° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023


ચકલીને બચાવવા માટે અભિયાન આદરવાં પડે છે એ માટે પણ ક્યાંક ચીન જવાબદાર છે

19 March, 2023 11:47 AM IST | Mumbai
Ashok Patel | feedbackgmd@mid-day.com

આવતી કાલે વિશ્વ ચકલી દિન છે ત્યારે જાણીએ ૬૫ વર્ષ પહેલાં ચીનના અભિયાને ઘરઆંગણે ચીં ચીં કરતી ચકલીનું નખ્ખોદ વાળ્યું હતું. પછીથી ચકલીની ઉપયોગિતા સમજાતાં રશિયાથી અઢી લાખ ચકલી આયાત કરવી પડી હતી!

ચકલીને બચાવવા માટે અભિયાન આદરવાં પડે છે એ માટે પણ ક્યાંક ચીન જવાબદાર છે

ચકલીને બચાવવા માટે અભિયાન આદરવાં પડે છે એ માટે પણ ક્યાંક ચીન જવાબદાર છે

ચકલી એટલે માંડ ૧૦થી ૧૨ સેન્ટિમીટર લાંબું અને પાંચથી સાત વર્ષનું જીવન ધરાવતું ઘરઆંગણાનું પંખી. આંગણામાં ચીં ચીં કરીને અનાજના કણ ચણતું પંખી એટલું નાનું કે તે ખાય ખાય તોય કેટલું ખાય? છતાં ૧૯૫૮માં ચીનના સર્વેસર્વા કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વોચ્ચ નેતા માઓએ એવો અડસટ્ટો માંડ્યો કે એક ચકલી એક વર્ષમાં ૪ કિલો અનાજ ખાય છે એથી ચીનના નાગરિકોને પેટ ભરવા માટે પૂરતું અનાજ મળી રહે એ માટે ચકલીનું મોટા પાયે નિકંદન કાઢવું જરૂરી છે. બસ, પછી તો પૂછવું જ શું? ચીનના લોકો ચકલી મારવાના અભિયાનમાં જોડાઈ ગયા. જોકે એ અભિયાન ખરેખર તો ચીનના વિકાસની લાંબી છલાંગ અભિયાન હેઠળ ‘મારો ચાર ઝુંબેશ’ ચલાવાતી હતી. એ ઝુંબેશ હેઠળ માખી, મચ્છર, ઉંદર અને ચકલીનું નિકંદન કાઢવાનો નિર્દેશ સરકારે આપ્યો હતો. લોકો તો આ રાષ્ટ્રઝુંબેશમાં પોતાનો પ્રેમ દેખાડવા માટે નીકળી પડ્યા હતા. મોટા ભાગે તો ગિલોલથી ચકલીઓને મારવાનું શરૂ કર્યું. કેટલાકે તો ચકલીના માળા પીંખી નાખ્યા, તો કેટલાકે ચકલીનાં ઈંડાં ફોડી નાખ્યાં અને એમ કરીને ચકલીનો નાશ કરી નાખ્યો. જોકે લાખ્ખોની સંખ્યામાં ચીં ચીં કરતી ચકલીઓને મોટી સંખ્યામાં ગિલોલથી મોતને ઘાટ ઉતારવા જાઓ તો કેટલાય દિવસ નીકળી જાય અને એથી જ એક ઘાતકી રીત ચીને અપનાવી.

ખાસ કરીને કમ્યુનિસ્ટ પાર્ટીની વિદ્યાર્થી પાંખે ‘ચકલી મારો અભિયાન’ હેઠળ લોકોને આહવાન કર્યું. એમ કહેવાય છે કે આ અભિયાનમાં ૩૦ લાખ લોકો ભાગ લેવા માટે એકઠા થયા અને એ પણ સવારે પાંચ વાગ્યામાં! ગિલોલ કે બીજી કોઈ રીતે એકલદોકલ ચકલીને મારવામાં સફળતા મળે, પરંતુ ચકલીને નામશેષ જ કરી નાખવી હોય તો એ રીત જરાય ઉપયોગી થાય નહીં. એ માટે ઘાતકી રીત અપનાવાઈ. લોકો સવારે પાંચ વાગ્યામાં બ્યૂગલ વગાડતા અને સિસોટી મારતા નીકળી પડતા. થાળી પણ વગાડવા માંડ્યા અને ચારેકોરથી શોરબકોર મચાવવા માંડ્યા અને એ પણ સતત. એવા સંજોગોમાં ચકલી બિચારી જમીન પર ભયની મારી ઊતરે જ નહીં. સતત ઊડ્યા કરે, પણ સતત કેટલું ઊડી શકે? આખરે, થાકી ગયેલી ચકલી નીચે પડે અને મોતને ભેટે, કેટલી ક્રૂરતા!

એ ખરું કે મચ્છર મલેરિયા ફેલાવે એટલે એને મારી નખાય એ તો સમજ્યા, એ રીતે ઉંદર પણ અનાજનો બહુ બગાડો કરે એટલે એનું નિકંદન કાઢી નખાય એ પણ સમજી શકાય. માખીને સ્વચ્છતાના નામે મારી નખાય, પણ ચકલીને નામશેષ કરવામાં ક્યાંક માઓએ કાચું કાપ્યું હતું. જોકે માઓને પ્રાણીજગતનું કશું જ્ઞાન નહોતું. તેઓ પોતાને સર્વજ્ઞાની સમજતા હતા, એથી તેઓ પોતાની યોજના વિશે કોઈ સાથે ચર્ચા કરતા નહોતા કે ન નિષ્ણાતોની સલાહ લેતા હતા. બસ મનથી નક્કી કરી લીધું એમ જ કરવાનું. આ ચાર પ્રજાતિનો નિકંદન કાઢી નાખવાનું નક્કી કર્યું અને એ યોજના તેમણે એક સિદ્ધાંત પ્રમાણે ચલાવી. લોકોએ તો ઘેટાની જેમ માઓના આદેશને માથે ચડાવ્યો, સરવાળે સમય એવો આવ્યો કે ૧૯૫૯ બેઠું ત્યાં સુધી તો ચકલી દેખાતી બંધ થઈ ગઈ અને એની વિઘાતક અસર પણ જોવા મળવા માંડી. માઓને ચકલી અનાજ કે ફળ ખાઈ જાય એ જરૂર દેખાયું, પણ એને કારણે અનાજનો બચાવ પણ થાય એ સમજાયું નહોતું. સ્વાભાવિક છે કે ચકલી અનાજનું ચણ કરે, પણ સાથે-સાથે નાના કીડા પણ ખાઈ જતી હોય. એને કારણે ધરતી પરના જીવનચક્રમાં ચકલી પણ નાના કીડા-જીવડાંની વસ્તી નિયંત્રણમાં રાખે છે. ચીનમાં ચકલીની વસ્તી સાવ પાંખી થઈ ગઈ અને એને કારણે નાના જીવડાંની વસ્તી વધવા માંડી, જેને કારણે ખાદ્યન્નના પાકને મોટા પાયે નુકસાન થવા માંડ્યું. એક તરફ ૧૯૫૮થી ૧૯૬૦ દરમ્યાન ચીનમાં ભારે પૂર આવ્યાં અને એને કારણે દુકાળ પડ્યો. એમાં વળી ચકલી ઘટી જતાં કીડાઓએ બાકીનું ખાદ્યન્ન બરબાદ કર્યું. એને લીધે ચીનના લોકો ભૂખમરામાં ભરખાઈ જવા માંડ્યા અને એમ કહેવાય છે કે દસેક લાખ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.

આખરે ૧૯૬૦માં માઓએ ચકલી મારો ઝુંબેશ બંધ કરી દીધી અને રશિયાથી અઢી લાખ ચકલીની આયાત કરી અને ફરી ચીનમાં ચકલી ચીં ચીં કરતી થઈ ગઈ! 
ચકલી પણ ઓળખવા જેવી!

ચકલી ઍન્ટાર્કટિકા સિવાય આખી દુનિયામાં જોવા મળે. ચકલી ઘરની આસપાસ ચીં ચીં કરતી જોવા મળી જાય. આજકાલ ચકલીઓની વસ્તી ઘટી રહી છે અને એને બચાવવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે. ચકલી આપણી સાથે ભળી ગયેલી છે, એથી એ આપણી સાથે ઘરમાં જ રહેતી હતી. ઘરની છત પર આવેલા નળિયા વચ્ચે કે પેઢિયા-પાટિયા વચ્ચેની જગ્યા કે દીવાલ વચ્ચેની તિરાડમાં એ માળો બનાવીને લહેરથી રહેતી હોય છે, પરંતુ હવે તો વૃક્ષો પણ પાંખાં થવા માંડ્યાં છે, તો ઘર આરસીસીનાં થઈ ગયાં છે એથી ચકલીને માળો બનાવવા માટે જગ્યા મળતી જ નથી, એથી એની વસ્તી ઘટી રહી છે, પરંતુ એ ચકલી ખરેખર ક્યાંથી આવી એની તમને ખબર છે?

વિજ્ઞાનીઓ માને છે કે ચકલીની પ્રજાતિ સર્વપ્રથમ મધ્ય પૂર્વના વિસ્તારમાં ઉત્ક્રાન્તિમાં વિકસી હતી. એ પછી એ યુરોપ અને એશિયામાં ફેલાયેલી છે. એ પછી એ ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં પણ વસી ગઈ છે. ચકલી દુનિયામાં સર્વત્ર વસી ગઈ છે, એનું કારણ રાણી વિક્ટોરિયાના સમયના અંગ્રેજો જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં ચકલીને લેતા ગયા. અંગ્રેજો માને છે કે ચકલી તેમના બાગની સાથી છે. એને કારણે અંગ્રેજો જ્યાં ગયા ત્યાં ચકલીને સાથે વસાવીને જાણે વતનમાં જ છે એવો અહેસાસ કરતા રહ્યા હતા. એમ પણ મનાય છે કે જેમ-જેમ ખેતી વિકસતી ગઈ એમ ચકલી પણ ફેલાતી ગઈ. માનવી ખેતી જ્યાં-જ્યાં કરતો ગયો ત્યાં-ત્યાં ચકલી પણ પહોંચી ગઈ.

જોકે આપણી આસપાસ દેખાય છે એ ઘરેલુ ચકલી છે. એની બીજી પ્રજાતિ જંગલી ચકલી છે. એવું મનાતું હતું કે જંગલી ચકલીમાંથી ઘરેલુ ચકલી વિકસી આવી હશે, એને કારણે બન્નેના ડીએનએ એકસરખા હશે, પરંતુ ડીએનએ ચકાસણી થઈ ત્યારે એમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. ઘરેલુ ચકલીમાં બે જનીન અલગ જોવા મળ્યા હતા, એ બન્ને જનીનનો સીધો સંબંધ માણસ અને શ્વાન કરતાં વધુ સ્ટાર્ચવાળો ખોરાક લેવા સાથે છે. જોકે ચકલી માનવજાત સાથે એટલી હળીભળી ગઈ છે કે યુજીન શીફેલિન નામના કલાકારે શેક્સપિયરના નાટક ભજવતી વેળા ચકલીનું પણ એમાં એક પાત્ર બનાવ્યું હતું! આવી ચકલીનું ચીં ચીં ઓછું સંભળાતું થયું છે ત્યારે ફરીથી એનો કલરવ સંભળાતો થાય એ દિશામાં માનવી કંઈક કરી છૂટશે તો જ આજની ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી સાર્થક થઈ ગણાશે.

ગુજરાતમાં શહીદ ચકલીનું સ્મારક

ચકલી તે વળી શહીદ હોય? પરંતુ અમદાવાદના જૂના શહેરની ઢલની પોળમાં તમને એક સ્મારક જોવા મળશે. એ સ્મારક પર લગાડેલા પથ્થર પર લખ્યું છે – ‘૧૯૭૪માં રમખાણ દરમ્યાન બીજી માર્ચે સાંજે ૫.૨૫ વાગ્યે એક ભૂખી ચકલી પોલીસ-ગોળીબારમાં મૃત્યુ પામી હતી.’

૧૯૭૪માં ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન શરૂ થયું હતું. આર્થિક સંકટ અને ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થીઓએ રણશિંગું ફૂંક્યું હતું. જોકે એ આંદોલન હિંસક બની ગયું અને સ્થિતિ એવી વણસી ગઈ કે એમાં ૧૦૦ વ્યક્તિનાં મોત થયાં હતાં. એ વખતે પોલીસે ગોળીબાર કરવા પડ્યા હતા. એ ગોળીબારનો ચકલી પણ ભોગ બની હતી. એ ચકલીનું સ્મારક બનાવાયું છે અને ઢલની પોળના લોકો એ સ્મારકની જાળવણી આજે પણ કરે છે.

ઘરઆંગણે ચીં-ચીં કરતી ચકલીઓને બચાવવા માટે પંખીપ્રેમીઓ કેવી જદ્દોજહદ કરી રહ્યા છે એની પ્રેરણાદાયી વાતો આવતી કાલે લાઇફ-પ્લસમાં વાંચો. 

19 March, 2023 11:47 AM IST | Mumbai | Ashok Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK