નાનજીએ રાડ પાડી અને હાથમાં સળગતું લાકડું લઈને સુંદરી કિચનમાંથી બહાર આવી
ઇલસ્ટ્રેશન
૨૭ નવેમ્બર, ૨૦૦૮.
મુંબઈમાં કરવામાં આવેલા સિરિયલ અટૅકના બીજા દિવસે મુસ્તાક શેખ પાકિસ્તાનથી RDX સાથે રવાના થયો. આતંકવાદી હાથમાં આવતા નહોતા અને દેશની સરકાર હતપ્રભ હતી. લશ્કર-એ-તૈયબાના મનમાં હતું કે એ આતંકવાદી હુમલાની તીવ્રતા વધારીને ભારતને સંપૂર્ણ પૅરૅલાઇઝ્ડ કરી દેવું, જેના ભાગરૂપે પ૦ કિલો RDX સાથે મુસ્તાક રવાના તો થયો પણ મુંબઈ પહોંચતા સુધીમાં મુસ્તાક શેખની બોટ કોસ્ટ ગાર્ડની નજરમાં આવી ગઈ અને મુસ્તાક પર હુમલો કરવામાં આવ્યો, જેમાં મુસ્તાક ઘવાયો પણ તે આક્રમક પ્રયાસ સાથે સલામત રીતે ખાડીના રસ્તે ગોરાઈ પહોંચી ગયો. ગોરાઈ આવ્યા પછી તેણે પહેલું કામ દરિયાકિનારે આવેલા કરસન ખલાસીના ઘરમાં ઘૂસવાનું કર્યું. તેણે RDX છુપાવવાની સાથોસાથ જીવ પણ બચાવવાનો હતો. કરસન ખલાસીના ઘરમાં RDXના લાકડાના બૉક્સ સાથે આવેલા મુસ્તાકના સદનસીબે એ સમયે ઘરમાં કરસનની બન્ને દીકરીઓ સુજાતા અને શિલ્પા બે જ ઘરમાં હતાં. નાની શિલ્પાને બાનમાં લઈને મુસ્તાક ઘરમાં ઘૂસી ગયો અને RDX તેણે ભંડકિયામાં સંતાડી દીધો. કોસ્ટ ગાર્ડ પૂછપરછ કરવા આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે નાની બહેનના જીવનું જોખમ જોઈને સુજાતાએ આખા ઘરની તલાશી લેવા દીધી પણ ભંડકિયામાં છુપાયેલા મુસ્તાક કે તેના બાનમાં રહેલી શિલ્પા વિશે કશું કહ્યું નહીં.
શિલ્પાને બાનમાં રાખીને મુસ્તાક આ ઘરમાં ચાર દિવસ રહ્યો અને એ દરમ્યાન સુજાતા પર સતત રેપ કર્યો. શિલ્પાની આંખ સામે હવસનું એ તાંડવ ચાલતું રહ્યું અને શિલ્પા સૂનમૂન બધું જોતી રહી. મુસ્તાકના મનમાં હતું કે કોસ્ટ ગાર્ડનું ચેકિંગ ઓસરી જશે પણ મુંબઈ અટૅક લાંબો ચાલ્યો એટલે ચેકિંગ લાંબું ચાલ્યું એટલે સાથે લાવેલો મોતનો સામાન સલામત રહે એવા હેતુથી મુસ્તાકે નક્કી કર્યું RDX ભંડકિયામાં મૂકીને નીકળી જવું અને જતાં પહેલાં બન્ને બહેનોને મારી નાખવી. સુજાતાને તેણે જીવતી સળગાવી, પણ આગના કારણે આજુબાજુનાં ઘરોનું ધ્યાન કરસનના ઘર તરફ જતાં મુસ્તાકે ત્યાંથી નીકળી જવું પડ્યું અને દેશમાં તે ગાયબ થઈ ગયો.
lll
‘તારાં બદનસીબ મુસ્તાક કે તેં ધાર્યું હતું એનાથી અવળું થયું...’ નાનજી મોટાએ ઘટનાનું અનુસંધાન જોડી વાત આગળ વધારી, ‘સુજાતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને માછીમારી કરવા ગયેલો કરસન ક્યારેય પાછો આવ્યો નહીં. મારાં માસી ગોરાઈમાં રહેતાં, ઉંમરગ્રસ્ત હાલતમાં તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યાં અને રજા મૂકીને હું માસીની તબિયત જોવા અહીં આવ્યો. અહીં મારો ભેટો નવ વર્ષની શિલ્પા સાથે થયો. સળગી ગયેલી બહેનની પાસે સૂનમૂન બેસી રહેતી છોકરીની મને દયા આવી ને મેં તેની સાથે વાત શરૂ કરી પણ તારા અત્યાચારના કારણે તે કંઈ કહેવાની, સમજાવવાની ક્ષમતામાં નહોતી. જે બોલતી એ બધું ભાંગ્યુંતૂટ્યું હતું પણ તેની એક વાત મારા મનમાં ચોંટી ગઈ...’
lll
‘પાઉડર?’ સુબેદાર નાનજીએ શિલ્પાને પૂછ્યું, ‘કેવો પાઉડર, શેનો પાઉડર...’
‘બહુ કીમતી પાઉડર... મારે સાચવવાનો છે. મારા ઘરે છે. હું સાચવીશ એટલે મારી બહેનને એ રાક્ષસ સાજી કરી દેશે... પાક્કું...’
‘તું મને એ પાઉડર દેખાડીશ બેટા...’
‘એ તો મારે વિચારવું પડશે... પાઉડર બહુ કીમતી છેને એટલે...’ શિલ્પાએ જવાબ આપ્યો, ‘તમે લઈ નહીં લ્યો તો દેખાડીશ...’
‘જરાય નહીં બેટા... હું એને હાથ પણ નહીં લાગડું. હું છેને તારી સાથે એને સાચવીશ. આપણે બેય સાચવશું.’
‘ઘરે જઈને હું તમને દેખાડીશ.’
lll
‘એ પાઉડર એટલે તેં આ ઘરના ભંડકિયામાં છુપાવેલો RDX...’ નાનજીએ મુસ્તાકની સામે જોયું, ‘પાઉડર જોતાં હું સમજી ગયો કે આખી વાત શું હોઈ શકે છે, પણ મારે કોઈને કહેવાનું નહોતું. જો પોલીસને જાણ કરી હોત તો મૂળ સુધી પહોંચી શકાવાનું નહોતું એટલે મેં મનોમન નક્કી કર્યું કે આ પાઉડર સાચવવો. એક દિવસ તું આ લેવા ચોક્કસ આવીશ, પણ તું લેવા આવ ત્યારે હું અહીં હોઉં એ જરૂરી હતું એટલે મેં નક્કી કર્યું કે હવે મારે આર્મીમાં ફરી નથી જવું. હું અહીં રહીશ. શિલ્પાની સાથે અને તારા આવવાની રાહ જોઈશ.’
‘પેલી છોકરીનું શું થયું?’
‘ગઈ, ગુજરી ગઈ એ તો...’
lll
સુજાતા ગુજરી ગઈ એટલે શિલ્પા ઘરમાં એકલી પડી ગઈ. સુબેદાર નાનજી પણ ગોરાઈમાં કોઈને ઓળખતો નહોતો એટલે તેણે માસીની તબિયતના નામે રજા લંબાવી દીધી અને તે પણ ગોરાઈમાં રહેવા માંડ્યો અને એક દિવસ ઉંમરગ્રસ્ત માસીએ પણ જીવ છોડ્યો તો બીજી તરફ શિલ્પાની પણ માનસિક હાલત કફોડી થવા માંડી. રાતે ઘરમાંથી ભાગીને બહાર આવી જાય અને રસ્તા પર સૂતેલા નાનજીની બાજુમાં આવીને સૂઈ જાય. આવું લાંબો સમય ચાલ્યું એટલે નાનજીએ નક્કી કર્યું કે આ રીતે બહાર રહીને શિલ્પાનું ધ્યાન રાખવું કે મુસ્તાક આવે એની રાહ જોવી અઘરી છે. નાનજીએ નક્કી કર્યું કે તે આ ઘરનો કબજો લઈને એમાં રહેવા જશે અને અંદર રહીને આ બન્ને કામ કરશે.
lll
‘તૂને ઉસ લડકી કો માર દિયાના?’
‘હા. શિલ્પાને મારી નાખી.’ નાનજીએ ચોખવટ કરી, ‘જો તેને જીવતી રાખવાની કોશિશ કરી હોત તો તેણે આત્મહત્યા કરી લીધી હોત. મારા માટે તેને મારીને એમાં રહેલી બીજી વ્યક્તિ બહાર કાઢવી જરૂરી હતી.’
નાનજીએ કિચન તરફ જોયું અને જોરથી રાડ પાડી.
‘સુંદરી.’
મુસ્તાક કંઈ સમજે કે કહે એ પહેલાં કિચનમાંથી મોબાઇલ પર વાત કરતી સુંદરી બહાર આવી.
‘હા બહેન, મળી ગ્યો... નાનજીએ પકડી લીધો. જોવો છે તારે, દેખાડું તને...’ સુંદરીએ ફોન પર કહ્યું, ‘ક્યાંથી દેખાડું, આ તો તને સાદો ફોન કર્યો છે. ઊભી રહે હમણાં વિડિયો કૉલ કરું.’
સુંદરીએ ફોન કટ કર્યો અને પછી વિડિયો કૉલ લગાડવાની શરૂઆત કરી કે નાનજી મોટાએ તેના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો.
‘તારી બહેન જીવતી નથી ને તારા મોબાઇલમાં સિમ-કાર્ડ નથી... હવે બહાર આવી જા બહેન હોવાના ભ્રમમાંથી સુંદરી...’ નાનજીએ મુસ્તાકની સામે જોયું, ‘તું આજે આવ, કાલે આવ, હવે આવીશ, પછી આવીશ... એવી આશામાં હું ને સુંદરી જીવતાં રહ્યાં પણ તારો કોઈ પત્તો નહોતો એટલે મારે નવી રમત રમવી પડી.’
lll
‘હરભમ, આપણે પેપરમાં જાહેરખબર દેવાની ચાલુ કરો. જાહેરખબરમાં ખાસ લખવાનું છે કે ભંડકિયું છે, એમાં પડેલો જૂનો માલ પણ આપી દેવાનો છે.’
‘એ વાંચીને આવશે?’
‘હા... પચાસ કિલો RDXની કિંમત તને ખબર નથી. બત્રીસ કરોડનો માલ થાય ને બીજી વાત...’ નાનજીએ કહ્યું, ‘મોદી સરકાર પછી હવે આવું કંઈ પણ દેશમાં ઘુસાડવાનું અઘરું થયું છે ત્યારે જે માલ ઑલરેડી દેશમાં આવી ગયો છે એનો ઉપયોગ કરવો એ લોકો માટે ઈઝી છે.’
lll
‘પેપરમાં ઍડ આપવાનું શરૂ કર્યું પણ એ શરૂ કરતાં પહેલાં બે વાત ક્લિયર હતી. એક, આ ઘર ખરીદવા માટે તું જ આવવો જોઈએ અને તને આ ઘર ખરીદવામાં રસ તો જ પડે જો તને ખબર હોય કે તારો RDX સલામત છે કે નહીં.’ નાનજીએ વાત આગળ વધારી, ‘પાંચ કરોડનું આ ઘર વીસ કરોડમાં ખરીદવા એ જ તૈયાર થાય જેને આ ઘર સાથે નહીં પણ આ ઘર પાસે રહેલી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. બીજા કોઈને તો ઘર વેચવાનું નહોતું પણ મૂળ સુધી પહોંચવું હતું એટલે પહેલેથી જ જાહેરખબરમાં પાંચગણી કિંમત વધારીને લખવામાં આવી. કેટલાક ફાલતુ લોકો પણ આવ્યા પણ અમારી એ માટે તૈયારી હતી.’
‘હું મુસ્તાક છું એની તમને કેવી રીતે ખાતરી થઈ?’
‘તેં જ્યારે ભંડકિયું જોયું અને ત્યાં સામાન આંખથી ચેક કર્યો ત્યારે ખાતરી ગઈ હતી કે તું મનોજ નહીં, મુસ્તાક છો... પણ પાપ કરતાં મને પુણ્યમાં વધારે રસ હતો અને એટલે નક્કી કર્યું કે આપણા હાથે ખોટાની હત્યા ન થવી જોઈએ... બને કે તું સાચો મુસ્તાક નહીં પણ એનો સાગરીત હો. જો એવું હોય તો પણ તું પાપી તો છો જ પણ મારી સુંદરીનો આરોપી નહીં.’ નાનજીએ સુંદરીની સામે જોયું, ‘મુસ્તાકની ખાતરી કરવા જ તારી સાથે સુંદરીને રૂમમાં મોકલી જ્યાં તેણે તારા સાથળ પર ગોળીનું નિશાન જોયું, જે તને એ રાતે કોસ્ટ ગાર્ડે મારી હતી. સુંદરીના જવાબ પછી પણ મારે એક વાર ખાતરી કરી લેવી હતી, જે મેં તારા સાથળ પર પગ મૂકીને કરી, ત્યાં તારો એ જે ઘા છે એ પૅન્ટમાં ખબર ન પડી હોત એટલે તો તને ધોતિયું પહેરાવ્યું.’
‘યે, યે કૌન હે?’
‘કેમ, ચહેરો જોઈને ઓળખાણ નથી પડતી?’ નાનજીના ચહેરા પર સ્માઇલ હતું, ‘બીક એ જ હતી કે તું આ માણસને ઓળખી જઈશ...’
મુસ્તાકે ધ્યાનથી હરભમની સામે જોયું પણ ઓળખવો અઘરો હતો.
હરભમ સહેજ આગળ આવ્યો અને મુસ્તાક પાસે આવીને તેણે ગાલ પર કચકચાવીને તમાચો જડી દીધો.
મુસ્તાકના ડાબા હોઠનો ખૂણો ફાટ્યો અને એમાંથી લોહી નીકળવા માંડ્યું.
‘કોસ્ટ ગાર્ડ કમાન્ડર અનિલ કાસુડકર.’ નાનજીએ ઓળખાણ આપતાં કહ્યું, ‘તારા સાથળમાં જેણે નિશાની છોડી એ આ માણસ... એ સમયે જે ફોટોગ્રાફ્સ લેવાયા હતા એ અનિલ કાસુડકર પાસે હતા. અનિલ કાસુડકરનો સગો ભાઈ તમારા એ ૨૬/૧૧ના હુમલામાં માર્યો ગયો. તું અનાયાસ જો મુસ્તાક. જે રાતે તારી પાછળ અનિલ પડ્યો હતો એ જ રાતે ટ્રાયડન્ટ હોટેલમાં તારા બીજા સાથીઓની પાછળ તેનો ભાઈ પડ્યો હતો. ત્યાં તેનો જીવ ગયો અને અહીં, તું જીવ બચાવીને છટકી ગયો. એ રાતથી અનિલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તને નહીં પકડે ત્યાં સુધી તે પોતાના ઘરે નહીં જાય.’
‘હવે કરવાનું છે શું?’ મુસ્તાકે બેફિકરાઈ સાથે કહ્યું, ‘બોલાવી લો પોલીસ, મૅટર પૂરી કરો.’
‘ક્યારેય નહીં.’ નકારમાં માથું ધુણાવતાં નાનજીએ કહ્યું, ‘આ નવું ભારત છે, જે પોતાનો દોષી પોતે જ પકડે છે અને સજા પણ એ જ આપે છે.’
‘એવું કરીને તમે ગુનો કરો છો.’
‘રાવણને મારવો જો ગુનો હોય તો પહેલી સજા શ્રીરામને થવી જોઈએ. પાપને મારવું જો ગુનો હોય તો શ્રીકૃષ્ણને મંદિરમાં નહીં, જેલમાં મોકલવા પડે.’
નાનજીએ હરભમની સામે જોયું.
‘કર તૈયારી, બધા સોશ્યલ મીડિયા પર લાઇવ થઈ જા...’
નાનજીએ સુંદરીને સૂચના આપી.
‘દહનનો સમય આવી ગયો છે બેટા, તૈયારી કર.’
મુસ્તાકને સમજાતું નહોતું પણ તેને અંદેશો આવી ગયો હતો કે જે થવાનું છે એ અજુગતું ચોક્કસ છે.
સુંદરી અંદર ગઈ અને એ જ સેકન્ડે બેઠકખંડના ઉપરના ભાગ પર જડવામાં આવેલી હેલોજન અને LED સ્ટાર્ટ થઈ. બેઠકખંડ આખો પ્રકાશથી ઝળહળી ઊઠ્યો અને જે ચૅર પર મુસ્તાકને બાંધવામાં આવ્યો હતો એ ચેરની ફરતે ચક્કર મારતાં-મારતાં નાનજીએ મુસ્તાક પર પેટ્રોલ રેડવાનું શરૂ કર્યું.
મુસ્તાકની આંખો ફાટી ગઈ હતી, તે ચીસો પાડવા માંડ્યો હતો. તેની એ ચીસો વચ્ચે ઘરની દીવાલોમાં અથડાતી હતી અને અથડાતી એ ચીસો સુજાતાની વેદના પર મલમ લગાવવાનું કામ કરતી હતી.
‘સુંદરી...’
નાનજીએ રાડ પાડી અને હાથમાં સળગતું લાકડું લઈને સુંદરી કિચનમાંથી બહાર આવી નાનજીની બાજુમાં ઊભી રહી ગઈ. નાનજીએ ત્રાડ પાડી.
‘બોલ, ભારત માતા કી...’
‘જય..’
હાજર રહેલાં સૌકોઈએ જયજયકાર કર્યો અને એમાં મુસ્તાકનો અવાજ સૌથી મોટો હતો. નાનજીના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું અને નાનજીએ હાથના ઇશારે સુંદરીને રજા આપી કે સુંદરીએ મુસ્તાકના પ્રાઇવેટ પાર્ટ પર સળગતો લાકડાનો ટુકડો મૂકી દીધો.
પેટ્રોલે પોતાની જવાબદારી બખૂબી નિભાવી લીધી.
સંપૂર્ણ

