સોમનાથ અને પોરબંદર વચ્ચે આવેલું માધવપુર શ્રીકૃષ્ણ અને રાણી રુક્મિણીનું વેડિંગ વેન્યુ છે. આજે પણ આ સ્થળે તેમના પ્રેમની પવિત્રતા મહસૂસ થાય છે
ગુજરાત નહીં દેખા
મુંબઈથી ગાડી આવી રે... હો દરિયાલાલા...
મુંબઈના મરીનલાઇન્સથી કાંદિવલી સુધીનો ‘મુંબઈ કોસ્ટલ રોડ’ જ્યારે શરૂ થાય ત્યારે, પણ જો તમારે તરત જ કોસ્ટલ રોડની ડ્રાઇવની મોજ માણવી હોય તો ઊપડો બાપુની જન્મભૂમિ પોરબંદર. પોરબંદરથી માધવપુર જતો, મુંબઈના કોસ્ટલ રોડથી ઑલમોસ્ટ ડબલ ડિસ્ટન્સનો રોડ હિલોળા લેતા અરબી સમુદ્રને સમાંતર ચાલે છે. એમાંય માધવપુર પહોંચતાં પહેલાંનો છેલ્લો ૬ કિલોમીટરનો જે રૂટ છે એ તો દરિયાઈ પટ્ટી પર જ બનાવેલો હોય એવું લાગે. એક તરફ અરેબિયન સીના આવકારતાં અફાટ દરિયાઈ મોજાંઓ અને બીજી તરફ નાકની દાંડીએ જતો સીધેસીધો ધોરી માર્ગ. ડ્રાઇવર અને કો-પૅસેન્જર ચોક્કસ કન્ફ્યુઝ થાય છે કે ડ્રાઇવિંગની મજા લેવી કે દરિયાની.
વેલ, ‘કભી કભી સફર ખૂબસૂરત હોતી હૈ મંઝિલ સે ભી.’ પણ અહીં તો સફર અને મંઝિલ બેઉ શાનદાર છે અને એમાંય આપણો આજનો પડાવ તો માધવપુર છે, જે રોમૅન્સનું એવરેસ્ટ છે. વિદર્ભ દેશના રાજા ભીષ્મકની રાજકન્યા રુક્મિણી દ્વારિકામાં રહેતા શ્રીકૃષ્ણનાં પરાક્રમ અને કૌવતની વાતો સાંભળીને મનોમન તેમને વરી ચૂકી હતી, પણ રુક્મિણીના ભાઈએ જબરદસ્તી તેના વિવાહ શિશુપાલ સાથે વિદિત કર્યા હતા, એથી રુક્મિણીએ મોહનને સંદેશો મોકલ્યો કે ‘અહીંથી મને લઈ જાઓ. હું આપને પતિ માની ચૂકી છું. જો શિશુપાલ સાથે મારાં લગ્ન થશે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ.’ કાનુડાને આ સમાચાર મળતાં નવવધૂના વેશમાં સજ્જ રુક્મિણીનું હરણ કરી ગયા અને માધવપુરમાં બ્રાહ્મણોની હાજરીમાં વિધિવત્ રુક્મિણી સાથે લગ્ન કર્યાં, એટલે આજે પણ દુહારૂપે ગવાય છે, ‘માધવકુળનો માંડવો ને યાદવકુળની જાન, પરણે રાણી રુક્મિણિ ને તોરણ આવ્યા ભગવાન.’ બંસીધર અને પટરાણી રુક્મિણીના વિવાહના દિને મીન્સ ચૈત્ર સુદ બારસે અહીં એ યાદગીરીરૂપે મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો, આજુબાજુનાં ગામના લોકો, કૃષ્ણભક્તો એ જશનમાં સામેલ થાય છે. એકંદરે શાંત રહેતી આ ભૂમિ એ દિવસે રંગીન થઈ જાય છે. જોકે અહીં કારતક સુદ અગિયારસ - દેવ ઊઠી એકાદશીએ તુલસીવિવાહ થાય છે અને એની ઉજવણી પણ ધામધૂમથી થાય છે. જોકે ચૈત્રી પૂનમના આગલા દિવસોની વાત નિરાળી હોય છે.
ADVERTISEMENT
માધવપુર ઘેડ તરીકે જાણીતું આ ગામ આમ તો માધવરાય મંદિર, રુક્મિણી મંદિર અને બ્યુટિફુલ બીચ માટે પૉપ્યુલર છે, પરંતુ દરિયાપ્રેમીઓ અહીં ઊછળતાં દરિયાઈ મોજાંના દીવાના છે અને એનીયે મુલાકાત કરીશું, પણ એ પહેલાં મંદિરે દર્શન કરી આવીએ. ઓરિજિનલી ૧૨મી-૧૩મી સદીમાં બનેલું મંદિર તો વિદેશી મુસ્લિમ આક્રમણકારોએ ધ્વસ્ત કરી નાખ્યું હતું, પણ આજે અહીં ૧૮૪૦ની સાલમાં પોરબંદરનાં રાજમાતા રૂપાણીબાએ નિર્મિત કરાવેલું કૃષ્ણાલય અડીખમ છે. હવેલી સ્ટાઇલના આ ટેમ્પલમાં શ્રીકૃષ્ણ સાથે મોટા ભાઈ બલરામની મૂર્તિ છે, જે અનુક્રમે માધવરાય અને ત્રિક્રમરાયના નામે ઓળખાય છે. માધવપુરમાં જ ઓશો આશ્રમની નજીક આવેલા રુક્મિણી મંદિરની યાત્રા વગર માધવપુરની વિઝિટ અધૂરી છે. શાંત અને વૃક્ષોથી ઘેરાયેલા વનમાં રહેલું આ નાનકડું મંદિર ઍક્ચ્યુઅલ પ્રભુનું વેડિંગ વેન્યુ છે. અહીંનું વાતાવરણ એટલું પવિત્ર અને શાતાદાયક છે કે હૃદયમાંથી આપોઆપ પ્રેમની સરવાણી ફૂટે. વાયકા મુજબ આ મંદિરની બાજુમાં એક વૃક્ષની નીચે ભગવાને ઊભા રહીને રાણી રુક્મિણીની રાહ જોઈ હતી. ખેર એ વિશે એક કવિએ કહ્યું છે એ પ્રમાણે અમે પણ માનીએ છીએ કે ‘શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે.’
ઓશો આશ્રમ માધવપુરનું એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે. આચાર્ય રજનીશના અનુયાયી માસ્ટર બ્રહ્મ વેદાન્તે અહીં ઓશો આશ્રમ સ્થાપ્યો છે. કેટલીક નૅચરલ અને કેટલીક મેનમેડ ગુફાઓ અને આર્કિટેક્ચરલ માર્વેલ્સ સાઇટ સમા આ આશ્રમમાં કુતૂહલ અને દૈવીય જેવી મિશ્ર ફીલિંગ થાય છે. ચીતરેલી ગુફાઓ, મોટા પથ્થરને કોતરીને બનાવાયેલા લાર્જ હ્યુમન ફેસ, નાની-મોટી કેડીઓ, લિટલ-લિટલ તળાવો, ટેકરીઓ... કોઈ ફિલ્મના સેટ પર હોઈએ એવું લાગે છે. સમય હોય તો બેસી પડો. ધ્યાનની તાળી લાગી જશે ચોક્કસ. બાકી અમારે તો ઝટ-ઝટ કાઠિયાવાડને કાંઠે પહોંચી ‘મૌજા હી મૌજા’ ગાવું છે.
કાઠિયાવાડનો કિનારો હોય ને કોઈ શિવલિંગ ન હોય એવું બને? આ કૃષ્ણનગરીમાં પણ ભોળિયા શંભુનું વિરાટ લિંગ દરિયાકિનારે આવકારવા ઊભું છે. લાપસી માટે ઘઉંનો કરકરો ડારો દળાવ્યો હોય એવી સોનેરી રેતી, તોફાનના પડીકા સમ છોકરો કજિયે ચડી ધમાચકડી મચાવતો હોય એવા ઘૂઘવતા દરિયાનાં હું ઊંચો-હું ઊંચોની હુંસાતુંસી કરતાં જોર-જોરથી કિનારે અફળાતાં મોજાંઓ! ઓહ... ઇટ્સ ટેમ્પટિંગ. પણ સમ ટાઇમ છોડીને અહીંનો દરિયો નહાવા કે ઈવન ભીંજાવા માટે પણ થોડો જોખમી છે એટલે સાવચેતી રાખવી સારી. વહેલી કેસરી સવાર હોય, ગરમાળા જેવી પીળી સાંજ હોય કે પછી સુદ પક્ષની અજવાળી કે વદ પક્ષની અંધારી રાત, આ દરિયાઈ પટ્ટીની દરેક સમયની આગવી સુંદરતા છે. અહીંનો ૩-૪ કિલોમીટરનો પટ્ટો ચાલવા માટે પણ સરળ છે અને બેઠાં-બેઠાં સમુદ્રી વેવ્સને જોવા-જાણવા માટે પણ શ્રેષ્ઠ છે.
પ્રવાસનના વિકાસરૂપે સહેલાણીઓ માટે અહીં ઘણી ઍક્ટિવિટી શરૂ થઈ છે અને સગવડો પણ કરવામાં આવી છે. જો એક આકર્ષણ અહીં ઊભું થઈ શકે તો માધવપુરનો બીચ, નહીં સમગ્ર ગુજરાતની દરિયાઈ પટ્ટીને ચાર ચાંદ લાગી જાય. ટચૂકડા યુરોપીય દેશ ક્રોએશિયાના ઝદ્દાર સિટીમાં ઊભું કરાયેલું ‘સી ઑર્ગન’ જો અહીં પણ બનાવાય તો ક્યા કહેને... સ્પેશ્યલ એન્જિનિયરિંગ-આર્કિટેક્ચર ટેક્નિકથી બનાવાયેલા પિલર્સ સાથે સમુદ્રી મોજાં ટકરાય અને ખાસ પ્રકારના અવાજના તરંગો ઊભા થાય અને એનાથી સરસ સંગીત ક્રીએટ થાય. આ ‘સી સીમ્ફની’ જો માધવપુરને મળેને તો એ ફક્ત રાજ્યનું નહીં, દેશઆખાનું અનોખું પ્રવાસન સ્થળ બની રહે.
સાબરમતીના સંતની જન્મભૂમિ
આવતી કાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે ત્યારે દુનિયાને અહિંસાની શક્તિ અને સામર્થ્ય સમજાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભૂમિ પોરબંદર અહીંથી ફક્ત ૫૮ કિલોમીટર દૂર છે, માટે માધવપુર આવ્યા હોઈએ તો રાષ્ટ્રની એ વિરાસતને નમન કર્યા વગર ન જ જવાય અને હા, આ કૃષ્ણસખા સુદામાનું પણ બર્થ-પ્લેસ હરિમંદિર, ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિમંદિર, ધુમીલ તરીકે જાણીતું પ્રાચીન ટેમ્પલ કૉમ્પ્લેક્સ, જાંબવન ગુફાઓ, બર્ડ સૅન્ક્ચ્યુઅરી, હુઝૂર પૅલેસ માટે આઇટનરીમાં પોરબંદર કે નામ એક દિન ફાળવજો જ.
માઇન્ડ ઇટ
કમ્પૅરેટિવલી દરિયાનું પાણી અને કિનારો ચોખ્ખો છે, છતાં મારામાર પવન હોવાથી કચરો ઊડીને આવી પડ્યો હોય એ જોઈ આપણે જ્યાં-ત્યાં કચરો કરી ગંદકી કરવી નહીં.
એ જ રીતે દરિયામાં પૂજાપો, પ્રસાદ કે નિર્માલ્ય પણ નાખવાં નહીં.
સમ યુઝફુલ પૉઇન્ટ્સ
મુંબઈથી માધવપુર જવાનું સાવ સરળ છે. આ સ્થળ જૂનાગઢ, વેરાવળ, પોરબંદર અને ઈવન રાજકોટથીયે ઝાઝું દૂર નથી. વળી આ બધાં શહેરોથી અહીં પહોંચવા પ્રાઇવેટ ટૅક્સી, લક્ઝરી બસ સહિત સરકારી વાહનો પણ મળી રહે છે.
માધવપુરમાં રહેવા માટે દરિયાના કિનારે અમુક હોટેલ્સ છે, જેનું લોકેશન અદ્ભુત છે. હા, એ થોડી પૉકેટ પર હેવી થઈ શકે, પણ નજીકમાં બીજી હોટેલ, ગેસ્ટહાઉસ છે. એ જ રીતે જમવામાં ગરમાગરમ ગુજરાતી ભાણું સરસ મળે છે તેમ જ દરિયા પર ચટકબટક માટે પણ અનેક ઑપ્શન છે.
આગળ કહ્યું એમ, અહીં ઍક્ટિવિટી રૂપે પૅરાગ્લાઇડિંગ, કેબલ સફારી, ચકડોળની મજા લઈ શકાય.
ડોન્ટ મિસ અહીંનું નારિયેળપાણી, અહીંનાં માગરોળી નાળિયેરનું પાણી અમૃત સમાન છે. (કદાચ સમુદ્રમંથન વખતે નીકળેલું અમૃત સ્વાદમાં કદાચ આવું જ હશે)
નહાવા માટે આ દરિયો યોગ્ય નથી, મોજાંઓ આપણી પાછળ પડી જાય. સાદ દઈ-દઈને બોલાવે, ‘મગર જાને કા નહીં.