ઇન્વેસ્ટમેન્ટ માટે માર્કેટ અત્યંત પ્રોત્સાહક જણાય છે

Published: 21st August, 2012 05:33 IST

    અગાઉ જણાવ્યું હતું એમ નિફ્ટીએ એની આગેકૂચ ચાલુ રાખી હતી અને કોઈ પણ ખરાબ સમાચારોને પગલે એ અટક્યો નહોતો તથા પાછલી ૧૦ સેશન્સમાં બધા જ અવરોધો પાર કરી દીધા છે.

દેવેન ચોકસીની કલમે

નિફ્ટી ૫૩૫૦ પૉઇન્ટ્સની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા અને વ્યાજદરમાં કોઈ જ ઘટાડો નહીં. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં નિરાશાજનક પરિણામો વગેરે જેવા નેગેટિવ સમાચારો રોકાણકારોએ પચાવી લીધા હતા.

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની વાત કરીએ તો જપાનના અર્થતંત્રનો ગ્રોથરેટ અંદાજ કરતાં ઓછો રહ્યો. ગ્રીક ઇકૉનૉમીની કામગીરી પણ અપેક્ષા કરતાં ઓછી રહી. ગ્લોબલ માર્કેટ્સમાં મિશ્ર વલણ રહ્યું હતું. જુલાઈમાં બિલ્ડિંગ પરમિટ્સમાં ઉછાળો જોવા મળ્યો હતો અને ચાર વર્ષના ઊંચા સ્તરે પહોંચી હતી એને કારણે અમેરિકન બજારમાં શૅર્સ વધ્યા હતા. સિસ્કો સિસ્ટ્મસની અર્નિંગ્સ અંદાજો કરતાં સારી રહી છે. યુરોપિયન બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વ ઇકૉનૉમીના રિવાઇવલ માટે સ્ટીમ્યુલસ જાહેર કરશે એવી આશા વધી છે. ચીનના અર્થતંત્રમાં પણ પૉઝિટિવ સાઇન્સ ઊભરી રહી છે. એશિયન બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

સ્થાનિક પરિબળોની વાત કરીએ તો અર્થતંત્રી વૃદ્ધિ માટે નાણાપ્રધાને પગલાં લીધાંં છે તેમ જ રોડ, પાવર અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસના અમલીકરણ માટે જે તૈયારી દર્શાવી છે એને કારણે મૂડીબજારના આત્મવિશ્વાસમાં વધારો થશે. સેબીએ પણ પ્રાઇમરી માર્કેટ તેમ જ મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટર માટે મોટા પાયે રિફૉર્મ્સનો

પ્લાન કર્યો છે. ફુગાવાના આંકડા આ વખતે ચિયરફુલ છે એટલે મૉનિટરી પૉલિસીના આગામી રિવ્યુમાં રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો કરીને બજારને રિવાઇવલ કરે એવી અપેક્ષા છે. શૅરની યોગ્ય પસંદગી કરીને પોર્ટફોલિયો બનાવવાનો આ રાઇટ ટાઇમ છે. આ પોર્ટફોલિયોમાં બજારના દેખાવ કરતાં તેમ જ અમારી અપેક્ષા કરતાં વધુ સારું વળતર મળી શકે છે. પૉલિસી રિફૉમ્સ બાબતે પગલાં તેમ જ અર્થતંત્રના રિવાઇવલ માટે સરકારના આક્રમક વલણને કારણે ઇન્વેસ્ટમેન્ટ માટે બજાર અત્યંત રસપ્રદ અને પ્રોત્સાહક જણાય છે.

ઓએનજીસી

સબસિડીના બોજને કારણે ઓએનજીસીનું ક્રૂડનું નેટ રિયલાઇઝેશન સૌથી ઓછું રહ્યું છે. જૂનમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં રિયલાઇઝેશન બેરલદીઠ ૪૬.૬૦ ડૉલર (આશરે ૨૫૯૭ રૂપિયા) રહ્યું છે. સાઉથ સુદાન બ્લૉકના ઉત્પાદન બાબતે અચોક્કસતા આગામી બેથી ત્રણ ક્વૉર્ટર સુધી ચાલુ રહેશે. ઇમ્પિરિયલ એનર્જીમાં સાઇબિરિયન ક્રૂડ પ્રોડક્શનમાં કોઈ પૉઝિટિવ ટૅક્સ બેનિફિટ નહીં મળે. જોકે લાંબા ગાળા માટે કંપની કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ૧૫ ડીપ વૉટર એક્સપ્લોરેશન્સના ડ્રિલિંગનો પ્લાન ધરાવે છે.

ચાલુ વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં ૧૫ વેલ્સનું ડ્રિલિંગ પૂરું થઈ ગયું છે. ૨૦૧૨-’૧૩માં કંપની ૩૩,૦૬૫ કરોડ રૂપિયા ખર્ચ કરવા માગે છે. મારી અપેક્ષા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં નેટ ક્રૂડ રિયલાઇઝેશન બેરલદીઠ ૫૬ ડૉલર (આશરે ૩૧૨૦ રૂપિયા) જેટલું રહેશે. જો ક્રૂડના વેચાણ આધારિત નવી ફૉમ્યુર્લાનો અમલ થશે તો નેટ ક્રૂડ રિયલાઇઝેશનમાં ૭ ટકાની વૃદ્ધિ થશે. ડી-૧ ફીલ્ડમાં ઑઇલ મળ્યું છે એ શૅર માટે પૉઝિટિવ ટ્રિગર છે. મારી અપેક્ષા છે કે ચોમાસુ સત્ર બાદ સરકાર સબસિડાઇઝ્ડ ફ્યુઅલ્સના ભાવ વધારશે જેને કારણે સબસિડીનો બોજ ઓછો થશે. હું આ શૅર ખરીદવા માટેની ભલામણ કરું છું. આગામી ૧૨ મહિનામાં ભાવ વધીને ૩૪૮ રૂપિયાના લેવલે પહોંચે એવી ગણતરી છે. પ્રાઇસમાં ૨૪ ટકાની વૃદ્ધિ થશે.

આગામી ચાલ

નિફ્ટી નેરો રેન્જમાં જ રહેશે. તાત્કાલિક સપોર્ટ ૫૩૨૦ પૉઇન્ટ્સના લેવલે અને ત્યાર પછી જો ઘટી તો ૫૨૭૪-૫૨૨૪ પૉઇન્ટ્સના સ્તરે સપોર્ટ મળશે. પરંતુ જો એ ૫૪૧૦ પૉઇન્ટ્સને ક્રૉસ કરીને એની ઉપર બંધ આવે તો તાત્કાલિક ૫૪૫૦-૫૫૧૦ના લેવલે પહોંચવાની અપેક્ષા છે. મને હજી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર સારો લાગે છે, કારણ કે મારું માનવું  છે કે હવે ડાઉન સાઇડ રિસ્ક ઓછામાં ઓછું છે. ગૅસનું ઉત્પાદન ઘટી રહ્યું છે એની ખબર વર્તમાન ભાવમાં જોવા મળી રહી છે. ઈઆઇડી પેરી અને બલરામપુર ચીનીનો ભાવ વધવાની ગણતરી છે. બજાર ઑટો, બજાજ ફિન સર્વ અને અદાણી પોર્ટ પણ લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે સારા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK