Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૫૯)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૫૯)

17 September, 2023 07:55 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘એટલે એમ કે ખાલી થયેલું મકાન હોય એની દીવાલું પાડીને એમાંથી મોટા પથરા તેણે મારી પાસે ખટારામાં ભરાવ્યા...’ ભગાએ નમાયું મોઢું કરીને કહ્યું, ‘ગામમાં ક્યાંય પથરા નો હોય એટલે થોડું કાંય આપણે કોઈનું મકાન તોડી નખાય છે...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

નવલકથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


આ ચુડેલે હજી મારું ઘર છોડ્યું નથી. મારે કાંયક મોટું કરવું પડશે...


બાના હૃદયના ધબકારા વધી ગયા હતા, પણ બહાર ઊભેલી ઇમરતીના મનમાં સહેજ પણ ઉદ્વેગ કે અકળામણ નહોતાં. બંધ થયેલા દરવાજા પાસેથી દૂર થઈને તેણે પીઠ ફેરવી અને પોતાના હાથમાં રહેલું તગારું ફળિયામાં મૂકીને તેણે ઘર તરફ પગ ઉપાડ્યા. ઊપડી રહેલા એ દરેક ડગલા સાથે ઇમરતીની આંખોમાં આંસુ છલકતાં હતાં.



એ દિવસ અને રનવે બનાવવાનો શરૂ થયો છેક ત્યાં સુધીનો દિવસ.


ઇમરતી ક્યારેય કોઈ સાથે ભળી નહીં, ક્યારેય કોઈની સાથે મનમેળ બનાવવાનું કામ કર્યું નહીં. ઇમરતી તો આમ પણ એવો કોઈ પ્રયાસ નહોતી કરતી, પણ ક્યારેક ગામવાસી સામે જુએ અને આંખો મળી જાય તો ચહેરા પર હળવાશ તે ચોક્કસ લઈ આવતી; પણ કુસુમની બા સાથે જે કંઈ બન્યું એ પછી તેણે આંખ ન મળે એ માટે નજર પણ નીચે રાખવાનું ચાલુ કરી દીધું હતું.

કુસુમે તેને ત્યાં આવવાનું છોડ્યું નહીં એટલે બાએ તેના પર આકરા થવાનું શરૂ કરી દીધું. બાની કચકચને હવે કુસુમ પણ ઓળખી ગઈ હતી.


આખો દિવસ ચોરના માથે ફરે તોય જે મા એક શબ્દ બોલતી નથી તે જ બા માસીના ઘરમાં પોતાને જુએ તો દેકારો કરી મૂકે એ જરા અજુગતું લાગતાં કુસુમે પણ ધીમે-ધીમે બા ન હોય એવા જ સમયે ઇમરતીના ઘરે જવાનું શરૂ કરી દીધું. ઇમરતીને એની સામે કોઈ વાંધો પણ નહોતો. દિવસ દરમ્યાન એકાદ વાર કુસુમ આવીને તેને મળી જાય એટલે ઘરમાં માણસ આવ્યાનો અનુભવ થાય અને એ અનુભવના આધારે તે આખો દિવસ કાઢી નાખે.

રનવે બનાવવા માટે જ્યારે આખું ગામ શંકરના ખટારામાં રવાના થતું હતું ત્યારે કુંદનનું ધ્યાન ઇમરતીના ઘર પર ગયું. એ સમયે ઇમરતી ઘરની બહાર કપડાં સૂકવતી હતી.

‘તમે નહીં આવો સાથે?’

ખટારામાં ચડવાને બદલે કુંદન ઇમરતી પાસે પહોંચી હતી. કુંદનને ઇમરતી સાથે વાતો કરતી જોઈને અનેક બૈરાંઓના નિસાસા નીકળી ગયા હતા તો કેટલાકે તો મનોમન ઇમરતીને સાથે નહીં આવવા માટે આણ પણ આપી દીધી હતી.

કુંદનના સવાલના જવાબમાં ઇમરતીએ માંદગીગ્રસ્ત સ્મિત આપ્યું અને પછી તરત ના પણ પાડી દીધી.

‘બધા સાથે કામ કરે અને એ પણ દેશ માટે, આવો અવસર આપણને ક્યાંથી મળવાનો...’

કુંદનની વાતમાં વજૂદ હતું, જે ઇમરતીથી વધારે અહીં કોઈ નહોતું જાણતું.

‘આવશો તો ગમશે... બાકી પણ તમે અહીં એકલા રહીને શું કરશો...’ કુંદને મહત્ત્વની વાત કહી, ‘જે થાય એટલી મદદ કરજો ને માસી સાચું કહું, એક વાર હાથ દેવાનું ચાલુ કરશો પછી ખબર પણ નહીં પડે કે કોણ બોલે છે ને કોણ મોઢાં ફેરવે છે...’

કુંદને હક સાથે ઇમરતીનો હાથ પકડી લીધો.

‘ચાલો... સાથે દેશ માટે જંગે ચડીએ.’

અને ઇમરતીની ચાલમાં ગતિ ઉમેરાઈ.

lll

‘છેલ્લી વાર પૂછું છું...’ પ્રભુએ વજન સાથે કુંદનને કહ્યું, ‘આવવાનું છે કે નઈ?’

‘નઈ...’ કુંદને દૃઢતા સાથે કહી દીધું, ‘ને હુંય છેલ્લી વાર જ કઉં છું...’

કુંદનનો નકાર પ્રભુને હૈયાસોંસરવો નીકળી ગયો, પણ કુંદનને જાણે કે કોઈ ફરક ન પડતો હોય એમ તરત જ તેણે પીઠ ફેરવીને રનવે પર ચાલતા કામ પર નજર નાખી. એ કામ ચાલતું જોઈને તેને સંતોષ થયો, પણ પોતાની જમણી બાજુનું દૃશ્ય જોઈને તેની કમાન છટકી.

‘ઓય...’ કુંદને ગળું તાણીને રાડ પાડી, ‘ન્યાં શું ઊભા છો? કામે લાગો હાલો...’

પ્રભુનાં બા-બાપુજી ત્યાં હતાં અને ગામનાં વેવાઈ-વેવાણ આવ્યાં હોય તો સ્વાભાવિક રીતે સૌકોઈ તેમની આગતા-સ્વાગતામાં લાગે. તેમને ક્યાં ખબર હતી કે દીકરીએ તો આ ઘડીએ જ આ સંબંધ ફોક જાહેર કરી દીધો છે.

‘એલી, આવ તો ખરા...’

કુંદનની બાએ દબાયેલા અવાજે કહ્યું પણ ખરું અને સૌકોઈને દેખાય એ રીતે હાથના ઇશારે કુંદનને પાસે પણ બોલાવી.

ગોરધનભાઈ કે કંસારીબહેન માટે નહીં, પણ બાનું અપમાન ન લાગે એવા ભાવથી કુંદને એ દિશામાં પગ ઉપાડ્યા, પણ એકાદ ડગલું આગળ ચાલીને તે ઘડીભર રોકાઈ અને પાછળ ફર્યા વિના જ તેણે કહ્યું...

‘મને કહી દેવામાં વાંધો નથી કે વેવિશાળ મેં ફોક કર્યું છે...’ ઝાટકા સાથે પ્રભુ તરફ નજર કરીને કુંદને ચોપડાવી દીધી, ‘ઘરે જઈને તારે ફાંકા મારતાં કાંય એ લોકોને કે’વું હોય તોય મને વાંધો નથી... સારું ઈ તારું...’

પ્રભુને હાડોહાડ લાગી આવ્યા કુંદનના શબ્દો, પણ તે ચૂપ રહ્યો. અકળામણ અને ઉશ્કેરાટમાં માણસ ચૂપ રહે એ તેના જ હિતમાં હોય છે.

‘તને કાંયક પૂછ્યું મેં...’ જવાબ આવ્યો નહીં એટલે કુંદને પ્રશ્ન દોહરાવ્યો, ‘હું કહીં દઉં કે તું કહેશે તારાં માબાપને?’

‘હું... હું છેને...’

પ્રભુના આગળના શબ્દો હવામાં જ ઓગળી ગયા અને કુંદન ત્યાંથી નીકળી ગઈ.

lll

‘તે કાંય કર્યું તો નથીને?’ બાએ ત્રીજી વખત કુંદનને પૂછ્યું, ‘મને મૂંઝારો થાય છે, કાંયક તો જવાબ દે...’

‘હવે માથે નાચ...’

કુંદનના શબ્દોથી બાને ઝાટકો લાગ્યો. તેણે ઉશ્કેરાયેલા ચહેરે કુંદનની સામે જોયું, પણ પછી તેને તરત જ સદીઓથી ચાલી આવતી કહેવત યાદ આવી ગઈ : કાગનું બેસવું ને ડાળનું પડવું.

અત્યારે એવું જ થયું હતું. કુંદનની નજર ખાડામાં ઊતરેલા માધવ પર હતી અને તે માધવને સૂચના આપતી હતી, પણ બોલાયેલું એ વાક્ય તેણે પૂછેલા સવાલનો સીધો જવાબ પણ બનતો હતો. બાના ચહેરા પર સહેજ  હળવાશ આવી ગઈ. જો દીકરી સાથે આંખો મળી હોત તો અત્યારે તે હસી પડી હોત, પણ દીકરીને અત્યારે ક્યાં સામું જોવાનો પણ સમય હતો. તે તો માધવને સૂચના આપવામાં વ્યસ્ત હતી.

‘એ માધવ, સાચે નથી નાચવાનું...’ ખાડામાં ઊતરેલા માધવને ઠૂમકા લઈને નાચતા જોઈને કુંદનના ચહેરા પર હળવાશ આવી ગઈ હતી, ‘જમીન બેસી જાય એટલા માટે ઠેકડા મારવાના છે...’

‘તો એમ કે’ને મને તું...’ માધવે અંદરથી જ જવાબ આપ્યો, ‘હું તો રયો ગાંડો મા’ણા. શબ્દોને ઓળખું, ભાવાર્થ હારે મારે શું લેવા ને શું દેવા?!’

માવડી, જે કાંય કર્યું હોય એ, પણ મારી છોડીનું ધ્યાન રાખજે...

મનોમન મા આશાપુરાને પ્રાર્થના કરતી બા ત્યાંથી હટી ગઈ. બનાવવામાં આવેલા કામચલાઉ રસોડામાં તેની રાહ જોવાતી હતી. હજી બધા માટે બાજરાના રોટલા ઘડવાના હતા અને એના માટે કણક પણ બાંધવાનો હતો.

lll

‘એ કુંદન, આ શંકરિયો શું કરે છે ખબર છે...’

ખટારો જેવો ઍરપોર્ટમાં દાખલ થયો એટલે શંકરે ગતિ ધીમી કરી અને જેવી ગતિ ધીમી થઈ કે તરત ખટારામાંથી ઠેકડો મારી ભગો નીચે ઊતરીને કુંદન તરફ દોડતો ભાગ્યો.

ભગલાને ભાગતો જોઈને શંકર સમજી ગયો હતો કે કુંદનને તે કઈ વાતની ફરિયાદ કરવા ગયો છે.

‘હા, ખબર છે...’

અનપેક્ષિત જવાબ કુંદન પાસેથી આવ્યો એટલે ભગો મનોમન ગોટાળે ચડ્યો.

માળું બેટું, આ શંકરિયાએ આની પરવાનગી લઈને કામ કર્યું હશે?!

મૂંઝવણમાં મુકાયેલો ભગો ત્યાં જ, કુંદનની સામે જ માથે હાથ દઈને જમીન પર બેસી ગયો અને તેની આ હાલત જોઈને કુંદન ખડખડાટ હસી પડી.

‘શું કરે છે?! કહે...’

‘તેં તો કીધું કે તને ખબર છે...’

‘મને ક્યાંથી ખબર હોય...’ કુંદને શંકર સામે જોયું, ‘તે કંઈ મારો ભરથાર થોડો છે કે મને તેની બધી ખબર હોય?!’

‘ભરથારની બધી ખબર હોય ઈ વાત પણ ખોટી હોં...’ ભગલાએ ટોણો માર્યો, ‘જો એવું હોત તો-તો તને પ્રભુની બધી ખબર હોત ને તેં તેને રોક્યો હોત...’

‘હું શું કામ રોકું તેને?!’ સહેજ ખચકાટ સાથે કુંદને કહ્યું, ‘એ બધું મૂક ને પહેલાં ત્યાંથી પથરા ખાલી કરાવ... કામ અટકેલું છે.’

‘હું નથી જાવાનો હવે... મારા ટાંટિયા કઢી થઈ ગ્યા છે...’

કુંદને શંકર તરફ જોયું. પીઠ પર ભારી લીધી હોય એમ તેણે પોતાની પીઠ પર મોટો પથ્થર મૂક્યો હતો અને બે વડીલો એ પથ્થરને પકડીને પાછળ ચાલતા હતા.

‘તારા કરતાં તો શંકર સારો, જો કેટલું કામ કરે છે...’

‘તે કરે જને!’ પછી અચાનક વાત કરવાનું યાદ આવ્યું હોય એ રીતે ભગો ઊભો થઈ ગયો, ‘એ’લી, તને ખબર નથી, આ શંકરિયો પથરા લેવાના નામે ચોરી કરીને આવે છે...’

કુંદનની આંખો મોટી થઈ એટલે ભગાને કૂથલી કરવામાં મજા આવી.

‘સાવ સાચું... ખોટું બોલે તેનો રામ મરે.’

‘શું ચોરી કરી તેણે?’

‘પથરા... આ બધાય દેખાય છે એ પથરા તેણે કો’કનું ને કો’કનું મકાન પાડીને લઈ લીધા, બોલ.’

‘સમજાણું નઈ, કો’કનું મકાન પાડીને એટલે?!’

‘એટલે એમ કે ખાલી થયેલું મકાન હોય એની દીવાલું પાડીને એમાંથી મોટા પથરા તેણે મારી પાસે ખટારામાં ભરાવ્યા...’ ભગાએ નમાયું મોઢું કરીને કહ્યું, ‘ગામમાં ક્યાંય પથરા નો હોય એટલે થોડું કાંય આપણે કોઈનું મકાન તોડી નખાય છે...’

‘તને વાંધો કઈ વાતનો છે...’ કુંદને પૂછ્યું, ‘મકાન પાડ્યાં એ વાતનો કે પછી તારો પાસે આખો ખટારો ભરાવ્યો એ વાતનો?’

‘આમ તો બેય વાતનો... અડધો-અડધો વાંધો.’

‘હં...’

કુંદને શંકર તરફ જોયું. શંકર હજી પણ પથરા ઉપાડતો હતો.

‘મને તો બેય વાતમાં તે સાચો લાગે છે...’ કુંદને કહ્યું, ‘બુદ્ધિ વાપરી તેણે. જે મકાન ખાલી છે એમાં રહેવા લોકો તો જ આવી શકશે જો આપણો દેશ બચશે... ભલે પાડી તેણે મકાનોની દીવાલ... વાંધો નઈ.’

‘ને મારી પાસે બધું ઊપડાવ્યું એનું કાંય નઈ?!’

