ખુલ્લામાં હાજતે જવાની આદતને છોડાવવા માટેનો આ નારો એકવીસમી સદીમાં ફેમસ થયો છે, પણ કુદરતી હાજતની આ નૅચરલ ક્રિયાને સૌથી સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે પહેલી વાર ભારતમાં જ તૈયાર કરવામાં આવેલી. માનવ અને પશુના મળમાંથી એનર્જીનું નિર્માણ કરવાનું વિજ્ઞાન પણ ભારતમા

થોડાક દિવસ પહેલાં ૪.૨ કરોડ રૂપિયાનું સોનાનું આ કમોડ ચર્ચામાં આવ્યું હતું.
ઓસ્ટિયા નામ સાંભળ્યું છે ક્યારેય? આ નામનું રોમન સામ્રાજ્યનું એક નગર હતું. એક સમય હતો જ્યારે ઓસ્ટિયામાં પથ્થરની બનેલી એક લાંબી બેન્ચ પર આખા ગામની પંચાત કરતા અને નવા સમાચારોની આપ-લે કરતા અનેક લોકો કતારબંધ બેઠેલા જોવા મળતા. તે લોકો પોતાની પાડાપાચેમ પૂર્ણ કરીને ઊભા થાય એટલે રાહ જોઈને ઊભેલા લોકો ફરી કતારમાં ગોઠવાઈ જાય અને પંચાતની એ જ પ્રક્રિયા આરંભે. વાસ્તવમાં એ સમયે માત્ર પંચાત નહોતી થઈ રહી, પંચાતની સાથે-સાથે પથ્થરની એ બેન્ચની નીચે બીજી પણ એક પ્રક્રિયા ચાલી રહી હતી અને એ હતી સવારની રોજિંદી શરીર-સફાઈની પ્રક્રિયા એટલે કે શૌચક્રિયા. એ સમયે આ ચર્ચાસ્થળ સામાન્ય રીતે એટલું મોટું બનાવવામાં આવતું કે એકસાથે ૨૦ વ્યક્તિ પોતાનો શૌચ કાર્યક્રમ પૂર્ણ કરી શકે. ખરેખર કહીએ છીએ હા, રોમન લોકોમાં એ સમયે શૌચક્રિયા એ અંગત પ્રક્રિયા જેવું નહોતું. તમને થશે કે કેવો જમાનો આવી ગયો છે ભૈ’સાબ! હવે છાપામાં આવી કૉલમો પણ વાંચવી પડશે? અરે ભલા માણસ, આજે ૧૯ નવેમ્બર એટલે કે વિશ્વ ટૉઇલેટ દિવસ છે. આથી જ આપણે ટૉઇલેટ વિશેની વાત કરી રહ્યા છીએ. અને આમ જોવા જઈએ તો જે વ્યવસ્થા શરીરને સાફ અને સ્વસ્થ રાખતી હોય એ વિશે ખુલ્લા મને ચર્ચા કરવામાં ખોટું શું છે?
ભારત અત્યંત આધુનિક દેશ હતો
હા, તો આપણે વાત કરી રહ્યા હતા રોમન સામ્રાજ્યમાં શરૂ થયેલી સામૂહિક શૌચક્રિયા વિશે, પણ તમને ખબર છે કે ભારત એ જમાનામાં આ બાબતમાં પણ આખા વિશ્વમાં સૌથી આધુનિક દેતો? જી હા, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા બાબતે તો ગર્વ લેવા જેવો આપણો દેશ છે જ, પરંતુ ટૉઇલેટના આવિષ્કાર બાબતે પણ ભારત વિશ્વથી અનેક દૃષ્ટિએ આગળ હતો. તમને થશે કે જે દેશમાં આઝાદીનાં ૭૦ વર્ષ બાદ પણ કોઈ રાજકીય પક્ષે એના ઇલેક્શન મૅનિફેસ્ટોમાં ‘હર ઘર ટૉઇલેટ’ જેવો મુદ્દો મૂકવો પડે એ દેશ વળી ટૉઇલેટમાં આધુનિક કઈ રીતે હોઈ શકે? પણ સાચું માનજો, વિશ્વઆખાને આ બેનમૂન સૅનિટરી એન્જિનિયરિંગની ભેટ આપનારા આપણા પૂર્વજો હતા. થયુંને આશ્ચર્ય? તો હવે થોડી વિગતે વાત જાણીએ.
