આજે ચોતરફ જાતિના નામે રાજકારણ અને સમાજકારણ રચાઈ રહ્યું છે ત્યારે જાણીએ માણસમાત્રની વચ્ચે ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરનારી આપણી વર્ણવ્યવસ્થા ખરેખર શું છે અને એ માત્ર હિન્દુ ધર્મ જ નહીં, બીજા ધર્મોમાં પણ એટલી જ ખોટી રીતે ફેલાઈ છે
પ્રતીકાત્મક તસવીર
હમણાં ગૂગલમાં બનેલી એક ઘટના અખબારો, સમાચારો અને સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતી. વાત ત્યાં સુધી જઈ પહોંચી કે ગૂગલ કંપની પર એના જ કેટલાક કર્મચારીઓએ જાતિવાદી હોવાનો આક્ષેપ કર્યો, એટલું જ નહીં, ગૂગલ ન્યુઝની સિનિયર મૅનેજર તનુજા ગુપ્તાએ તો આ કારણ સામે ધરીને કંપનીમાં પોતાનું રેઝિગ્નેશન આપી દીધું. ઘટના કંઈક એવી ઘટી હતી કે દક્ષિણ ભારતના એક દલિત જાતિના સ્પીકર સુંદરરાજનને ગૂગલ કંપનીએ ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું હતું. હવે ભારતમાં ગૂગલ કંપનીમાં નોકરી કરતા કેટલાક કર્મચારીઓને આ વિશે ખબર પડી ત્યારે તેમણે આ ભાષણના કાર્યક્રમનો વિરોધ કર્યો અને કંપનીને કહ્યું કે સુંદરરાજન હિન્દુવિરોધી સ્પીકર છે અને તેઓ હંમેશા પોતાનાં ભાષણમાં હિન્દુઓ વિશે ઝેર ઓકવાનું જ કામ કરે છે. આથી અમે આ કાર્યક્રમનો વિરોધ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમ રદ કરવામાં આવે!
ગૂગલ કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓની લાગણીને માન આપીને કાર્યક્રમ રદ કર્યો અને સુંદરરાજનને એ વિશે જાણ કરવામાં આવી. હવે ભાઈ સુંદરરાજને આ બાબતે સુંદર પિચાઈને એક પત્ર લખ્યો અને એમાં જણાવ્યું કે આપણે બન્ને તામિલ છીએ. તમે બ્રાહ્મણ છો અને હું દલિત, એથી તમારી કંપનીમાં મને અન્યાય થયો છે. હવે વિચાર કરો કે ગૂગલ કંપનીમાં કોઈ નીચી જાતિનો કર્મચારી જો આગળ વધવા માગતો હશે તો તેની સાથે કેટલો અન્યાય થતો હશે. આ વાતથી સિનિયર મૅનેજર બહેન તનુજા ગુપ્તાએ રાજીનામું આપી દીધું. કહ્યું કે કંપનીમાં જાતિના આધારે ડિસ્ક્રિમિનેશન થાય છે. કંપની સવર્ણોને વધુ મહત્ત્વ આપે છે. હવે કહો, આખી વાત જાણ્યા પછી એમ કહેવાની ઇચ્છા નહીં થાય કે વાત ક્યાંની ક્યાં લઈ જવાઈ રહી છે.
ADVERTISEMENT
ખબર છે આ માટે જવાબદાર કોણ છે? આપણે, જી હા, આપણે પોતે જ. વ્યક્તિગત આક્ષેપ કરું છું કે આપણે પોતે જ આને માટે જવાબદાર છીએ. ભારત વર્ષોથી જેટલું જ્ઞાની રાષ્ટ્ર રહ્યું છે એટલું જ ઉદારમતવાદી પણ રહ્યું છે. કહેવાય છેને કે વ્યક્તિ જેટલો વધુ જ્ઞાની બને એટલો વધુ સાલસ અને ઉદાર બનતો જાય તો સાચા જ્ઞાનીની ઓળખ પ્રાપ્ત કરી શકે. આથી જ ભારત રાષ્ટ્ર પુરાણોકાળથી ભિન્ન મતોને માન આપતું રહ્યું અને વિભિન્ન મતોને સ્વીકારતું પણ રહ્યું, પરંતુ એમાં મોટી ભૂલ શું રહી ગઈ? આપણા આ ઉદારમતવાદી સ્વભાવને લોકો આપણી નબળાઈ સમજવા માંડ્યા. આપણી જે સમજ છે, આપણું જે જ્ઞાન છે, આપણાં જે શાસ્ત્રો છે એ બધું જ વ્યર્થ, નક્કામું અને બકવાસ છે એવું આપણને જ સમજાવવા માંડ્યા. આપણાં શાસ્ત્રો અને એનાં ભાષ્યોનો જેમણે જે અર્થ કાઢવો હોય એ કાઢવા માંડ્યા. પોતાની સમજ અને સગવડ પ્રમાણે બીજાને સમજાવવા માંડ્યા, તો વળી કેટલાક બુદ્ધિજીવીઓ તો શાસ્ત્રો અને પુરાણોને સાવ ખોટાં, બકવાસ, રિજિડ અને જુનવાણી સાબિત કરવામાં જ પોતાની વિદ્વત્તા સમાયેલી છે એવો ખ્યાલ રાખવા માંડ્યા!
ભારત અને એનું કાસ્ટિઝમ આજે ભારતના જ કેટલાક બુદ્ધિજીવીઓને બકવાસ લાગે છે. એની પાછળનું કારણ પણ આ જ છે. જ્યારે આપણને કોઈ ચીજ વિશેની બેઝિક એટલે કે મૂળભૂત બાબતો વિશે સાચો ખ્યાલ જ ન હોય ત્યારે સ્વાભાવિક છે કે એ આપણને બકવાસ જ લાગવાનું. કારણ કે આપણે એને સાચા અર્થમાં સમજ્યા જ નથી અથવા આપણને સમજાવવામાં આવ્યું જ નથી. જેમ ગૅલિલિયોએ જ્યારે પહેલી વાર જાહેરમાં કહ્યું હતું કે પૃથ્વી ગોળ છે ત્યારે લોકોએ તેને ગાંડો જ ગણ્યો હતો. ગણ્યો હતો કે નહીં?
લોકો કહે છે કે કાસ્ટ અને કાસ્ટિઝમ વિશે વિશ્વમાં સૌથી વધુ જુનવાણી, અલગાવવાદી અને જિદ્દી ભારત છે. હવે સાચું પૂછો તો વાસ્તવિકતા આ વાક્યથી સાવ ઊલટી છે. વિશ્વભરમાં જાતિ વિશેની સૌથી આધુનિક, સચોટ અને પ્રગતિશીલ વિભાવના, સમજણ અને ક્લૅરિટી જેટલી ભારત પાસે હતી અને છે એટલી બીજા કોઈ રાષ્ટ્ર પાસે નહોતી અને આજેય નથી, પણ આપણે આ વાત નહીં સ્વીકારીએ, કારણ કે આપણે આપણા જ સાચા જ્ઞાનથી અજાણ છીએ.
કાસ્ટનો હિન્દી અને ગુજરાતી ભાષામાં અર્થ થાય જાતિ અને આ ‘જાતિ’ શબ્દ બાબતે આપણે વર્ષોથી એક મોટી ભૂલ એ કરતા આવ્યા છીએ કે એને વેદોમાં જે ‘વર્ણ’ દર્શાવ્યા છે એની સાથે સરખાવીએ છીએ. એને કારણે એક ગેરમાન્યતા એ ઊભી થઈ ગઈ છે કે વર્ણ એટલે જ જાતિ અને એ જાતિ મૂળ વર્ણ પરથી આવી છે. આથી એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ઊતરતી કે ચડતી પુરવાર કરે છે. આથી વર્ણ એટલે કે જાતિ અલગાવવાદી, અન્યાયવાદી અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ કરનારી પ્રથા છે. જ્યારે આ બન્ને શબ્દનો અર્થ અને આશય સાવ જુદા જ છે. પુરાણો અનુસાર ‘જાતિ’ શબ્દ દર્શાવે છે માનવી જે સમાજમાં કે જે ટ્રાઇબમાં રહે છે તે, જ્યારે વર્ણ એ કોઈ એક વ્યક્તિના ગુણ કે તેની સ્કિલ્સને દર્શાવે છે. જાતિ સમૂહના સંદર્ભમાં વપરાતો શબ્દ અને ઓળખ છે. જ્યારે વર્ણ એ વ્યક્તિગત ગુણોને કારણે મળતી અંગત ઓળખ છે. આ એક સાવ સામાન્ય સમજને આપણે સમજવામાં અને અપનાવવામાં ખૂબ મોટી ભૂલ કરી.
ભગવદ્ગીતાના ૧૮મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે દરેક જાતિના વ્યક્તિના ‘ગુણો’ તેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા નક્કી કરે છે. આ ‘ગુણો’ જ તેને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર વર્ણ પ્રદાન કરે છે. મહાભારતના શાંતિપર્વમાં પણ લખ્યું છે કે દરેક વ્યક્તિને તેના ગુણોના આધારે વર્ણ પ્રદાન કરવામાં આવ્યું છે, વ્યક્તિઓના સમૂહ કે જાતિને નહીં. આ બન્ને મહાન ગ્રંથોમાં ગુણો વિશેની વાત થઈ. ગુણનો અર્થ થાય નેચર, વ્યક્તિત્વ અથવા એટ્રિબ્યુટ. હવે પહેલાંના સમયમાં વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહને તેના ગુણોના આધારે જ કામની કે જવાબદારીઓની વહેંચણી કરવામાં આવતી હતી. એના આધારે જ તે જે-તે વર્ણનો કહેવાતો એમ કહી શકાય.
થોડી વિગતે આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. ઋગ્વેદના પુરુષ સુક્તમાં ૧૦મા મંડળના ૯૦મા સુક્તમાં કહેવાયું છે કે પુરુષ (ઈશ્વર - બ્રહ્મા)ના મુખમાંથી બ્રાહ્મણનું સર્જન થયું, હાથમાંથી જન્મ્યા ક્ષત્રિયો, જાંઘમાંથી સર્જન થયું વૈશ્યોનું અને પગમાંથી સર્જાયા શુદ્રો. હવે આટલું વાંચીને છીછરું સમજનારાઓ કહેશે, ‘જોયું માણસોને કેવા વહેંચી નાખ્યા! એકનું સર્જન મુખથી અને એકનું પગથી. આવું દર્શાવી તમે કઈ રીતે માનવીઓને ડિસ્ક્રિમિનેટ કરી શકો?’ આથી જ શુદ્રોને નીચલી કક્ષાના ગણવામાં આવ્યા અને તેમને પગ નીચે દબાવવાનો પ્રયત્ન થતો રહ્યો. તેમને અન્યાય થતો રહ્યો. ભલા માણસ, શું કહ્યું છે, શા માટે કહ્યું છે અને કોને કહ્યું છે એ પૂર્ણ રીતે વાંચ્યા કે જાણ્યા અને સમજ્યા વિના તમે આટલો જલદ પ્રતિભાવ કઈ રીતે આપી શકો? ઋગ્વેદના જ પુરુષ સુક્તના દસમા મંડળના ૯૦મા સુક્તના ત્યાર પછીના બે શ્લોક કહે છે, ‘ઈશ્વરના દિમાગમાંથી જન્મ થયો ચંદ્રનો, આંખમાંથી સર્જાયા સૂર્ય, જિહ્વા દ્વારા ઇન્દ્ર અને અગ્નિનું સર્જન થયું અને શ્વાસ દ્વારા સર્જાયો વાયુ. નાભિમાંથી બ્રહ્માંડ સર્જાયું અને માથા દ્વારા સર્જન થયું આકાશનું. પગ દ્વારા સર્જન થયું પૃથ્વીનું અને તેમના વિચારો દ્વારા સર્જાઈ સૃષ્ટિ. વેદોમાં પુરુષ એટલે કે સર્જનહારને વિશાળ અર્થમાં એક સમાજ તરીકે, મતલબ શ્વાસ લેતા દરેક જીવોના પ્રતિબિંબ તરીકે દર્શાવ્યા છે. હવે પગ દ્વારા શુદ્રનું સર્જન થયું, એટલે કહેવાનો અર્થ છે કે શુદ્ર ગુણ સમાજનો પાયો છે, મૂળ છે, જેના પર સમાજ ટક્યો છે. જાંઘમાંથી વૈશ્ય સર્જાયા. મતલબ કે સમાજને ઠરીઠામ થવા માટે, આર્થિક સામાજિક ભાર વહન કરવા માટે મજબૂત જાંઘની જરૂર હોય છે. જ્યારે ક્ષત્રિયનું કામ છે રક્ષા કરવાનું, સમાજને એકજૂથ રાખવાનું, તેમને અનુશાસનમાં રાખવાનું, એટલે કે મજબૂત હાથો દ્વારા થતાં કર્મોનો ગુણ જેનામાં છે અને મુખ (બોલ, વચન કે શબ્દો) દ્વારા સમાજનું માર્ગદર્શન કરવાનું જ્ઞાન મેળવવાનું અને એની વહેંચણી અને ફેલાવો કરવાનો ગુણ જેનામાં હશે એ સરસ્વતીના ઉપાસકો એટલે બ્રાહ્મણ.
વેદો-પુરાણો કે ભાષ્યોમાં ક્યાંય એવું કહેવાયું નથી કે કોઈ પણ વ્યક્તિને તેનો વર્ણ જન્મ દ્વારા મળશે કે મળવો જોઈએ. એ આપણી ભૂલ છે કે આપણે આ ગુણો દ્વારા કરવામાં આવેલા બાયફરકેશનને જન્મ આધારિત ગણી લીધું. ગુણોના આધારે અને કર્મોને આધારે નહીં? આપણામાંના ઘણા એવું પણ માને છે કે વર્ણવ્યવસ્થા ગુણોના આધારે નહીં, કર્મો એટલે કે કામના આધારે હતી. જી નહીં, જરા પણ નહી. દરેક વ્યક્તિ ત્રણ મૂળ ગુણોનો સમૂહ છે; રજસ, તમસ અને સત્ત્વ. પણ એ દરેક ગુણ અલગ-અલગ વ્યક્તિમાં ઓછા-વધતા પ્રમાણમાં અલગ-અલગ હોઈ શકે. દાખલા તરીકે જેનામાં સત્ત્વગુણ વધુ હશે તે જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવહેંચણી કરવાની ઇચ્છાવાળો હોઈ શકે. જેનામાં સત્ત્વ અને રજસ ગુણ બન્ને વધુ હશે તે જ્ઞાનપ્રાપ્તિ સાથે બાહુબળ, ચપળતા વગેરે ધરાવતો હશે. આથી તે ક્ષત્રિય ગુણવાળો હશે. શ્રેષ્ઠ દાખલો છે, કર્ણ, અશ્વત્થામા અને એકલવ્યનો. કર્ણ શુદ્ર પરિવારમાં મોટો થયો હોવા છતાં તેના ગુણોને કારણે ક્ષત્રિય ગણાવવામાં આવ્યો. અશ્વત્થામા એક બ્રાહ્મણ પિતાનો દીકરો હોવા છતાં બહાદુરી અને શસ્ત્રજ્ઞાનના ગુણોએ તેને ક્ષત્રિય તરીકેની ઓળખ આપી. જ્યારે એકલવ્ય જાતમહેનતે શીખેલો વિદ્યાર્થી પોતાના ગુણોને કારણે ક્ષત્રિયની ઓળખ પામ્યો. વર્ણ ગુણોના આધારે સૂચવવામાં આવેલું બાયફરકેશન હતું, નહીં કે જન્મના આધારે.
પરંતુ ભૂલ એ થઈ કે આપણે આ ગુણો એટલે કે વ્યક્તિત્વને આધારે પાડવામાં આવેલા વર્ણોને જાતિ તરીકે સમજવા માંડ્યા અને વર્ણ જન્મ આધારિત છે એમ દરેકના મનમાં ઠસાવવા માંડ્યા. એક શુદ્રનું સંતાન તેના ગુણો દ્વારા ક્ષત્રિય કે બ્રાહ્મણ બની શકે અને એક ક્ષત્રિય કે બ્રાહ્મણનું સંતાન પણ તેના ગુણોને કારણે વૈશ્ય કે શુદ્ર હોઈ શકે છે, એવો ખ્યાલ જ જાણે સમાજમાંથી હટાવી દેવામાં આવ્યો. આપણામાંથી કેટલાને એ ખબર છે કે મહાભારતના રચયિતા વ્યાસમુનિ એક માછીમાર માતા સત્યવતીનું સંતાન હતા? મતલબ કે આજની સમજ પ્રમાણે કહીએ તો શુદ્ર ઘરમાં જન્મેલું બાળક જે પોતાના ગુણો અને કર્મો દ્વારા બ્રાહ્મણ તરીકે ઓળખાયું. અચ્છા, વાલ્મીકિ ઋષિ પણ તો એક શિકારી પરિવારમાં જન્મેલું સંતાન હતા, જેઓ તમામ વેદોના પ્રખર જાણકાર અને રામાયણ જેવા મહાગ્રંથના રચયિતા હતા!
હિન્દુ સંસ્કૃતિમાં કે પ્રણાલીમાં વર્ણપ્રથા હતી અને હશે જેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ આ વર્ણપ્રથા જે-તે વ્યક્તિના ગુણ અનુસાર હતી. નહીં કે તેના જન્મ અનુસાર કે જન્મ દ્વારા મળેલી જાતિ અનુસાર. એક શ્રેષ્ઠ ઉદાહરણ રામાયણમાં પણ મળે છે. રામજીએ પોતાના વનવાસ દરમ્યાન એક ભીલ (આદિવાસી) જાતિની મહિલા શબરીના હાથે તેનાં એઠાં બોર ખાધાં હતાં. અહીં આ ઘટનાને તમે માત્ર ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ તરીકે નહીં ખપાવી શકો. રામ એક યુગપુરુષ હતા, જેમણે ઉપદેશ દ્વારા નહીં, પરંતુ પોતાના અંગત જીવન દ્વારા સમાજઘડતરનાં દૃષ્ટાંત આપવાનું કામ કર્યું હતું. એક ક્ષત્રિય પુરુષ ન માત્ર એક ભીલ મહિલાને અડકે છે, પરંતુ તેનાં અડધાં ખાધેલાં બોર સુધ્ધાં ગ્રહણ કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં જાતિવાદ ન હોવાનું આથી શ્રેષ્ઠ દૃષ્ટાંત બીજું કયું હોઈ શકે?
જે જ્ઞાનનો ભંડાર છે, શાસ્ત્રો, વેદોનો જેણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે, જે સમાજને માર્ગદર્શન આપી શકે છે એવી વ્યક્તિને બ્રાહ્મણ વર્ણનો ગણવામાં આવ્યો. પછી ભલે એ ગમે તે જાતિમાં જન્મ્યો હોય એની સાથે કોઈ લેવાદેવા નથી. એ જ રીતે કોઈ બહાદુર વ્યક્તિ જો શસ્ત્રવિદ બને અને યુદ્ધ, રાજકારણ વગેરેમાં પારંગત હોય તથા જે આખા ઘર, સમાજ કે પ્રદેશની રક્ષા કરી શકે એમ હોય તો તેને ક્ષત્રિય વર્ણનો ગણવામાં આવ્યો. પછી ભલે એ કોઈ પણ જાતિના કોઈ પણ (અમીર કે ગરીબ) ઘરમાં જન્મ્યો હોય.
તો મુશ્કેલી ક્યાં ઊભી થઈ?
આટલી સુંદર અને દૂરંદેશી વ્યવસ્થામાં મોટી મુશ્કેલી ઊભી થઈ. એવું નથી કે લોભી, ડરપોક અને ભ્રષ્ટાચારી વ્યક્તિઓ માત્ર હાલના સમયમાં જ છે. પુરાણકાળમાં પણ એવા લોકો
હતા જ. જેઓ માનતા હતા કે જે તેમને મળ્યું છે એ કોઈ બીજાને ન મળવું જોઈએ અને જે તેમની પાસે છે એ કોઈ બીજા પાસે ન જવું જોઈએ. આથી એક ખૂબ મોટી ગેરવ્યવસ્થા ઇરાદાપૂર્વક શરૂ કરવામાં આવી તે એ કે વર્ણના આધારે થયેલા ડિસ્ક્રિપ્શનને સરનેમ તરીકે ઓળખાવવા માંડ્યા. જેને કારણે થયું એવું કે વર્ણપ્રથાને જાતિ અને જાતિને સરનેમ તરીકે ઓળખાવવા માંડ્યા, એટલે કે જે વ્યવસ્થા ગુણના આધારે કર્મ બાબતે હતી એ વ્યવસ્થાને જાતિ એટલે કે સમાજ સાથે જોડી દેવામાં આવી અને સમાજ સાથે જોડી દેવાને કારણે તેમને સરનેમ અપાવા માંડી.
સમાજની રહેઠાણ-વ્યવસ્થા
તમે ક્યારેય એ વિશે વિચાર્યું છે કે તમને શા માટે તમારા જેવું જ કે તમારા ફીલ્ડમાં કામ કરતી વ્યક્તિઓ સાથે જ વધુ ફાવે છે? અથવા શા માટે એવા લોકો સાથે ઝડપથી દોસ્તી થઈ જાય છે? કારણ કે સામેવાળી વ્યક્તિ તમારા જેવું જ કામ કરતી હોવાને કારણે તે તમને, તમારી વાતો, તમારી સારી-ખરાબ પરિસ્થિતિ, સંજોગો બધું જ ખૂબ સરળતાથી સમજી શકે છે. પરિણામ એ આવે છે કે તમે બને એટલો સમય સાથે રહેવાનું પસંદ કરો છો. આ જ કારણથી સમાજ, ગામ, શહેર અને પ્રાંતમાં સ્વાભાવિક રીતે એક એવી વ્યવસ્થા ઊભી થઈ કે એકસરખું કામ કરતી વ્યક્તિ નજીક-નજીક રહેવાનું પસંદ કરવા માંડી. એને કારણે એક જાતિ કે જ્ઞાતિના લોકોની અલગ-અલગ આખી એક વસાહત ઊભી થવા માંડી.
જાતિવાદ પ્રવેશ્યો કઈ રીતે?
સૌથી પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે સમાજ-સુવ્યવસ્થા માટે સમાજના દરેક વ્યક્તિને કોઈક ને કોઈક જવાબદારી સોંપવી આવશ્યક હતી, છે અને રહેવાની, જે રીતે આજે પણ આપણે આપણું કામ રોજેરોજ કરતા રહીને સમાજમાં આપણું યોગદાન આપીએ છીએ અને તો જ સમાજ સુદૃઢ રીતે વહન કરી શકે. કારણ કે દરેક વ્યક્તિ દરેક કામ કરી શકે એવું જરૂરી નથી. આથી તેમને ગુણ અનુસાર વર્ણમાં વહેંચી એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે જેમની જે કાબેલિયત છે એ અનુસાર તેઓ સમાજમાં પોતાનું યોગદાન આપે.
હવે સમય વીતતાં એવું થવા લાગ્યું કે એક વેપારી જે વેપાર કરતો હતો તે પોતાના સંતાનને પણ એ વેપારની રીતભાત અને કૌશલ શીખવવા માંડ્યો. જે બ્રાહ્મણ દિવસ-રાત વેદોનું પઠન કરતો હતો તેણે પોતાનાં સંતાનોને પણ વેદોના જ્ઞાનમાં પારંગત કરવાનું કામ કરવા માંડ્યું. એ વાત તો આપણે બધા સમજીએ છીએ કે એક નાનું બાળક ઘરમાં જે વાતાવરણમાં મોટું થાય એ જ સંસ્કાર અજાણપણે તેનામાં આકાર લેવા માંડતા હોય છે.
તો મૂલતઃ કંઈક એવું બન્યું હશે એમ કહી શકાય કે વર્ણપ્રથા અનુસાર ઊભી કરવામાં આવેલી એક વ્યવસ્થા જ સમયાંતરે સમાજ-વ્યવસ્થામાં પલટાતી ગઈ. જે રીતે કોઈ ડૉક્ટર માબાપ ઇચ્છા ધરાવે કે પોતાનું સંતાન પણ ડૉક્ટર બને એ જ રીતે કોઈ વ્યક્તિને તેના પોતાના અંગત ગુણો અનુસાર કોઈ કામ સોંપાયું હતું તે સમયાંતરે એવું સમજવા માંડ્યો કે આ જ કામ મારું છે અને મારાં સંતાનોએ આ જ વ્યવસ્થા આગળ વધારવી જોઈએ.
વાસ્તવિકતાને ઝીણવટપૂર્વક, પણ ખુલ્લા મને તપાસવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર આજની સમાજ-વ્યવસ્થા મહદંશે ફરી વર્ણવ્યવસ્થા અનુસાર જીવતી થઈ ગઈ છે એમ કહી શકાય. જ્યાં એક બ્રાહ્મણના દીકરાએ પોતાનામાં રહેલા ગુણોને પિછાણી વેપારી (વૈશ્ય) તરીકે ગુણ અનુસાર જીવનવહનનો માર્ગ પસંદ કર્યો હોય એવું જોવા મળે છે. તો વળી બીજી તરફ કોઈ મોચી કે દરજીનો દીકરો પણ પોતાનામાં રહેલા ગુણોને કારણે રાજકારણમાં (ક્ષત્રિય) સફળ કારકિર્દી સાથે આગળ વધી રહ્યો હોય એવું પણ જોવા મળે છે.
હા, એ કબૂલ કે સમાજ-વ્યવસ્થામાં ગુણ અનુસાર કામની વહેંચણી દરમ્યાન જેમને ઉચ્ચ સ્થાને બેસાડવામાં આવ્યા હતા તેઓ પોતાની સત્તા અને શાખનો દુરુપયોગ કરીને તેમના સિવાયના લોકોને નીચા ગણવા માંડ્યા અને પોતાનું સ્થાન અને સત્તા જળવાઈ રહે એ આશયથી તેમનું હંમેશાં શોષણ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ એક વ્યક્તિવિશેષથી શરૂ થયેલું આ દૂષણ ધીરે-ધીરે સમાજમાં પગપેસારો કરી ગયું અને એનું પરિણામ જાતિ-સુવ્યવસ્થાની જગ્યાએ જાતિ-દુર્વ્યવસ્થામાં પરિણમી ગયું.
પણ જે પ્રમાણે દોષનો ટોપલો ભારત પર અને એમાંય હિન્દુઓ પર ઢોળવામાં આવે છે એ ખોટું છે. ખરું પૂછો તો દરેક જગ્યાએ એક યા બીજી રીતે જાતિ અને ધર્મ અનુસાર ડિસ્ક્રિમિનેશન વર્ષોથી થતું રહ્યું છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં ગોરા અને કાળાનો ભેદ વર્ષોવર્ષ સુધી ચાલ્યો. મધ્ય એશિયા, ઇસ્લામિક દેશો અને યુરોપમાં માલિક-ગુલામ વ્યવસ્થા અને અસ્પૃશ્યતાનું દૂષણ હજારો વર્ષોથી રહ્યું છે.
જાતિવાદનું દૂષણ
આ દૂષણની શરૂઆતની પ્રક્રિયા મુગલો અને અંગ્રેજકાળ દરમ્યાન થઈ. મુગલોને યેનકેન પ્રકારેણ ભારત પર કબજો જમાવી લેવો હતો. ભારતની સંપત્તિ લૂંટવી હતી અને ભારતીય સ્ત્રીઓનો ભોગવિલાસ કરવો હતો, તેમને ગુલામ બનાવવી હતી. આવા આશયમાં તેમણે એક-એક પ્રાંતના રાજાઓ અને પ્રજાઓને જાતિઓ અને વાડાઓ વિશે ઉશ્કેરવાનું શરૂ કર્યું. કઈ રીતે એક જાતિ કે સમૂહના રાજવીને બીજી જાતિ કે સમૂહના રાજવી સાથે લડાવીને નબળા પાડવાની આશયથી મુગલોએ આખા ભારતને નિર્દયતાપૂર્વક ધમરોળ્યું.
ત્યાર બાદ અંગ્રેજો આવ્યા ત્યારે તેમણે જોયું કે મુગલ શાસનમાં રહેલો આ દેશ ધનવાન તો છે, પરંતુ સાક્ષર નથી. અહીં જે સત્તાધારી અને સાક્ષર છે તેમને સુધારાવાદી નહીં, પરંતુ સ્વાર્થી બનાવીશું તો આપણી દાળ વહેલી ગળશે. તેમણે રાજાઓ અને બ્રાહ્મણો જેવા સમાજના પ્રતિનિધિઓને પ્રજા કેવી નમાલી અને તેમની કૃપા નીચે દબાયેલી છે એ ભણાવવાનું અને પ્રજાને હતી એના કરતાં વધુ દબાવીને-ગભરાવીને કામ લેવાનું ચાલુ રાખ્યું. તેમની આ સ્ટ્રૅટેજી જબરદસ્ત કારગત નીવડી અને ભારતના રાજા અને પ્રજા એકબીજાનાં દુશ્મન બની બેઠાં.
તો પછી આનો શ્રેષ્ઠ વિકલ્પ શું?
મુખ્ય મુશ્કેલી જાતિવાદમાં પગપેસારો કરી ગયેલા રાજકારણની છે. બંધારણના પ્રણેતા ડૉ. ભીમરાવ આંબેડકરે પોતે ભારતની સંસદમાં કહ્યું હતું કે ‘આરક્ષણ’ એ માત્ર એક હંગામી વ્યવસ્થા છે, જેના દ્વારા પાછળ રહી ગયેલા લોકોને સાથની હરોળમાં લાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. આ વ્યવસ્થા (આરક્ષણ) શરૂઆતનાં પાંચ વર્ષ રાખવામાં આવે અને ત્યાર બાદ એનું ઝીણવટપૂર્વક અવલોકન કરવામાં આવે. જ્યાં ખામી રહી ગઈ હોય એ સુધારીને આગામી દસ-વીસ વર્ષમાં એને નાબૂદ કરવાના આશય સાથે આપણે મચી પડીએ.’
પરંતુ મુશ્કેલી એ થઈ કે આ ૧૦-૨૦ વર્ષમાં રાજકારણીઓને આ વ્યવસ્થામાં જબરદસ્ત રાજકારણ દેખાવા માંડ્યું. બધા પક્ષોએ અબોલ રીતે એ સ્વીકારી લીધું કે બંધારણની આ જોગવાઈ તેમને જબરદસ્ત પૉલિટિકલ માઇલેજ આપી શકે છે, એથી આંબેડકરસાહેબ ગયા પછી કોઈએ ક્યારેય આ વ્યવસ્થા નાબૂદ કરવાનો ન વિચાર કર્યો કે ન પહેલ કરી, એટલું જ નહીં, જનસામાન્યના દિમાગમાં પણ એ વાત ઠસાવી દેવામાં આવી કે બંધારણની આ જોગવાઈ તમને જબરદસ્ત ફાયદો આપે છે. એ નાબૂદ નહીં જ થવી જોઈએ. કાળક્રમે મુશ્કેલી એ ઊભી થઈ કે આરક્ષણને કારણે જેઓ કાબેલ ઉમેદવાર નહોતા તેઓ પણ જબરદસ્ત કાબેલિયત માગી લેતા સ્થાને આરૂઢ થવા માંડ્યા.
પરંતુ કોઈએ એ વિશે વિચાર જ ન કર્યો કે ‘આરક્ષણ’ નામનું ધીમું ઝેર જનસામાન્યને પીવડાવતા રહેવાની જગ્યાએ સાચા અર્થમાં તેમના ઉદ્ધારનું કામ કરીએ, જેમ કે આર્થિક કે સામાજિક દૃષ્ટિએ નબળા હોય એવા સમાજ કે વ્યક્તિને (પછી એ કોઈ પણ જાતિ કે સમાજનો હોય) શાળાની ફી, પુસ્તકો કે બીજી મદદ પૂરી પાડીને તેને આગળ વધવાનો મોકો આપવામાં આવે. આ વ્યવસ્થા દ્વારા તેને જણાવવામાં આવે કે જો તમે આર્થિક કે સામાજિક રીતે શોષિત કે પાછળ રહી ગયેલા છો તો તમને પુસ્તકો મળશે, ફીમાંથી પણ માફી મળી શકે, ભણતર કે બીજી વ્યવસ્થા માટે વાતાવરણ ઊભું કરી આપી શકીએ, પરંતુ તમારી કાબેલિયત તો તમારે જ સાબિત કરવાની રહેશે.
માનસિક, શારીરિક, સામાજિક કે આર્થિક દૃષ્ટિએ ઉત્થાન માટે સૌથી સચોટ માર્ગ છે ભણતર. ભણતર વધશે તો સમજ આપોઆપ કેળવાશે અને સમજ કેળવાશે તો જાતિવાદ પણ આપોઆપ નાબૂદ કરી શકાશે. ‘આરક્ષણ’ નામની ઊધઈ આપણા સમાજમાં અને દેશમાં એ રીતે પગપેસારો કરી ગઈ છે કે એને કારણે પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ બગડી છે. પરિણામ એ આવ્યું કે જાતિ અનુસાર શોષિત ગણાતા સમાજના લોકોના માનસમાં એ વાત ઘર કરી ગઈ કે આરક્ષણ અમારો અધિકાર છે અને એ અમને આજીવન મળવો જ જોઈએ. પછી ભલે એ જાતિના કેટલાક લોકો આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ હોય અને બીજી તરફ અનારક્ષિત જાતિના લોકોમાં અમને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી ઘર કરવા માંડી. એક અનારક્ષિત જાતિનો વિદ્યાર્થી રાત-દિવસ મહેનત કરીને ૯૫ ટકા માર્ક્સ લાવવા છતાં બહાર રહી જાય છે અને તેની નજર સામે જ એક આરક્ષણ મેળવનાર જાતિનો છોકરો ૭૫ કે ૮૦ ટકા માર્ક્સ સાથે જ્યારે કોઈ શિક્ષણસંસ્થામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવે છે ત્યારે પેલા અનારક્ષિત
જાતિના વિદ્યાર્થીને પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી જન્મે છે. પરિણામસ્વરૂપ જાતિ વચ્ચેની જે ખાઈ સમયાંતરે પુરાતી જવી જોઈતી હતી એ વધતી જ ગઈ અને ધીમે-ધીમે આ જાતિપ્રથાના આધારે પ્રવેશેલું
આરક્ષણ ઝેરનું કામ કરીને વિરોધ, વિખવાદ અને દુશ્મનાવટનું રૂપ ધારણ કરતું ગયું.
માત્ર હિન્દુઓમાં જ નથી આ પ્રથા
ભારતની મોટા ભાગની પ્રજામાં એવી ગેરમાન્યતા છે કે જાતિવાદ અને જાતિ અનુસાર ડિસ્ક્રિમિનેશન માત્ર હિન્દૂ સમાજમાં જ છે અને મુસ્લિમ સમાજમાં દરેકને સરખા ગણવામાં આવે છે, પરંતુ આ એક ખૂબ મોટી ભ્રમણા છે. મુસ્લિમ સમાજમાં પણ આ દૂષણ એટલું
જ ફેલાયેલું છે, પરંતુ એ વિશે
વાત કરતાં પહેલાં એ જાણી લઈએ કે પવિત્ર કુરાનમાં શું કહેવાયું છે.
પવિત્ર કુરાન શું શીખવે છે?
કુરાનની સુરાઃ અલ-હુજરતમાં આ મુજબનો ઉલ્લેખ છે ઃ ‘હે માનવજાત, અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી બનાવ્યાં છે અને તમને રાષ્ટ્ર અને જાતિઓમાં બનાવ્યાં છે, જેથી તમે એકબીજાને ઓળખો. અલ્લાહ સામે તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત એ છે જેની પાસે અત-તકવા (ધર્મ અને અલ્લાહ પ્રત્યેની આસક્તિ) છે. અલ્લાહ સર્વજ્ઞાન, સર્વ વાકેફ છે.’
પવિત્ર ‘કુરાન’ અનુસાર જાતિવાદનો સ્થાપક શેતાન છે., જેને ઇબ્લિસ અથવા અઝાઝીલ કહેવામાં આવે છે. એક કહાનીમાં એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે અલ્લાહે ફરિશ્તાઓ અને જીન (જીની)ને આદમ સામે નમન કરવાનો આદેશ આપ્યો ત્યારે ફરિશ્તાઓએ એનું પાલન કર્યું, પરંતુ ઇબ્લિસે એમ કરવાની ના પાડી દીધી. જ્યારે અલ્લાહે તેને પૂછ્યું કે તેણે શા માટે ના પાડી, ત્યારે તેણે તેની (જાતિ) શ્રેષ્ઠતા પર ભાર મૂકતાં કહ્યું, ‘હું તેના (આદમ) કરતાં શ્રેષ્ઠ છું. તમે મને અગ્નિમાંથી બનાવ્યો છે અને આદમને માટી (પૃથ્વી)માંથી. અગ્નિનો સ્વભાવ ઉપર જવાનો છે અને માટીનો સ્વભાવ નીચે જવાનો.’ શેતાનની આ જાતિ આધારિત દલીલ અલ્લાહને પસંદ નહોતી એથી તેમણે તેને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો અને અલ્લાહે કહ્યું ઃ ‘(ઓ ઇબ્લિસ) આ (સ્વર્ગ)માંથી નીચે ઊતરો, અહીં અહંકાર કરવો યોગ્ય નથી. બહાર નીકળી જાઓ, કારણ કે તમે આદમને અપમાનિત અને બદનામ કર્યો છે.’
મુસ્લિમો અને જાતિ-વ્યવસ્થા
એક થિયરી અનુસાર આરબ મુસ્લિમો ૭૧૧ ADના સમયગાળાની આસપાસ પ્રથમ વખત ભારતીય ભૂમિમાં પ્રવેશ્યા હતા. આ સમય દરમ્યાન ઉત્તર ભારતમાં ઇસ્લામનો ફેલાવો શરૂ થયો. ઇસ્લામ શાસકો પહેલેથી જ જુલમી અને બળપૂર્વક અધિગ્રહણ કરવામાં માનતા હતા, આથી તેમણે ભારતની પ્રજામાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવાનું શરૂ કર્યું. મુસ્લિમોએ હિન્દુ દલિતોને આકર્ષવાનું શરૂ કર્યું. તેમને કહેવામાં આવ્યું કે ઇસ્લામ સમાનતા અને ભાઈચારા પર આધારિત ધર્મ છે અને તમારો હિન્દુ ધર્મ જાતિ-વ્યવસ્થામાં વહેંચાયેલો છે, જેનો તમે વર્ષોથી ભોગ બનતા આવ્યા છો.
આ જ કારણથી મોટા ભાગના દલિત અને બહુજન ભારતીય મુસ્લિમો ધર્માંતરણ દ્વારા મુસ્લિમ બન્યા હોવાનું જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતા આથી સાવ વિપરીત હતી અને છે. ભારતીય મુસ્લિમ સમાજમાં અનેક જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિઓનાં જૂથો બિરાદરી તરીકે ઓળખાય છે.
સૈયદ, શેખ, મુઘલો અને પઠાણો જેવા વિદેશી વંશનો દાવો કરનારા મુસ્લિમો પોતાને અશરફ (ઉમદા) ગણાવે છે અને તેમની જાતિ શ્રેષ્ઠ દરજ્જાની હોવાનો દાવો કરે છે. જ્યારે સ્વદેશી ધર્માંતરણ કરનારાઓના વંશજોને સામાન્ય રીતે અજલાફ (મધ્યમ જાતિ) અને આરઝલ (દલિત) તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં મુસ્લિમ શાસન યુગ દરમ્યાન અશરફોએ બધી નિર્ણાયક ભૂમિકાઓ અને હોદ્દાઓ લઈ લીધા. સલાહકાર, મંત્રીઓ, પ્રશાસકો, સૈન્યના વડાઓ, ઉલેમા (વિદ્વાનો) વગેરે તમામ હોદ્દાઓ પર અશરફોએ કામ કર્યું; જ્યારે બીજી તરફ દલિત-બહુજન જાતિઓ જેમ કે અજલાફ અને આરઝલોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેમને તેમના પરંપરાગત વ્યવસાયોમાં જ બાંધી રાખવામાં આવ્યા - સફાઈ કામદાર, ખેડૂતો, મજૂરો, શાકભાજી વેચનારા વગેરે.
એટલું જ નહીં, જાતિવાદ માત્ર ભારતીય મુસ્લિમોમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રચલિત છે. દાખલા તરીકે લગ્ન એ એક એવું ક્ષેત્ર છે જ્યાં મુસ્લિમ સમુદાયોમાં જાતિ મુખ્ય ભૂમિકા ભજવે છે. મોટા ભાગના મુસ્લિમો તેમના પોતાના જાતિ-જૂથમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. અશરફ ઇચ્છશે નહીં કે તેમના પરિવારના સભ્યો અજલાફ અથવા આરઝલ સાથે લગ્ન કરે, કારણ કે તેઓ માને છે કે તેમનો વંશ અશુદ્ધ થઈ જશે.
અશરફ (સવર્ણ જાતિ)માં મુસ્લિમો સૈયદ, શેખ, મુઘલ, પઠાણ, મુસ્લિમ રાજપૂત જેવી જાતિઓને ગણાવે છે; જેમાં પણ સૈયદ બિરાદરીને ખૂબ સન્માનનીય ગણવામાં આવે છે. જ્યારે અજલાફ એટલે કે વ્યાવસાયિક જાતિ અથવા ઓબીસીમાં ભાંડ, ભઠિયારા, ફકીર (ભિખારી), ગદ્દી (દૂધવાળો), ધુનિયા (કાટન-કાર્ડર), કુંજરા અથવા રાયન (કરિયાણાનો ધંધો કરનારા), કસાબ (કસાઈ), ચિકવા (એક જાતિ જે બકરી જેવાં પ્રાણીઓની કતલ કરે છે), દરજી (દરજી), અન્સારી વગેરેને ગણાવવામાં આવે છે. આરઝલ (એસસી) જાતિમાં મુસ્લિમો શેખ મહેતર, લાલ બેગી, બાલ્મીકિ, બંસ ફુર, ધનક, દેહી, ગાઝી પુરી, રાવત, હનહરી અથવા હરી, હેલા, પાથર ફુર, બખ્ખો, ખટીક, નાટ, ધોબી-હવારી, બંજરાહ વગેરેને ગણાવે છે.
સચ્ચર સમિતિનો અહેવાલ
સચ્ચર સમિતિના અહેવાલ (૨૦૦૬)એ પણ ભારતીય મુસ્લિમોમાં જાતિ-વ્યવસ્થાના અસ્તિત્વને સ્વીકાર્યું હતું. તેમણે ભારતીય મુસ્લિમોને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરી હતી. એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત એવી અશરફ જાતિ બીજી પછાત જાતિઓ (ઓબીસી)ની સમકક્ષ, અજલાફ અને ત્રીજી અનૂસૂચિત જાતિ (એસસી), આરઝલ્સ જેમને મુસ્લિમ ઓબીસી તરીકે ઓળખવામાં આવે છે.
મુસ્લિમ જાતિના પદાનુક્રમની ટોચ પર સૈયદ જાતિના લોકોને ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે તેઓ ઇસ્લામિક પયગંબર મોહમ્મદના વંશજ છે. સૈયદ પરંપરાગત રીતે તેમની જ્ઞાતિમાં જ લગ્ન કરે છે. સામાન્ય રીતે તેમના સમુદાયની બહારની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરતા નથી. સૈયદને ઇસ્લામિક પયગંબર મોહમ્મદના પૌત્ર હુસેન ઇબ્ન અલીના વંશજ માનવામાં આવે છે, જ્યારે હસન ઇબ્ન અલી (હુસેનના ભાઈ)ના વંશજોને ‘શરીફ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે આ બે સમુદાયો મુસ્લિમ સામાજિક વ્યવસ્થામાં પદાનુક્રમમાં મોખરે રહ્યા છે. તેમને ઇસ્લામિક સમાજમાં ખૂબ પ્રભાવશાળી જાતિ માનવામાં આવે છે.
મુસ્લિમ સમાજના તળિયે અજલાફ કૅટેગરીના પાસમાનદાસને ગણવામાં આવે છે, જેઓ મૂલતઃ આદિવાસીઓ અથવા ધર્માંતરિત લોકોનો સમુદાય છે. આ સમુદાય માટે જે પર્શિયન શબ્દ ‘પાસમાનદાસ’ વપરાય છે એના પરથી જ મુસ્લિમ સમાજના જાતિવાદનું ઉદાહરણ મળી જાય છે. ‘પાસમાનદાસ’નો અર્થ થાય ‘જેઓ પાછળ પડી ગયા છે તેઓ.’ પસમન્દાસ એ ભારતીય મુસ્લિમોમાં સૌથી વધુ ભેદભાવ ધરાવતું જૂથ છે. કુલ ભારતીય મુસ્લિમ વસ્તીના લગભગ ૮૫ ટકા લોકો આ પસમન્દાસ સમુદાયના છે. મતલબ કે જેમનું ધર્માંતરણ થયું છે તે એમ કહીએ તો ચાલે. એટલું જ નહીં, ભારતના જ મુસ્લિમ સમુદાયે આ જાતિના લોકોને રાજકીય રીતે પણ આગળ આવવા દીધા નથી એમ કહી શકાય.
‘ફર્સ્ટપોસ્ટ’ના લેખકના જ સમકક્ષ લેખક અજાઝ અશરાહે આ વાતની પુષ્ટિ કરતા હોય એમ કહ્યું હતું કે ‘મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં દલિત હલલખોરો (સફાઈ કામદાર જાતિ) અને મહેતર જાતિઓ માટે પીવાના પાણીના અલગ-અલગ ‘લોટા’ હતા. એવી જ રીતે મસ્જિદોમાં સ્પષ્ટ ભેદભાવ હતો, જ્યાં ઉચ્ચ જાતિના મુસ્લિમો આગળની હરોળમાં પ્રાર્થના કરતા હતા, જ્યારે નીચલી જાતિના મુસ્લિમો પાછળની હરોળમાં પ્રાર્થના કરતા હતા. કેટલાંક સ્થળોએ દલિત મુસ્લિમોને અશરફ માટે આરક્ષિત જાહેર દફનભૂમિમાં દફનવિધિ કરવાનું તો છોડો, જવાની સુધ્ધાં મંજૂરી નથી. જ્યારે ‘ખિલાફત’નો વિષય ઊભો થાય છે ત્યારે એક ધર્મ તરીકે ઇસ્લામે પણ આવા ભેદભાવનો આશરો લીધો છે. હદીસ મુજબ માત્ર કુરૈશ જાતિનો સભ્ય (મોહમ્મદ જે જાતિના હતા એ) જ ઇસ્લામિક ખલીફા બની શકે છે.
આ વિશે આપણા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરસાહેબે ખુદે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિ એવું અનુમાન કરે છે કે ઇસ્લામ ગુલામી અને જાતિપ્રથાથી મુક્ત છે. ગુલામી વિશે કશું કહેવાની જરૂર નથી. એ હવે કાયદા દ્વારા નાબૂદ થઈ ચૂકી છે, પરંતુ જો ગુલામી ચાલી ગઈ છે તો મુસ્લિમોમાં જાતિ રહી ગઈ છે. આ રીતે કોઈ શંકા નથી કે ભારતમાં મુસ્લિમ સમાજ પણ હિન્દુ સમાજની જેમ જ સામાજિક દૂષણોથી પીડિત છે.’