‘શું થાય ભગા?! તેણે પાછો ખટારો ચલાવવાનો હોયને... એટલે જરાક તો તાકાત હાથમાં જોઈને. વાંધો નઈ.’ કુંદને રસોડાની દિશામાં હાથ કર્યો, ‘જો ન્યાં જમવાનું બને છે. સટાસટી જઈ, ફટાફટી રોટલો ને ગોળ લઈને પાછો ખટારામાં ચડી જા. આટલા માલથી નઈ થાય. માલ હજી જોશે.’

‘આને કે’વાય, પતાસું દઈ પારેવાને વધેરવાનું નક્કી કરવું.’

‘પારેવું પાંચ ફુટનું હોય તો વધેરવામાં વાંધો નઈ હોં...’

મોઢું બગાડીને ભગો કુંદન પાસેથી હટી ગયો અને કુંદને શંકરની સામે મીટ માંડી.

જો એ નજર કોઈએ જોઈ હોત તો ચોક્કસ અનુમાન લગાવી લીધું હોત કે કુંદનને શંકર માટે કૂણી લાગણી છે અને કદાચ એનો જવાબ હકારમાં પણ હતો. બસ, બન્ને જણ પોતપોતાના મનની વાત મનમાં રાખીને આગળ વધતા હતા.

એકને હતું કે બીજાને દુઃખી ન કરે ને બીજાને હતું કે સંબંધોમાં ક્યાંય લાગણીનો આ ભારો ઉમેરવાથી નિર્દોષ ભાઈબંધીનો ભોગ ન લેવાય. જોકે ઈશ્વરના મનમાં તો કંઈક જુદું જ અંકાયેલું હતું.

‘એ હાલો... હાલો...’ કુંદનની પીઠ પાછળથી અવાજ આવ્યો, ‘કામ કરો કામ... કુંદને મને કીધું છે ધ્યાન રાખવાનું...’

પોતાનું નામ આવ્યું એટલે કુંદન અવળી ફરી. તેણે જોયું કે માધવ બધાને કામ કરવાનું કહેતો બધા પર નજર રાખતો હતો. પોતાના આ જ કાર્ય દરમ્યાન માધવનું ધ્યાન એવી રીતે કુંદન પર ગયું જાણે કે તે ત્રાંસી આંખે જોઈ રહ્યો હોય.

જેવી બન્નેની આંખો મળી કે બીજી જ ક્ષણે માધવ નજર ફેરવતો અટકી ગયો.

‘જોઈ લે, જોઈ લે તું તારે પહેલાં... હું અહીં ધ્યાન રાખું છું.’

‘શું જોઈ લઉં?!’

‘શંકરને... જો ઈ જાય છે... જોઈ લે પહેલાં... આ બધું તો થતું રહેશે હોં...’ માધવ અવળો ફર્યો અને તરત જ તે રનવેના ખાડામાં પથ્થરો ઠાલવતી મહિલાઓને મોટા અવાજે કહેવા લાગ્યો, ‘હાલો... હાલો... ફટાફટી રાખો... સાંજ પડવા આવી છે. ઓલાં લીલા રંગવાળાં બલૂન આવશે હમણાં માથે... ને આંયા લાઇટું ચાલુ નઈ થાય... હાથ ઉપાડો બધાય...’

ફરી માધવે કુંદન સામે જોયું.

‘જોઈ લે તું તારે. આંયા બધું બરાબર છે.’

‘માધવ...’ દાંત ભીંસીને કુંદને હાથ ઊંચો કર્યો, ‘તું માર ખાવાનો થ્યો છો...’

‘સાચું કઉં?!’ માધવનો હાથ તરત જ પોતાના ગળા પર ગયો, ‘સાચું કઉં છું, આ તારી માટે બરાબર છે...’

‘બસ, હાલો કામે લાગો.’

વાત ટૂંકી કરવા કુંદને વિષય બદલ્યો. તે સમજી ગઈ હતી કે માધવ વાતને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે.

‘હા, લાગું કામે, પણ મારી માના સોગન... આ મા’ણા તારી માટે બધેબધી રીતે બરાબર છે... કામધંધો ઊતરતો છે, પણ એ તો તારા જેવું કો’ક મળી જાય તો પત્યું. તું તો ભલભલાને સીધા રસ્તે વાળી દે એવી છો...’

‘એવું કહેવાની જરૂર નથી...’ કુંદનથી અજાણતાં જ બચાવ થઈ ગયો, ‘ખરાબ કામ કરનારો અત્યારે એવું કામ કરે છે કે આપણો દેશ સન્માન કરે...’

‘એટલે તો કઉં છું, મા’ણા સારો છે... તું તારે આગળ વધ. બીજા કોઈ હોય કે નઈ, હું તારી ભેળો છું...’

કુંદન અને માધવ વચ્ચે જે પ્રકારની હળવી મજાક થઈ હતી એવી જ હળવી મજાક તે બન્નેથી દૂર રહેલા શંકર અને ભગા વચ્ચે પણ થઈ હતી.

lll

‘શું કહીને આવ્યો?’

‘ભાભી...’

ભગાએ ત્વરા સાથે જવાબ આપ્યો અને એ જવાબે શંકરના શરીરમાં હજાર વૉટનો કરન્ટ પસાર કરી દીધો.

‘શું બોલશ ડોબા, ભાન છે તને એનું?’

‘બધેબધું ભાન છે. તને ભાન નથી કે તારે શું કરવું જોઈ, સમજાણું?’

‘ના, નથી સમજાણું...’ શંકર ખટારામાં ચડવા માટે આગળ વધ્યો, ‘હાલ જલ્દી... હજી એકાદ ફેરો કરી નાખી...’

‘હવે મારે નથી આવવું...’ ખટારાનો દરવાજો ખોલીને ભગાએ કહ્યું, ‘બહુ થાકી ગ્યો છું હું...’

‘હં...’ ભગો આખેઆખો ખટારામાં આવી ગયો એટલે શંકરે ટ્રક ચાલુ કરી, ‘રહેવા દે તું, હું એકલો જઈ આવીશ...’

‘પાક્કું?’

‘સોએ સો ટકા...’

‘હં...’ જાણે કે વિચારતો હોય એ રીતે ભગાએ સહેજ સમય લીધો અને પછી જવાબ આપ્યો, ‘ના રે, પાછું ભાભીને ખરાબ લાગશે...’

ભગાએ શંકરની સામે જોયું.

‘હાલ, કર ચાલુ... એટલે કામ પતે.’

‘શંકરિયાની ભાભી તો આ રહી...’ સિનેમાના પડદા જેટલા મોટા સ્મિત સાથે શંકરે ભગલાના સાથળ પર થાપટ મારી, ‘મારી બાજુમાં બેઠી...’

સાથળ પર શરૂ થયેલા ચચરાટે ભગલાના સિસકારા બોલાવી દીધા. જોકે એ સિસકારા વચ્ચે પણ ભગલાની આંખોમાં આંસુ છલકાવા લાગ્યાં હતાં.

- તમે જેને નાનપણથી પ્રેમ કરતા હો તે તમારી આંખ સામે જ કોઈ બીજાની વાગ્દત્તા બને અને તમે કશું ન કરી શકો એનાથી મોટું દુઃખ બીજું કયું હોય?!

‘હલાવને જલ્દી...’

શંકર સામે ન જુએ એવા ભાવ સાથે ભગાએ ખટારાની બહાર નજર કરી લીધી. તેને ક્યાં ખબર હતી કે તેની ભીની આંખો માધાપરની એક એવી વ્યક્તિની નજરમાં આવી ગઈ છે જે આ પીડાદાયી પરિસ્થિતિમાં જીવનભર સાથે રહેવાની છે.

 

વધુ આવતા રવિવારે

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 07:55 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK