સગા ભાઈઓ અને પિતાએ બૉયફ્રેન્ડની હત્યા કરી એટલે નાંદેડની આંચલ મામીદવારે પ્રેમીની લાશ સાથે લગ્ન કર્યાં એટલું જ નહીં, ખુલ્લેઆમ સ્વીકાર્યું કે આ હત્યા કરનારા તેના પપ્પા અને ભાઈઓને પણ મોતની સજા જ મળવી જોઈએ
આક્રંદ કરતાં-કરતાં આંચલે સક્ષમના પાર્થિવ દેહ સાથે લગ્ન કરીને સેંથામાં સિંદૂર ભર્યું હતું.
‘તૂ બાયલ્યા સરખા કા ઊભા આહેસ?’
કૉન્સ્ટેબલે હિમેશ મામીદવારની સામે જોયું, ‘તારી બેન ન માનતી હોય તો તેને ખતમ કર જે તેની પાછળ પડ્યો છે...’
ADVERTISEMENT
હિમેશની આંખોમાં ઝનૂન અકબંધ હતું અને એ ઝનૂને ભારતવર્ષના ઇતિહાસમાં વધુ એક એવી ઘટના આંકી દીધી જે એકવીસમી સદીમાં પણ તમને ઓગણીસમી સદીની યાદ દેવડાવી જાય.
આપણે વાત કરીએ છીએ મહારાષ્ટ્રના નાંદેડ શહેરની આંચલ મામીદવાર અને સક્ષમ તટેની. પખવાડિયા પહેલાં આંચલે પોતાનાથી એક વર્ષ નાના સક્ષમ સાથે મૅરેજ કર્યાં. સાક્ષાત્ સક્ષમ સાથે નહીં પણ તેના મૃતદેહ સાથે અને એ ઘટનાએ દેશભરના મીડિયામાં રીતસરનો દેકારો મચાવી દીધો. ઇન્ટરનેટ, સૅટેલાઇટ, મલ્ટિપ્લેક્સ અને 5G નેટવર્કના જમાનામાં ફરી એક વાર લોકોને વિચારતા કરી દીધા કે આજે પણ દેશમાં એવા લોકો હયાત છે જેમને જાતિ અને જ્ઞાતિના નામે કોઈનો જીવ લેવામાં લગીરે ખચકાટ નથી થતો. નાંદેડ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અભિનાશ કુમાર કહે છે, ‘અત્યારે તો ઘટના ક્લિયર છે. દીકરીએ પોતે જ તેના પિતા અને ભાઈ પર આક્ષેપો કર્યા છે. જો આ જ સત્ય હોય તો ખરેખર આપણે સામાજિક રીતે બહુ બૅકવર્ડ છીએ એ સ્વીકારવું રહ્યું.’
વો પહલી બાર...
નાંદેડના મિલિંદનગર વિસ્તારમાં રહેતી આંચલ મામીદવારની ફૅમિલીમાં પપ્પા-મમ્મી, મોટો ભાઈ સાહિલ અને નાનો ભાઈ હિમેશ છે. ૨૧ વર્ષની આંચલને ત્રણેક વર્ષ પહેલાં એક દિવસ અનાયાસ જ સક્ષમ તટે નામના છોકરા સાથે ઓળખાણ થાય છે અને પછી બન્ને ફ્રેન્ડ્સ બને છે. અહીં સુધી આંચલના પરિવારને કોઈ પ્રૉબ્લેમ નથી. તે લોકો પણ સક્ષમને સસ્નેહ ફૅમિલીમાં આવકારે છે. સક્ષમ અને હિમેશ બન્ને સારા મિત્રો પણ બની જાય છે. જોકે આંચલના પપ્પા અને ભાઈઓને જેવો અણસાર આવ્યો કે આંચલ અને સક્ષમ બન્ને એકબીજા સાથે ઇમોશનલી કનેક્ટ થઈ ચૂક્યાં છે એટલે આખી વાત બદલાઈ જાય છે. હવે તેમને જ્ઞાતિ યાદ આવે છે અને એવું પણ લાગવા માંડે છે કે ઊતરતી જ્ઞાતિના સક્ષમ તટે સાથે કેવી રીતે દીકરીનાં લગ્ન કરાવી શકાય? આંચલ પોતે એક ઇન્ટરવ્યુમાં તેના પપ્પા અને ભાઈઓને પૂછે છે, ‘જો તમને સક્ષમ હલકી જ્ઞાતિનો લાગતો હતો તો તમે તેને ઘરમાં જ શું કામ આવવા દેતા હતા? શું કામ તમે આપણા જ ઘરમાં બેસીને તેની સાથે ચા-નાસ્તો કરતા હતા? શું કામ સક્ષમના બર્થ-ડે પર આપણા ઘરમાં કેક-કટિંગ કરતા હતા?’
દલિત પરિવાર સાથે જોડાયેલા સક્ષમના પેરન્ટ્સે ધર્મપરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો, જ્યારે આંચલનો પરિવાર સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. આંચલનું કહેવું છે કે આ એક જ વાત તેના પપ્પા અને ભાઈઓને નડતી હતી. આંચલ કહે છે, ‘સક્ષમ સાથે જ્યારે તે લોકોએ પહેલી વાર વાત કરી ત્યારે સક્ષમે બૌદ્ધ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાની તૈયારી પણ દેખાડી, પણ મારા પપ્પાને એ વાત મંજૂર નહોતી. તેમનું કહેવું હતું કે તું આંચલ સાથે રિલેશન નહીં રાખ. એ પછી સક્ષમ અને મેં તેમને સમજાવવાની બહુ કોશિશ કરી, તે લોકો માની ગયા હોય એવું અમને લાગ્યું; પણ પછી મને ધીમે-ધીમે સમજાવા માંડ્યું કે એ તેમની ચાલ છે.’

પરિવારના વિરોધ પછી પણ સાથે રહેવાની કસમ ખાધેલી આંચલ અને સક્ષમે.
બને ચાહે દુશ્મન...
નવેમ્બરની શરૂઆત થઈ એ પહેલાં સુધી બધું ફરીથી નૉર્મલ ચાલે છે. સક્ષમ પહેલાંની જેમ આંચલના ઘરે અવરજવર કરી શકે છે અને તેને મામીદવાર ફૅમિલીમાં માન અને પ્રેમ પણ મળે છે, પણ નવેમ્બર શરૂ થતાં સુધીમાં ફરીથી વાત બદલાય છે. આંચલ પર પ્રેશર શરૂ થાય છે કે તેણે સક્ષમ સાથે રિલેશન તોડી નાખવાના છે. આંચલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને એ સમયે એવું લાગ્યું કે કદાચ તે લોકો મારાં મૅરેજની તૈયારી કરતા હશે એટલે સક્ષમને મારાથી દૂર કરવા માગે છે. મેં એ વાત સક્ષમને કરી હતી. સક્ષમ મારી સાથે કોર્ટ-મૅરેજ કરવા તૈયાર હતો, પણ તેને ૨૧ વર્ષ થવામાં હજી થોડી વાર હતી એટલે અમારે રાહ જોવાની હતી. અમે કોઈ પણ રીતે સમય ખેંચતાં હતાં, પણ એ પહેલાં જ મારી ફૅમિલીએ સક્ષમની હત્યા કરી નાખી.’
૨૭ નવેમ્બરે સક્ષમની હત્યા કરવામાં આવી અને હત્યાના બે દિવસ પછી એટલે કે ૨૯ નવેમ્બરે સક્ષમની એકવીસમી વર્ષગાંઠ હતી. આંચલે આક્ષેપ મૂક્યો છે કે તેની ફૅમિલીને ખાતરી હતી કે સક્ષમ ૨૧ વર્ષનો થશે એટલે અમે ભાગીને લગ્ન કરી લઈશું, એવું ન થાય એ માટે પહેલાં જ તેમણે સક્ષમની હત્યા કરી.
૨૭ નવેમ્બરના દિવસનો ઘટનાક્રમ જોવા જેવો છે.
