ગુજરાતના ગાલિબ મરીઝનો આ ચોટદાર શેર પ્રેમીઓના જીવનની વાસ્તવિકતા છતી કરે છે.

આશા ભોસલે અને ઓ.પી.નૈયર ફિલ્મ ‘સંબંધ’ના ગીતના રેકૉર્ડિંગ સમયે.
એક પળ એના વિના ચાલતું
નહોતું ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી
ચાલી ગઈ
ગુજરાતના ગાલિબ મરીઝનો આ ચોટદાર શેર પ્રેમીઓના જીવનની વાસ્તવિકતા છતી કરે છે. પ્રિય વ્યક્તિના સતત સાંનિધ્ય બાદ જ્યારે હંમેશ માટે અલગ રહેવાનું થાય ત્યારે આ પ્રશ્ન થાય જ. જોકે સાથે ગાળેલી ક્ષણોની લીલીછમ સ્મૃતિઓ તમારી પાસેથી કોઈ છીનવી ન શકે. વર્તમાનની કડવી હકીકતો સામે ભૂતકાળની સુખદ યાદો ઢાલ બનીને આપણને જીવતાં રાખે છે.
ભેખડ નીચેથી વહેતો પાણીનો ઝરો ઉનાળામાં ભલે સુકાઈ જાય, પરંતુ ત્યાં થોડીઘણી ભીનાશ તો ચોક્કસ રહી ગઈ હોય છે. પથારીમાં સૂતા બાદ ઊઠીએ ત્યારે એમાં પડેલા સળની જેમ સ્મૃતિઓ કદી આપણો સાથ છોડતી નથી. ૧૯૯૯માં ઓ. પી. નૈયર ગૌરવ ગ્રંથ સમિતિ માટે વિશ્વાસ નેરૂરકરને આશા ભોસલેએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જીવનને ભરપૂર જીવી લીધું હોય છતાં જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાય જે ત્યારે જે ક્ષણોની યાદ આવે એ તાજી કરતાં આશા ભોસલે કહે છે, ‘સૌપ્રથમ ઓ. પી. નૈયરે મને ૧૯૫૨માં ફિલ્મ ‘છમ છમા છમ’ માટે બોલાવી હતી. રિહર્સલ કર્યા બાદ ગીત સાંભળી મને કહે ‘પાસ’. એ ફિલ્મમાં મેં આઠ ગીતો ગાયાં. ત્યાર પછીની તેમની બે ફિલ્મો માટે મને ન બોલાવી. ત્યાર બાદ ‘મંગુ’માં ત્રણ ગીતો ગાયાં.
તેઓ પોતે ખૂબ સારા ગાયક હતા. હાર્મોનિયમ સાથે ગાય ત્યારે ખબર પડે કે તેઓ કે. એલ. સૈગલની ગાયકીથી ખૂબ પ્રભાવિત હતા. મને હંમેશાં નીચા સ્વરમાં જ ગાવાનું કહેતા, જ્યારે બીજા સંગીતકારો મને ઊંચા સ્વરમાં ગાવાનો આગ્રહ રાખતા.
તેમનું ઉર્દૂ ભાષાનું જ્ઞાન સારું હતું એટલે ઉચ્ચારણ બાબત તે ખૂબ જ ચોક્કસ હતા. ધારો કે કોઈ ગીતમાં ‘જબ જબ’ હોય એ અમે એક જ રીતે ગાતા પરંતુ નૈયરસા’બ એ ‘જબ જબ’ અલગ રીતે ગવડાવતા. એના કારણે બીજા સંગીતકારો પાસે હું આ રીતે કોઈ એક જ શબ્દનો અલગ-અલગ રીતે ઉચ્ચાર કરતી તો ગરબડ થતી.
ફિલ્મ ‘મુસાફિરખાના’માં એક ગીત હતું ‘ઝરા સી બાત કયા હુઝૂરને અફસાના કર દિયા’. નૈયરસાબ ‘ઝરા.. સી બાત’ (ઝરા પછી થોડું લંબાવીને) ગાવાનું કહેતા. સી. રામચંદ્રને આ પસંદ નહોતું. એ કહેતા કે આ રીતે શબ્દોને લંબાવવા એ સારું નથી. એને મુક્તપણે વહેવા દો. આમ મારા માટે અલગ અલગ સંગીતકારો સાથે કામ કરવું એ મોટો પડકાર હતો.
તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું. એ સમયના સંગીતકારોની ખાસિયત હતી કે તેઓ જેમ કહે એમ જ ગાવાનું. પરંતુ નૈયરસા’બ ઘણી વાર મને કહેતા કે આ ગીતમાં તારે થોડું ઇમ્પ્રોવાઇઝ કરવું હોય, ક્યાંક આલાપ લેવો હોય કે નાની હરકત કરવી હોય તો તને છૂટ છે.
પોતે ઉર્દૂ શેરો–શાયરીમાં માહિર હોવાથી ગીતકારો સાથેની બેઠકમાં જરૂરી સુધારાવધારા કરીને ગીતોને ઑર સુંદર બનાવતા. ગીતની ધૂન બનાવતી વખતે પહેલાં ગીતના મૂડને હાર્મોનિયમ પર આત્મસાત કરી લેતા. એ સમયે કોઈ મહત્ત્વના શબ્દ પર ઓછુંવત્તું વજન આવતું હોય તો ધૂનમાં ફેરફાર કરતા, શબ્દમાં નહીં. તેમને મન શબ્દનું મહત્ત્વ ઓછું નહોતું.
મને અને રફીસા’બને હંમેશાં એવું લાગતું કે જે પ્રમાણે તેમણે ગીતને સ્વરબદ્ધ કર્યું છે, જે અદાયગી સાથે એ ગીત રજૂ થવું જોઈએ, એમાંનું સો ટકા નહીં પણ ૯૦ ટકા જ અમે ગાઈ શકતાં; કારણ કે તેમણે જે રંગ એ ગીતમાં ભર્યા હોય એનું જ આબેહૂબ સ્વરચિત્ર ઉત્પન્ન કરવું એ અમારા માટે શક્ય નહોતું.
તેમની ધૂનોની એક ચોક્કસ ઓળખ હતી. સાંભળતાં જ તમે કહી શકો કે આ ઓ. પી. નૈયરની ધૂન છે. ખૂબ જ ઓછા સમયમાં ધૂન બનાવતાં મેં તેમને જોયા છે. આ એક કુદરતી બક્ષિસ હતી અને એ પણ એવી વ્યક્તિને જેની પાસે સંગીતની કોઈ તાલીમ નહોતી.
રેકૉર્ડિંગ સમયે તે એકદમ સ્વસ્થ હોય. અમુક સંગીતકારો ટેન્શનમાં હોય છે. તેમના સહાયક સેબેસ્ટિયન, બાબુસિંહ, ધીરજ કુમાર અને રિધમ અરેન્જર જી. એસ. કોહલી, (જેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે યાદગાર ગીતો આપ્યાં) દરેક સાથે સલાહ-સૂચનો અને વાર્તાલાપ કરતાં જાય. ફટાફટ કામ કરે. જો કોઈ મ્યુઝિશ્યન ટેક વખતે સુંદર વગાડે તો ખુશ થઈને ૧૦૦ રૂપિયા ઇનામમાં આપે. એક વખત ગીત તૈયાર થઈ જાય એટલે બે–ત્રણ રિહર્સલ કરી ફાઇનલ ટેક લેતા. ઘણી વાર તો પહેલા જ ટેકમાં ગીત ઓકે કરે. અમે કહીએ કે મજા નથી આવી, ફરી વાર ટેક લઈએ તો કહેતા, ‘મેં રેકૉર્ડિંગ સાંભળ્યું છે. Everything is fine. પૅકઅપ કરો’. મોટા ભાગે ચાર કલાકની શિફ્ટમાં જ ગીત રેકૉર્ડ થઈ જતું.’
આશાતાઈનો ઇન્ટરવ્યુ અહીં થોડો સમય રોકીને ઓ. પી. નૈયરના સ્વભાવના એક મહત્ત્વના પાસાની વાત કરવી છે. એ દિવસોમાં રેકૉર્ડિંગ પૂરું થયા બાદ મ્યુઝિશ્યન્સને પેમેન્ટ માટે નિર્માતાની ઑફિસે ધક્કા ખાવા પડતા. અમુક સમયે મહેનતાણા રૂપે જે પૈસા નક્કી થયા હોય એમાં પણ કાટછાટ થતી. ઓ. પી. નૈયરના રેકૉર્ડિંગમાં આવું નહોતું થતું. જેવું રેકૉર્ડિંગ પૂરું થાય એટલે ત્યાંને ત્યાં જ પૂરા પૈસા મ્યુઝિશ્યન્સને મળવા જોઈએ એવો તેમનો આગ્રહ હતો. ત્યાર બાદ પૂરી ઇન્ડસ્ટ્રીમાં આ સિસ્ટમ શરૂ થઈ.
ઓ. પી. નૈયરની દિલદારીના અનેક કિસ્સાઓ છે. વિખ્યાત અરેન્જર કેરસી લૉર્ડ મારી સાથેની વાતચીતમાં કહે છે. ‘એક દિવસ મેં નૈયરસા’બના હાથમાં વિખ્યાત વિદેશી બ્રૅન્ડની ઘડિયાળ જોઈ. મેં પૂછ્યું, ‘વાહ, રોલેક્સ લાગે છે. આ તો દુનિયાની નંબર વન છે.’ એમ કહીને એમનું કાંડું પકડીને હું ઘડિયાળ જોવા લાગ્યો તો તરત ઘડિયાળ કાઢીને મારા હાથમાં આપતાં કહે, ‘યે તેરે હાથ મેં ઝ્યાદા અચ્છી લગેગી.’ મેં ના પાડી એમ છતાં તેમણે પરાણે એ ઘડિયાળ મને આપી દીધી.’
ઓ. પી. નૈયરની યાદોનું સમાપન કરતાં આશાતાઈ એ ઇન્ટરવ્યુમાં આગળ કહે છે, ‘મને તેમના ફાસ્ટ અને મેલોડિયસ, બંને પ્રકારનાં ગીતો ગમે છે. જોકે શાસ્ત્રીય રાગો પર આધારિત ગવાયેલાં ‘જાદુગર સાંવરિયા’ (ઢાકે કી મલમલ), ‘રાતોં કો ચોરી ચોરી બોલે મેરા કંગના’ (મોહબ્બત ઝિંદગી હૈ), ‘યહી વો જગહ હૈ’ (યે રાત ફિર ના આએગી) અને ‘અકેલી હૂં મૈં પિયા આ’ (સંબંધ) વિશેષ પસંદ છે.
૧૯૫૭નો એક કિસ્સો યાદ આવે છે. કયું ગીત હતું એ ભૂલી ગઈ છું. વારંવાર રિહર્સલ કર્યા બાદ વાત બનતી નહોતી. ઘણા પ્રયત્નો બાદ અમને, ખાસ કરીને મને સંતોષ નહોતો થતો. હું ઉદાસ હતી. મને થયું કે હવે બીજી વાર તેમની સાથે કામ કરવાનો મોકો નહીં મળે. પણ તેમણે હિંમત આપતાં કહ્યું, ‘તું કમાલની ગાયિકા છો. તારા જેવી બીજી કોઈ ગાયિકા નથી. વર્ષો સુધી તારી ગાયકીને આંચ નહીં આવે.’ તેમના આ શબ્દોએ મારામાં નવો ઉત્સાહ સીંચ્યો. મારો આત્મવિશ્વાસ વધ્યો. મારા મુશ્કેલ સમયમાં તેમણે હંમેશાં મને પ્રેરણા આપી છે.
તેમને જ્યોતિષશાસ્ત્રનું સારું જ્ઞાન છે. તેમના થકી હું નામાંકિત ઍસ્ટ્રોલૉજર્સના સંપર્કમાં આવી છું. વર્ષો પહેલાં તેમની એક બીમારી માટે સંગીતકાર સુધીર ફડકેની ભલામણથી અમે પ્રખ્યાત હોમિયોપૅથ ડૉક્ટર એસ. આર. પાઠક પાસે ગયા. તેમની દવાથી તેમને ઘણી રાહત મળી. એ દિવસથી તેમને હોમિયોપથીમાં રસ પડ્યો અને સમય જતાં એમાં નિષ્ણાત બન્યા.
મારી ૫૦ વર્ષની કારકિર્દીમાં મેં ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે પણ ઓ. પી. નૈયરના સંગીતમાં જે તાજગી હતી એ ભાગ્યે જ કોઈનામાં જોઈ છે. તેમના સંગીતે હિન્દી ફિલ્મસંગીતમાં નવી ક્રાંતિ પેદા કરી, જેનું અનુકરણ પાછળથી અનેક સંગીતકારોએ કર્યું.’
આ હતી આશા ભોસલેની ઓ. પી. નૈયર માટેની વર્ષોથી ધરબાયેલી અંતરની વાતો. વર્ષો બાદ જૂનું પુસ્તક ખોલતાં પ્રિય વ્યક્તિએ આપેલું ગુલાબનું ફૂલ ચીમળાયેલી હાલતમાં મળી આવે ત્યારે આંગળીઓના સ્પર્શથી જ એ મહેકી ઊઠે છે એવી આ વાત છે.
હજી ઓ. પી. નૈયરની ઘણી સ્મૃતિઓ બાકી છે એ આવતા શનિવારે.