લોથલ ખબર છે, લોથલ? હા, બસ એ જ. અમદાવાદથી અંદાજે ૬૨ કિલોમીટર દૂર આવેલું હડપ્પા સિવિલાઇઝેશનના પુરાવા સંકોરીને બેઠેલું એ ગામ. વાત છે અંદાજે ૨,૫૦૦ વર્ષ ઈસાપૂર્વની. આ લોથલથી હડપ્પન સિવિલાઇઝેશનના પુરાવાઓમાં દરેક વ્યક્તિના ઘરે પર્સનલ ટૉઇલેટ હોવાના પુરાવા મળ્યા છે. માટીને બાળીને પાકી ઈંટ બનાવી એના દ્વારા દરેક ઘરમાં ટૉઇલેટ બનાવ્યાં હોવાનું જોવા મળ્યું હતું. એ ટૉઇલેટમાં શૌચ માટે બેસવાની વ્યવસ્થા બનાવી હોય અને બરાબર એની નીચેથી પાણી વહેતું હોય જેથી શરીરનો બગાડ એ પાણીમાં વહી જાય. એટલું જ નહીં, આખા મહોલ્લાનો એ બધો બગાડ જ્યાં જમા થાય ત્યાંથી પણ એના નિકાલ માટેની આખી ડ્રેનેજ સિસ્ટમ એ જમાનામાં વિકસાવવામાં આવી હતી. જોકે કુદરતી આપદાઓને કારણે હડપ્પન સંસ્કૃતિનો નાશ થયો અને ભારતમાં એ સૅનિટરી એન્જિનિયરિંગ પણ ભુલાઈ ગયું.
અને જગ્યા, જંગલો અને નદીઓ જેવી કુદરતી સંપદાથી ભરપૂર આ દેશમાં લોકો ઘરની બહાર ખુલ્લામાં શૌચ માટે જવા માંડ્યા. જોકે રાજા-મહારાજાઓના સમયમાં ફરી શૌચ એ અત્યંત અંગત પ્રક્રિયા હોવાનું સ્વીકારાયું હતું અને રાજા-મહારાજાઓના મહેલોમાં મોટા-મોટા બાથરૂમની સાથે શૌચાલયો હોવાના પણ પુરાવા મળ્યા જ છે. એટલું જ નહીં, ત્યાર બાદ એક બીજી વ્યવસ્થા પણ શરૂ થઈ જેમાં લોકો ખાડો ખોદી પ્રાતઃ પ્રક્રિયા પતાવીને એના પર માટી નાખી દેતા હતા. વર્ષો પસાર થયાં અને મોગલોનું આક્રમણ થયું. તેમણે ભારતની જ પ્રજાને પોતાની જ ધરતી પર ગુલામ બનાવી અને શરૂ થઈ એક સાવ નવી વ્યવસ્થા. બાદશાહો, તેમની રાણીઓ અને શાહી નોકરિયાતો એક ટોપલામાં કે ખાડામાં શૌચ કરતા અને ત્યાર બાદ ગુલામ બનાવેલી પ્રજાના નોકરોને એ કચરો ઉપાડીને નિકાલ કરવાની ફરજ પાડવામાં આવતી. તમને કદાચ નવાઈ લાગશે, પણ ભારતમાં હરિજન કે અછૂત કહેવાતા સમાજની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. જે લોકો આજે એમ કહે છે કે ભારતમાં પુરાણોકાળમાં છૂત-અછૂતનું સામાજિક સ્ટ્રક્ચર હતું તેમને કદાચ ખબર નથી કે ભારતમાં જાતિવ્યવસ્થા જેવું ક્યારેય કશું હતું જ નહીં. રાજવીઓના શરીરનો બગાડ ઊંચકતા બિચારા ગરીબ લોકોને સ્પર્શવા એ સમયના જ જુલમી મોગલ બાદશાહો તૈયાર નહોતા અને શરૂ થઈ હરિજન પ્રજાના શોષણ અને નિર્વિકાસની એક લાંબી ગાથા, જ્યારે ભારતમાં એકના શરીરનો બગાડ કોઈ બીજો ઉપાડે એવી વ્યવસ્થા ક્યારેય હતી જ નહીં. એ મુસ્લિમ સામ્રાજ્ય હતું જેમણે આ દૂષણની શરૂઆત કરી. આ તો થઈ ભારતની વાત, પરંતુ વિશ્વમાં ટૉઇલેટ-વ્યવસ્થા કઈ રીતે વિકસી?
રોમન અને ગ્રીક
સંસ્કૃતિમાં વ્યવસ્થા
રોમન સામ્રાજ્યકાળમાં ટૉઇલેટ વિશે આપણે શરૂઆતમાં અછડતો ઉલ્લેખ કર્યો. રોમનો શૌચક્રિયાને એટલી સ્વાભાવિક દૃષ્ટિએ સ્વીકારતા હતા કે તેમને એ અંગત હોવાનું કે જાહેરમાં શૌચ કરવાનું શરમજનક લાગતું નહોતું. આથી જ તેમણે સામૂહિક શૌચની વ્યવસ્થા ઊભી કરી હતી; પરંતુ એનું એન્જિનિયરિંગ પણ કંઈક ભારત પાસેથી જ મેળવ્યું હોવા જેવું જણાય છે, કારણ કે રોમનકાળમાં આ રીતનાં સામૂહિક ટૉઇલેટ બન્યાં હોવાનો ઇતિહાસ કંઈક ૧,૫૦૦ વર્ષ ઈસાપૂર્વનો મળે છે. તો જ્યારે સૌપ્રથમ વાર ત્યાં આ વ્યવસ્થાની શરૂઆત થઈ ત્યારે પથ્થરની એ બેન્ચની નીચે વહેતા પાણીની એક નાની નહેર જેવી બનાવવામાં આવી હતી, જ્યાં દરેક વ્યક્તિના શરીરનો કચરો પડે અને પાણી સાથે વહી જાય. ત્યાર બાદ રોમન લોકો પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતા ગયા અને જ્યાં-જ્યાં ગયા ત્યાં તેમણે પોતાના માટે આ રીતનાં સામૂહિક ટૉઇલેટ બનાવડાવ્યાં હતાં. એક આંકડાકીય માહિતી જાણીએ તો ૧૫૩૪ની સાલ સુધીમાં રોમમાં ૧૪૪ જેટલાં સામૂહિક ટૉઇલેટ બની ચૂક્યાં હતાં જે રોજિંદા વપરાશમાં હતાં. રોમનોની આ વ્યવસ્થામાં શૌચક્રિયા પૂર્ણ કર્યા બાદ સ્વસફાઈની રીત પણ અનોખી હતી. એક હાથભર લંબાઈની લાકડી પર આગળના ભાગે સ્પન્જ જેવું કપડું લગાવીને એના દ્વારા સ્વસફાઈ કરી લેવામાં આવતી હતી. એને કારણે એવી ધારણા પણ મૂકી શકાય કે સ્વસફાઈ માટે પાણીનો ઉપયોગ કદાચ માત્ર ભારતમાં જ થતો હતો અને ભારતથી જ પાણીના ઉપયોગની આ પદ્ધતિ બીજા દેશોમાં ગઈ હશે.
ADVERTISEMENT
જ્યારે ગ્રીક સંસ્કૃતિમાં ટૉઇલેટના પુરાવા અંદાજે ૨,૧૦૦ વર્ષ ઈસાપૂર્વથી મળે છે. મતલબ કે ભારત કરતાં અંદાજે ૪૦૦ વર્ષ પછી. અહીં પણ બેઝિક વ્યવસ્થા તો સરખી જ હતી. બેસવાની વ્યવસ્થાથી લઈને નીચેથી પાણીનું વહેણ જતું હોય વગેરે. જોકે એમાં મુખ્યત્વે બે મોટા ફરક હતા. એક તો તે રોમન લોકોની જેમ સામૂહિક વ્યવસ્થા નહોતી. ભારતની જેમ જ ગ્રીક લોકોમાં પણ તે દરેકની અંગત વ્યવસ્થા હતી અને બીજું, ગ્રીક લોકોની વ્યવસ્થામાં મળ અને મૂત્ર બંને અલગ-અલગ રહે એ રીતની વ્યવસ્થા હતી. એને કારણે ફાયદો એ થતો હતો કે એનું ડિસ્પોઝલ સરળ
વ્યવસ્થા દ્વારા થઈ શકતું હતું.
આવો જ આધુનિક એપ્રોચ બીજા પણ બે પ્રદેશોની સંસ્કૃતિમાં જોવા મળ્યો. એક છે શ્રીલંકા અને બીજું હતું થાઇલૅન્ડ. આ બંને સંસ્કૃતિઓમાં પણ સૉલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટ પહેલેથી જ અલગ-અલગ થઈ જતા. જોકે આ બંને દેશોએ એ વ્યવસ્થા કરવા કે સ્વીકારવા માટે ફરી એક વાર ભારત પાસે પ્રેરણા લીધી હતી, કારણ કે આ સમય સુધી ભારત આયુર્વેદ અને ભૂમિવિજ્ઞાન દ્વારા એ જાણી અને સ્વીકારી ચૂક્યું હતું કે માણસ જ નહીં, જીવમાત્ર જે એનો બગાડ ત્યાગ કરે છે એ વાસ્તવમાં માનવી, જમીન તથા વાતાવરણ માટે દવા અને ફળદ્રુપતા તરીકે કામમાં આવી શકે છે. તો આ દૃષ્ટિએ ફરી એક વાર આપણે ભારતીય સંસ્કૃતિ વિશે જાણવું પડે.
ભારત, આયુર્વેદ અને શૌચ
એ વાતમાં કોઈ બે મત નથી કે આયુર્વેદ જેવું અત્યંત ગહન અને અકસીર જ્ઞાન વિશ્વને આપનારો દેશ ભારત છે અને આયુર્વેદમાં પુરાણોકાળથી માનવી અને પ્રાણીઓના મૂત્રના મહત્ત્વ વિશે વિગતે ઉલ્લેખ મળે છે. માત્ર એક દૃષ્ટાંતની વાત કરીએ તો નબળી આંખનો ઇલાજ કરવાથી લઈને વાગ્યું હોય એના ઘાનો ઇલાજ પણ સ્વમૂત્રથી થયો હોવાના અનેક પુરાવાઓ આપણી પાસે છે જ. વળી, હા હાઇજીનની દૃષ્ટિએ ખુલ્લામાં શૌચ કરવું યોગ્ય નથી જ નથી એ વાત સાથે સો ટકા સહમત ખરા જ, પરંતુ આપણા દેશમાં જ્યારે ખુલ્લામાં શૌચ કરવાની વ્યવસ્થાની શરૂઆત થઈ ત્યારે એમાં મુખ્યત્વે બે કારણો જવાબદાર હતાં. એક તો ભણતરનો અભાવ એટલે કે અજ્ઞાન અને બીજું, પ્રજાની મજબૂરી. મોગલકાળના શાસકો એટલા જુલમી અને નિ:સ્પૃહી હતા કે ઘરમાં ટૉઇલેટની વ્યવસ્થા હોવી એ પણ તેમણે સ્ટેટસનો મામલો બનાવી મૂક્યો હતો. દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં ઘરે ટૉઇલેટ-વ્યવસ્થા બનાવનારને સો કોરડા મારવાની સજાનો હુકમ થયો હોય એવા પુરાવાઓ પણ ઇતિહાસના પાને નોંધાયા છે.
આથી માણસ શું કરે? જ્યારે કોઈ કામ મજબૂરીવશ કરવું પડે ત્યારે એમાં પણ ફાયદાઓ શોધવાનું શરૂ કરી દે, જેથી અપરાધભાવ કે ઇન્ફિરિયરિટી કૉમ્પ્લેક્સ ન થાય. આથી સવારના પહોરમાં ટૉઇલેટ માટે દૂર સુધી ચાલતા જવું એ સ્વાસ્થ્ય અને શરીરશુદ્ધિ માટે કેટલું આવશ્યક છે એ ગણાવવાનું શરૂ થયું. આથી જ શૌચક્રિયાને ભારતમાં અનેક નામો, વિશેષણો ઓળખ તરીકે મળ્યાં. જેમ કે ઝાડે ફરવા જવું, નદીએ જવું, હાજતે જવું, ખેતરે જવું! પૂર્વજો ખરેખર જ પોતાના ઘરથી દૂર જંગલ કે અવાવરું વિસ્તારમાં એક ઝાડથી બીજે ઝાડ પોતાને સરખી વ્યવસ્થા મળી રહે એ શોધતા ફરતા હતા.
ચાઇનાની હાન ડાયનૅસ્ટી
આજથી અંદાજે ૨,૦૦૦ વર્ષ પહેલાં ચીનના એક વિસ્તારમાં હાન રાજવી કુળનું રાજ હતું. હાન રાજવી દ્વારા પહેલી વાર ટૉઇલેટ-સીટ બનાવડાવવામાં આવી હતી એવો ક્યાંક ઉલ્લેખ મળે છે. જોકે આ ટૉઇલેટ-વ્યવસ્થા અને સીટ આજના યુગમાં વપરાશમાં આવતી વ્યવસ્થા કરતાં સાવ ભિન્ન હતી. પગ મૂકીને પારંપરિક રીતે બેસી શકાય એવી લાકડાના બે ટુકડા જેવી એ સીટ મહેલમાં એક મોટા મિનારા જેવી બનેલી જગ્યાના ઉપરી ભાગમાં બેસાડવામાં આવતી હતી. એ મિનારામાં વચ્ચે એક પહોળા પાઇપ જેટલી પહોળાઈવાળી ઊભી ટનલ હોય જે નીચે જમીનમાં બનેલા ખાડા સુધી જતી હોય. વ્યક્તિ એ ટનલના ઉપરી ભાગમાં બનેલી સીટ પર બેસે અને પોતાની ક્રિયા પૂર્ણ કરે. તેના શરીરનો બગાડ એ ટનલ વાટે નીચે જમીન સુધી પહોંચે, જેને એ સમયમાં ગાર્ડીરોડ્ઝ કહેવામાં આવતું. આ ગાર્ડીરોડ્ઝ સામાન્ય રીતે મહેલની બહાર બાજુના ભાગે બનાવવામાં આવતા હતા.
એક તરફ રાજવી પરિવાર કે રાજવી સ્ટાફ આ રીતની વ્યવસ્થાનો ઉપયોગ કરતો તો બીજી તરફ ગરીબ પ્રજા જે વ્યવસ્થાનો ઉપયોગ કરતી એને ડર્ટી પિટ્સ કહેવામાં આવતી હતી. એમાં એક ખાડો બનાવવામાં આવ્યો હોય અને એના પર લાકડાના એક મોટા પાટિયામાં વચ્ચે મોટું કાણું બનાવવામાં આવતું અને એ ખાડા પર મૂકીને એનો ઉપયોગ થતો હતો.
ફિરંગીઓ અને અંગ્રેજો આવ્યા
ત્યાર બાદ બે પ્રજા ભારતમાં પ્રવેશી. પહેલાં ફિરંગીઓ અને પછી અંગ્રેજો. હવે આ બંને પ્રજા એવી હતી જે ભારત સિવાય પણ વિશ્વના બીજા અનેક દેશોમાં ફરી હતી અને અનેક દેશોમાં પોતાનું આધિપત્ય પણ જમાવ્યું હતું. એને કારણે તેમણે જે-તે દેશોમાં ટૉઇલેટ-વ્યવસ્થા જોઈ હતી. એમાં પણ ખાસ કરીને ફિરંગીઓ રોમન અને ગ્રીક પ્રજા પાસે ટૉઇલેટ-વ્યવસ્થાનો વારસો મેળવી ચૂક્યા હતા.
એક સમય એવો હતો જ્યારે યુરિનલ કે શૌચક્રિયા માટે શરમ જેવો કોઈ ભાવ નહોતો. રોમનો ઇતિહાસ ચકાસીશું તો જાણવા મળશે કે રોમન નોકરો કે ગુલામો અનેક ડિનરપાર્ટીમાં ચાંદીના બનાવેલા યુરિનપોટ્સની વ્યવસ્થા કરતા. ફિરંગીઓએ જ્યારે આ વ્યવસ્થા જોઈ અને જાણી ત્યારે તેમણે પથ્થર કે માટીમાંથી બનાવેલી ટૉઇલેટ-વ્યવસ્થાને લાકડામાંથી બનાવવાનું શરૂ કર્યું અને એની સાથે એક ખુરશીની વ્યવસ્થા તેમણે બનાવી જેથી શૌચક્રિયા વધુ સરળ બને. તેમની પાસે ખુરશી બનાવવા જેટલી તો હોશિયારી હતી, પરંતુ સૅનિટરી એન્જિનિયરિંગ બાબતે ભારત જેટલા હોશિયાર હજી તે લોકો નહોતા. આથી તેમણે બનાવેલી ખુરશીને જમીનમાં એક ઊંડો ખાડો ખોદીને એના પર મૂકવામાં આવતી. પેટસફાઈનું કાર્ય પૂર્ણ થયા પછી એ ખાડામાં થોડી માટી નાખી થયેલા કાર્યને ઢાંકી દેવામાં આવતું, જેથી ત્યાર પછીની વ્યક્તિ ફરી ત્યાં જ પોતાનું કાર્ય કરી શકે. આ રીતે જ્યારે એક ખાડો ભરાઈ જાય ત્યારે બીજો ખાડો ખોદવામાં આવતો.
ભારતમાંથી તો હડપ્પા સંસ્કૃતિનો નાશ થઈ ચૂક્યો હતો, પરંતુ રોમનો અને ગ્રીક પ્રજા થોડી વ્યવસ્થા શીખી હતી. આથી અંગ્રેજો એ જોઈને ધીરે-ધીરે સૅનિટરી સિસ્ટમ શીખ્યા અને તેમણે ખુરશીની નીચે સૅનિટરી ટનલ-વ્યવસ્થા બનાવવી અને વાપરવી શરૂ કરી.
ભારતમાં તે લોકો પ્રવેશ્યા ત્યાં સુધી તેમની પણ ખુરશી અને વૉટર ટનલની સાથે ખાડાપૂરણી વ્યવસ્થા જ ચાલુ હતી. ત્યાર બાદ ભારતમાં રાજમહેલોમાં પણ તેમણે વ્યવસ્થા જોઈ અને શ્રીલંકા, થાઇલૅન્ડ જેવા દેશોમાં પણ સૅનિટરી સાયન્સ જોઈને સુધારા-વધારા શરૂ કર્યા અને આવ્યો આજના આધુનિક સૅનિટરી સિસ્ટમનો શરૂઆતી તબક્કો જ્યાં બે મોટા ફેરફારો થયા. એક, ટૉઇલેટ ઘરમાં જ કે ઘરની નજીક બનાવવાની શરૂઆત થઈ અને બીજો, બગાડના નિકાલ માટે એક ટૅન્ક બનાવી એને જમીનમાં ઊંડે ગટરો બનાવી વહાવી દેવાની વ્યવસ્થા.
ટૂંકમાં, માનવીય સંસ્કૃતિના ઇતિહાસમાં કહીએ તો ‘હ્યુમન વેસ્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ’ બનાવવામાં મૂળ શ્રેય ભારતની ઇન્ડ્સવૅલી સિવિલાઇઝેશનને મળવો જોઈએ. જે લોકો ભારત અને ભારતીયોને દેહાતી, અભણ કે અસંસ્કૃત ગણાવતા હોય તેમના કાન પકડીને આર્કિયોલૉજિસ્ટ્સ પાસે લઈ જવા જોઈએ અને ડૉક્યુમેન્ટેડ કરેલા પુરાવાઓ દેખાડવા જોઈએ કે જ્યારે વિશ્વઆખાને ધોવા-કરવાનું જ્ઞાન પણ નહોતું ત્યારે અમારા પૂર્વજોએ આખેઆખી હ્યુમન વેસ્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ બનાવી નાખી હતી. આથી જ કહીએ છીએ કે ભારત અને ભારતીય હોવા પર જો ગર્વ હજી પણ ન થતો હોય તો નક્કી જાણજો કે તમારે આપણી મૂળ સંસ્કૃતિ અને એનો ઇતિહાસ ઊંડાણપૂર્વક જાણવાની જરૂર છે. એ એટલો વિશાળ છે કે એક જન્મમાં અનેક વાતો જાણી લેવા છતાં પણ થશે કે બધું જાણવા અને સમજવા માટે માત્ર એક જન્મ પૂરતો નથી. અને ભારતને, એની સંસ્કૃતિને દેહાતી, અભણ અને અસંસ્કૃત ગણાવતા જ્ઞાનીઓને તો કહી જ દેજો કે કાન અમરેડીને એક-એક બાબતો ગણાવવાની, જણાવવાની અને સમજાવવાની શરૂ કરીશું તો પગલે-પગલે પગે પડતા જશો તોય પાર નહીં આવે. બાકી જે જાણે છે, સમજે છે અને સ્વીકારે છે તે બધાને હૅપી ‘ટૉઇલેટ ડે’. સ્વચ્છ રહો, સ્વસ્થ રહો! અને જોજો પાછા ભૂલમાંય ખુલ્લામાં શૌચ કે મૂત્રવિસર્જન કરવાની ભૂલ ન કરતા. લોકો આમેય આપણને ઓછા બદનામ નથી કરતા. એમાં ઉમેરો કરવામાં ક્યાંક તમે કારણભૂત ન બનતા. પેલું કહે છેને, ‘જહાં સોચ વહાં શૌચાલય!’