કયામત કા દિન
સવારે ૧૧ વાગ્યે હિમેશ મામીદવારે તેની મોટી બહેન આંચલને સાથે લીધી અને લઈને તે સીધો ઇતવારા પોલીસ-સ્ટેશને ગયો. ઇતવારા પોલીસ-સ્ટેશનમાં સ્ટાફની હાજરીમાં જ તેણે આંચલને કહ્યું કે તે સક્ષમ વિરુદ્ધ છેડતીની ફરિયાદ લખાવે. આંચલ કહે છે, ‘મેં ફરિયાદ લખાવવાની ના પાડી દીધી અને કહી દીધું કે હું એવી ખોટી ફરિયાદ નહીં લખાવું. પોલીસ-સ્ટેશનમાં મારી અને ભાઈ વચ્ચે બહુ લડાઈ થઈ, પણ હું તેની વાત માની નહીં. અમારી આ લડાઈ જોઈને ત્યાં હાજર હતા એ બે કૉન્સ્ટેબલમાંથી એકે મારા ભાઈ હિમેશને કહ્યું કે તું શું બાયલાની જેમ ઊભો છે, તારી બેન ન માનતી હોય તો તેને ખતમ કર જે તેની પાછળ પડ્યો છે.’
પોલીસની વાત સાંભળીને હિમેશનો ગુસ્સો વધારે ઊછળ્યો અને તેણે આંચલની હાજરીમાં જ પેલા પોલીસ-કૉન્સ્ટેબલને કહી દીધું કે આજે જ હું એ કામ કરીને તમારી પાસે સામેથી આવીને મારી જાતને સરેન્ડર કરીશ.
આંચલ કહે છે, ‘ઘરે જઈને મેં સક્ષમને ફોન કરી દીધો કે તું હવે અહીંથી જતો રહે, તારા બર્થ-ડે સુધી તું અહીં પાછો નહીં આવતો. એ રાતે જે બન્યું એવો તો મેં વિચાર નહોતો કર્યો, પણ મને હતું કે સક્ષમના બર્થ-ડેના દિવસે કદાચ મારો ભાઈ કેકમાં કંઈ નાખીને તેને ખવડાવી દેશે. જોકે બન્યું જુદું...’
ગુરુવારની એ સાંજે મિલિંદનગર વિસ્તારમાં સક્ષમ તટે તેના ફ્રેન્ડ્સ સાથે બાઇક પર બેઠો હતો અને એવામાં હિમેશ ત્યાં પહોંચ્યો. વાતની શરૂઆત હિમેશ અને સક્ષમ વચ્ચે બોલાચાલીથી થઈ અને એ બોલાચાલીમાં હિમેશે સક્ષમ પર હાથ ઉપાડી લીધો. સક્ષમ પોતાનો બચાવ કરવાની કોશિશ કરે કે ત્યાંથી નીકળી જાય એ પહેલાં જ હિમેશે પોતાની પાસે રહેલી રિવૉલ્વરમાંથી સક્ષમ પર ફાયરિંગ કર્યું, જે ગોળી સક્ષમને છાતીમાં વાગી. વાત અહીં પૂરી નથી થતી. હિમેશ પર એ સ્તરે ગાંડપણ સવાર હતું કે બાજુમાં બનતા એક બિલ્ડિંગની બહાર ટાઇલ્સનાં બૉક્સ પડ્યાં હતાં. હિમેશે વજનદાર ટાઇલ્સનું બૉક્સ હાથમાં લીધું અને સક્ષમના માથા પર વાર કર્યો. એ વારે સક્ષમની તમામ એનર્જી ખેંચી લીધી. સક્ષમ ઘટનાસ્થળે પડી ગયો અને થોડી વારમાં પોલીસ આવી.
દુનિયા આખી શૉક્ડ
એ રાતે જ આંચલને ખબર પડી કે સક્ષમની હત્યા થઈ છે એટલે તે ઘરેથી ભાગીને સક્ષમના ઘરે પહોંચી ગઈ. બીજી બપોરે એટલે કે ૨૮ નવેમ્બરે સક્ષમનું ડેડબૉડી તેની ફૅમિલીને સોંપવામાં આવ્યું અને ત્યાં સુધીમાં આંચલે નિર્ણય લઈ લીધો હતો. સક્ષમનો મૃતદેહ ઘરે આવ્યો ત્યારે તેણે મૃતદેહની હાજરીમાં પોતાના અને સક્ષમના મૃતદેહ પર હલ્દી લગાવી અને બધાની હાજરીમાં સક્ષમના નામનો સેંથો પણ ભર્યો. કલાકમાં તો દુનિયાભરમાં ખબર વાઇરલ થઈ ગયા. જોકે એ પછીનો સૌથી મોટો ધડાકો આંચલે ન્યુઝ-ચૅનલ પર કર્યો. આંચલના ઇન્ટરવ્યુ માટે પહોંચેલી એક ન્યુઝ-ચૅનલમાં આંચલે કહ્યું કે સક્ષમનું મર્ડર બીજા કોઈએ નહીં પણ તેના ભાઈઓ અને પપ્પાએ કર્યું છે, તેમને ફાંસી થવી જોઈએ. ૪૮ કલાકમાં આંચલના સગા ભાઈઓ સાહિલ અને હિમેશ, તેના પપ્પા ગજાનન અને હિમેશની સક્ષમને મારવા માટે જેણે ઉશ્કેરણી કરી હતી એ બન્ને પોલીસ-કૉન્સ્ટેબલની અરેસ્ટ કરવામાં આવી તો સાથોસાથ માત્ર ૧૯ વર્ષના હિમેશને રિવૉલ્વરની વ્યવસ્થા કરી આપનારા હોમગાર્ડની પણ અરેસ્ટ કરવામાં આવી. આંચલ કહે છે, ‘મને મારા રિલેટિવ્સ આવીને કહે છે કે આ બધા પછી સક્ષમ પાછો નથી આવવાનો તો તું આરોપો પાછા લઈ લે, પણ હું એવું નહીં કરું. મારો સક્ષમ મારી સાથે છે જ. અમે સાથે જે સપનાં જોયાં છે એ હું હવે સક્ષમની વિધવા બનીને પૂરાં કરીશ અને સક્ષમને ન્યાય મળે એ માટે આરોપીઓને ફાંસી મળે ત્યાં સુધી કોર્ટમાં લડીશ.’

થોડા મહિના પહેલાં જ આંચલના પિતા અને ભાઈએ સંબંધ સ્વીકારી લીધાનું નાટક કરીને દીકરી આંચલ અને સક્ષમ સાથે ડાન્સ કર્યો હતો.
‘તે આરોપીઓ તારા પોતાના પપ્પા અને ભાઈઓ છે...’
આવું જ્યારે આંચલને પૂછવામાં આવ્યું ત્યારે આંચલે જવાબ આપ્યો હતો, ‘આરોપીઓ આરોપી જ હોય, તે રિલેટિવ્સ ન હોય...’
૨૭ નવેમ્બરની રાતે આંચલે તેના પપ્પાનું ઘર છોડ્યું એ પછી તે સક્ષમના ઘરે જ રહે છે અને હવે ત્યાં જ રહેવાની છે. હવે રોજ આંચલ સેંથો ભરે છે અને રોજેરોજ સક્ષમના ફોટોની આરતી પણ કરે છે. આંચલ કહે છે, ‘હું સક્ષમનાં મમ્મી-પપ્પા સાથે જ રહીશ, તેમનો દીકરો બનીને. મારી ઇચ્છા છે કે હું તેમને લઈને મુંબઈ રહેવા જઉં, પણ હું ત્યાં સુધી નાંદેડ નહીં છોડું જ્યાં સુધી સક્ષમના આરોપીઓને કોર્ટ સજા ન આપે. મારે ત્યાં સુધી નાંદેડમાં રહેવું છે. બાકી મને ખબર છે કે મારા પપ્પાની ઓળખાણો ખૂબ સારી છે, તે કંઈ પણ કરી શકે છે.’
હૅટ્સ ઑફ આંચલ.
તમે આંચલને શું કહેશો?


