યુતમ

‘તેન ત્યક્તેન ભુજીથાઃ’ - એટલે કે ઈશ્વરે જેકંઈ નિર્માણ કર્યું છે એ બધું તારા માટે જ છે અને તું એને ભોગવ, પણ આવો ભોગવટો માપસરનો હોવો જોઈએ. ભોગવટો અમાપ ન હોય. ડિજિટલ ભોગવટો આપણને ક્યાંક અમર્યાદિત દિશામાં તો નથી લઈ જતોને? એનો વિચાર કરવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદગીતામાં આ વિષયમાં બહુ સરસ શીખ આપી છે ઃ ‘યુક્ત આહાર વિહાર’. ભોગવવું બધું જ. એવા ત્યાગની જરૂર નથી જેમાં ભોગવટો ન હોય, પણ ભોગવટો અને ત્યાગ બન્ને ત્રાજવાના એક પલ્લામાં સંતુલિત હોવા જોઈએ. ડિજિટલ ઉપવાસમાં પણ ફરાળી વાનગી નોખી તારવી શકાય ખરી!

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2021 02:32 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK