જૅપનીઝ રાઇટર કીગો હિગાશિનોની નવલકથા ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ પ્રસિદ્ધ થઈ ત્યારે આ જ મુજબની પેપર ઍડ કરવામાં આવેલી અને એ પછી પણ વકીલો રાખવામાં આવ્યા હતા જેથી કોઈ રીડર કેસ કરે તો પબ્લિશર કે રાઇટરને કોર્ટનાં ચક્કર ન કાપવાં પડે
બુક ટૉક
‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ અને તેના લેખક
‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ માત્ર એક ફિક્શન નૉવેલ નથી, પણ જપાનના લોકો માટે આ નૉવેલ ઘરમાં હોવી એ સ્ટેટસ છે. એક અનુમાન મુજબ જપાનમાં જેટલી ફૅમિલી એટલી આ બુકની નકલો વેચાય છે અને એ પછી અત્યારે, આજે પણ આ નૉવેલ બેસ્ટસેલરમાં અકબંધ રહી છે, જેનું કારણ છે નવી જનરેશન; જે પોતાની કૉપી પોતાની પર્સનલી રાખવા માગે છે. ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ના રાઇટર કીગો હિગાશિનો કંઈ જુદાં જ નસીબ લઈને જન્મેલો રાઇટર છે. ૬પ વર્ષના કીગોએ અત્યારે સુધીમાં ૩પ નૉવેલ લખી છે, જે પાંત્રીસમાંથી વીસ નૉવેલ પરથી ફિલ્મ, વેબ-સિરીઝ કે ટીવી સિરિયલ બની ગઈ છે અને છના ઑલરેડી રાઇટ્સ લઈને કામ ચાલી રહ્યું છે. કીગો માટે કહેવાય છે કે તે વાચકની નાડ પારખવામાં પાવરધા છે અને કીગોને એનાથી આગળ કશું જોઈતું નથી. તેણે અત્યાર સુધીમાં ક્રાઇમ-થ્રિલર જ લખી છે. થોડા સમય પહેલાં પેન્ગ્વિન પબ્લિકેશને જપાનમાં પબ્લિકેશન હાઉસ શરૂ કર્યું ત્યારે કીગોને ક્રાઇમ-થ્રિલર સિવાયની નૉવેલ લખવા માટે કરોડો રૂપિયાની ઑફર કરી પણ કીગોએ એ નકારી કાઢી હતી. કીગો કહે છે, ‘જો તમે કોઈને જકડી ન રાખી શકો તો તમને લખવાનો કોઈ હક નથી. સાચો લેખક એ છે જે પોતાની બુક સાથે એવી ઑફર મૂકે જેને બુક નહીં ગમે એનું પેમેન્ટ પરત કરવામાં આવશે.’
ભૂતકાળમાં કીગો હિગાશિનોએ આવા અખતરા પણ કર્યા છે અને એવું પણ બન્યું છે કે ૧૦ હજાર કૉપીના સેલ પછી એક કે બે વાચક બુક પરત કરવા આવ્યા હોય! આપણે જે બુકની વાત કરીએ છીએ એ ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ માટે તો પબ્લિશરે જપાનના મેઇનસ્ટ્રીમ ન્યુઝપેપરના પહેલા પેજ પર ઍડ આપી હતી કે જો આ બુક વાંચતાં-વાંચતાં તમે તમારી આંગળીઓના નખ ખાઈ જાઓ તો અમારો વાંક ગણાશે નહીં!
ADVERTISEMENT
હા, આ જ પ્રકારની ઍડ આપવા પાછળ જે વિશ્વાસ હતો એનું કારણ હતું કીગો હિગાશિનો. કીગો હિગાશિનો બેસ્ટ રાઇટર તરીકે જપાનમાં થતા અલગ-અલગ વીસથી વધુ અવૉર્ડ ફંક્શનનો સર્વોચ્ચ અવૉર્ડ જીતી ચૂક્યા હતા. કીગો કહે છે, ‘દુનિયાભરમાં જો કોઈ વાત સૌથી વધારે રસપ્રદ હોય તો એ ક્રાઇમ કે મિસ્ટરી છે. એ સિવાયના બધા જોનર સાવ જ વાહિયાત અને ફાલતુ છે. ક્રાઇમ અને મિસ્ટરી ચાર વર્ષ પછી રિપીટ-રીડર લાવે પણ પ્રેમ અને ફિલોસૉફીમાં એ તાકાત નથી.’
લખવાનું એક જ બેઠકે | હાસ્તો અને એની માટે કીગો દુનિયામાં કોઈ પણ છેડે ચાલ્યા જાય અને ત્યાંથી પાછા આવે ત્યારે તેમના હાથમાં ગરમાગરમ ફાફડા જેવી ધમાકેદાર નૉવેલ તૈયાર હોય. કીગો નૉવેલ લખ્યા પછી રીતસર વેકેશન કરે અને એ વેકેશન પણ મહિનાઓ સુધી ચાલે. આ વેકેશનમાં તેમનો નિયમ કે એ કાગળ-પેન તરફ આંખ ઉઠાવીને પણ ન જુએ. એ ભલા અને તેમની પાર્ટીઓ ભલી. રૉયલ્ટી આવી ગઈ એટલે આપણે ભયો ભયો. અફકોર્સ, કીગોને જે રૉયલ્ટી મળે છે એટલી તો આપણે ત્યાં કોઈ ફિક્શન રાઇટરની આખા જીવનની આવક પણ નથી હોતી.
કીગો મૂળ તો એન્જિનિયર અને એન્જિનિયરિંગ જૉબ કરતાં-કરતાં જ તેમણે નૉવેલ લખવાનું શરૂ કર્યું. નૉવેલ લખવા માટે તેમને પહેલી વાર પ્રાઇઝ મળ્યું ત્યારે તેમની ઉંમર હતી ૨૭ વર્ષ અને ૨૭ વર્ષના કીગોએ એ સમયના જપાનના બે હજારથી વધારે સીઝન્ડ લેખકોને પાછળ પાડી દીધા હતા!
જેની અત્યારે આપણે વાત કરીએ છીએ એ ૨૦૦પમાં લખાયેલી ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ બુકની અત્યાર સુધીમાં ચાલીસ લાખથી વધારે કૉપીઓ માત્ર જપાનમાં વેચાઈ છે તો દુનિયાભરની ૧૪ ભાષામાં પ્રસિદ્ધ થયેલી આ નૉવેલની એક કરોડથી પણ વધારે કૉપીઓ વેચાય છે. આ જ નૉવેલ પરથી જપાનમાં ફિલ્મ બની છે, જે સુપરહિટ હતી. એ જ ફિલ્મ અને નૉવેલના રાઇટ્સ લઈને હમણાં હિન્દીમાં પણ ફિલ્મ બની ‘જાને જાં’, જે નેટફ્લિક્સ પર હમણાં જ રિલીઝ થઈ. મજાની વાત સાંભળો, આ ફિલ્મમાં કરીના કપૂરને જે ફી ચૂકવવામાં આવી છે એનાથી વધારે રૉયલ્ટી રાઇટર કીગો હિગાશિનોને ચૂકવવામાં આવે છે.
સ્ટોરી શૉર્ટકટ
‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ એક સસ્પેન્સ-થ્રિલર મર્ડર મિસ્ટરી છે. નૉવેલ તેત્સુયા નામની યુવતીની આસપાસ ફરે છે. પતિના ત્રાસથી કંટાળેલી તેત્સુયા દીકરીને લઈને ઘરમાંથી નીકળી ગઈ છે અને હવે તે ડિવૉર્સ લઈ જુદી રહે છે. એ જ્યાં રહે છે એની બિલકુલ બાજુમાં ઇશિગામી નામનો સ્કૂલ ટીચર રહે છે, જે ગણિતમાં અકલ્પનીય રીતે અવ્વલ છે. કશું ન કરતો તેત્સુયાનો હસબન્ડ એક દિવસ તેત્સુયાના ઘરે આવે છે અને પૈસાની ડિમાન્ડ કરે છે પણ તેત્સુયા પૈસા આપતી નથી. બન્ને વચ્ચે મારામારી થાય છે અને એ મારામારીમાં તેત્સુયા અને દીકરી મિસાટોના હાથે તેનું મોત થઈ જાય છે. આ આખી ઘટના સમયે પાડોશી ઇશિગામી બહારથી બધું સાંભળતો હતો. મનોમન તેત્સુયાને પ્રેમ કરવા માંડેલો ઇશિગામી સામે ચાલીને ઘરમાં આવે છે અને તેત્સુયાને હેલ્પ કરવાની તૈયારી દર્શાવે છે. તેત્સુયા માને છે અને ઇશિગામી પેલાની લાશને રફેદફે કરે છે પણ વાત અહીં પૂરી નથી થતી. વાત અહીંથી જ શરૂ થાય છે અને કાંદાનાં પડની જેમ એક પછી એક નવાં પડ બહાર આવતાં જાય છે. દરેક ચૅપ્ટરમાં પોલીસ ડિટેક્ટિવના હાથ તેત્સુયા સુધી પહોંચતા રહે છે અને તેત્સુયા એમાંથી બચતી જાય છે. એ કેવી રીતે બચે છે, ઇશિગામીની મદદ એને કાયમ રહે છે કે પછી એ ફસકી પડે છે, દીકરી મિસાટોને બચાવવા માટે તેત્સુયાએ કઈ હદ સુધી જવું પડે છે? આ અને આવા અઢળક સવાલોનો જવાબ એટલે ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’.