મિલનકુમારના મનમાં ફરી એક વખત ગુસ્સો ઊભરી આવ્યો, પરંતુ તેણે તરત જ પોતાની જાત પર કાબૂ મેળવતાં કહ્યું, ‘ઠીક છે.’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨૦)
‘હું તને મારી નવી ફિલ્મમાં હિરોઇન તરીકે સાઇન કરી રહ્યો છું.’
પ્રોડ્યુસર મિલનકુમાર શૈલજાને કહી રહ્યો હતો.
શૈલજા માટે આ બધી આશ્ચર્યાઘાતની ક્ષણો હતી. તેના માટે આજનો દિવસ અકલ્પ્ય સરપ્રાઇસિસવાળો રહ્યો હતો.
એક તો સુપરસ્ટાર પૃથ્વીરાજના પિતા અને ઉત્તર પ્રદેશના પાવરફુલ પૉલિટિકલ લીડર પ્રતાપરાજ સિંહે તેની સાથે ફોન પર વાત કરીને તેને ખાતરી આપી હતી કે મુંબઈ પોલીસ શાહનવાઝ વિરુદ્ધ તારી ફરિયાદ આજે ને આજે લઈ લે એ વ્યવસ્થા હું કરુ છું અને એ ખાતરીને આધારે ‘ખબર ઇન્ડિયા’ ટીવી ચૅનલની મૅનેજિંગ ડિરેક્ટર અને ઇલેક્ટ્રૉનિક મીડિયાની સ્ટાર જર્નલિસ્ટ રશ્મિ માથુરે તેનો ઇન્ટરવ્યુ કર્યો હતો.
રશ્મિ માથુરનો ઇન્ટરવ્યુ પત્યા પછી તે બહાર નીકળી એ સાથે તેના પર જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરનો કૉલ આવી ગયો હતો કે તમે તાત્કાલિક પોલીસ-સ્ટેશન આવી જાઓ, અમે તમારી શાહનવાઝ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધી રહ્યા છીએ.
અને તે જુહુ પોલીસ-સ્ટેશન જવા માટે નીકળી, પરંતુ જુહુ પોલીસ-સ્ટેશન પહોંચે એ પહેલાં મિલનકુમાર જેવા પાવરફુલ પ્રોડ્યુસરનો તેના પર કૉલ આવી ગયો હતો કે તું તાત્કાલિક મારી ઑફિસે આવી જા, હું તને મારી નવી ફિલ્મમાં હિરોઇન તરીકે સાઇન કરું છું અને તેને એ ફિલ્મની હિરોઇન તરીકે તગડી રકમના સાઇનિંગ અમાઉન્ટ અને ફીની ઑફર કરી હતી.
શૈલજાને લાગી રહ્યું હતું કે તે જાણે સાતમા આસમાનમાં વિહરી રહી છે. તેને એ સમજાઈ રહ્યું હતું કે મિલનકુમારે...
‘થૅન્ક યુ વેરી મચ સર.’
શૈલજાએ કહ્યું અને તરત જ બીજો સવાલ કર્યો કે ‘આ ફિલ્મમાં હીરો તરીકે કોણ હશે?’
સામાન્ય સંજોગોમાં શૈલજાએ આવો સવાલ કરવાની હિંમત પણ ન કરી હોત, પરંતુ અત્યારે તેને સમજાઈ રહ્યું હતું કે મિલનકુમાર અને શાહનવાઝ અંગત મિત્રો હતા અને બંને બિઝનેસ પાર્ટનર હતા અને પાર્ટનર ઇન ક્રાઇમ પણ હતા.
તે એટલી બેવકૂફ તો નહોતી કે તેને ન સમજાય કે મિલનકુમાર જેવો ખડૂસ અને અહંકારી પ્રોડ્યુસર તેને સામેથી જાતે કૉલ કરીને બોલાવે અને આટલી મોટી રકમ ફી તરીકે ઑફર કરે!
એટલે તેણે એ સવાલ પૂછવાની હિંમત કરી હતી કે આ ફિલ્મમાં હીરો કોણ છે.
મિલનકુમારને મનોમન તો શૈલજા પર કાળ ચડ્યો. તેને એમ થયું કે તે ઊભો થઈને આ છોકરીને એક લાફો ઝીંકી દે. પણ અત્યારે શાહનવાઝે તેના પર જેટલું પ્રેશર આપ્યું હતું એ પ્રેશર પ્રમાણે તેને કોઈ પણ રીતે આ છોકરીને શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ કરતાં રોકવાની હતી.
તેણે જાણે માથા પર બરફ મૂક્યો હોય એટલી ઠંડક જાળવવાની કોશિશ કરતાં કહ્યું કે ‘આ ફિલ્મમાં શાહનવાઝ હીરો છે, જેની સાથે અભિનય કરવાની તક મેળવવા માટે તમામ અભિનેત્રીઓ સપનું જોતી હોય છે.’
શૈલજાને મનોમન તો હસવું આવ્યું. તેને યાદ આવ્યું કે સમય બલવાન નહીં, પુરુષ બલવાન. એટલે કે સમય બળવાન નહીં, માણસ બળવાન હોય છે!
શૈલજા મુંબઈમાં એકલી રહેતી હતી અને તે પણ ઠોકરો ખાઈને ઉસ્તાદ થઈ ગઈ જતી. તેને સમજાયું હતું કે આ અત્યારે મિલનકુમાર તેની તમામ વાત માનવા તૈયાર થઈ જશે. અને મિલનકુમાર માટે પણ ગરજે ગધેડાને બાપ કહેવો પડે એવી જ સ્થિતિ હતી.
એટલે તેણે મિલનકુમારને કહ્યું કે ‘તમે મને હિરોઇન તરીકે લૉન્ચ કરી રહ્યા છો એ માટે થૅન્ક યુ પણ તમનેય ખબર છે અને મનેય ખબર છે કે તમે મને શા માટે સુપરસ્ટાર શાહનવાઝની સામે હિરોઇન તરીકે સાઇન કરી રહ્યા છો. એટલે આ ફી મને ઓછી લાગે છે.’
મિલનકુમારની આંખોમાં એક સેકન્ડ માટે ભયંકર ક્રોધની લાગણી ઊભરી આવી, પરંતુ તરત જ તેને શાહનવાઝના શબ્દો યાદ આવ્યા કે હું મરીશ તો તનેય સાથે લેતો જઈશ એટલે એ સાથે તેણે તરત જ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને ચહેરા પર કૃત્રિમ સ્મિત ફરકાવતાં કહ્યું,
‘મારે તને હિરોઇન તરીકે સાઇન કરવી છે, તું કહે એ રકમ આપવા માટે તૈયાર છું.’
‘પાંચ કરોડ રૂપિયા,’ શૈલજાએ મક્કમ અવાજે કહ્યું.
‘પાંચ કરોડ રૂપિયા!’ મિલનકુમારનો અવાજ લગભગ તરડાઈ ગયો.
શૈલજાએ ચહેરા પર એક હળવું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો તેણે વધુ પૈસા માગ્યા હોત, પરંતુ હું લાલચુ છોકરી નથી એટલે મેં માત્ર આટલા રૂપિયા જ માગ્યા છે.’
તેની વાત માન્યા વિના મિલનકુમાર પાસે બીજો કોઈ છૂટકો જ નહોતો, કારણ કે તેના શાહનવાઝ પર અબજો રૂપિયા દાવ પર લાગેલા હતા અને શાહનવાઝ જેલભેગો થાય એ સાથે તેની કરીઅર ખતમ થઈ જાય અને એ સાથે મિલનકુમારે તેના પર લગાવેલા તમામ પૈસા પણ ડૂબી જાય.
તેણે તત્ક્ષણ નિર્ણય લીધો અને કહ્યું કે ‘મને મંજૂર છે.’
‘થેન્ક યુ, સર,’ શૈલજાએ કહ્યું.
મિલનકુમારે તેની સામે હાથ લંબાવ્યો, ‘કૉન્ગ્રેચ્યુલેશન.’
શૈલજાએ પણ હાથ મિલાવતાં કહ્યું, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ ટુ ઑલ ઑફ અસ!’
મિલનકુમારના મનમાં એક ક્ષણ માટે વિચાર ઝબકી ગયો કે શાહનવાઝ આવી છોકરી સાથે ક્યાં ભેરવાઈ પડ્યો, પણ તેણે હસતા ચહેરે તેની સાથે વાત ચાલુ રાખી. તેણે શૈલજાને સાઇનિંગ અમાઉન્ટનો ચેક આપ્યો.
શૈલજાએ ચેકમાં રકમ જોઈ અને એ ચેક તેના તરફ પાછો સરકાવતાં કહ્યું, ‘સર, આ સાઇનિંગ અમાઉન્ટ બહુ ઓછો છે.’
મિલનકુમાર સમજી ગયો કે આ છોકરી સાથે પનારો પાડવાનું કામ થોડું અઘરું છે.
તેણે એટલું જ પૂછ્યું કે ‘તારા મનમાં કેટલી રકમ છે?’
‘એક કરોડ રૂપિયા.’
મિલનકુમારના મનમાં ફરી એક વખત ગુસ્સો ઊભરી આવ્યો, પરંતુ તેણે તરત જ પોતાની જાત પર કાબૂ મેળવતાં કહ્યું, ‘ઠીક છે.’
તેણે સેક્રેટરીને બોલાવીને સૂચના આપી કે શૈલજા સિંઘલના નામનો એક કરોડ રૂપિયાનો ચેક તૈયાર કરીને લઈ આવો.
સેક્રેટરીએ શૈલજા સિંઘલને પૂછ્યું કે ‘મૅમ તમારો સ્પેલિંગ કહેશો?’
મિલનકુમારે તેના ટેબલ પર પડેલું પૅડ અને પેન શૈલજા તરફ સરકાવ્યાં.
શૈલજાએ પોતાના નામનો સ્પેલિંગ લખ્યો. સેક્રેટરી ગયો અને અકાઉન્ટન્ટ પાસે ચેક લખાવીને પાછો આવ્યો.
તેણે ચેક મિલનકુમારને આપ્યો. મિલનકુમારે પોતાની સાઇન કરી અને ચેક શૈલજા તરફ લંબાવ્યો.
શૈલજાએ હસતા ચહેરે ચેક પોતાના હાથમાં લીધો અને કહ્યું, ‘થૅન્ક યુ વેરી મચ સર. આઇ ઍમ એક્સાઇટેડ ટુ વર્ક વિથ યુ ઍન્ડ શાહનવાઝજી!’
મિલનકુમારના મનમાં તો એવી લાગણી જન્મી કે અહીંથી આ છોકરીને ઊંચકીને મારી ઑફિસની વિન્ડોમાંથી નીચે ફેંકી દઉં કે તેનું ગળું દબાવી દઉં, પરંતુ તેણે હસતા ચહેરે કહ્યું કે ‘તમે શું લેશો?’
શૈલજાએ હસતા ચહેરે કહ્યું, ‘બાકીના ચાર કરોડ રૂપિયા મને ક્યારે મળશે?’
lll
‘રશ્મિનસા’બ, તુમને તો અપન કો હેલ્પ નહીં કિયા લેકિન અપનને રાસ્તા નિકાલ લિયા હૈ. આજ શાહનવાઝ તો ગયા સમઝો! આપને ઔર તો કુછ હેલ્પ નહીં કિયા લેકિન મૈંને પૂરી ઝિંદગી આપ કે લિએ કામ કિયા હૈ. આપકો ઔર વાઘમારેસા’બ કો જો ભી ફાયદા હુઆ ઔર આપ લોગોં કા જો ભી નામ હુઆ ઉસમેં કહી અપુન કા ભી રોલ રહા હૈ, અપુન કી ઇન્ફર્મેશન સે આપ લોગોં કો ભી ફાયદા હુઆ હૈ તો બસ, એક હેલ્પ કરના. મેરે ભાઈ કો પુલીસ ઉઠા લે ઉસકે બાદ ઉસકો કોઈ ઉંગલી ભી નહીં લગાના ચાહિએ. બસ, ઇતના કામ મેરા કર દેના બાકી સબ કામ કાલે કોટવાલોં સે મૈં કામ કરવા લૂંગા, મેરે ભાઈ કો બાહર નિકલવા લૂંગા!’
રહેમાન રશ્મિનને ફોન પર કહી રહ્યો હતો.
‘આપકો જિતના ભી પૈસા ચાહિએ આપ બોલના, મિલ જાએગા પચ્ચીસ લાખ, પચાસ લાખ, એક કરોડ આપ બસ કિતના પૈસા ચાહિએ વો બોલો...’
રહેમાનની જીભ થોથવાઈ રહી હતી. તે રોજ રૉયલ સ્ટૅગનું એક ક્વૉર્ટર પી જતો હતો. ક્યારેક ખુશ હોય ત્યારે બે ક્વૉર્ટર પી જતો હતો, પરંતુ આજે તે ત્રણ ક્વૉર્ટર પી ચૂકયો હતો અને હજી તેનું પીવાનું ચાલુ હતું. માણસ કોઈ પણ પ્રકારના નશામાં હોય ત્યારે તેને ખબર નથી રહેતી કે તે શું બોલી રહ્યો છે અને તેનામાં વધુપડતો આત્મવિશ્વાસ આવી જતો હોય છે.
રહેમાનની વાત સાંભળીને રશ્મિન સડક થઈ ગયો. જોકે તે પણ કાબેલ અને સ્માર્ટ ઑફિસર હતો એટલે તેણે રહેમાન પાસેથી વધુ માહિતી કઢાવવા માટે કોશિશ શરૂ કરી દીધી. તેણે કહ્યું, ‘પહલે મુઝે પૂરી બાત બતાઓ, મૈં દેખતા હૂં ક્યા કર સકતા હૂં.’
તેને ખબર હતી કે રહેમાનના મોબાઇલ ફોનમાં ઑટો કૉલ રેકૉર્ડિંગ ચાલુ હોય તો તે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ શકે એટલે તેણે સાવચેતીપૂર્વક વાત કરી.
રહેમાને કહ્યું, ‘ભાઈ, અપના પ્રસાદ હૈ ના પ્રસાદ, ઉસને અપુન કો વો કમીને શાહનવાઝ કી સુપારી દી હૈ.’
‘પ્રસાદ કે પાસ ઇતના પૈસા કહાં સે આયા?’ રશ્મિને સવાલ કર્યો.
‘અરે ભાઈ છોડો ના સબ. વો અપુન કો યે કામ કે લિએ દસ કરોડ રૂપિયા દેગા ઔર અપના ભાઈ આફતાબ હૈ ના આફતાબ, જિસકે લિએ અપુનને આપકો બોલા થા મેરે દિલ કા ટુકડા હૈ ઉસકો સાલે શાહનવાઝને મારા થા, વો આફતાબ આજ ઉસકા હિસાબ કર લેગા. બસ, આપ ખાલી ઇતના દેખ લેના કિ ઉસે આપ કોઈ છુએ ભી નહીં, પૈસે કી ફિકર મત કરના!’
રશ્મિનને આશ્ચર્ય પણ થઈ રહ્યું હતું અને ઉત્સુકતા પણ હતી કે આ રહેમાન જેવા ખબરીમાં આટલોબધો આત્મવિશ્વાસ ક્યાંથી આવી ગયો! રશ્મિનને બાળપણમાં ટૉમ ઍન્ડ જેરી જોવાનો બહુ શોખ હતો એટલે તેણે જોયું હતું કે ઉંદરડું શરાબના પીપમાં પડી જાય પછી બિલાડાને મારવા માટે એની પાછળ દોડવાની ઘૃષ્ટતા કરે છે. તેને અત્યારે યાદ આવી ગયું.
જોકે અત્યારે મજાકનો સમય નહોતો. વાત બહુ જ સિરિયસ હતી. તેણે રહેમાનને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું.
રહેમાન પણ ફુલ ફૉર્મમાં હતો. તેણે કહી દીધું કે ‘અપને પ્રસાદ કો લખનઉ કે ડૉન રઘુભાઈને બોલા હૈ કિ શાહનવાઝ કો મારને કા હૈ. આજ કે આજ હી. શાહનવાઝ કે ઘર કે બાહર આઇપીએસ વિશાલ સિંહ ખડા હૈ. અગર રઘુભાઈને આજ કે આજ શાહનવાઝ કો નહીં ઉડાયા તો ઉસકો સિંહ ઉડા દેગા ઐસા યુપી કે ચીફ મિનિસ્ટરને સિંહ કો ઑર્ડર દે દિયા હૈ.’
રશ્મિન માટે એક-એક વાક્ય ઉપયોગી હતું. તેને આશ્ચર્યચકિત કરી મૂકે એવી વાતો બહાર આવી રહી હતી.
‘તુઝે માલૂમ હૈ કિ તૂ ક્યા કરને જા રહા હૈ?’ રશ્મિને પૂછ્યું.
‘હા ભાઈ, સબ માલૂમ હૈ અપુન કો!’ રહેમાને કહ્યું.
તેણે કહ્યું, ‘રઘુભાઈને પ્રસાદ કો બોલા હૈ, પ્રસાદને મેરી હેલ્પ માંગી હૈ.’
રહેમાને વાત વધારીને કહી.
‘ઔર પ્રસાદ મેરા પ્યારા દોસ્ત હૈ. હમ લોગ સાથ મેં ખેલ કે બડે હુએ હૈં ઉસકે લિએ મુઝે કરના પડેગા. ક્યૂં કિ રઘુભાઈને અપુન કે સામને પ્રસાદ કો કૉલ કર કે બોલા કિ આજ કે આજ કૈસે ભી કરકે શાહનવાઝ કો ઉડા દે. અગર તુને શાહનવાઝ કો આજ કી આજ નહીં ઉડાયા તો મૈં તેરા મર્ડર કરવા દૂંગા. પ્રસાદ મેરે ભાઈ જૈસા હૈ તો એક ભાઈ કો બચાને કે લિએ અપુન દુસરે ભાઈ કા હેલ્પ લેગા. આફતાબ વહાં સેટ પે હી રહતા હૈ. શાહનવાઝ અભી ફિલ્મસિટી મેં શૂટિંગ કર રહા હૈ. આફતાબ વહીં પે હૈ. ઉસ વક્ત થોડી દેર મેં શાહનવાઝ કા કામ તમામ કર દેગા.’
રશ્મિન સડક થઈ ગયો!
વધુ આવતા શનિવારે...