એકમાત્ર અનિશ્ચિતતા જ નિશ્ચિત છે!
આખરે તો દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિના આધારે નવું રોકાણ કરવાનો કે વર્તમાન રોકાણ છૂટું કરવાનો નિર્ણય લેવાનો થશે.
હવે આર્થિક વિશ્વયુદ્ધની તૈયારી થઈ રહી છે. કોરોનાને કારણે ચીન સામે ઘણા સંદેહ અને આક્ષેપ થઈ રહ્યા છે. યુએસએ, જર્મની, સ્પેન અને ભારત સહિત વિવિધ દેશો એક યા બીજા પ્રકારે ચીન સામે એક યા બીજી ઍક્શન માટે સજ્જ થઈ રહ્યા છે. ક્રૂડે નવી કથા-વ્યથાનાં દર્શન કરાવ્યાં છે. આમાં શૅરબજાર સામે એક જ માર્ગ દેખાય છે, એ છે અનિશ્ચિતતાનો માર્ગ કેમ કે આર્થિક વિશ્વયુદ્ધમાં બજારો ઘાયલ થવાનાં એ નક્કી છે. ડરના જરૂરી હૈ અને જો ડર ગયા વોહ ઘર ગયા એ બન્ને સૂત્રોને સમજવા પડશે, પરંતુ આખરે તો દરેક વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિના આધારે નવું રોકાણ કરવાનો કે વર્તમાન રોકાણ છૂટું કરવાનો નિર્ણય લેવાનો થશે. આ સમયે તમારો પોર્ટફોલિયો લઈને બેસી જાવ, એકેક સ્ટૉક સામે ખરીદભાવ લખો અને બજારનો વર્તમાન ભાવ લખો. નફો કે નુકસાન દેખાય છે એ જોઈ લો. નફો હોય તો કમસે કમ આંશિક બુક તો કરી જ લો અને ખોટ હોય તો એ પણ બુક કરીને નાણાં ઘરભેગાં કરો. આ ઘરભેગાં કરેલાં નાણાંને હાથ પર (એટલે કે બૅન્ક એફડીમાં રાખી મૂકો) રાખો જેથી બજાર હજી મોટેપાયે નીચે આવે ત્યારે મજબૂત ફન્ડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓના સ્ટૉક્સની નવેસરથી ખરીદીની તક લઈ શકાય.
સ્ટૉક સિલેક્શન અને ક્વૉર્ટરલી પરિણામ
ક્વૉર્ટરલી રિઝલ્ટની મોસમ શરૂ થતાં એક પછી એક કંપનીના માર્ચ ક્વૉર્ટરનાં તેમ જ નાણાકીય વરસનાં પરિણામો જાહેર થવા લાગ્યાં છે. આને પગલે સ્ટૉક સ્પેસિફિક પ્રાઇસ મૂવમેન્ટ પણ ચાલશે. જોકે આ બધી જ મૂવમેન્ટ કામચલાઉ હશે, કારણ કે હજી આગામી ક્વૉર્ટર એટલે કે નવા નાણાકીય વરસના પ્રથમ ક્વૉર્ટરમાં પણ સ્થિતિ વધતે-ઓછે અંશે કંઈ આવી જ હશે. હા, થોડી રિકવરીની આશા જરૂર રાખી શકાય. ગયા સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે ઇન્ફોસિસનાં ક્વૉર્ટરલી પરિણામો જાહેર થયાં હતાં જેણે પ્રમાણમાં બહુ નિરાશા આપી નહોતી. જો કે ગ્લોબલ સંજોગોને ધ્યાનમાં રાખી ઇન્ફોસિસે ગાઇડન્સ આપવાનું ટાળ્યું હતું. વાઇરસ અને ગ્લોબલ સંકેત હજી નબળાઈ બતાવતા રહ્યા હતા. જોકે શૅરબજારમાં આખો દિવસ મૂવમેન્ટ સાધારણ રહેતાં પાંખી વધઘટ જોવાઈ હતી. સેન્સેક્સ વધીને નીચે આવી અંતમાં ૫૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો, જ્યારે નિફટી પાંચ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો.
સોમવારે મોડી સાંજે-રાત્રે વિશ્વબજારમાં ક્રૂડની કારમી દશાને પગલે મંગળવારે શૅરબજાર નેગેટિવ ખૂલવાનું નક્કી થઈ ગયું હતું. સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ અને નિફટી ૨૮૦ પૉઇન્ટ તૂટવાને પગલે માર્કેટ કૅપમાં ત્રણ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું હતું. ક્રૂડની દશા વિશે જાણકારો કહે છે, આમાં હજી ઘણા ખેલાડીઓ ડૂબી શકે છે. ગ્લોબલ મંદી એટલી તીવ્ર બની રહી છે કે બૅન્કોનાં નાણાં ફસાવાની ઘટના પણ વધી શકે છે.
રિલાયન્સ જિયો અને ફેસબુકની ફ્રેન્ડશિપ
બુધવારે બજારમાં મુખ્યત્વે ફેસબુકે રિલાયન્સ જિયોમાં લીધેલા હિસ્સાની ચર્ચા જોરમાં હતી. આને પગલે રિલાયન્સ ઊંચકાયો હતો તેમ જ માર્કેટ સેન્ટિમેન્ટ પણ સુધર્યું હતું. એકલા રિલાયન્સની આગેવાનીના જોરે સેન્સેક્સ નોંધપાત્ર ઊછળીને ૭૪૨ પૉઇન્ટ વધી ગયો હતો અને નિફટી ૨૦૫ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. માર્કેટ કૅપમાં બે લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. જોકે વિશ્વભરમાં પ્રવર્તતી ક્રૂડ, કરન્સી અને કોરોનાની સમસ્યાને પરિણામે કોઈ પણ સુધારો કામચલાઉ જ રહેશે. બીજી બાજુ ક્વૉર્ટરલી પરિણામની પણ બજાર પર અસર ચાલુ રહેશે. ગુરુવારે બજારે ફરી પૉઝિટિવ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. નવું રાહત-પૅકેજ આવવાના સરકારી સંકેત બાદ બજારને સેન્ટિમેન્ટ બૂસ્ટ પ્રાપ્ત થયું હતું. સેન્સેક્સ ૪૮૩ પૉઇન્ટ ઊછળીને ૩૧,૮૦૦ પર બંધ રહ્યો અને નિફટી ૧૨૬ પૉઇન્ટના સુધારા સાથે ૯૩૧૩ બંધ રહ્યો હતો. બજારની નજર સરકાર અર્થતંત્રને વેગ આપવા કેવું પૅકેજ જાહેર કરે છે એના પર હતી જેની આશાએ વધતું બજાર પૅકેજ બાદ પાછું નરમ પડશે એવું ચોક્કસ માની શકાય. માર્કેટ વધવા પર નફાનું બુકિંગ આવ્યા વિના રહેશે નહીં.
ફ્રૅન્કલિન ટેમ્પલ્ટનની ચર્ચા અને ચિંતા
શુક્રવારે બજારમાં સૌથી વધુ ચર્ચા અને ચિંતા ફ્રૅન્કલિન ટેમ્પલ્ટનની હતી. આ ફંડે પોતાની છ ડેટ યોજના એકસાથે બંધ કરી દેતાં રોકાણકારોમાં ભય પ્રસરી ગયો હતો. આ ભય અન્ય મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે પણ વ્યક્ત થવા લાગ્યો હતો, જ્યારે કે આ સમસ્યા મહદ્અંશે ફ્રૅન્કલિન ટેમ્પલ્ટન પૂરતી સીમિત હતી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ગભરાટ અને સંદેહ વધી ગયા હતા. આગામી દિવસોમાં આની વધુ અસર જોવા મળશે. રોકાણકારોની માનસિકતામાં આની શું અસર થાય છે એના પર મોટો આધાર છે. જોકે રોકાણકારોમાં નાનીસરખી પણ શંકા તો ઘર કરી જશે. અલબત્ત, રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડની ડેટ યોજનામાં પણ કેટલું જોખમ લેવું એ વિચારતા થઈ જશે. બજારે આગલા બે દિવસના સુધારા બાદ શુક્રવારે નેગેટિવ ટ્રેન્ડ દર્શાવ્યો હતો જેમાં સેન્સેક્સ ૫૩૫ પૉઇન્ટ માઇનસ થઈ ૩૧,૩૨૭ બંધ રહ્યો અને નિફ્ટી ૧૫૯ પૉઇન્ટ નીચે ઊતરી ૯૧૫૪ બંધ રહ્યો હતો.
આ સપ્તાહમાં કયાં પરિબળો
આ નવા સપ્તાહમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો અભિગમ, સરકારનું સ્ટિમ્યુલસ પૅકેજ, કોવિદ-19ના વધુ સમાચાર, ૪ મેથી લૉકડાઉન ખૂલવાના નજીક આવી રહેલા દિવસોની આશા જેવાં પરિબળોની માર્કેટ પર અસર જોવાશે. બજાર પાસે કોઈ અન્ય ટ્રિગર નથી. સૌથી મોટું ટ્રિગર આ દિવસોમાં ઇકૉનૉમી રિવાઇવલ માટે સરકાર વેપાર-ઉદ્યોગોને કેવી રાહત, સુવિધા, પ્રોત્સાહન આપે છે એ રહેશે. આમાં વિલંબ બજારને વધુ નિરાશ કરી શકે. વીતેલા સપ્તાહમાં લૉકડાઉનના આંશિક ખૂલવાની અસર શરૂ થઈ હતી તેમ જ કેન્દ્ર સરકાર તરફથી હજી રાહત-પૅકેજ જાહેર થયું નહીં હોવાથી એની આશાના જોરે પણ માર્કેટમાં સેન્ટિમેન્ટ આશાવાદી હતું. ક્રૂડની કરુણ કથા-વ્યથા હજી ચાલુ છે. ભારત માટે ક્રૂડના તૂટેલા ભાવ એક ઊંચી તક સમાન છે, પરંતુ ભારત આ તકનો લાભ કેટલો અને કઈ રીતે લે છે એ જોવાનું રહેશે. અત્યારે તો ક્રૂડને લીધે કરન્સી માર્કેટમાં પણ કડાકાનો ભય છે. બીજી બાજુ ચીન સામે વિવિધ દેશોના વિરોધનો સિલસિલો શરૂ થયો હોવાથી વિશ્વની નજર આ વિષય પર પણ રહેશે. આ બધાં કારણોને લીધે અનિશ્ચિતતા વધી શકે, આ ઘટના એક વિશ્વયુદ્ધ નોતરી શકે છે. જો એમ થાય તો જગત સામે નવી કટોકટી ઊભી થાય.
હાલ એકમાત્ર નિશ્ચિતતા અનિશ્ચિતતાની છે
વર્તમાન અનિશ્ચિત સંજોગોમાં રોકાણકારો માટે શૅરબજારમાં માત્ર લાર્જ કૅપ સ્ટૉક્સ જ પસંદ કરી શકાય એવો માહોલ છે, જ્યારે કે મ્યુચ્યુઅલ ફંડ માટે એસઆઇપી પર પસંદગીનો કળશ ચાલુ રહેવાની આશા છે. બજારમાં સત્તર પ્રકારની સાચી-ખોટી વાતો ફરતી રહે છે અને રહેશે. રોકાણકારે એટલે જ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો વધુ મહત્ત્વનો બનશે. બજાર હજી ઘટી શકે છે જેથી ખરીદવું હોય તો રાહ જોવામાં સાર છે. નાણાંની કોઈ જરૂર ન હોય અને હોલ્ડિંગ ક્ષમતા હોય તો સારા ફંડામેન્ટલ્સવાળા શૅર વેચવાની ઉતાવળ કરવી નહીં. મોટા ઘટાડામાં સારા શૅર ભેગા કરી શકાય, પરંતુ અભિગમ માત્ર લાંબા ગાળાનો જ જોઈશે. ટૂંકા ગાળાના સોદા મોંઘા પડી શકે. રોકાણકારોએ એક સત્ય સમજી લેવાની અને યાદ રાખવાની જરૂર છે કે અત્યારે એક માત્ર નિશ્ચિતતા એ અનિશ્ચિતતાની જ છે. વાસ્તે સાવચેતીપૂર્વક જ રોકાણમાં આગળ વધવું સલાહભર્યું રહેશે. કોઈ પણ નિર્ણય પૅનિક, ઇમોશન્સ અને ઉત્સાહમાં લેવાનું ટાળવું જોઈશે.

