Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૯)

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૯)

25 February, 2023 09:07 AM IST | Mumbai
Aashu Patel | feedbackgmd@mid-day.com

‘દસ કરોડ? પાગલ થઈ ગયો છે, તું? દસ કરોડ રૂપિયા આખી જિંદગીમાં ક્યારેય જોયા છે તેં!’ પ્રસાદ બોલી ઊઠ્યો

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૯)

ક્રાઇમ-ગેમ

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૯)


‘મેરા ભાઈ આફતાબ શાહનવાઝ કી ફિલ્મ મેં અસિસ્ટન્ટ ડિરેક્ટર હૈ. કુછ દિન પહલે શાહનવાઝને ઉસકો બહોત બુરી તરહ સે મારા થા. મેરે ભાઈ કો અસ્પતાલ મેં દાખિલ કરના પડા થા. કિતને દિનોં કે બાદ વો ઘર પે આયા. બાદ મેં શાહનવાઝને માફી-વાફી માંગ લી ઔર ઉસકો કુછ પૈસે ભી દિએ લેકિન મૈં વો ભૂલા નહીં હૈ. મૈંને ઉસી વક્ત કસમ ખાઈ થી કી મૈં બદલા લેગા. મેરા ભાઈ આફતાબ ઉસ દિન સે બહોત ડર ગયા થા લેકિન અપુનને ઉસકો સમઝા કે શાહનવાઝ કે સાથ હી રખા હૈ. તાકિ જબ મૌકા મિલે તો ઉસ સે હિસાબ કર સકેં.’
ખબરી રહેમાને લખનઉના ડૉન રઘુના મુંબઈસ્થિત ગુંડા પ્રસાદને કહ્યું હતું.

પ્રસાદને પહેલાં તો લાગ્યું હતું કે રહેમાન ક્યારનો શરાબ પી રહ્યો છે એટલે તેને ચડી ગઈ છે, પરંતુ પછી રહેમાને શાહનવાઝ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો એટલે તેના શરીરમાંથી જાણે વીજળીનો પ્રવાહ વહી ગયો હોય એવી લાગણી તેને થઈ હતી.
તેણે રહેમાનને પૂછ્યું હતું, ‘માલૂમ હૈ તુઝે, શાહનવાઝ તક પહુંચના કિતના મુશ્કિલ હૈ?’
‘અપુન શાહનવાઝ તક એક મિનિટ મેં પહુંચ સકતા હૈ. મેરા ભાઈ આફતાબ શૂટિંગ કે દૌરાન ઉસકે આસપાસ હી હોતા હૈ,’ રહેમાને પૂરી ખાતરી સાથે જવાબ આપ્યો હતો.



રહેમાનની વાત સાંભળીને પ્રસાદ અત્યંત ખુશ થઈ ગયો. તેને માટે તો બગાસું ખાતાં પતાસું મોંમાં આવ્યું હોય એવો ઘાટ થયો હતો, પરંતુ પછી તેને યાદ આવ્યું કે આમાં તો રહેમાન અને આફતાબના જીવનું પણ જોખમ હતું. રહેમાન તેનો બહુ જ જૂનો દોસ્ત હતો અને બંનેએ જીવનનો ખરાબમાં ખરાબ સમય સાથે વિતાવ્યો હતો એટલે એક ક્ષણ માટે તેને થયું કે તેણે પોતાના સ્વાર્થ માટે રહેમાન અને આફતાબના જીવ જોખમમાં ન મૂકવા જોઈએ. તેણે કહ્યું, ‘અરે! આફતાબ શાહનવાઝ કો મારેગા તો પુલીસ ઉસકો પકડ લેગી ઔર વો બહોત લંબા જેલ મેં જા સકતા હૈ ઔર...’


તે રહેમાનને ચેતવવા જતો હતો કે આ બહુ મોટું જોખમ છે. શાહનવાઝનું ખૂન કરનારાને હૈદર છોડશે નહીં, પણ પછી માનવસહજ પ્રકૃતિ પ્રમાણે તેના મગજ પર પોતાના સ્વાર્થનો વિચાર હાવી થઈ ગયો. રહેમાન અને આફતાબ કરતાં તેને પોતાનો જીવ વધુ વહાલો હતો. એટલે તે આગળ બોલતાં અટકી ગયો.
‘સબ માલૂમ હૈ અપુન કો. અપુન સોચ કે હી બોલ રહા હૈ. અપુનને પ્લાન બના કે હી રખા હૈ. લેકિન ક્યા હૈ કિ અપને પાસ ઇતના પૈસા નહીં હૈ કિ વો કાલે કોટવાલોં કો દે સકે. તૂ અચ્છા પૈસા દિલવા દે અપુન તેરા કામ કર સકતા હૈ.’

પછી તેણે પોતાના મનમાં જે પ્લાનિંગ હતું એ પ્રસાદને કહ્યું, ‘શાહનવાઝને મેરે ભાઈ કો મારા થા વો બાત પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કો માલૂમ હૈ ઔર ઉસને આફતાબ પર હમલા કિયા થા વો બાત તો પૂરે દેશ કે અખબારોં મેં ઔર ટીવી ચૅનલ્સ મેં ફૈલ ગયી થી. તો અબ મેરે કહને સે મેરા ભાઈ સેટ પે શાહનવાઝ કો ગુસ્સા આયે ઐસી કોઈ હરકત કરેગા. શાહનવાઝ કિતના ગુસ્સેવાલા હૈ ઔર કભી ભી કિસી પે ભી હાથ ઉઠાતા હૈ વો સબકો માલૂમ હૈ. મેરા ભાઈ ઉસ કો ઇરિટેટ કરેગા તો શાહનવાઝ ઉસપે અટૅક કરેગા ઔર મેરા ભાઈ ઉસ વક્ત ઉસકા કામ તમામ કર દેગા!’
તેની વાત સાંભળીને પ્રસાદ થોડી ક્ષણો માટે તેની સામે જોતો જ રહી ગયો. રહેમાન તેનો જૂનો દોસ્ત હતો અને તેને તેના માટે પ્રેમ હતો, પણ તેનામાં આટલી બુદ્ધિ હશે એવું તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું!


પ્રસાદને તો જાણે લૉટરી લાગી ગઈ હતી. રઘુનો કૉલ આવ્યો પછી તે વિચારી-વિચારીને પાગલ થઈ ગયો હતો કે શાહનવાઝને કઈ રીતે ઉડાવવો અને એ પણ આજે ને આજે. એને બદલે તેના માટે રહેમાન જાણે જૅકપૉટ બનીને આવ્યો હતો. તેના મનમાં રહેમાન માટે લાગણી ઊભરાઈ આવી. તેને થયું કે તેણે વર્ષો સુધી રહેમાનને દારૂ પીવડાવ્યો છે એ એકઝાટકે વસૂલ થઈ જશે!
છતાં તેની અંદરના મિત્રએ એક વખત રહેમાનને ચેતવણી આપવા માટે પ્રેર્યો. તેણે ફરી એક વાર રહેમાનને કહ્યું, ‘એક બાર ફિર સે સોચ લે, ઇસમેં તેરે ભાઈ કે લિએ ભી ખતરા હૈ.’
‘નહીં નહીં, ઉસકી ફિકર તૂ મત કર, વો મુઝ પે છોડ દે. મેરે ભાઈ કો મૈં સંભાલ લેગા, અપને કાલે કોટવાલે અચ્છે અચ્છે લોગ કો મૈં પહચાનતા હૂં ઔર સા’બ લોગ ભી મેરી હેલ્પ કરેગા. એક બાર શાહનવાઝ ગયા તો સમઝો આધી સે ઝ્યાદા ઇન્ડસ્ટ્રી ભી મેરે ભાઈ કે સપોર્ટ મેં આ જાએગી.’
રહેમાન ખબરી હતો, પણ તેણે કોઈ શાતિર અપરાધીની જેમ કહ્યું.

‘લેકિન તેરા ભાઈ ઉસકો મારેગા કૈસે?’ હવે પ્રસાદનું ખેપાની દિમાગ કામે લાગી ગયું હતું.
‘વો તુમ અપુન પે છોડ દો ના. ઉસકે કઈ રાસ્તે હૈં! મેરે ભાઈને જિમ-વિમ મેં જા કે બૉડીશોડી બનાયા હૈ. ઉસકી હાઇટ ભી શાહનવાઝ સે ઝ્યાદા હૈ ઔર વૅનિટી વૅન મેં શાહનવાઝ ઔર વો અકેલે હોંગે. આફતાબ કો ભી બહોત ગુસ્સા હૈ. ઉસ વક્ત અપુન ને ઉસકો સમઝાયા થા કિ અભી કુછ નહીં કરને કા, ઉસકે સામને હમ બહોત છોટે લોગ હૈં. ગુસ્સા તો મુઝે ભી બહોત આયા થા. મૈંને રશ્મિનસા’બ કો બોલા થા કિ ઉસકો એન્કાઉન્ટર મેં ઉડા દો. લેકિન વો લોગ કહાં અપની બાત સૂનનેવાલે થે. તો અબ યે મૌકા હૈ. આપ કા ભી કામ હો જાએગા, મેરા ભી કામ હો જાએગા,’ રહેમાને કહ્યું.
lll

‘રઘુભાઈ, કામ હો જાએગા. આજ કે આજ હી.’ 
પ્રસાદ ફોન પર કહી રહ્યો હતો.
‘વાહ, પ્રસાદ. મુઝે તુમ પે પૂરા ભરોસા થા.’ રઘુએ રાહતનો શ્વાસ લેતાં કહ્યું. બહાર આઇપીએસ વિશાલ સિંહ તેના બંગલોને ઘેરીને ઊભો હતો અને તેણે ટેરેસ પર ડોકિયું કરવા ગયેલા તેના એક માણસને ગોળી મારી દીધી હતી. તે બહાવરો બની ગયો હતો. એવી સ્થિતિમાં તેના માટે આ સમાચાર ખારા રણમાં મીઠી વીરડી સમાન હતા. 
પ્રસાદના હોઠ સુધી શબ્દો આવી ગયા કે તમને મારા પર પૂરો ભરોસો હતો તો તમે એવી ધમકી આપવા સુધી શા માટે ગયા હતા કે તું આજે ને આજે શાહનવાઝનું ખૂન નહીં કરાવે તો હું તારું ખૂન કરાવી નાખીશ! 
પરંતુ તે ચૂપ રહ્યો.

અત્યારે લાંબું જોખમ ઉઠાવ્યા વિના તેને મોટી કમાણીની તક લાગી હતી. તેને ખબર હતી કે શાહનવાઝનું ખૂન કરાવવા માટે તેણે સુપારી આપી હતી એ સાબિત થઈ શકે છે અને એવું સાબિત થાય તો તે જેલભેગો પણ થઈ શકે છે. પણ તેને ખબર હતી કે આ દેશમાં પૈસા હોય તો ગમે એવો ગુનો કરીને છટકવાનું આસાન થઈ શકે છે અથવા વકીલો સજા ઓછી તો કરાવી જ શકે છે. જે દેશના વકીલો સેંકડો લોકોને ઠંડે કલેજે મારી નાખનારા આતંકવાદી અજમલ કસબને બચાવવા માટે રાતના ત્રણ વાગ્યે સુપ્રીમ કોર્ટ ખોલાવી શકતા હોય તો એની સામે આ અપરાધ તો કશી વિસાતમાં નહોતો!
રઘુએ કહ્યું, ‘જલ્દી કામ નિપટા કે મુઝે ન્યુઝ દે!’ 

lll આ પણ વાંચો: સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૮

‘હું તારું કામ કરી દઈશ, પણ તારે મને દસ કરોડ રૂપિયા અપાવવા પડશે.’ 
રહેમાન પ્રસાદને કહી રહ્યો હતો.
‘દસ કરોડ? પાગલ થઈ ગયો છે, તું? દસ કરોડ રૂપિયા આખી જિંદગીમાં ક્યારેય જોયા છે તેં!’ પ્રસાદ બોલી ઊઠ્યો.
‘મને ખબર જ છે કે મારે ને મારા ભાઈએ કેટલું મોટું જોખમ ઉઠાવવાનું છે. અને મારી સાથે કે મારા ભાઈ સાથે કંઈ પણ થઈ શકે છે! તેં જ તો કહ્યું છે,’ રહેમાને જવાબ આપ્યો.
‘ઠીક છે. હું ભાઈ સાથે વાત કરું છું પણ મને નથી લાગતું કે આટલા રૂપિયા રઘુભાઈ આપે.’ 
પ્રસાદે કહ્યું અને પછી તેણે ઉમેર્યું કે ‘તું પીવાનું ચાલુ રાખ. હું રઘુભાઈને સમજાવવાની કોશિશ કરું છું.’
lll

રઘુનો કૉલ બિઝી આવતો હતો એટલે તેણે રઘુના રાઇટ હૅન્ડ સમા પ્રકાશને કૉલ કર્યો.
પ્રકાશે કૉલ રિસીવ કર્યો એ સાથે જ પ્રસાદે કહ્યું, ‘રઘુભાઈ સે બાત કરા દે, પ્રકાશ. એકદમ અર્જન્ટ હૈ!’
એ વખતે રઘુ તિવારી સાથે વાત કરી રહ્યો હતો એટલે પ્રકાશે રઘુની સામે મોબાઇલ ફોન ધર્યો. રઘુએ જોયું કે મુંબઈથી પ્રસાદનો કૉલ આવી રહ્યો છે. તેણે પ્રકાશને હાથથી ઇશારો કર્યો કે તેને કૉલ ચાલુ રાખવા કહે.
તેણે દોઢ મિનિટ સુધી તિવારી સાથે વાત કરી. પછી પ્રકાશના હાથમાંથી ફોન લીધો.
‘હાં બોલ, પ્રસાદ,’ તેણે કહ્યું.

‘ભાઈ બધી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે,’ પ્રસાદે કહ્યું.
‘પચીસ કરોડ રૂપિયા?’
રઘુને આંચકો લાગ્યો. 
‘હાં ભાઈ, કોઈ કામ કરને કો રેડી નહીં હૈ. એક આદમી કો મુશ્કિલ સે તૈયાર કિયા હૈ વો બોલ રહા હૈ મૈં ઇતના રિસ્ક ઉઠા રહા હૂં તો પચીસ કરોડ રૂપિયા લૂંગા. વો તો ઝ્યાદા બોલ રહા થા. મૈં મુશ્કિલ સે પચીસ કરોડ તક લાયા.’
રઘુ પાસે વધુ વિચારવાનો સમય નહોતો. તેની જિંદગી દાવ પર લાગેલી હતી અને વિશાલ સિંહ તેને એન્કાઉન્ટરમાં ઉડાવી દે તો તેના અબજો રૂપિયા એમ ને એમ રહી જવાના હતા અને તેણે બધું છોડીને મરી જવું પડે એમ હતું!
તેણે કહ્યું, ‘ઠીક છે, પૈસાની વ્યવસ્થા થઈ જશે. ક્યાં મોકલવાના છે, કોને મોકલવાના છે?’

lll આ પણ વાંચો:  ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૭)

‘તું પોલીસ-ઑફિસર ન બન્યો હોત તો કદાચ સાહિત્ય ક્ષેત્રે ગયો હોત એવું મેં કહ્યું હતું પણ એ ખોટું હતું. તું પોલીસમૅન ન બન્યો હોત તો અન્ડરવર્લ્ડમાં જ ગયો હોત!’
સિનિયર ઇન્સ્પેક્ટર વાઘમારે રશ્મિનને કહી રહ્યા હતા.
રશ્મિને કહ્યું, ‘સર, મેં તો પત્રકારત્વ કરવાની કોશિશ પણ કરી જોઈ હતી. હું કૉલેજમાં ભણતો હતો ત્યારે મારી ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે મેં એક મૅગેઝિનમાં કૉલેજિયન પ્રેમીઓ પર રિપોર્ટ તૈયાર કર્યો હતો અને એ રિપોર્ટનું હેડિંગ આપ્યું હતું : ‘શરદી ખાંસી ન મલેરિયા હુઆ, લવેરિયા હુઆ!’
વાઘમારેએ કહ્યું, ‘હા, મને ખબર છે. એ મૅગેઝિનના તંત્રી પણ તારા મોટા ભાઈ જેવા જ મિત્ર હતા. તું ભૂલી ગયો કે તેં જ મને મેળવ્યો હતો તેમની સાથે. એ મૅગેઝિનના તંત્રી, પ્રકાશક, મુદ્રક, વિતરક, અને વાચક તેઓ પોતે જ હતા!’

રશ્મિન સહેજ દુભાઈ ગયો. તેણે કહ્યું, ‘સર, સાવ એવું નહોતું. એમ તો એ મૅગેઝિનના ઘણા વાચકો હતા...’
વાઘમારેએ કહ્યું, ‘સૉરી. તેમને એક માત્ર વાચક ગણાવવામાં મારી ભૂલ થઈ ગઈ. એ મૅગેઝિનનો એક વાચક તું પણ હતો!’
રશ્મિન કશુંક બોલવા જતો હતો, પણ એ જ વખતે તેના મોબાઇલ ફોનની રિંગ વાગી. કૉલ કરનારાનું નામ જોઈને તેણે ઉતાવળે કોલ રિસીવ કરી લીધો. સામે છેડેથી કોઈએ તેને કશુંક કહ્યું. એ સાથે જ તેનો ચહેરો તંગ થઈ ગયો અને તેની મૂછોને વળ દઈ રહેલી આંગળીઓ સ્થિર થઈ ગઈ!

વધુ આવતા શનિવારે 

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2023 09:07 AM IST | Mumbai | Aashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK