આજે સમજવાની કોશિશ કરીએ કે ઉપવાસનું મહત્ત્વ તો પાર પડે જો એનો હેતુ વ્યાપક હોય, નહીં કે ફક્ત વજન ઉતારવા જેવો છીછરો
ઉપવાસમાં શ્રદ્ધા ઉમેરો ને પછી જુઓ
નવરાત્રિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ફળ અને લીંબુપાણી પર ઉપવાસ કરે છે. દેવીશક્તિને સમર્પિત આ પવિત્ર દિવસો દરમ્યાન ફાસ્ટિંગનું ઘણું મહત્ત્વ છે. કોઈ એકટાણાં કરે છે તો કોઈક અલૂણાં. ઉપવાસનું ખરું મહત્ત્વ દાદા-દાદીઓ જાણે છે અને કંઈક અંશે ઉપવાસ જ તેમને સ્વસ્થ અને લાંબું જીવન આપી જાય છે. આજે સમજવાની કોશિશ કરીએ કે ઉપવાસનું મહત્ત્વ તો પાર પડે જો એનો હેતુ વ્યાપક હોય, નહીં કે ફક્ત વજન ઉતારવા જેવો છીછરો
નવરાત્રિ આવે એટલે ઘરે-ઘરે પાવન-પવિત્ર વાતાવરણ સરજાય. કોઈની ઘરે અખંડ દીવો હોય તો કોઈની ઘરે ગરબી લેવામાં આવી હોય તો જે આ બધું ન કરી શકતું હોય એ સવાર-સાંજ માતાજીની આરતી તો ચોક્કસ કરતું જ હોય. આ બધાની સાથે ઉપવાસ-એકટાણાં પણ અતિ મહત્ત્વનાં ગણવામાં આવે છે. ઘણાં ઘરોમાં નવરાત્રિના નવેનવ દિવસ ઉપવાસ કરવામાં આવે છે. ઘણા ફક્ત સાતમ-આઠમનો ઉપવાસ કરે છે.
જેનાથી જેટલું થાય એ મુજબ યથાશક્તિ એ પરમ તત્ત્વની નજીક જવાની કોશિશ કરતા રહે છે. ઘણાં ઘરોમાં ૬૦-૬૫ વર્ષના વડીલો હોય તો એ લગભગ છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી આ ઉપવાસ કરતા જોવા મળે છે. વર્ષોથી પારંપરિક રીતે કરતા આવતા ઉપવાસને કારણે જ કદાચ ઘરમાં આપણા વડીલો તેમનાં બાળકો કે તેમનાં પણ બાળકો કરતાં વધુ હેલ્ધી હોય છે અને વધુ નીરોગી જીવન જીવી રહ્યા હોય છે.
ઉપવાસનો હેતુ
વડીલોના મતે ઉપવાસ એટલે સ્વાસ્થ્ય ચમકાવવું કે વજન ઉતારવું કે પેટને થોડો આરામ આપવો નથી હોતું. તેમના મતે ઉપવાસનો અર્થ ઈશ્વરની નજીક જવાનો એક માર્ગ છે. આ બન્ને હેતુઓમાં ઘણો ફરક છે. એટલે જ કદાચ વડીલોને તેમના ઉપવાસ જેવા ફળે છે એવા બીજા લોકોને ફળતા નથી, કારણ કે અંતે તો હેતુનું મહત્ત્વ ઘણું વધુ છે. ઉપવાસના હેતુનું સ્પષ્ટિકરણ કરતાં જુહુનાં
ન્યુટ્રિશનિસ્ટ મુનમુન ગનેરીવાલ કહે છે, ‘ઉપવાસ કે વ્રત કરવાની સિસ્ટમ કોઈ હેલ્થના ફાયદા માટે નહોતી શરૂ થઈ. ઉપવાસના ઘણા ફાયદાઓમાં એક ફાયદો હેલ્થ ગેઇનનો છે જ પરંતુ ઉપવાસ કોઈએ પણ એટલે ન કરવા જોઈએ કે તેની હેલ્થ સારી રહે. વળી બીજી તરફ એવી અંધશ્રદ્ધા પણ છે કે ઉપવાસ કરવાથી કે ભૂખ્યા રહેવાથી ભગવાન પ્રસન્ન થઈ જશે, પણ એવું થતું નથી. જો એવું હોત તો રોડ પર ભૂખ્યા સૂઈ જતા લોકોથી ભગવાન પ્રસન્ન થઈ જાત. આ બધી છીછરી માન્યતાઓમાં પડીને ઉપવાસ ન કરવો જોઈએ.’
સેલ્ફ-કન્ટ્રોલ
જો હેલ્થ ચમકાવવા પણ ઉપવાસ ન કરવાના હોય અને ભગવાનને રીઝવવા પણ ઉપવાસ ન કરવાના હોય તો પછી ઉપવાસ પાછળનું સમજાય એવું લૉજિકલ અને ઊંડું તાત્પર્ય શું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં મુનમુન ગનેરીવાલ કહે છે, ‘ઉપવાસનો મુખ્ય હેતુ સેલ્ફ-કન્ટ્રોલનો છે. તમારી ઇન્દ્રિયો પર તમારો સંયમ હોવો જોઈએ એવું આપણી સંસ્કૃતિ માને છે. આ સંયમ લાવવા માટે જ લોકો ઉપવાસ કરતા હતા. પરંતુ મનુષ્યના ઉત્થાન માટે તેનો તેની જાત ઉપરનો સંયમ જરૂરી છે, એને કારણે જ લોકો ઉપવાસ કરે છે. જો તમે એ સંયમ રાખવા માગતા હો તો જ ઉપવાસ કરજો. જે વ્યક્તિનો જાત પર સંયમ છે એ વ્યક્તિ જીવનભર હેલ્ધી જ રહેશે એ બાબતે કોઈ શંકા ન હોઈ શકે પરંતુ શારીરિક હેલ્થ ઉપવાસ દ્વારા મળતો આડકતરો ફાયદો છે. બાકી એનાથી માનસિક હેલ્થ પણ સુધરે છે અને આત્મિક રીતે તમે વધુ પવિત્ર બનો છો, ઈશ્વરની સમીપ જવાનો માર્ગ, ખુદને સમજવાનો માર્ગ પહોળો બનાવો છો.’
ફાયદા
સેલ્ફ-કન્ટ્રોલ અને મનને તમારા કાબૂમાં રાખવાની જે કળા છે એ તમને લાંબું, સુખી અને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ છે. એ વિશે વાત કરતાં હોમિયોપૅથી ડૉક્ટર અને ન્યુટ્રિશન સ્પેશ્યલિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘સંયમ છે તો અનુશાસનબદ્ધ જીવન પણ જીવી શકાય છે.
સંયમ છે તો ફક્ત જીભ પર જ નહીં પરંતુ દરેક ખોટી આદત પર કન્ટ્રોલ રાખવામાં મદદ મળી શકે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આપણે જોઈએ છીએ કે મનની શક્તિ લાંબા અને સ્વસ્થ જીવન માટે કેટલી જરૂરી છે. મોટામાં મોટા રોગોથી લડવા માટે પણ એ અત્યંત જરૂરી છે. આપણે આપણા સમાજમાં જોઈ શકીએ છીએ કે જે મનથી મક્કમ છે એ લોકો કદાચ શારીરિક સ્થિતિ નબળી હોય તો પણ ઘણું લાંબું જીવન જીવી શકે છે. ઉપવાસ એક પ્રકારની પ્રૅક્ટિસ છે જે તમને તમારા પર કાબૂ રાખતાં શીખવે છે જે તમને સારા માણસ બનાવવામાં પણ મદદરૂપ છે.’
કેવા ઉપવાસ યોગ્ય?
ખરા અર્થમાં નવરાત્રિના ઉપવાસ કેવા હોય? એવી કોઈ ફિક્સ માહિતી ન મળે, કારણ કે ઉપવાસ યથાશક્તિ કરવામાં આવે છે અને એ જ સાચી રીત છે. દરેક વ્યક્તિની કૅપેસિટી જુદી હોવાની એટલે દરેકે પોતાની આ કૅપેસિટી મુજબ જ કામ કરવું. આ દરમિયાન કોઈ ફક્ત દૂધ અને ફળ ખાઈને ઉપવાસ કરે છે તો કોઈ એક સમય હળવો ખોરાક જેમાં રાજગરો, સામો, સાબુદાણા કે કુટ્ટુ જેવાં પાચનમાં હળવાં ધાન્ય અને સિંધાલૂણ મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. આ ભોજન અત્યંત ઓછા મસાલાવાળું સાત્ત્વિક રહેતું હોય છે. આ સિવાય શક્કરિયા, સિંગદાણા, દૂધી, કોળું, કાકડી જેવાં પચવામાં હળવાં તત્ત્વો પણ લેવામાં આવતાં હોય છે. ઘણા લોકો શક્તિ રહે એટલે ડ્રાયફ્રૂટ્સ પણ લેતા હોય છે. આ બધું જ યોગ્ય ગણાય છે.
કેવા ઉપવાસ અયોગ્ય?
પરંતુ ઘણા બિલકુલ ભૂખ્યા ન રહી શકતા લોકો ચાર ટાઇમ અલગ-અલગ ફરાળ ખાઈને પણ ઉપવાસ કરતા હોય છે. એ વિશે વાત કરતાં કોમલ ગાંધી કહે છે, ‘જો તમે ઉપવાસમાં આઇસક્રીમ, બટેટાની તળેલી ચિપ્સ, પૅટીસ, સાબુદાણા વડાં, રાજગરાની પૂરી, શ્રીખંડ, શીરા, ખીર જેવી વાનગીઓ ઝાપટવાના હો તો ખુશીથી ખાઓ પરંતુ એને ઉપવાસ જેવું નામ ન આપો. વળી તમે ઉપવાસ કરો કે ન કરો, નવરાત્રિના આ ૯ દિવસ હળવો, સુપાચ્ય ખોરાક અને ઓછા પ્રમાણમાં જ ખોરાક ખાવો જોઈએ. એ વૈજ્ઞાનિક રીતે અને પારંપરિક રીતે બન્ને રીતે સાચું છે.’
ADVERTISEMENT
ઉપવાસ કરો, લાંબું જીવો
જૅપનીઝ સેલ બાયોલૉજિસ્ટ યોશીનોરી ઓહસુમીને ૨૦૧૬માં મેડિસિનમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. તેમણે નિયમિત ઉપવાસ કરવાથી લાંબું જીવી શકાય એવું રિસર્ચ કરેલું. જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે શરીરમાં રહેલા કોષો પોતાને રીસાઇકલ અને રિન્યુ કરી શકે છે. આ પ્રક્રિયા ઑટોફગી નામે જાણીતી છે. ફાસ્ટિંગ આ પ્રોસેસને બળ આપે છે. આ રિસર્ચ અનુસાર જ્યારે વ્યક્તિ ભૂખી છે ત્યારે કોષો પોતાના પ્રોટીનને તોડે છે અને એને એનર્જી તરીકે વાપરે છે. એને કારણે એજિંગ પ્રોસેસ સ્લો થાય છે, વ્યક્તિ જલદી વૃદ્ધ થતી નથી. નવા કોષો બન્યા રાખે છે. ઑટોફગીની પ્રક્રિયા દરમ્યાન કોષો વાઇરસ અને બૅક્ટેરિયાને મારી નાખે છે અને કોઈ પણ પ્રકારનું ડૅમેજ થયું હોય એનાથી શરીરને મુક્ત કરે છે. આ પ્રક્રિયા ઇન્ફ્લમેશન ધરાવતા પાર્કિન્સન્સ કે કૅન્સર જેવા રોગોથી મુક્તિ દેવડાવી શકે છે એટલું જ નહીં, જીવનને લાંબું ટકાવી રાખવામાં એ મદદરૂપ છે. છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા અઢળક સ્ટડીઝમાં વૈજ્ઞાનિકોએ વારંવાર નોંધ્યું છે કે ૧૨ કે ૨૪ કલાક ભૂખ્યા રહેવાથી આ સેલની રીસાઇકલ અને રિન્યુઅલની પ્રક્રિયા ઍક્ટિવેટ થાય છે. આમ લાંબું, સ્વસ્થ અને નીરોગી જીવન જીવવું હોય તો ઉપવાસ ઉપયોગી છે.

