Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૬

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૬

04 February, 2023 03:38 PM IST | Mumbai
Aashu Patel | feedbackgmd@mid-day.com

પોલીસ-કમિશનર સલીમ શેખ જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કદમને ખખડાવી રહ્યા હતા.

 ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૬

ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૬


‘તમે લોકો શું કરો છો, પોલીસ-સ્ટેશનમાં બેઠા-બેઠા? તમારી પાસે કોઈ રેપની ફરિયાદ નોંધાવવા આવે છે ત્યારે તમે લોકો તેને સરખો જવાબ પણ નથી આપતા અને પોલીસ-સ્ટેશનમાંથી હડધૂત કરીને તગડી મૂકો છો!’
પોલીસ-કમિશનર સલીમ શેખ જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કદમને ખખડાવી રહ્યા હતા.
‘સૉરી સર...’ કદમ અસ્વસ્થ થઈ ગયા. તેમને સમજાયું નહીં કે કમિશનર સર શા માટે ગુસ્સે થઈ ગયા છે.
તેઓ આગળ કશું બોલે એ પહેલાં શેખે કહ્યું, ‘પેલી શૈલજા સિંઘલ નામની મૉડલ ફિલ્મસ્ટાર શાહનવાઝ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવવા આવી હતી. તેની ફરિયાદ તમે લોકોએ લીધી નહીં અને તેનું અપમાન કરીને તેને કાઢી મૂકી!’
હવે કદમને સમજાયું કે વાત શું છે. એ સાથે જ તેને આશ્ચર્ય પણ થયું કે કોઈ મૉડલ માટે કમિશનર સર પોતે કૉલ કરી રહ્યા છે અને એ પણ શાહનવાઝ જેવા ખેપાનીની વિરુદ્ધ ઍક્શન લેવા માટે! પણ તેને ગંભીરતાય સમજાઈ ગઈ.
જોકે તેમને યાદ આવ્યું કે હજી થોડા સમય અગાઉ જ શાહનવાઝ અને કમિશનર સર એક ઇવેન્ટમાં સ્ટેજ પર બાજુબાજુમાં બેઠા હતા અને બંનેએ એકબીજાનાં વખાણ કર્યાં હતાં! તેમને કહેવાનું મન તો થયું કે ‘સર, શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ લખી હોત તો તમારાથી માંડીને મુખ્ય પ્રધાન સુધીનું પ્રેશર આવી ગયું હોત અને કદાચ મારે સસ્પેન્શનનો સામનો પણ કરવો પડ્યો હોત!’ પરંતુ એવું કહેવાનો કારણેય સસ્પેન્ડ થવાની શક્યતા રહેશે એ ડરને કારણે તેમણે એ શબ્દો હોઠો પર ન આવવા દીધા. 
તેમણે આદેશ ઝીલવાના સૂરમાં કહ્યું, ‘સર...’
શેખે કહ્યું, ‘આજે ને આજે તે છોકરીને બોલાવીને તેની શાહનવાઝ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધી લો અને મને રિપોર્ટ કરો.’
 
રશ્મિ માથુરને ઇન્ટરવ્યુ આપી રહેલી શૈલજા સિંઘલનો ચહેરો ગુસ્સાથી અને આક્રોશથી તમતમી ગયો હતો. તેના રૂપાળા ચહેરા પર લાલાશ આવી ગઈ હતી. તે શાહનવાઝ વિરુદ્ધ આક્રોશ ઠાલવતાં પોતાની આપવીતી કહી રહી હતી. તેને ખબર હતી કે તે કૅમેરા સામે જે બોલી રહી હતી એ બધી વાતો થોડા કલાકો પછી કરોડો લોકો સુધી પહોંચી જવાની હતી, પરંતુ હવે તેને કોઈ પરવા નહોતી અને તે તો ઇચ્છતી જ હતી કે શાહનવાઝે પોતાની સાથે શું કર્યું છે એ વિશે લોકોને ખબર પડે. તેને એ પણ અંદાજ હતો કે આ ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી તેના પર કેવું અને કેટલું દબાણ આવશે, પરંતુ હવે તેને કોઈની પડી નહોતી. ‘ખબર ઇન્ડિયા’ ચૅનલ તેની સાથે હતી અને ઉત્તર પ્રદેશના સર્વસત્તાધીશ એવા પ્રતાપરાજ સિંહે કહી દીધું હતું કે ‘તું મારી દીકરી સમાન છે. તારી ફરિયાદ આજે ને આજે મુંબઈ પોલીસ નોંધી લે એની હું વ્યવસ્થા કરું છું.’

આફતો આવે ત્યારે બટૅલ્યનમાં આવતી હોય છે એ રીતે મદદ મળવાની શરૂઆત થાય ત્યારે પણ ચોતરફથી મળવા લાગતી હોય છે એનો અનુભવ તેને થઈ રહ્યો હતો. શૈલજાના ચહેરા પર આક્રોશ હતો અને રશ્મિના ચહેરા પર મલકાટ હતો! તે વચ્ચે-વચ્ચે શૈલજાને સવાલો પૂછતી જતી હતી. તે જે સવાલો પૂછતી હતી એના કારણે શૈલજાનો ઉશ્કેરાટ વધતો હતો અને રશ્મિને એ જ જોઈતું હતું.



રશ્મિ ઘણા સમય પછી કોઈ ઇન્ટરવ્યુ લેવાનો આનંદ માણી રહી હતી. તેણે શૈલજાને સવાલ કર્યો કે ‘આ ઘટના ઘણા સમય પહેલાં બની હતી તો તું અત્યાર સુધી ચૂપ કેમ રહી?’
એ સાથે શૈલજાએ કહ્યું, ‘મેં કોશિશ કરી હતી. મેં મીડિયાની મદદ માગી જોઈ, હું પોલીસ પાસે ગઈ પણ કોઈ મને મદદ કરવા તૈયાર ન થયું...’
શૈલજા બોલી રહી હતી. એ જ વખતે કૅમેરામૅન દિલીપ રાણેએ રશ્મિને ઇશારો કર્યો. રશ્મિએ તેને પ્રતિસાદ ન આપ્યો.
રાણેએ ફરી વખત ઇશારો કર્યો અને પોતાનો મોબાઇલ ફોન તેની સામે ધર્યો. રશ્મિને લાગ્યું કે કશુંક અર્જન્ટ લાગે છે નહીં તો રાણે આ રીતે ન વર્તે. તેણે આંખના ઇશારાથી રાણેને કૅમેરા બંધ કરવા ઇશારો કર્યો અને અને પાછો શૈલજા તરફ હાથથી ઇશારો કરી તેને બોલતાં અટકાવી.
એ સાથે રાણે ‘રશ્મિજી, રશ્મિજી...’ કહેતો તેની નજીક ધસી આવ્યો. તેના અવાજમાં ભારે ઉત્તેજના હતી. તેણે કહ્યું, ‘પૃથ્વીરાજ અને સોફિયાની હત્યાનો પ્રયાસ થયો છે. અને તેમના પર ફાયરિંગ દરમિયાન પૃથ્વીને ગોળી વાગી છે. તેને અત્યારે પનવેલની હૉસ્પિટલમાં દાખલ કર્યો છે!’


રશ્મિ ઝટકા સાથે ઊભી થઈ ગઈ. તેના માટે આ એક મોટા ન્યુઝ હતા, કારણ કે થોડા દિવસો અગાઉ જ ‘ગ્લૅમર વર્લ્ડ’ ફિલ્મ અવૉર્ડ ફંક્શનમાં પૃથ્વીરાજ અને શાહનવાઝ વચ્ચે હજારો લોકોની હાજરીમાં સ્ટેજ પર જ ઝઘડો થયો હતો અને બંનેએ એકબીજાને ફટકાર્યા હતા. તેણે પોતાનો ફોન હાથમાં લીધો. ઇન્ટરવ્યુ લેતી વખતે કે લાઇવ હોય એ વખતે તે ફોન સાઇલન્ટ મોડ પર મૂકી દેતી હતી. તેનો ફોન સાઇલન્ટ મોડ પર હતો. તેણે ફોન જોયો તો એમાં ઘણા મિસ્ડ કૉલ્સ હતા અને કેટલાય વૉટ્સઍપ મેસેજિસ હતા.
તેણે શૈલજાને કહ્યું, ‘પૃથ્વીરાજ પર હુમલો થયો છે.’
રાણાએ કહ્યું, ‘એ વખતે સોફિયા પણ તેની સાથે હતી.’
રશ્મિએ તેને ટપાર્યો : ‘એ તેં ઑલરેડી મને કહ્યું છે!’
રશ્મિએ શૈલજાને કહ્યું, ‘આપણે એક નાનકડો બ્રેક લઈએ. પછી ફરી ઇન્ટરવ્યુ શરૂ કરીએ.’
દરેક ટીવી ન્યુઝ ચૅનલની જેમ ‘ખબર ઇન્ડિયા’ની પણ એક સિસ્ટમ હતી અને રશ્મિને ખબર હતી કે અસાઇનમેન્ટ ડેસ્ક દ્વારા અત્યારે એક ટીમ ઘટનાસ્થળે દોડાવાઈ હશે અને બીજી ટીમને હૉસ્પિટલ તરફ રવાના કરી દેવાઈ હશે એટલે એ વાતનું તેને ટેન્શન નહોતું, પરંતુ એ ઘટનાના રિપોર્ટિંગની સાથે-સાથે પોતાની ચૅનલ અન્ય તમામ ચૅનલ્સથી એક સ્ટેપ આગળ રહે એ માટે તેનું માઇન્ડ ઍક્ટિવ થઈ ગયું હતું. તેણે મોબાઇલ ફોન પર ધડાધડ આદેશ છોડવાનું શરૂ કર્યું. તેણે તેની માનીતી ઍન્કર આહના સરીનને સૂચના આપી કે કઈ રીતે આખી ઘટનાને બહેલાવીને રજૂ કરવાની છે. તેને અત્યારે મોટો મોકો મળ્યો હતો, શાહનવાઝને પાઠ ભણાવવાનો!
 
ડૂબતો માણસ તરણાનો સહારો શોધે એમ શાહનવાઝ હવાતિયાં મારી રહ્યો હતો. તેણે નાછૂટકે હરિભાઉના બૉસ - રાષ્ટ્રહિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ નયનજીને કૉલ કરવો પડ્યો.
સામે છેડે રિંગ વાગી અને તરત જ કૉલ કટ થયો. અને તરત જ એસએમએસ પર મેસેજ આવ્યો: ‘આઇ ઍમ ઇન અ મીટિંગ.’
શાહનવાઝ સમજી ગયો કે કમલનયનજીએ  કૉલ ડિસ્કનેક્ટ કર્યો છે. તેણે ફરી એક વાર કૉલ લગાવી જોયો.
કમલનયનજીએ ફરી વાર કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો!
 
રશ્મિ પોતાની ટીમને સૂચના આપી રહી હતી એ વખતે તેના પર સબ ઇન્સ્પેક્ટર ફ્રેન્ડ રશ્મિનનો કૉલ આવ્યો.
રશ્મિને કહ્યું, ‘તું હંમેશાં ફરિયાદ કરતી હોય છેને કે હું તને બ્રેકિંગ ન્યુઝ નથી આપતો. આજે આપું છું. જે શૂટર્સ પકડાયા છે તેમણે કબૂલ્યું છે કે ‘અમે હૈદરના આદેશથી પૃથ્વીરાજની હત્યાની કોશિશ કરી હતી. પૃથ્વીરાજની હત્યા માટે શાહનવાઝે હૈદરને સુપારી આપી હતી!’ ચલાવ તારી ચૅનલ પર આ બ્રેકિંગ ન્યુઝ!’
રશ્મિ ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, ‘યુ આર માય રિયલ ફ્રેન્ડ. આઇ લવ યુ.’
‘આઇ લવ યુ ટુ!’
રશ્મિને કહ્યું અને પછી તેણે સિનિયર ઇન્સ્પેક્ટર વાઘમારે સામે જોઈને સ્મિત કરતાં કહ્યું, ‘ફેવર કરી દીધી સર!’
 
‘ડૉન હૈદરે સુપરસ્ટાર શાહનવાઝના કહેવાથી નવા સુપરસ્ટાર પૃથ્વીરાજની હત્યાની કોશિશ કરી. શાહનવાઝના અન્ડરવર્લ્ડ કનેક્શન વિશે વિવાદ સરજાયો છે. શાહનવાઝ થોડા દિવસો અગાઉ જ દુબઈમાં ડૉન હૈદરની પાર્ટીમાં હાજરી આપી આવ્યો હતો અને થોડા સમય પહેલાં મુખ્ય પ્રધાન હરિભાઉને ત્યાં લગ્નપ્રસંગે પણ તે હાજર હતો!’
રાષ્ટ્રહિત પાર્ટીના અધ્યક્ષ કમલનયનજી તેમની ચેમ્બરમાં ‘ખબર ઇન્ડિયા’ ટીવી ચૅનલ પર બ્રેકિંગ ન્યુઝ જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો તંગ થઈ ગયો હતો.
એ જ વખતે તેમના પર ફરી વાર શાહનવાઝનો કૉલ આવ્યો. તેમણે કૉલ રિજેક્ટ કરી નાખ્યો!
 
ગરજવાનને અક્કલ નથી હોતી એ કહેવતને સાર્થક કરતાં શાહનવાઝે  ત્રીજી વાર રાષ્ટ્રહિત પાર્ટીના અધ્યક્ષ કમલનયનજીને કૉલ લગાવ્યો.
આ વખતે મોબાઇલ કંપનીનો રેકૉર્ડેડ મેસેજ સંભળાયો : ‘ધ નંબર યુ આર ટ્રાઇંગ ઇઝ નૉટ અવેલેબલ. ટ્રાય અગેન લેટર.’
રઘવાયા બની ગયેલા શાહનવાઝે વૉટ્સઍપ પર મેસેજ મોકલ્યો : ‘સર, કૉલ મી બૅક, પ્લીઝ. ઇટ્સ વેરી અર્જન્ટ.’

 ‘મને તમારી કોઈ પણ શરત મંજૂર છે. બસ, મને કોઈ પણ રીતે આ %$#&@ વિશાલ સિંહથી બચાવી લો, પ્લીઝ...’
ડૉન રઘુ જનસેવા પાર્ટીના નેતા તિવારીને આજીજી કરી રહ્યો હતો.
તિવારીએ જ્યારે તેને કહ્યું કે ‘પ્રતાપરાજે શરત મૂકી છે કે ‘કોઈ પણ હિસાબે રઘુએ શાહનવાઝને મારી નાખવો પડશે, નહીં તો...’ એ વખતે થોડીક ક્ષણો માટે તો તેને પરસેવો વળી ગયો હતો, પરંતુ પછી તેણે ત્વરિત નિર્ણય લીધો હતો. તેણે વિચાર્યું હતું કે શાહનવાઝનું ખૂન કરાવીશ તો હૈદર તો મને ભવિષ્યમાં મારવા માટે સુપારી આપશે, પણ પ્રતાપરાજનો આદેશ હશે તો વિશાલ સિંહ તો અત્યારે જ મારું એન્કાઉન્ટર કરી નાખશે. હમણાં જ કમોતે મરવા કરતાં અત્યારે તો એક વાર મૃત્યુને પાછું ઠેલી દઉં. પછી હૈદર સાથે જે થશે એ જોયું જશે. અને કદાચ પ્રતાપરાજનું છત્ર હોય તો હૈદર ઉત્તર પ્રદેશમાં તેના પર હાથ નાખવાની કોશિશ ન પણ કરે. 
તેણે કહ્યું, ‘મને એક અઠવાડિયાનો સમય આપો. હું સો ટકા કામ કરી દઈશ.’
તિવારીએ કહ્યું, ‘એટલો સમય નથી. સરની શરત છે કે શાહનવાઝને આજે જ ઉડાવવો પડશે!’
‘આજે જ?’ રઘુને વધુ એક આંચકો લાગ્યો.
‘હા, આજે જ.’ તિવારીએ ભારપૂર્વક કહ્યું. 
‘આજે ને આજે તો કઈ રીતે...’ રઘુ મૂંઝાઈ ગયો.
‘સરે કહ્યું છે કે ‘શાહનવાઝ છેલ્લો શ્વાસ લેશે એ સાથે રઘુના બંગલો બહારથી વિશાલ સિંહને પાછો વાળી દઈશ!’ 
‘પણ તમે સમજો તો ખરા! આજે ને આજે કઈ રીતે શક્ય...’ રઘુનો અવાજ કંપી રહ્યો હતો.
 ‘સરે સાફ શબ્દોમાં કહ્યું છે કે આજે કાં તો શાહનવાઝનો જનાજો નીકળશે અથવા તો રઘુના જીવનનો અંત આવી જશે!’
તિવારીએ કહ્યું અને કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો!

વધુ આવતા શનિવારે...


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 03:38 PM IST | Mumbai | Aashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK