આટલી સરસ અને અર્થસભર ફિલોસૉફી કોઈ તત્ત્વચિંતકની નથી, આ કહ્યું છે ઍક્ટર પંકજ ત્રિપાઠીએ
પ્રતીકાત્મક તસવીર
આટલી સરસ અને અર્થસભર ફિલોસૉફી કોઈ તત્ત્વચિંતકની નથી. આ કહ્યું છે ઍક્ટર પંકજ ત્રિપાઠીએ અને એ પણ તેના પોતાના કામને લઈને તેણે આ વાત કરી છે. એકધારું કામ કરતા રહેવાને લીધે પંકજ ત્રિપાઠી પોતાના જ કામથી ફેડ-અપ થયો અને હવે તેણે નક્કી કર્યું કે તે હવેથી માત્ર સિલેક્ટિવ કામ જ કરશે અને કામની માત્રામાં પણ લિટિમેશન આંકી લેશે. બહુ જરૂરી કહેવાય એવું આ સ્ટેપ છે.
એક ટીવી-ચૅનલમાં ઇન્ટરવ્યુ માટે અમે ભેગા થઈ ગયા ત્યારે તેણે એમ જ વાત કરતાં-કરતાં કહ્યું કે જો તમારો અતિરેક થઈ જાય તો એ અતિરેક પણ પ્રેમ અને લાગણી ઘટાડવાનું કામ કરે અને મારે એવું નથી થવા દેવું. વ્યક્તિ હોય કે સંબંધ, જવાબદારી હોય કે પછી મનોરંજન, અતિરેક હંમેશાં નુકસાનકારક બને છે. ઘૂઘવતા દરિયા જેવી લાગણીઓ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે પણ થોડા સમય માટે પૉઝ આવે એ જરૂરી બનતું હોય છે. અન્યથા લાઇફ મૉનોટોની સાથે આગળ વધતી થઈ જાય છે. જો પર્સનલ લાઇફમાં પણ આ વાત લાગુ પડતી હોય તો ઍક્ટર કે સર્જક માટે તો આ વાત ગોલ્ડન વર્ડ્સથી સહેજ પણ ઓછી ન કહેવાય.
ADVERTISEMENT
જ્યારે પણ અને જ્યાં પણ અતિરેક થયો છે ત્યારે અને ત્યાં જાકારો મળવાનો શરૂ થયો છે. જો જાકારો ન જોઈતો હોય, જો પ્રેમ અકબંધ રાખવો હોય અને જો લાગણીઓ, સંવેદનાઓની ઉષ્મા અકબંધ રાખવી હોય તો ચોક્કસ સમયે નિશ્ચિત અંતર ઊભા કરતા રહેવું જોઈએ. ફિલ્મસ્ટાર્સને પણ આ વાત લાગુ પડે છે અને અન્ય સર્જકને પણ આ જ વાત લાગુ પડે છે. બહુ જરૂરી છે આ. જ્યારે પણ, જ્યાં પણ ઈઝી અવેલેબિલિટી ઊભી થઈ છે ત્યારે અને ત્યાં બહુ સહજ રીતે લોકોએ પણ વ્યક્તિ કે સર્જનનો ઑપ્શન તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ તો કારણ છે કે પંકજ ત્રિપાઠીએ નક્કી કરી લીધું છે કે આપણે અમુક પ્રોજેક્ટ્સથી વધારે પ્રોજેક્ટ હાથ પર ન લેવા અને વર્ષમાં એક્સ કે વાય વખતથી વધારે સ્ક્રીન પર ન દેખાવું.
સારા કામની ભૂખ બધાને હોય અને બધા એવું ઇચ્છતા રહેતા હોય કે તે સારું કામ કરે. જોકે એનો અર્થ એવો પણ નથી કે તમે વર્ષના સાડાત્રણસો દિવસ સુધી કામ ખેંચ્યા કરો અને સારા કામની લાયમાં તમે તમારા જ કામને બગાડવાની નોબત પર આવી જાઓ. જો એવું બને તો એની અસર તમારા નામ અને કામ પર જ થવાની છે. આવી ઘોર જાતે જ જાતની શું કામ ખોદવાની? આવી કબર જાતે જ જાત માટે શું કામ ઊભી કરવાની? બહેતર છે કે એક પૉઝ લો. પૉઝ લઈને નવી એનર્જી સાથે નવેસરથી અમુકતમુક ચોક્કસ સમય પછી ફરીથી આગળ વધો. ધારો કે તમે એવા કોઈ કામમાં વ્યસ્ત હો કે તમે ત્યાંથી બ્રેક ન લઈ શકતા હો તો નવું કશું નહીં કરવાની માનસિકતા સાથે પૉઝ લેવાનો પ્રયાસ કરો. પૉઝ જીવનમાં બહુ જરૂરી છે. ખાસ તો એવા સમયે જ્યારે તમારે સતત સર્જનશીલ બની રહેવું હોય. બાકી મશીન બનીને કામ કરવા માગતી વ્યક્તિની વાત અહીં નથી થતી. એ તો પૉલ્ટ્રી ફાર્મનાં ઈંડાંની જેમ રોજ બેલ વાગતાં ઈંડું તાસકમાં મૂકી જ દે છે.

