‘મહારાજ’ નાટકમાં જૈનોને લાગ્યું કે મહારાજ નાટક અમારું નથી અને વૈષ્ણવોને લાગ્યું કે નાટકમાં અમારા સંપ્રદાયની બદબોઈ કરવામાં આવી છે એટલે જૈનો અને વૈષ્ણવો બન્ને નાટક જોવા આવ્યા નહીં
નાટક ‘મહારાજ’ ફ્લૉપ થયું અને અમે એ નાટક માત્ર ૪૦ શોમાં બંધ કર્યું
અભય હરપળે અને મલ્હાર ઠાકર બન્ને ‘મહારાજ’ નાટકના મેઇન કૅરૅક્ટર તો તેમની સાથે હર્ષિવ દવે, મનોજ ભટ્ટ, અનિકેત ટાંક, સ્મિતા પાલાંડે, મેઘના સોલંકી, પૂજા દમણિયા, મયૂર ભાવસાર, ચિંતન વ્યાસ, વિમલ પટેલ, મનીષ રોહિત જેવા અનેક કલાકારો અમે લીધા. નાટકનું ફલક
બહુ વિશાળ હતું એટલે એમાં નાનાં પાત્રો
ADVERTISEMENT
પણ ઘણાં એટલે અમુક કલાકારોએ તો નાટકમાં ડબલ રોલ પણ કર્યો. મને હતું કે વૈષ્ણવ સંપ્રદાયમાં ઘૂસી ગયેલી બદીઓ દૂર કરવામાં આ નાટક બહુ મહત્ત્વનો ભાગ ભજવશે એટલે બીજું કોઈ નહીં તો વૈષ્ણવો તો મારા આ પ્રયાસને વધાવી જ લેશે.
રિહર્સલ્સ થયાં અને દિવસ આવી ગયો નાટક ઓપન કરવાનો.
૨૦૧૩ની ૨૧મી જુલાઈ અને રવિવાર.
અમારું ૭૩મું નાટક ‘મહારાજ’ ઓપન થયું, પણ અમને નાટકના ભાવિનો અણસાર તો બુકિંગ ઓપન કર્યું એ જ દિવસથી મળવા લાગ્યો હતો. નાટક જોવા કોઈ ન આવ્યું.
જૈનોને લાગ્યું કે આ તો વૈષ્ણવ સંપ્રદાયનું નાટક છે એટલે એ લોકો દૂર રહ્યા, તો જે વૈષ્ણવો
પર મેં મદાર રાખ્યો હતો એ વૈષ્ણવોને લાગ્યું કે આ તો સંપ્રદાયને બદનામ કરનારું નાટક છે એટલે એ લોકો પણ દૂર રહ્યા. હકીકત સાવ જુદી હતી. વૈષ્ણવ સંપ્રદાય કે શ્રી વલ્લભાચાર્યને બદનામ કરવાનો દૂર-દૂર સુધી અમારો
ઇરાદો નહોતો તો સાથોસાથ નાટકમાં વાત કોઈ ચોક્કસ સંપ્રદાય કે ધર્મની નહીં, પણ સંપ્રદાયમાં ઉમેરાતી અંધશ્રદ્ધાને લીધે એમાં ઘૂસી ગયેલી બદીની હતી. ક્યાંય કોઈ કટાક્ષ નહોતો, ક્યાંય કોઈને ખરાબ દર્શાવવાનો પ્રયાસ નહોતો થયો અને સાથોસાથ ક્યાંય કોઈને ઉતારી પાડવાનું કામ પણ અમે નહોતું કર્યું. અમે કહેતા હતા કે ધર્મની આડશમાં કોઈએ સમાજની સાથે ખોટું ન કરવું જોઈએ અને એને માટે દરેકે પોતાની અંદર રહેલા કરસનદાસ મૂળજીને જાગ્રત રાખવાનો છે, પણ એવું થયું નહીં અને નાટક સરિયામ નિષ્ફળ ગયું.
આ નાટકના અમને સોલ્ડ-આઉટ શો પણ મળ્યા નહીં. નાટક બૉક્સ-ઑફિસ પર ન ચાલે, પણ સોલ્ડ-આઉટમાં એ ચાલ્યું હોય તો અમને એ નાટકમાંથી પૈસા રિકવર કરવાની તક મળે, તો ઘણી વાર તો એવા નાટકમાંથી થોડો ઘણો પ્રૉફિટ પણ કરવા મળે. સોલ્ડ-આઉટ શોનું માર્કેટ બહુ મોટું છે એની હવે તો બધાને ખબર છે. મુંબઈ ઉપરાંત સુરત, નવસારી, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ જેવાં શહેરોથી માંડીને એ શહેરોની આસપાસનાં નાનાં શહેરોમાં સોલ્ડ-આઉટ શો થતા હોય છે. આ નાટકના મેકિંગની વાત પરથી તમને સમજાયું હશે કે એની ટીમ બહુ મોટી હતી, મલ્ટિપલ-સેટ હતા એટલે અમારી તકલીફ એ હતી કે એકાદ-બે શો માટે અમે નાટક અને એના સેટ લઈને ટૂર કરી શકતા નહોતા.
નાટકોમાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે મુંબઈમાં ફ્લૉપ ગયેલું નાટક ગુજરાતની માર્કેટમાં હિટ ગયું હોય અને અમે રિકવરી કરી હોય, પણ અહીં તો એ પણ બન્યું નહીં. જોકે એ પછી પણ હું મારી મહેનત કરતો રહ્યો. અમારી આ મહેનત વચ્ચે પબ્લિક શો ચાલુ, પણ દરેક શો ડિઝૅસ્ટર પુરવાર થાય. એક-બે વાર તો મને ફોન પર ધમકી પણ મળી કે તમે આ નાટક તાત્કાલિક બંધ કરી દો, નહીં તો બહુ પસ્તાવું પડશે. આવી કોઈ ધમકીની મને ક્યારેય અસર થઈ નથી એટલે મેં એ ધમકીને ગણકારી નહીં અને હું નાટક ચલાવવા માટે મહેનત કરતો રહ્યો. મારી એ મહેનતના પરિણામરૂપે વડોદરામાંથી અમને ‘મહારાજ’ નાટકના ૮ શો મળ્યા. વડોદરામાં અમારા નાટકના ઑર્ગેનાઇઝર રાજેશ પટેલ છે, તેમણે એ શો લીધા હતા. આઠ શો હતા એટલે ખર્ચની ઇકૉનૉમી પણ બંધ બેસતી હતી અને એને કારણે પ્રોફિટ થાય એવા સંજોગો ઊભા થયા હતા.
રાજેશ પટેલે શો ફાઇનલ કર્યા એટલે મને ખરેખર થોડી નિરાંત થઈ હતી કે ચાલો, લૉસમાં મારી થોડીઘણી રિકવરી થશે, પણ અમારી ટૂરના એકાદ વીક પહેલાં જ મને રાજેશ પટેલનો ફોન આવ્યો, ‘સંજયભાઈ, મને વડોદરાના બાવાશ્રીનો ફોન આવ્યો કે આ નાટક વડોદરામાં ન થવું જોઈએ એટલે...’ રાજેશ પટેલનો અવાજ સાવ ઠંડો હતો, ‘તમને તો ખબર છે કે મારે વડોદરામાં રહેવાનું એટલે હવે આ નાટક અહીં નહીં થાય.’
અને આમ અમારા વડોદરાના શો પણ કૅન્સલ થયા.
એક સક્સેસફુલ પ્રોડ્યુસર બન્યા પછી અમારાં બહુ ઓછાં નાટકો એવાં રહ્યાં છે જે ૩૦-૪૦ શોમાં બંધ થયાં હોય. એનું કારણ છે નાટકનો કસબ જાણવાનો જાતઅનુભવ, તો સાથોસાથ અમારા ડિરેક્ટર વિપુલ મહેતાની ટૅલન્ટ, પણ મિત્રો ‘મહારાજ’ નાટકને બચાવવામાં એ બેમાંથી કાંઈ કામ લાગ્યું નહીં. નાટકનો વિષય જ એવો કે તમે એમાં કોઈ જાતની છેડછાડ ન કરી શકો. ‘મહારાજ’ નાટકના ૪૦ શો થયા અને અમે ભારે નુકસાની સાથે નાટક બંધ કર્યું.
સામાન્ય રીતે નાટક બંધ કર્યા પછી અમે તરત જ નવા નાટક પર લાગતા હોઈએ છીએ, પણ ‘મહારાજ’ બંધ કર્યા પછી અમે નક્કી કર્યું કે હમણાં આપણે કોઈ નાટક કરવું નથી. કારણ કે નાટકલાઇનમાં માનવામાં આવે છે કે પારસી નવા વર્ષથી હિન્દુઓના નવા વર્ષ એટલે કે દિવાળી સુધીના પિરિયડમાં નાટકના શો ઓછા થઈ જાય એટલે આ પિરિયડમાં નવું નાટક ઓપન કરવાનું ટાળવું જોઈએ. તમે પોતે જોશો તો તમને સમજાશે કે પતેતી પછી તરત જ શ્રાવણ મહિનો, જન્માષ્ટમી, પર્યુષણ, એના પછી ગણેશોત્સવ, એના પછી શ્રાદ્ધ પક્ષ, નવરાત્રિ અને એ પછી દિવાળી. આમ હારબંધ તહેવારો હોય એટલે એ દિવસોમાં નાટકના શો ઓછા થવા માંડે. અમારે તહેવારના આ સામા પૂરે તરવું નહોતું એટલે અમે નક્કી કર્યું કે હવે દિવાળી પછી આપણે નવા નાટક પર લાગીશું, પણ મિત્રો, જીવ તો નાટકનો જને! એટલે નાટક માટે સબ્જેક્ટ શોધવાનું તો તરત ચાલુ થઈ ગયું હતું અને એમાં એક સરસ વિષય મળી ગયો.
એ વિષય કયો અને એના પરથી કયું નાટક બન્યું એની વાત કરીશું હવે આપણે આવતા સોમવારે.
જોક સમ્રાટ
એક મહિલાના અખંડ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા અને તેને પાંચ વરદાન
માગવાનું કહ્યું...
મહિલા : પહેલું, મારો પતિ મારા વગર ક્યાંય જાય નહીં.
ભગવાન : બીજું?
મહિલા : મારા પતિના જીવનમાં મારાથી વધુ મહત્ત્વનું કાંઈ ન હોય.
ભગવાન : ત્રીજું?
મહિલા : તેને ઊંઘ ત્યારે જ આવે, જ્યારે હું તેની બાજુમાં હોઉં.
ભગવાન : ચોથું?
મહિલા : જ્યારે સવારે તેની આંખ ખૂલે ત્યારે તે સૌથી પહેલાં મને જ જુએ.
ભગવાન : પાંચમું?
મહિલા : જો મને એક નાની એવી પણ ઈજા થઈ જાય તો મારો પતિ દુખી-દુખી થઈ જાય!!
ભગવાન : પૂરું??
મહિલા : બસ ભગવાન, એટલું જ.
ભગવાન : તથાસ્તુ!!
અને તરત એ મહિલા એક સ્માર્ટફોનમાં ફેરવાઈ ગઈ!!

