બજારમાં ચંચળતા ટૂંકા ગાળા માટે જ છે પણ ભારતના વિકાસની સંભાવનાઓ ઊજળી છે
બજારમાં ચંચળતા ટૂંકા ગાળા માટે જ છે,
ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડી છે એ વાત સાચી, પણ એની પાછળ અનેક વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ભારતીય કેન્દ્રીય બૅન્કને હાલમાં ફુગાવા કરતાં વૃદ્ધિની વધુ ચિંતા છે. આથી જ એની મૉનિટરી પૉલિસી કમિટી, જે ધિરાણના નીતિવિષયક દર નિશ્ચિત કરે છે એણે વૃદ્ધિને વેગ આપે એવી નીતિ અપનાવી છે. એણે કૅશ રિઝર્વ રેશિયો યથાવત્ રાખ્યો છે, પણ રેપો-રેટમાં ૩૫ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. એના પરથી બજારને એવો પણ સંદેશ આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં વ્યાજદરમાં હજી ઘટાડો કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ અર્થતંત્રની ગતિમાં સુધારો થયો નથી. ઊલટાનું કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલાં કેટલાંક પગલાંને લીધે શૅરબજારમાં ઘટાડો થવા લાગ્યો હતો. બજેટમાંનાં પ્રતિકૂળ પગલાંમાં શૅરના બાયબૅક પરનો ટૅક્સ, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ અને ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ પરનો સરચાર્જ તથા લિસ્ટેડ કંપનીઓના લઘુતમ શૅરહોલ્ડિંગ માટેના નિયમમાં ફેરફાર કરીને વધારીને ૩૫ ટકા કરાયેલું શૅરહોલ્ડિંગ, એ બધાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ એટલે કે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડે જાહેર કર્યા મુજબ વર્ષ ૨૦૧૮-’૧૯માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર એના પાછલા વર્ષના ૭.૨ ટકાની સામે ઘટીને ૬.૮ ટકા રહ્યો હતો. દેશની કરન્ટ અકાઉન્ટની ખાધ અગાઉના વર્ષના ૪૯ અબજ ડૉલરથી વધીને ૬૮ અબજ ડૉલર થઈ ગઈ છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કરેલી તાજેતરની ટિપ્પણી મુજબ કેન્દ્રીય બૅન્ક વિકાસ પર ખાસ ધ્યાન આપી રહી છે. આથી જ આગામી દિવસોમાં વ્યાજના દરમાં હજી ઘટાડો થઈ શકે છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે આર્થિક પ્રવૃત્તિ મંદ પડી છે અથવા ઘટી છે.
એની સાથે જ વર્તમાન નાણાકીય વર્ષ માટેના વૃદ્ધિના અંદાજને ઘટાડવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્ક જ્યારે પણ નાણાનીતિની સમીક્ષા કરે છે ત્યારે એનો એક અભિગમ પણ જાહેર કરવામાં આવે છે. ક્યારેક એ તેજ પગલાં ભરવા તૈયાર હોય છે, ક્યારેક તેનો અભિગમ સાવચેતીભર્યો હોય છે અને ક્યારેક તટસ્થ હોય છે. આ બધાનો અર્થ શું થાય છે એના વિશે આજે વાત કરીએ.
સરકાર હંમેશાં વૃદ્ધિદર વધારવા માગતી હોય છે, પરંતુ કેન્દ્રીય બૅન્કનો ઉદ્દેશ વિકાસ કરવાની સાથે-સાથે ભાવને પણ સ્થિર રાખવાનો હોય છે.
અર્થતંત્રમાં ધિરાણને કાબૂમાં રાખવા માટે નાણાનીતિ હેઠળ બે ઉપાયો હોય છે. એક, સંખ્યાત્મક અને એક ગુણાત્મક. સંખ્યાત્મક ઉપાયમાં ઓપન માર્કેટ ઑપરેશન્સ, રેપો-રેટ અને રિવર્સ રેપો-રેટ, બૅન્ક-રેટ, કૅશ રિઝર્વ રેશિયો, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો વગેરેનો સમાવેશ થાય છે.
રિઝર્વ બૅન્ક જ્યારે તેજ પગલાં ભરવાનો અભિગમ અપનાવે છે ત્યારે ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં ઘટાડો કરીને માર્કેટમાંથી પ્રવાહિતા ઘટાડી દે છે. તટસ્થ અભિગમ વખતે એ વ્યાજના દર યથાવત્ રાખે છે. સાવચેતીભર્યો અભિગમ અપનાવે ત્યારે એ માનતી હોય છે કે માર્કેટમાં પ્રવાહિતા ઓછી છે. આથી એ ફુગાવાને ઘટાડવા માટે તથા લોકો વધુ ખરીદી કરવા સક્ષમ થાય એ માટે વ્યાજના દરમાં ઘટાડો કરે છે. એને પગલે અર્થતંત્રમાં નાણાંની ઉપલબ્ધતા એટલે કે પ્રવાહિતા વધી જાય છે.
આજની તારીખે વિશ્વભરની કેન્દ્રીય બૅન્કો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી છે. એની પાછળનું કારણ એ છે કે ક્રૂડ ઑઇલના ભાવમાં ચંચળતા છે. મોટા ભાગનાં ઊભરતાં અર્થતંત્રોનાં ચલણ અમેરિકન ડૉલરની સામે ઘટ્યાં છે. નાણાકીય બજારોમાં આંતરરાષ્ટ્રીય વેપારી ઝઘડાને લીધે ઘણી બધી ચંચળતા છે.
આ પણ વાંચો : અર્થતંત્ર અને બજારનો સરકારને એક જ સંદેશ, વાંચો
આ બધા સંજોગો વચ્ચે પણ ભારત વિશ્વનાં સૌથી વધુ ઝડપે વધી રહેલાં અર્થતંત્રોમાં સ્થાન પામે છે. આથી કહી શકાય કે અત્યારે થોડા સમય માટે જ ચંચળતા રહેશે, લાંબા ગાળે ભારતના વિકાસની સંભાવનાઓ ઉજ્જવળ છે.


