Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધર્મ છુટ્ટી પર હૈ, વિજ્ઞાન ડ્યુટી પર હૈ!

ધર્મ છુટ્ટી પર હૈ, વિજ્ઞાન ડ્યુટી પર હૈ!

01 December, 2021 08:43 AM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

વિજ્ઞાન અને જીવન અભિન્ન અંગ બની ગયાં છે. પહેલાં કહેવાતું કે જ્યાં વિજ્ઞાનની સરહદ પૂરી થાય છે ત્યાંથી તત્ત્વજ્ઞાન શરૂ થાય છે. આજે તત્ત્વજ્ઞાનમાં પણ વિજ્ઞાન ભળી ગયું છે. 

ધર્મ છુટ્ટી પર હૈ, વિજ્ઞાન ડ્યુટી પર હૈ!

ધર્મ છુટ્ટી પર હૈ, વિજ્ઞાન ડ્યુટી પર હૈ!


આજનો યુગ વિજ્ઞાનયુગ તરીકે ઓળખાય છે. વિજ્ઞાન અભિશાપ છે કે આશીર્વાદ એ વિષય  નિબંધ માટે જુનવાણી બની ગયો છે. આજે તો એ વિષય પ્રસ્તુત બની રહ્યો છે કે ‘વિજ્ઞાન ન હોત તો માનવજાત આજે ક્યાં હોત?’ વિજ્ઞાન અને જીવન અભિન્ન અંગ બની ગયાં છે. પહેલાં કહેવાતું કે જ્યાં વિજ્ઞાનની સરહદ પૂરી થાય છે ત્યાંથી તત્ત્વજ્ઞાન શરૂ થાય છે. આજે તત્ત્વજ્ઞાનમાં પણ વિજ્ઞાન ભળી ગયું છે. 
વિજ્ઞાનને કારણે દુનિયામાં વખતોવખત નવા-નવા આવિષ્કાર થતા રહે છે. વિજ્ઞાનને કારણે  દુનિયા નાની થઈ ગઈ છે અને વિમાનની શોધને કારણે હાથવગી બની ગઈ છે. 
આજે વાત વિમાનની જ કરવી છે. કોઈ પૂછે કે વિમાનની શોધ કોણે કરી તો તરત જવાબ મળે રાઇટ બંધુઓએ. ઑલવીર અને વિલવર રાઇટ ભાઈઓએ. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ જવાબ સરાસર ખોટો છે, છળ છે, ધોખાઘડી છે. કોઈ એટલા માટે ખોટો ગણતા હશે કે વિમાનની હસ્તી તો છેક રામાયણ-પૌરાણિક કાળમાં પણ હતી. પુરાણો અનુસાર પહેલવહેલું  વિમાન વિશ્વકર્માએ બ્રહ્માજી માટે બનાવ્યું હતું. એ મંત્ર-તંત્રથી ચાલતું હતું. બ્રહ્માજીએ એ વિમાન કુબેરને ભેટ આપ્યું હતું અને રાવણે કુબેર સાથે યુદ્ધ કરીને એની બધી સંપત્તિ અને ખજાનાની સાથોસાથ આ વિમાન પણ લૂંટી લીધું હતું. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે કે લંકાવિજય પછી વિભીષણે રામને આ વિમાન ભેટ આપ્યું અને એમાં જ બેસાડીને રામને અયોધ્યા મોકલ્યા હતા. 
આ તો થઈ પૌરાણિક વાત, જે આપણે ફક્ત વાંચી કે સાંભળી છે. બાળપણથી જ ‘ઊડતી રકાબી’ કે ‘ઉડન ખટોલા’ની વાતો સાંભળતા જ આવ્યા છીએ, ક્યારેય પ્રત્યક્ષ અનુભવ કર્યો નથી કે થયો નથી. આજે હું એક એવી વાત કરવા માગું છું જેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. 
નામ છે શિવકર બાપુજી તળપદે. મુંબઈનો રહેવાસી. મહારાષ્ટ્રિયન, વળી પાછો ચીરાબજાર  ચોપાટી નજીક જ રહે. સમય ૧૮૯૦થી ૧૮૯૫ની આસપાસનો. શિવકર મુંબઈ સ્કૂલ ઑફ  આર્ટ્સમાં અધ્યાપક. વૈદિકશાસ્ત્રનો અભ્યાસુ, જિજ્ઞાસુ. વેદપુરાણોમાં બાળપણથી જ  દિલચસ્પી. શિવકરને વેદપુરાણોમાંથી જાણવા મળ્યું કે મુનિ અગસ્ત્ય અને ભારદ્વાજ વિમાન બનાવવાની કળામાં માહેર હતા. આ બન્ને ઋષિઓએ આ વિષય પર અસંખ્ય શ્લોક રચ્યા  હતા. શિવકરને એમાં ખૂબ રસ પડ્યો. એ પછી તેણે અનેક શાસ્ત્રો ઉખેડી નાખ્યાં; રામાયણ, મહાભારત, ચારેચાર વેદો, યુક્તિ કરાલ પાનું, માયામત્ય, શતપત બ્રાહ્મણ, માર્કંડેય પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, હરિવંશ, ઉત્તમ ચરિત્ર, હર્ષ ચરિત્ર વગેરે. અસંખ્ય શાસ્ત્રોનો તેણે અભ્યાસ કર્યો. બધાં શાસ્ત્રોમાં એક યા બીજી રીતે વિમાન અને એ બનાવવાની કળા વિશે મંત્રો અને શ્લોકો હતાં. શિવકરની પત્નીને આ વિષયમાં રસ હતો, તે પતિને ખભેખભા  મિલાવીને આ બાબતમાં મદદ કરવા લાગી. 
મૂળભૂત તકલીફ એ હતી કે પુરાણો અનુસાર આ બધાં વિમાન મંત્રશક્તિથી ચાલતાં હતાં. શિવકરને વાયુ અને યંત્રશક્તિથી બનાવવાં હતાં. ઘણી મથામણ, મહેનત, પ્રયોગો પછી તેને સફળતા મળી. બહુ લાંબો ઇતિહાસ છે, પણ અગત્યની વાત એ છે કે ૧૮૯૫માં શિવકરે આ વિમાન જાહેરમાં ઉડાડવાના પ્રયોગનું એલાન કર્યું. 
શિવકરે આ વિમાનનું નામ પણ અદ્ભુત રાખ્યું હતું, ‘મરુત સખા’. ક્યા બાત હૈ! મરુત  એટલે વાયુ, મારુતિ એટલે હનુમાન એના સખા! ૧૮૯૫ની એ સાંજે ચોપાટી પર ખાસ મહેમાનો ઉપસ્થિત થયા, જેમાં મુખ્ય મહેમાન એ સમયના વડોદરાના મહારાજા શ્રી  શિવાજીરાવ ગાયકવાડ અને મુંબઈના પ્રતિષ્ઠિત નાગરિક લાલજી નારાયણ. એ પળે હજારો હૈયાં આતુરતાથી ધડકતાં હતાં અને ક્ષણભરમાં એ આતુરતાનો અંત આવી ગયો. વિમાને સફળતાથી ઉડાન ભરી. ૧૫૦૦ ફુટ ઊંચી ઉડાન. રાઇટ બંધુઓના વિમાને ફક્ત ૧૨૦ ફુટની ઉડાન ભરી હતી, શિવકરના વિમાને એનાથી લગભગ ૧૨ ગણી વધુ ભરી હતી. શિવકરે એક ઇતિહાસ રચી દીધો, પણ એ ઇતિહાસમાં તેનું નામ ન કોતરાયું, કેમ? 
 ચોપાટી-મુંબઈ પર સફળ ઉડાન કર્યા બાદ થોડા સમયમાં જ શિવકર બાપુજીનાં પત્નીનું  અવસાન થયું. શિવકરની પ્રસ્તુત સિદ્ધિમાં પત્નીનો મહત્ત્વનો ફાળો હતો. પત્નીના મૃત્યુના આઘાતમાં તે મૂઢ બની ગયો. એટલું જ નહીં, પોતાની સિદ્ધિને આગળ વધારવાનું પણ ટાળી દીધું. જીવન તેને વ્યર્થ લાગવા લાગ્યું. સિદ્ધિ, પ્રસિદ્ધિ, પૈસાનું તેને મન કોઈ મહત્ત્વ ન રહ્યું. ખરો પ્રેમ હોય એવા એક પ્રેમીજનનું મૃત્યુ માણસને કેટલો હતાશ બનાવી દે છે!! આ હતાશા અને નિરાશામાં જ ૧૯૧૮ની ૧૯ ડિસેમ્બરે શિવકરનું મૃત્યુ થયું. 
 શિવકરના મૃત્યુ બાદ તેમના પરિવારજનો, વારસદારોને શિવકરની સિદ્ધિનું મૂલ્ય સમજાયું  નહીં હોય કે વધુ રળી લેવાની લાલસા હશે જેકંઈ હોય, પરંતુ ન બનવાનું બન્યું. પરિવારજનોએ તેની સિદ્ધિના બધા જ દસ્તાવેજો, સંશોધન પત્રો અંગ્રેજોને વેચી દીધાં અને શિવકર માટે ‘આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા’ની કહેવત સાચી કરી. શિવકરે રચેલા  ઇતિહાસનું દફન થઈ ગયું. 
૧૯૦૮માં અમેરિકાએ રાઇટ બંધુએ સૌથી પહેલું વિમાન શોધ્યાના દાવાને માન્યતા આપી. આશ્ચર્ય એ વાતનું વધારે થયું કે ભારતમાં કોઈ ઊહાપોહ કે વિરોધ થયો નહીં. શું એ સમયે  લોકો કે નેતાઓને આઝાદીની ચળવળમાં જ રસ હતો? તેમને મન વ્યક્તિ કે વિજ્ઞાનનું, દેશની  અસ્મિતાનું કોઈ મૂલ્ય નહીં હોય?
તા.ક. આ જ વિષય પર તાજેતરમાં એક હિન્દી ફિલ્મ બની છે.
સમાપન :
મૈં ચરાગોં કી ભલા કૈસે હિફાઝત કરતા વક્ત તો સૂરજ કો ભી હરરોઝ બુઝા દેતા 

શિવકરના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ બધા જ દસ્તાવેજો અંગ્રેજોને વેચી દીધા અને શિવકર માટે ‘આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા’ની કહેવત સાચી ઠરી અને શિવકરે રચેલો આ ઇતિહાસ દફન થઈ ગયો. 


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 08:43 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK