Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલર ઊંચેથી પટકાતાં સોનામાં ઉછાળો

ડૉલર ઊંચેથી પટકાતાં સોનામાં ઉછાળો

08 October, 2014 05:10 AM IST |

ડૉલર ઊંચેથી પટકાતાં સોનામાં ઉછાળો

ડૉલર ઊંચેથી પટકાતાં સોનામાં ઉછાળો


બુલિયન બુલેટિન-મયૂર મહેતા

અમેરિકી ડૉલરમાં ચાર વર્ષની ઊંચી સપાટીએ પટકાતાં સોનામાં નીચા મથાળેથી સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સાક્સે એના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ હજી લાંબા સમય સુધી લો ઇન્ટરેસ્ટ રેટની પૉલિસી ચાલુ રાખશે. ઇઝી મની પૉલિસી અંતર્ગત બૉન્ડ બાઇંગ ફેડરલ રિઝર્વ ચાલુ મહિનાથી બંધ કરશે, પણ લો ગ્રોથ રેટ અને ઇન્ફ્લેશનના ભયને કારણે ફેડરલ રિઝર્વ ઝડપથી ઇન્ટરેસ્ટ વધારી નહીં શકે એવા ગોલ્ડમૅન સાક્સના રિપોર્ટ બાદ અમેરિકી ડૉલર ઘટયો હતો.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સોમવારે એક તબક્કે ઘટીને ૧૧૮૩.૪૬ ડૉલર થયો હતો. ઓવરનાઇટ ડૉલરની મજબૂતી તૂટતાં સોનાના ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો નોંધાયો હતો અને ભાવ વધીને ૧૨૦૩.૩૦ ડૉલર થયો હતો. ઓવરનાઇટ ડૉલર વધુ નબળો પડતાં સોમવારે સવારે સોનાનો ભાવ ૧૨૦૭.૫૦ ડૉલર ખૂલ્યો હતો, જે પ્રૉફિટ બુકિંગને પગલે છેલ્લે ૧૨૦૬ ડૉલર રહ્યો હતો. અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૧૭.૩૬ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૨૬ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૨૬૪ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૭ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૭૦ ડૉલર ખૂલીને ૭૭૪ ડૉલર રહ્યા હતા.

 એકદિવસીય ઉછાળો

અમેરિકી ડૉલરમાં પ્રૉફિટ બુકિંગને પગલે ફ્યુચર માર્કેટમાં ગોલ્ડના ભાવમાં ૧.૨ ટકાનો વધારો થઈ કૉમેક્સ ગોલ્ડ વાયદો ૧૨૦૭.૩૦ ડૉલર થયો હતો, જે છેલ્લા બે મહિનાનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો હતો. અમેરિકી ડૉલર ૦.૯ ટકા ઊંચા મથાળેથી ગગડ્યો હતો. સોનાના ભાવ વધતાં ચાંદીના ભાવમાં છેલ્લા ૧૫ મહિનાનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ છેલ્લા ૧૨ મહિનામાં ૭.૮ ટકા ઘટયો હતો. ૨૦૦૮થી ૨૦૧૧ સુધીમાં સોનાના ભાવમાં ૭૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ચીનની ડિમાન્ડની આશા

ચીનની માર્કેટો બુધવારે એક સપ્તાહના મિની વેકશન બાદ ખૂલી રહી છે. ચીનમાં વેકેશન આરંભથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં અંદાજે ૨૦થી ૨૨ ડૉલરનો ઘટાડો થતાં નીચા મથાળે ચીનની ફિઝિકલ ડિમાન્ડ નીકળવાની આશા છે. સિંગાપોરની માર્કેટ પણ બંધ હતી. ચીનમાં ગ્લોબલ ગોલ્ડ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ શરૂ થયા બાદ હજી સુધી ડિમાન્ડનો નોંધપાત્ર ફ્લો જોવા મળ્યો નહોતો. એક સપ્તાહની રજા બાદ ગ્લોબલ પ્લૅટફૉર્મ પર પણ ગોલ્ડની ડિમાન્ડ વધવાની ધારણા છે.

ભારતની રૂરલ ડિમાન્ડ

ભારતની સોનાની કુલ વાર્ષિક ૯૫૦થી ૯૭૫ ટનની ડિમાન્ડમાં રૂરલ ઇન્ડિયાનો ૬૦ ટકા હિસ્સો છે. ભારતમાં ખરીફ સીઝનના નવા ઉત્પાદનની બજારમાં આવકો શરૂ થઈ હોવાથી ખેડૂતોના હાથમાં નાણાં આવવા લાગ્યાં છે ત્યારે આવનારા દિવસોમાં સોનામાં નીચા ભાવે રૂરલ ઇન્ડિયાની મોટી ડિમાન્ડ નીકળવાની આશા છે. સમગ્ર વિશ્વમાં ભારત સોનાનું બીજા ક્રમનું કન્ઝ્યુમર હોવાથી આવનારા દિવસોમાં ભારતની સોનાની ડિમાન્ડ વધશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે એની અસર થશે અને સોનામાં ઘટાડાને બ્રેક લાગશે.

ભારત જ્વેલરીની નિકાસ પાંચ ગણી વધારે : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

વિશ્વનું બીજા ક્રમનું ગોલ્ડ કન્ઝ્યુમર અને ગોલ્ડ અનામત ધરાવવામાં ૧થી ૧૦માં સ્થાન ધરાવનાર ભારતે ૨૦૨૦માં જ્વેલરી નિકાસમાં પાંચ ગણો વધારો કરવો જોઈએ એવું સૂચન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કર્યું હતું. બુલિયન અને જ્વેલરી અસોસિએશન દ્વારા યોજાયેલી સમિટમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઇન્ડિયા ખાતેના મૅનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમે જણાવ્યું હતું કે ભારતીય ઘરો અને મંદિરમાં ૨૨ હજારથી ૨૫ હજાર ટન સોનું પડ્યું હોવાનું અનુમાન છે. ભારત સરકારે સોનાના જથ્થાનું મૉનિટરિંગ કરીને આયાત પરની ડિપેન્ડન્સી ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્યારે ભારતીય ગોલ્ડ જ્વેલરીની નિકાસ વર્ષે ૮ અબજ ડૉલરની થાય છે, જે ૨૦૨૦ સુધીમાં પાંચ ગણી વધારીને ૪૦ અબજ ડૉલરે પહોંચાડવી જોઈએ. ભારતના સરકારી રિઝવર્‍માં ૫૫૭.૭ ટન ગોલ્ડ પડ્યું છે જે કુલ રિઝવર્‍નું ૭.૧ ટકા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવનાર શક્તિશાળી દેશોમાં ભારતનો સમાવેશ થયો છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૭૪૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૭૪૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૩૮૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2014 05:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK