Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બે સાઉથ-ઈસ્ટ એશિયન દેશો કેમ લડે છે એક શિવ મંદિર માટે?

બે સાઉથ-ઈસ્ટ એશિયન દેશો કેમ લડે છે એક શિવ મંદિર માટે?

Published : 14 December, 2025 03:12 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

પ્રીહ વીહિયર નામના એક મંદિરને કમ્બોડિયા અને થાઇલૅન્ડ બન્ને દેશો પોતીકું ગણાવે છે. આ મંદિર બન્ને દેશો માટે એટલો સન્માન અને પ્રતિષ્ઠાનો વિષય બની ચૂક્યું છે કે એ માટે બન્ને દેશો વચ્ચે યુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે.

પર્વતની ટોચ પર આવેલા હિન્દુ શિવ મંદિરનો ડ્રોન વ્યુ.

પર્વતની ટોચ પર આવેલા હિન્દુ શિવ મંદિરનો ડ્રોન વ્યુ.


વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર માટે જાણીતા કમ્બોડિયા અને નાઇટલાઇફ માટે વગોવાયેલા થાઇલૅન્ડ વચ્ચે એક હિન્દુ મંદિર પર વર્ચસ મેળવવા માટે સદીઓથી ચાલી રહેલી હુંસાતુંસી અત્યારે ચરમ પર છે. બન્ને દેશો માટે સનાતન ધર્મની વિરાસતનું અદકેરું મૂલ્ય હોવાથી પોતાની આધ્યાત્મિક ધરોહરની ઓળખ ટકાવવા લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આ બન્ને દેશોના અસ્તિત્વથી લઈને મંદિરના ઇતિહાસ પર એક નજર

વિશ્વમાં અનેક દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. રશિયા અને યુક્રેન, ભારત અને પાકિસ્તાન, ઇજિપ્ત અને ઇથિયોપિયા, ‍ઇઝરાયલ અને ઈરાનની જેમ થાઇલૅન્ડ અને કમ્બોડિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ જેવાં છમકલાં થતાં રહ્યાં છે. દરેક યુદ્ધ માટે દરેક દેશનાં પોતાનાં આગવાં કારણો છે. મોટા ભાગે સીમાવિવાદ બે દેશો વચ્ચેના સંઘર્ષનું મૂળ કારણ હોય છે. જોકે સાઉથ એશિયામાં આવેલા કમ્બોડિયા અને થાઇલૅન્ડ વચ્ચેના યુદ્ધનો મુખ્ય મુદ્દો છે એક હિન્દુ મંદિર. ભારતીય સભ્યતા અને સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રત્યે ભારતીયોના હૃદયમાં સન્માન હોવું જ જોઈએ, પરંતુ ભારતની બહાર પણ એવા દેશો છે જ્યાં સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રતિષ્ઠાનો વિષય છે. 
પ્રીહ વીહિયર નામના એક મંદિરને કમ્બોડિયા અને થાઇલૅન્ડ બન્ને દેશો પોતીકું ગણાવે છે. આ મંદિર બન્ને દેશો માટે એટલો સન્માન અને પ્રતિષ્ઠાનો વિષય બની ચૂક્યું છે કે એ માટે બન્ને દેશો વચ્ચે યુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. બેમાંથી કોઈ દેશ પોતાના દાવામાંથી પાછળ હટવા તૈયાર નથી અને સમાધાન દૂર-દૂર સુધી ન દેખાતું હોવાથી યુદ્ધ એ જ પર્યાય બની ગયો છે. આ મંદિર ક્યાં છે? કોણે બનાવ્યું હતું અને કેમ એ બન્ને દેશો માટે ઐતિહાસિક ધરોહર અને સન્માનનો વિષય છે એ બધું જ મૂળથી સમજવા માટે જવું પડે સાઉથ-ઈસ્ટ એશિયાના બે દેશોની સફરે. આ એવા દેશો છે જ્યાં મહદંશે વિશ્વનાં સૌથી મોટાં હિન્દુ મંદિર જોવા મળે છે. એક એવો દેશ જે ભૌગોલિક દૃષ્ટિએ તો ભારતથી અલગ અને દૂર છે પણ એનાં મૂળ ભારતીય છે. શું છે અને કેવી છે ફુ-નાનથી કમ્બુજ દેશ અને ત્યાર બાદ ખમેરથી કમ્બોડિયા બનવા સુધીની સફર? ચાલો લટાર મારીએ કમ્બોડિયાની, જેનો ઝઘડો છે થાઇલૅન્ડ સાથે અને એ પણ એક હિન્દુ મંદિર બાબતે. સો, અપની સીટ કી પેટી બાંધ લિજિએ, જનાબ! સવારી નિકલ રહી હૈ કમ્બોડિયા કી ઓર.



કમ્બોડિયાના ક્ષેત્રમાં આવતા મંદિરના પ્રવેશદ્વાર પર જડબેસલાક સિક્યૉરિટી છે. 


ઇતિહાસનાં મૂળ

સાઉથ ઈસ્ટ એશિયા તરફ નજર નાખશો તો મ્યાનમાર, કમ્બોડિયા, લાઓસ, થાઇલૅન્ડ અને વિયેટનામ જોવા મળે. આ બધાય દેશો મળીને જે આખાય સાઉથ ઈસ્ટ એશિયાનો નકશો બનાવે છે એમાં સૌથી મહત્ત્વની ધોરી નસ છે કમ્બોડિયાની કામેન્ગ નદી. વાત શરૂ કરીએ આ નદીના એક છોરથી. આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં કમ્બોડિયા અને થાઇલૅન્ડ બે અલગ દેશો નહોતા, બન્નેનો સહિયારો જમીની વિસ્તાર જે હતો ત્યાં નાગવંશનું શાસન હતું. 
આ એ સમય હતો કે જ્યારે આખાય પ્રદેશમાં (કમ્બોડિયા અને થાઇલૅન્ડ) સ્ત્રીઓ સમાજના આગેવાન તરીકે કાર્ય કરતી હતી. સાથે જ એ સમય પણ હતો જ્યારે આ વિસ્તાર અને એની આસપાસનો સમુદ્રી હિસ્સો વેપાર-વાણિજ્ય હેતુ આખાય વિશ્વ માટે મહત્ત્વનો સી રૂટ હતો જે આજે પણ છે. આટલી બેઝિક કહાણી જાણી લીધા બાદ હવે મૂળ વાતની શરૂઆત કરીએ. 


ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ

વાત છે ત્રીજી સદીની, દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં રહેતો બ્રાહ્મણ યુવક નામે કોંડિલ્ય, સમુદ્રી માર્ગે સફર કરતાં-કરતાં ફૂ-નાન નામના રાજ્યની સીમાએ પહોંચે છે. નાગવંશની સ્ત્રીઓ દ્વારા શાસિત એવા ફૂ-નાનનાં રાણી હતાં સોમા! બ્રાહ્મણ યુવક હોવા છતાં કોંડિલ્યનું ક્ષત્રિય સમું યુદ્ધચાતુર્ય અને એક બ્રાહ્મણને સોહે એવું જ્ઞાન અર્થાત્ બુદ્ધિચાતુર્ય. રાણી સોમા આ પરદેશી યુવાન પર મોહિત થઈ ગયાં. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને આખરે એ પ્રેમલગ્નમાં પરિણમ્યો. ફૂ-નાન નામના રાજ્ય સાથે ભારતનું આ પહેલું જોડાણ. સોમાના પતિ તરીકે ફૂ-નાન રાજ્યની બાગડોર હવે કોંડિલ્યના હાથમાં આવી અને તે ફૂ-નાનનો નવો રાજવી બન્યો. આ કહાણી આજે પણ તમે બીજન રાજ ચૅટરજીના પુસ્તક ‘ઇન્ડિયન કલ્ચર્સ ઇન્ફ્લુઅન્સ ઇન કમ્બોડિયા’નાં પાનાં ઊથલાવશો તો એમાં વાંચવા મળી જશે જે ૧૯૨૮ની સાલમાં પ્રકાશિત થયું હતું. લંડનથી ડૉક્ટરેટ અને પંજાબથી ડૉક્ટર ઑફ લિટરેચરની ડિગ્રી મેળવી ચૂકેલા અધ્યયનકર્તા બીજન રાજ ચૅટરજીએ તેમના પુસ્તકમાં અનેક રેફરન્સિસ સાથે લખ્યું છે. જેમ કે કમ્બોડિયા અને થાઇલૅન્ડ બન્ને દેશોમાં કેટલાંય સંસ્કૃત શિલાલેખો અને સાહિત્ય મળ્યાં છે જેના અનુસાર શ્રીહરિ વિષ્ણુને એ લોકો ‘ચક્રતીર્થ સ્વામી’ તરીકે પૂજતા હતા એટલું જ નહીં, કમ્બુજા પ્રદેશમાં ભારતીય જ્યોતિષ પ્રણાલી અને જ્ઞાન પણ આ સમય દરમિયાન ઘણાં પ્રચલિત થયાં. આ બધું શક્ય બનવાનું કારણ હતું કોંડિલ્ય અને સોમાનું વૈવાહિક જોડાણ. વેપાર અને વાણિજ્ય સાથે સંસ્કૃતિ, વિચારો, ધર્મ-પ્રણાલીઓ અને માન્યતા સુધીની અનેક બાબતોનું આદાન-પ્રદાન શરૂ થયું. ભારતીય વેપારીઓની ફૂ-નાન અને એની આસપાસનાં રાજ્યોમાં સફર વધી. અનેક ભારતીય પુરુષોએ ત્યાંની સ્ત્રીઓ સાથે લગ્ન પણ કર્યાં, વગેરે-વગેરે. આ વ્યવહાર અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો સ્વીકાર એ કક્ષા સુધી પહોંચ્યો કે ભારતમાં જે રીતે ગંગા નદી ધર્મ અને સંસ્કૃતિની દૃષ્ટિએ મહત્ત્વની નદી છે એ જ રીતે કમ્બોડિયામાં મેકાન્ગ નદીની ભૂમિકા છે. મેકાન્ગ નદીનું નામ પણ ‘મા ગંગ નદી’ પરથી પડ્યું હતું એવું ઇતિહાસકાર આર. સી. મજમુદાર પોતાના પુસ્તક ‘કમ્બુજ દેશ’માં નોંધે છે.
ત્રીજી સદીથી લઈને સાતમી સદી અને ત્યાર બાદ નવમી સદી આવતા સુધીમાં તો ફૂ-નાન કે જે હવે કમ્બુજા પ્રદેશ તરીકે મહાશક્તિશાળી સામ્રાજ્ય એવા ‘ખમેર રાજ’ના શાસન હેઠળ આવી ચૂક્યો હતો એ લગભગ-લગભગ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પ્રતિકૃતિ બની ચૂક્યો હતો. એ આખાય પ્રદેશની સામાન્ય પ્રજા જ નહીં પણ ત્યાંના રાજવી સુધ્ધાં પૂર્ણ શ્રદ્ધા અને દૃઢ આસ્થા સાથે હિન્દુ દેવી-દેવતાઓના પૂજક અને અનુયાયી બની ચૂક્યા હતા.

મંદિરનું સ્થાપત્ય બેનમૂન છે, પરંતુ એની જાળવણી નથી થઈ શકી.

હિન્દુ સંસ્કૃતિનું રાજ્ય અને વિસ્તારખમેર સામ્રાજ્યની સીમાઓ ધીરે-ધીરે વિસ્તરતી ગઈ. એક સમય એવો આવ્યો કે જ્યારે યુવાન રાજકુમાર જયવર્દન બીજાએ શૈલેન્દ્ર રાજવંશથી છૂટા પડી પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી દીધી. શૈલેન્દ્ર રાજવંશ એટલે આજના ઇન્ડોનેશિયા અને એ સમયના જાવાના શાસકો. જયવર્દન બીજાએ ઇન્દ્રપુરા નામની પોતાની નવી રાજધાની વસાવી અને પોતાનું શાસન અને પ્રભાવ સ્થાપિત કરવા માટે તેણે ચક્રવર્તિન અને દેવરાજ જેવી ઉપાધિઓ અપનાવી. અહીંથી સાચા અર્થમાં શરૂઆત થઈ ખમેર રાજ્યના હિન્દુવાદી ‘દેવરાજ પંથ’ની. 
૪૫ વર્ષ સુધીના જયવર્દનના શાસન બાદ ખમેરને નવા રાજવી તરીકે મળ્યા તેમના પુત્ર ઇન્દ્રવર્મન પ્રથમ. ૮૭૭ની સાલમાં ઇન્દ્રવર્મને એક માનવસર્જિત તળાવ બનાવડાવ્યું જે ‘ઇસ્ટ બરાય’ તરીકે ઓળખાતું. થોડાં વર્ષો બાદ ઇન્દ્રવર્મનનો પુત્ર યશોવર્મન રાજગાદીએ આરૂઢ થયો અને તેણે ફૂ-નાન અને બાખેંગના મેદાની વિસ્તારમાં પોતાની નવી રાજધાની સ્થાપી યશોધરપુરા, જેને આજે આપણે અંગકોરના નામથી જાણીએ છીએ. 

પર્વત પર શિવ મંદિર

અગિયારમી સદી આવતાં-આવતાં ખમેર વંશના એ સમયના રાજવી સૂર્યવર્મને શાસન વિસ્તારનાં અનેક યુદ્ધો દરમિયાન ડાન્ગરેખ નામનો પર્વત પણ જીતી લીધો અને પોતાના રાજ્યમાં સમાહિત કરી લીધો જેને આજે ચોંગ બુકની પહાડી તરીકે પણ ઓળખાય છે. આ જ ડાન્ગરેખ (ચોન્ગ બુક) પર્વત પર તેમણે એક ભવ્યાતિભવ્ય શિવ મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો. અહીંથી પાયો નખાયો આજે ‘પ્રીહ વીહિયર’ અથવા ‘પ્રિય વિહાર’ તરીકે ઓળખાતા શિવ મંદિરનો.
સૂર્યવર્મન પ્રથમના હસ્તે પ્રીહ વીહિયર મંદિર બન્યું તો સૂર્યવર્મન દ્વિતીયના રાજકાળ દરમિયાન બીજા એક હિન્દુ મંદિરના સ્થાપત્યનું કામ આરંભ થયું અને એ મંદિર એટલે શ્રીહરિ વિષ્ણુને સમર્પિત એવું અંગકોરનું મંદિર જે આજે આખાય વિશ્વનું સૌથી વિશાળ હિન્દુ મંદિર તરીકે સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે.

રાજવી શાસન અને લડાઈ

જેમણે પ્રીહ વીહિયર મંદિર બંધાવડાવ્યું હતું એ મહારાજ સૂર્યવર્મન આજે પણ કમ્બોડિયા ઇતિહાસના સૌથી પ્રતાપી રાજવી તરીકે ઓળખાય છે. તેમના શાસનકાળ દરમિયાન જ ખમેર સામ્રાજ્યનો વિસ્તાર આજના થાઇલૅન્ડ અને લાઓસ સુધી વિસ્તર્યો હતો. અર્થાત કમ્બોડિયા, થાઇલૅન્ડ અને લાઓસ એક જ રાજ્યની સીમામાં આવતા પ્રદેશ હતા.  
શક્તિશાળી ખમેર વંશ, સૂર્યવર્મન સાતમાનો શાસનકાળ આવતાં-આવતાં નબળો પડવા માંડ્યો અને પરિવર્તનની બે ઘટનાઓએ એકસાથે આકાર લીધો. પૂર્વના રાજ્ય ચામ (આજના વિયેટનામ) તરફથી થતા વારંવારના આક્રમણે ખમેરને વધુ નબળું કર્યું અને આ જ સમય દરમિયાન સિયામ (આજના થાઇલૅન્ડ)માં રહેતા સ્થાનિક લોકો ધીરે-ધીરે કમ્બોડિયા તરફ સ્થળાંતર કરવા માંડ્યા.  
આ નબળા સમયનો જબરદસ્ત લાભ ઉઠાવ્યો તાઈ સામ્રાજ્યના શાસકે જે એ સમયે થાઇલૅન્ડના અયુત્થયા પ્રદેશના રાજવી હતા. ૧૩૩૫ અને ૧૩૫૩ બે વાર તેમણે ખમેર સામ્રાજ્ય પર આક્રમણ કર્યું અને ત્યાર બાદ ૧૪૩૧ની સાલમાં થયેલા ત્રીજા આક્રમણે ખમીર વંશની કમર અને રાજગાદી બન્ને તોડી નાખ્યાં. અંગકોર ખમેરના હાથમાંથી ચાલ્યું ગયું. સાથે જ અંગકોરનું વિષ્ણુ મંદિર અને ડાંગરેખ પર્વત પર બનેલું પ્રીહ વીહિયર મંદિર પણ હવે તાઈ સામ્રાજ્યની દેખરેખમાં આવી ગયાં હતાં.

વીસમી સદીમાં પરિવર્તન

અને ત્યાર બાદ ૧૯મી-૨૦મી સદીનો સમય ફરી એક વાર આ પ્રદેશ માટે મોટો ફેરફાર લઈને આવ્યો. સમગ્ર સાઉથ-ઈસ્ટ એશિયા ફ્રાન્સિસી શક્તિઓના આક્રમણ હેઠળ આવી ગયું હતું. એ જ ફ્રાન્સિસી શાસકોએ ૧૯૦૭ની સાલમાં વિશ્વના નકશા પર નવી રેખાઓ અંકિત કરતા અંગકોર ક્ષેત્રને કમ્બોડિયાનો આંતરિક હિસ્સો ગણાવ્યું. પણ થાઇલૅન્ડ કે જે ફ્રાન્સિસી શાસકોની ગુલામીમાં નહોતું એને આ નવો નકશો અને નવી સીમાઓ મંજૂર નહોતી, જેને કારણે બન્ને દેશોની સાથે-સાથે ફ્રાન્સિસી શાસકો અને થાઇલૅન્ડ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો. આખરે ચર્ચા દ્વારા વિવાદનો અંત લાવવાના હેતુથી ફ્રાન્સના શાસકો અને થાઇલૅન્ડ વચ્ચે એક સમજૂતી થઈ, જે ધ ફ્રૅન્કો-સિયામીઝ ટ્રીટી તરીકે મશહૂર છે. આ ટ્રીટીએ કમ્બોડિયા અને થાઇલૅન્ડને ૮૧૭ કિલોમીટરની એક બૉર્ડર દ્વારા વિભાજિત કરી નાખ્યા.
હવે હકીકત એ હતી કે અંગકોર અને પ્રીહ વીહિયરનું મંદિર કમ્બોડિયાના ખમેર સામ્રાજ્ય દ્વારા બનાવાયાં હતાં અને તેમના રાજ્યની સીમામાં હતાં પણ સાથે જ બીજી હકીકત એ પણ હતી કે એ બન્ને મંદિરો અને એ રાજ્ય હવે તાઈ સામ્રાજ્યએ જીતી લીધાં હતાં. આથી નકશા પર ભલે સીમાઓ બની ગઈ અને ટ્રીટી દ્વારા જમીન પર પણ અંકાઈ ગઈ, પરંતુ થાઇલૅન્ડને આ સીમાઓ અને મંદિરનું પોતાના નેજા હેઠળથી ચાલ્યા જવું મજૂર નહોતું કારણ કે કમ્બોડિયા અને થાઇલૅન્ડ બન્ને માટે આ જમીની પ્રદેશ અને મંદિર માત્ર ભૂમિગત રાજનીતિનો વિષય નહોતો, બન્ને દેશોના રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસતનો પણ વિષય હતો.

આઝાદી મળી, પણ વિવાદનું શું?

હવે ૧૯૫૩ની સાલમાં કમ્બોડિયા ફ્રાન્સિસી શાસકોથી આઝાદ થયું. એણે નવા રાષ્ટ્ર તરીકે પોતાના અધિકારો નિર્ધારિત કરવાની શરૂઆત કરી અને ફિરંગી નકશા પ્રમાણે પ્રીહ વીહિયરનું મંદિર તેણે પોતાનું હોવાનો દાવો વધુ મજબૂત કરવા માંડ્યો. ૧૯૫૩થી ૧૯૬૦, આ સાત વર્ષ દરમિયાન જે વિવાદ અને જે મુદ્દો અસંતોષ અને છેતરાયા હોવાની લાગણી સાથે ભીતર સળગી રહ્યો હતો એ ૧૯૬૦ની સાલમાં બન્ને દેશોની ઉપરી સતહ સુધી આવી ગયો અને સામાજિક સંઘર્ષની સાથે-સાથે રાજકીય અને સૈન્ય સંઘર્ષ પણ થવા માંડ્યો. આખરે એક સમય એવો આવી ગયો કે જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટે વચ્ચે પડવું પડ્યું. પણ પરિણામ? પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ બગડી. કારણ? કારણ કે ઇન્ટરનૅશનલ કોર્ટે નિર્ણય કમ્બોડિયાની તરફેણમાં આપ્યો. કહ્યું કે પ્રીહ વિહિયર મંદિર કમ્બોડિયાની સીમામાં આવતું મંદિર જ ગણાવું જોઈએ.
ફરી એક વાર થાઇલૅન્ડને આ મંજૂર નહોતું. વિવાદ એમનો એમ રહ્યો અને વિવાદિત સીમાઓ પણ એમની એમ રહી. વર્તમાન પરિસ્થિતિ એ છે કે દેવાધિદેવ મહાદેવનું એ પ્રીહ વીહિયર મંદિર થાઇલૅન્ડ, કમ્બોડિયા અને લાઓસ એમ ત્રણ દેશો સાથેની વિવાદિત સીમા પર સ્થિત છે. આ વિવાદિત સીમાને આજે આખુંય વિશ્વ ‘એમરલ્ડ ટ્રાયેન્ગલ’ તરીકે ઓળખે છે.

વિવાદ ફરી કઈ રીતે શરૂ થયો?

૨૦૦૮ની સાલમાં જ્યારે યુનેસ્કો દ્વારા મંદિરને હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું ત્યારે ફરી એક વાર વિવાદ વકર્યો. એક તરફ થાઈ સેનાએ મંદિરની આસપાસના વિસ્તારમાં પોતાના સૈનિકો ગોઠવી દીધા તો બીજી તરફ કમ્બોડિયન સેના પણ મુસ્તાક થઈ ગઈ પોતાના હકદાવા સાથે. બન્ને દેશો વચ્ચે નિર્માણ થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સામસામે ગોળીઓ વરસી અને ૨૮ લોકોનો જીવ ગયો.
ત્યાર બાદ ૨૦૧૧ની સાલમાં ફરી એક વાર આ જ મુદ્દે વિવાદ સર્જાયો અને કમ્બોડિયા ફરી એક વાર આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે પહોંચી. કમ્બોડિયાનું કહેવું હતું કે કોર્ટ એ સ્પષ્ટ કરે કે માત્ર મંદિર જ કમ્બોડિયાનું છે કે એની આસપાસની જમીન પણ? કોર્ટે ફરી એક વાર ચુકાદો જાહેર કર્યો અને ફરી એક વાર એ ચુકાદો કમ્બોડિયાના પક્ષમાં જ રહ્યો. પરંતુ આગામી ચુકાદાની માફક જ અધ્યાહાર. કોર્ટે કહ્યું કે મંદિર કમ્બોડિયાની સીમામાં છે પરંતુ એની આસપાસની જમીન વિવાદિત છે, આથી કોઈ નિર્ણય નહીં લઈ શકાય, જેને કારણે ચુકાદો ભલે કમ્બોડિયાના હકમાં આવ્યો હોય પરંતુ હાથ થાઇલૅન્ડનો ઉપર રહ્યો હતો કારણ કે થાઇલૅન્ડ મંદિરની આસપાસની જમીનનો હકદાવો છોડવા કેમેય કરી તૈયાર નહોતું અને આજે પણ નથી.


મેકાન્ગ નદીનું નામ પણ ‘મા ગંગ નદી’ પરથી પડ્યું હતું એવું ઇતિહાસકાર આર. સી. મજમુદાર પોતાના પુસ્તક ‘કમ્બુજ દેશ’માં નોંધે છે

કમ્બોડિયા અને થાઇલૅન્ડ વર્ષોવર્ષથી એક હિન્દુ મંદિર માટે લડી રહ્યા છે એ આપણે જાણ્યું. પરંતુ હમણાં નજીકના ભૂતકાળમાં એવું બન્યું કે ૨૦૨૫ની ૧૩ ફેબ્રુઆરીના કમ્બોડિયાની એક સૈન્ય ટુકડી કેટલીક મહિલાઓ સાથે આ મંદિર પાસે થાઇલૅન્ડની સીમા નજીક પહોંચી અને મંદિરની સામે ઊભા રહી તેમણે કમ્બોડિયન રાષ્ટ્રગીત ‘તા મોઆન થોમ’ ગાવા માંડ્યું! આ જ સમય દરમિયાન થાઇલૅન્ડ સેનાના કેટલાક પૅટ્રોલિંગ કરી રહેલા સૈનિકો ત્યાં પહોંચ્યા. કમ્બોડિયન સેનાને મંદિર સામે રાષ્ટ્રગાન ગાતી જોઈ તેમણે કહ્યું કે કમ્બોડિયાની આ હરકત થાઇલૅન્ડને ઉત્તેજિત કરનારી છે. ૧૭ ફેબ્રુઆરીના થાઇલૅન્ડના ડેપ્યુટી વડા પ્રધાન ફૂમથમ વેચાયચાઈએ મીડિયામાં કહ્યું કે  આ હરકત પછી અમને ડર છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે. નેતાના આવા નિવેદન પછી આખાય થાઇલૅન્ડમાં કમ્બોડિયા વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયાં.
અને ૨૮ મેના આ પ્રીહ વિહિયર મંદિરની જ આસપાસ બન્ને દેશોની સેના વચ્ચે ગોળાબારી શરૂ થઈ ગઈ. અધૂરામાં પૂરું કમ્બોડિયાની સેનાના અધિકારીએ જાહેર કર્યું કે થાઇલૅન્ડની સેનાએ તેમના એક અધિકારીને ગોળી મારી મારી નાખ્યો છે. તો વળી પ્રત્યુત્તરમાં થાઇલૅન્ડે કહ્યું કે કમ્બોડિયા સાથેના તેમના વિવાદિત સીમાક્ષેત્ર પર અમે સેનાની સંખ્યા વધારીશું અને આ પગલું કમ્બોડિયા એની સૈન્ય સંખ્યા વધારી રહ્યું હોવાને કારણે લેવાયું છે. દિવસો સુધી બન્ને દેશોના સૈન્યનો ખડકલો પ્રીહ વિહિયર મંદિરના વિવાદિત સીમા ક્ષેત્ર પર થતો રહ્યો અને ફરી એક વાર આશંકા એવી ઊભી થઈ કે આ પરિસ્થિતિ એક ગંભીર યુદ્ધ તરફ જઈ રહી છે, પણ આખરે બન્ને દેશો વચ્ચે વાટાઘાટો થઈ અને સીમાથી સૈન્ય સંખ્યા ઘટાડવા માટે બન્ને રાજી થયા. તકરાર ટૂંક સમય માટે તો થંભી ગઈ.
પણ વાસ્તવમાં તકરાર થંભી નહીં, ઊલટાનું એ તો વધુ ગંભીર સ્વરૂપ લઈ રહી હતી. થાઇલૅન્ડ સેનાએ આરોપ મૂક્યો કે કમ્બોડિયા વિવાદિત સીમાક્ષેત્રમાં ઍન્ટિ-હ્યુમન માઇન્સ બિછાવી રહ્યું છે જેને કારણે એક થાઇ સૈનિકે તેનો પગ ગુમાવવો પડ્યો. પરિસ્થિતિ વધુ વણસી અને થાઇલૅન્ડે કમ્બોડિયામાં સ્થિત પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા અને કમ્બોડિયાના રાજદૂતને પોતાના દેશમાંથી નિષ્કાસિત કરી દીધા. ફરી એક વાર બન્ને દેશોની સેના સીમા પર એકબીજાની સામે ખડકાઈ ગઈ. આ વખતે પરિસ્થિતિ એવી વણસી કે બન્ને તરફથી ગોળીઓ વરસી અને બૉમ્બ પણ ફેંકાયા. આ તરફ થાઇલૅન્ડે હવાઈ હુમલો કર્યો તો સામે કમ્બોડિયાએ જવાબી હુમલામાં રૉકેટ અને મિસાઇલ્સ છોડ્યાં, જેનું પરિણામ શું આવ્યું? ૩૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને અંદાજે ૨.૬ લાખ લોકો બેઘર થઈ ગયા. 
હાલપૂરતું ફરી એક વાર વિવાદ અને સંઘર્ષ અટક્યા છે. મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં બન્ને દેશોના (થાઇલૅન્ડ અને કમ્બોડિયા) વડા પ્રધાન વચ્ચે મુલાકાત થઈ અને બન્ને દેશના વડાઓ વિના કોઈ શરત સંઘર્ષ વિરામની સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થયા જેમાં વર્લ્ડ બેસ્ટ ફેકોલૉજિસ્ટ ડોનલ્ડ ટ્રમ્પે પણ પોતાનું ટ્રમ્પેટ વગાડ્યું કે આ યુદ્ધ મેં રોકાવડાવ્યું છે, હું બે દેશો વચ્ચેના સંઘર્ષનો અંત લાવ્યો છું.
પણ પ્રશ્ન એ છે કે શું આ સંઘર્ષ વિરામ કાયમી વિરામ છે? સંઘર્ષનો કાયમી અંત છે? કદાચ નહીં. કોર્ટ કહે છે મંદિર કમ્બોડિયાનું છે, પણ જમીન અને સીમા વિસ્તાર કોનાં છે એ સ્પષ્ટ નથી. કમ્બોડિયા કહે છે કે મંદિર અમારી વિરાસત છે અને અમારી સંસ્કૃતિનું ગૌરવ છે. તો થાઇલૅન્ડ કહે છે કે મંદિર અને એની આસપાસનો જમીની વિસ્તાર વર્ષો પહેલાં અમે જીતી લીધો હતો અને આજેય એ બન્ને અમારાં છે. અમારી સમપ્રભુતાનું ગૌરવ અને અમારી સંસ્કૃતિનો અભિન્ન વારસો છે. ભારતથી છેટા છતાં ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા બન્ને દેશો આજે લડી રહ્યા છે. શા માટે? કોના માટે? સનાતન હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના મંદિર અને એની આસપાસના વિસ્તાર માટે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 03:12 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK