સેન્સેક્સ ૩૦૫ પૉઇન્ટ વધ્યો : નિફ્ટી ૫૭૦૦ને પાર

Published: 28th November, 2012 05:56 IST

ગ્રીસના રાહત પૅકેજને કારણે માર્કેટમાં તેજી, મૂડીઝના રેટિંગે પણ બજારનો મૂડ બદલ્યોશૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

ગ્રીસને રાહત પૅકેજ મળવા ઉપરાંત મૂડીઝે ભારતનું રેટિંગ સ્ટેબલ રાખતાં ઘણા સમય બાદ ગઈ કાલે ભારતીય બજારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટમાં સુધારાને કારણે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ અડધો ટકો અપ હતાં. રેટ સેન્સિટિવ શૅર્સમાં ખરીદીને કારણે સવારે નિફ્ટી ૫૭૦૦ને પાર પહોંચી ગયો હતો. એમાં બપોરે યુરોપની માર્કેટ વધીને ખૂલતાં અહીંનાં બજારમાં સુધારો આગળ વધ્યો હતો. રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી શૅર્સમાં ખરીદીને કારણે માર્કેટમાં સતત મજબૂતાઈ જોવા મળી હતી.

સેશનના અંતે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ અગાઉના ૧૮,૫૩૭.૦૧ના બંધ સામે ૩૦૫ પૉઇન્ટ (૧.૬૫ ટકા) વધીને ૧૮,૮૪૨.૦૮ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૯૧.૫૫ પૉઇન્ટ (૧.૬૨ ટકા) સુધરીને ૫૭૨૭.૪૫ બંધ રહ્યો હતો. બીએસઈનું માર્કેટ કૅપ ૬૫.૧૭ લાખ કરોડથી વધીને ૬૫.૯૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. આમ માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૭૭ હજાર કરોડ રૂપિયાનો ઉમેરો થયો હતો.

મૂડીઝે ભારતનું રેટિંગ યથાવત્ રાખ્યું

રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના રેટિંગ આઉટલૂકને સ્ટેબલ પર યથાવત્ રાખ્યું છે. મૂડીઝે ભારતના બીએએ૩ રેટિંગને જાળવી રાખ્યું છે. મૂડીઝના મતે ભારતમાં બચત અને રોકાણ અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ સરેરાશથી વધુ છે. જોકે રાજકીય અનિશ્ચિતતાને કારણે શૉર્ટ ટર્મમાં ભારતનો વિકાસ ધીમો રહી શકે છે. મૂડીઝના મતે વધતી જતી નાણાકીય ખાધ ભારતના રેટિંગ પર દબાણ લાવી શકે છે. મૂડીઝના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૩માં ભારતનો જીડીપી ગ્રોથ ૫.૪ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૧૪માં ૬ ટકા અથવા એનાથી વધારે રહે એવી શક્યતા છે.

તમામ ઇન્ડેક્સ વધ્યા

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં તમામ ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાં વધારો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડાઇસિસમાં રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી અધિક વધ્યાં હતાં. આ બન્ને ઇન્ડેક્સ ૩.૨૦-૩.૧૮ ટકા સુધર્યા હતા. ત્યાર બાદ એફએમસીજી ઇન્ડેક્સ ૨.૧૨ ટકા અપ હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સની દસેદસ કંપનીઓ વધી હતી. આ ઇન્ડેક્સની બજાજ ઇલેક્ટ્રિક્લ ૦.૯૭ ટકા, બ્લુસ્ટાર ૨.૭૩ ટકા, વ્હર્લપુલ ૧.૬૭ ટકા, વિડિયોકૉન ૧૯.૯૯ ટકા, ટાઇટન ૧.૫૧ ટકા સૌથી અધિક વધી હતી.

રિયલ્ટી ઇન્ડેક્સના યુનિટેક ૧૧.૧૩ ટકા, એચડીઆઇએલ ૩ ટકા, ડીએલએફ ૨.૪૦ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ ૨.૦૭ ટકા, શોભા ડેવલપર્સ ૧.૭૯ ટકા ઊછળ્યાં હતા. બૅન્ક ઇન્ડેક્સ ૨૪૨ પૉઇન્ટ (૧.૮૪ ટકા) અપ હતો. રેટ સંવેદનશીલ શૅર્સમાં રિયલ્ટી અને બૅન્ક બાદ ઑટો શૅર્સમાં ગઈ કાલે નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બજાજ ઑટો ૨.૦૨ ટકા, તાતા મોટર્સ ૧.૨૪ ટકા, અશોક લેલૅન્ડ ૧.૮૩ ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૦.૭૨ ટકા વધ્યા હતા.

એફએમસીજી ઇન્ડેક્સના યુનાઇટેડ સ્પિરિટ્સ ૬.૯૪ ટકા, કોલગેટ પામોલિવ ૪.૫૩ ટકા, ગોદરેજ કન્ઝ્યુમર ૩.૦૮ ટકા, આઇટીસી ૨.૪૬ ટકા વધ્યા હતા. સેન્સેક્સના ૩૦૫ પૉઇન્ટના વધારામાં આઇટીસીનો ફાળો ૪૫ પૉઇન્ટ્સનો હતો. એચડીએફસી અને એચડીએફસી બૅન્કે સેન્સેક્સના ઉછાળામાં ૩૯-૩૯ પૉઇન્ટનો ફાળો આપ્યો હતો.

સોમવારના ઉછાળા બાદ ગઈ કાલે પણ મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે ૧.૧૮ ટકા અને ૦.૯૩ ટકા વધ્યા હતા. મિડ કૅપની ૨૪૬ સ્ક્રિપમાંથી ૧૭૩ વધી હતી. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના કુલ ૫૨૭ સ્ટૉકમાંથી ૩૪૫ અપ હતા અને ૧૪૬૮ ડાઉન રહ્યા હતા.

વૈશ્વિક બજારો સુધર્યાં

ગ્રીસને રાહત પૅકેજનો બીજો હપ્તો મળવાની ખબરને કારણે આંતરરાષ્ટ્રીય બજારો પર પૉઝિટિવ અસર થઈ હતી. ગ્રીસને રાહત પૅકેજ આપવાની સંમતિને કારણે યુરો ઝોનની સમસ્યા ઓછી થાય એવી શક્યતા છે. ગઈ કાલે સતત સાતમા દિવસે એશિયન માર્કેટનો સુધારો આગળ વધ્યો હતો. નિક્કી ૦.૩૬ ટકા, કોસ્પી ૦.૮૭ ટકા, તાઇવાન ૦.૩૧ ટકા વધ્યા હતા, જ્યારે ચીનની અર્થવ્યવસ્થા વિશે ચિંતાઓને કારણે શાંઘાઈ કમ્પોઝિટ ૧.૩૨ ટકા ડાઉન હતો. યુરોપનાં બજારોમાં પણ ખૂલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. ગઈ કાલે સાંજ સુધી એફટીએસઈ, સીએસી અને ડેક્સ ૦.૩૦-૦.૫૦ ટકા વધ્યા હતા.

સેન્સેક્સની માત્ર બે કંપની ઘટી

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓના શૅર્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતી ઍરટેલ સૌથી અધિક ૫.૨૨ ટકા વધ્યો હતો. ત્યાર બાદ સ્ટરલાઇટ ૩.૫૬ ટકા અપ હતો. એનટીપીસી ૦.૩૮ ટકા અને ઓએનજીસી ૦.૦૮ ટકા નજીવા ઘટuા હતા. બીએસઈની કુલ ૩૦૧૭ સ્ક્રિપ્સમાંથી ૧૭૪૫ સ્ક્રિપ્સ અપ હતી, જ્યારે ૧૧૪૬ સ્ક્રિપ્સ ડાઉન રહી હતી.

૧૪૩ શૅર્સ વર્ષના શિખરે

ગઈ કાલે બીએસઈની ૧૪૩ સ્ક્રિપ્સ એના એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં રેમન્ડ, પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ, ટાઇટન, એચડીએફસી બૅન્ક, આદિત્ય બિરલા ન્યુવો, વેસ્ટ કોસ્ટ પેપર, કોલગેટ પામોલિવ, આઇશર મોટર્સ, હોકિંગ કુકર્સ, અપોલો હૉસ્પિટલ્સ, જયશ્રી ટી, વાડીલાલ એન્ટરપ્રાઇઝ, મિર્ઝા ઇન્ટરનૅશનલ, અતુલ ઑટો, યસ બૅન્ક, પિરામલ લાઇફ, એનએચપીસી, એસકેએસ માઇક્રો, ઝુઆરી ઍગ્રો વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ૭૯ કંપનીઓ ઘટીને બાવન સપ્તાહના નીચા સ્તરે પહોંચી હતી. આ કંપનીઓમાં રુચિ સોયા, નિપ્પો બૅટરીઝ, સ્પાન્કો, સોમા પેપર્સ, કેમરોક, અનુસ લૅબ, ગ્લોડિયન ટેક, કાવેરી ટેલિકૉમ, મેટ્રો ગ્લોબલ વગેરેનો સમાવેશ છે.

પૅન્ટૅલૂન રીટેલ

રીટેલમાં એફડીઆઇ વિશે યુપીએને ડીએમકે ટેકો આપે એવા સમાચારને પગલે પૅન્ટૅલૂન રીટેલમાં ૩.૬૨ ટકા (૭ રૂપિયા)નો જમ્પ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ સેક્ટરની અન્ય કંપનીઓ જેમ કે અરુણ જ્યોતિ એન્ટરપ્રાઇઝ ૯.૨૩ ટકા, સ્ટોર વન ૫.૭૦ ટકા, વીટૂ રીટેલ ૯.૯૫ ટકા ઊછળ્યાં હતા.

આજે બજાર બંધ

આજે ગુરુનાનક જયંતી નિમિત્તે બજારમાં ટ્રેડિંગ થશે નહીં. આવતી કાલે એફ ઍન્ડ ઓ એક્સપાયરીને પગલે માર્કેટમાં વૉલેટિલિટી જોવા મળે એવી શક્યતા છે. તેમ જ શુક્રવારે જાહેર થનારા જીડીપી ડેટા પર પણ બજારની નજર રહેશે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગઈ કાલે ૧૦૮૨.૭૪ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. છેલ્લા એક સપ્તાહમાં એફઆઇઆઇએ ભારતીય બજારમાંથી આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનું નેટ બાઇંગ કર્યું છે. મંગળવારે બીએસઈ અને એનએસઈમાં મળીને એફઆઇઆઇની ૩૮૮૮.૦૭ કરોડ રૂપિયાની લેવાલી તથા ૨૮૦૫.૨૯ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. જ્યારે સ્થાનિક નાણાસંસ્થાઓની ૧૩૩૩.૦૨ કરોડ રૂપિયાની લેવાલી અને ૧૫૪૧.૫૩ કરોડ રૂપિયાની વેચવાલી રહી હતી. આમ સ્થાનિક નાણાસંસ્થાઓની ૨૦૮.૫૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK